ઇમરાન ખાન: ક્રિકેટના દિગ્ગજ ખેલાડીથી રાજનેતા સુધીની કહાણી

    • લેેખક, આરિફ શમીમ
    • પદ, બીબીસી ઉર્દૂ
  • પાકિસ્તાન ચૂંટણી બાદ આવી રહેલાં પરિણામથી હજુ સુધી કોઈ ચિત્ર સ્પષ્ટ થયું નથી.
  • પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ચૅરમૅન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ સરકાર બનાવવા માટે કોઈ પણ પાર્ટી સાથે વાત કરવાનો ઇનકાર કર્યો છે.
  • પાકિસ્તાન મુસ્લિમ લીગ-એનનાં પ્રવક્તાં મરિયમ ઔરંગઝેબનું કહેવું છે કે સરકારની રચના માટે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સાથે પ્રારંભિક વાત થઈ છે અને કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.
  • મરિયમ ઔરંગઝેબનું કહેવું છે કે નવાઝ શરીફે બધાં રાજકીય દળોને વાતચીત અને સરકારની રચના માટે આમંત્રિત કર્યાં છે.
  • પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં ઈમરાન ખાનના પક્ષ પીટીઆઈ સમર્થિત ઉમેદવારો સતત આગળ ચાલી રહ્યા છે. પીટીઆઈના નેતા બેરિસ્ટર ગૌહરઅલી ખાને દાવો કર્યો છે કે તેમની પાસે નેશનલ ઍસેમ્બલીમાં સરકાર બનાવવા લાયક સંખ્યા છે.
  • ઇસ્લામાબાદમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે એવો દાવો કર્યો છે કે તેમના પક્ષે નેશનલ ઍસેમ્બલીની 170 બેઠકો પર વિજય મેળવ્યો છે.
  • નોંધનીય છે કે પાકિસ્તાનના ચૂંટણી પંચે અત્યાર સુધીમાં 250 બેઠકોના પરિણામો જાહેર કર્યા છે.
  • પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન હાલ જેલમાં છે. વાંચો ઇમરાન ખાનની કહાણી...

જો કોઈને એવી શંકા હોય કે ઇમરાન ખાન 'ક્રાઉડ પુલર' કે ટોળાંને પોતાની તરફ આકર્ષી શકતા નથી, તો દેખીતું છે કે તેઓ પાકિસ્તાની રાજકારણના જાણકાર નથી.

ઇમરાન ખાનની ખૂબ મોટી ફૅન ક્લબ છે, જે 1992માં ક્રિકેટનો વિશ્વકપ જીતી લાવવાથી માંડીને 2011માં ગજવામાંથી એક પત્ર કાઢીને ફરકાવવા સુધી એમના જાદુથી ઘણા સંમોહિત છે, એમના એક અવાજે ઊભા થઈ જાય છે અને સમજે છે કે કૅપ્ટન જે કંઈ પણ કહે છે એ જ સાચું છે.

ઇમરાન ખાને જ ક્રિકેટની ભાષામાં કહ્યું હતું કે, હું છેલ્લા બૉલ સુધી રમીશે. છેવટે મોડી રાત્રે તેઓ આઉટ થઈ ગયા.

ઇમરાન ખાનની કહાણી પણ પેવેલિયનથી લઈને પીચ સુધીની વાર્તા જેવી છે અને એ બેની વચમાં એમણે પોતાના રાજકીય વિરોધીઓને એવો પરસેવો પડાવી દીધો છે કે એમની સાથે રમાયેલી ઇનિંગને તેઓ કદાચ ક્યારેય નહીં ભૂલે.

ક્રિકેટનું ગ્રાઉન્ડ અને રાજકારણનું મેદાન

ઇમરાન ખાનનું મુખ્ય ધારાના રાજકારણમાં આવવું એ કંઈ અચાનક બનેલી ઘટના નહોતી અને એમણે જણાવ્યા અનુસાર, એના માટે એમણે ઘણાં વરસો સુધી રાહ જોઈ અને મહેનત કરી.

ઇ.સ. 1987માં વર્લ્ડ કપ પછી ઇમરાન ખાને ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો, ત્યારે પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ જનરલ ઝિયા-ઉલ-હક્કે એમને ફરીથી ક્રિકેટ રમવાનું કહ્યું અને થોડા મહિના પછી ઇમરાને પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો.

આ રીતે જનરલ ઝિયાએ પછીથી એમને રાજકારણમાં આવવા પણ કહ્યું, પરંતુ ઇમરાને ચોખ્ખા શબ્દોમાં ઇનકાર કરી દીધો. નવાઝ શરીફે પણ કંઈક આવી જ ઑફર કરેલી, પરંતુ કૅપ્ટન રાજકારણમાં નહીં જવાના પોતાના નિર્ણય પર અડગ રહ્યા. પરંતુ, ઇમરાન ખાન આખરે રાજકારણમાં આવી જ ગયા.

ઇમરાન ખાન, મિલિટરી ઇન્ટેલિજન્સ ISIના પૂર્વ પ્રમુખ જનરલ હમીદ ગુલને એમની જેહાદી વિચારધારાને કારણે પસંદ કરતા હતા અને જ્યારે એમને તક મળી ત્યારે તેઓ હમીદ ગુલ અને મોહમ્મદ અલી દુર્રાનીના સાર્વજનિક રીતે સામાજિક વિચારધારાના આધારે બનાવાયેલા સંગઠન 'પાસબાન'માં જોડાઈ ગયા.

હમીદ ગુલ અને મોહમ્મદ અલી દુર્રાની એને એક પ્રેશર ગ્રૂપ કે 'થર્ડ ફૉર્સ' કહેતા હતા. એમના અનુસાર એવા ગ્રૂપની પાકિસ્તાનને સખત જરૂર હતી. કેમ કે રાજનેતાઓ પોતાના ફાયદા માટે દેશને લૂંટતા હતા અને જનતા એમની આંતરિક લડાઈમાં પિસાઈ ગઈ હતી.

પાસબાનના સંસ્થાપક એને રાજકારણને બદલે સામાજિક પરિવર્તનની દિશાનું પહેલું કદમ કહેતા હતા, જે ઘણાં વરસો પછી ઇમરાનના પરિવર્તનની ત્સુનામીની લહેરમાં ઊભરી આવ્યું.

એ એક પ્રભાવી પ્રયાસ હતો. પાકિસ્તાનના પૂર્વ ISI પ્રમુખ હમીદ ગુલના યોજનાબદ્ધ વિચારો, જમાત-એ-ઇસ્લામીમાંથી આવેલા દુર્રાનીની ખૂબ સારી વ્યવસ્થાશક્તિ અને વર્લ્ડ કપના હીરો ઇમરાન ખાનનું પ્રભાવશાળી વ્યક્તિત્વ.

એવું લાગે છે કે ઇમરાનની રાજકીય વિચારધારાની પરિપક્વતામાં આ સંગઠન અને એના બે નેતાઓનો ખૂબ વધારે પ્રભાવ છે.

ઘણાં વરસો પછી, જનરલ મુશર્રફ પણ ઇમરાનના નિકટવર્તી બન્યા અને ઇમરાન એમની સાથે ભળતાં ભળતાં રહી ગયા. જનરલ મુશર્રફ અનુસાર PTIના નેતા પાર્ટીની ક્ષમતા કરતાં વધારે સીટો માંગતા હતા.

કૅન્સર હૉસ્પિટલ અને ન્યાયનો માપદંડ

એમાં કોઈ શંકા નથી કે અબ્દુલ સત્તાર ઈધી પછી પાકિસ્તાનમાં કલ્યાણકારી કાર્યો કરનારા મુખ્ય વ્યક્તિઓમાં ઇમરાન ખાનની ગણના થાય છે. એમણે પોતાનાં માતાના નામે બનાવેલી શૌકત ખાનમ કૅન્સર હૉસ્પિટલ દ્વારા પાકિસ્તાનના મોટા વર્ગની સેવા કરી છે.

પરંતુ એમાં પણ 'પાસબાન'નો ઉલ્લેખ કરવો જરૂરી છે. એ મોહમ્મદ અલી દુર્રાની જ હતા જેમણે પોતાના સમુદાયના કાર્યકર્તાઓ અને વેપારી સમુદાયો સાથેના સંબંધોનો ઉપયોગ કરીને ઇમરાન ખાન માટે મોટા પાયે ફંડ એકત્ર કરાવ્યું હતું.

એવી જ એક ફંડ રેઝિંગ ઇવેન્ટમાં ઇમરાન ખાનની મુલાકાત અબજપતિ ઉદ્યોગપતિ અબ્દુલ અલીમ ખાન સાથે થઈ, જેમણે ત્યાં ઊભા ઊભા જ શૌકત ખાનમ હૉસ્પિટલ માટે 6 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી.

ડૉન અખબારના પત્રકાર મંસૂર મલિક, જેઓ PTIને કવર કરતા હતા તેઓ, એ કાર્યક્રમમાં હાજર હતા.

એમનું કહેવું છે કે, "PTIની રચના થયા પહેલાં ઇમરાન ખાનનો સૌથી મોટો પ્રોજેક્ટ શૌકત ખાનમ કૅન્સર હૉસ્પિટલ હતો, જેના માટે એમણે રાતદિવસ કાર્ય કર્યું. શૌકત ખાનમ એક એવો પ્રોજેક્ટ હતો જેના માટે એમને પાકિસ્તાનના લોકોનું સૌથી વધુ સમર્થન મળ્યું. એમાં યુવા, મહિલાઓ, વેપારીવર્ગ અને પછીથી જેમને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફનું 'ATM' પણ કહેવામાં આવે છે એવા અલીમ ખાન જોડાયાં."

અલીમ ખાનના દાન અને એમની શૌકત ખાનમ માટેની સેવાના કારણે લાહોરમાંની શૌકત ખાનમ હૉસ્પિટલમાં ત્રીજા માળના વૉર્ડનું નામ એમના પિતાના નામે અબ્દુલ રહીમ ખાન અપાયું અને પેશાવરમાં શૌકત ખાનમ હૉસ્પિટલના એક માળનું નામ એમનાં માતા નસીમ ખાનના નામે રખાયું. અલીમ ખાન 'અબ્દુલ હલીમ ખાન ફાઉન્ડેશન' હેઠળ ધર્માર્થ અને કલ્યાણકારી કાર્યો કરે છે.

શૌકત ખાનમ મેમોરિયલ કૅન્સર રિસર્ચ હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્‌ઘાટન 29 ડિસેમ્બર, 1994એ થયું અને બે વર્ષ પછી 25 એપ્રિલ, 1996માં ઇમરાન ખાને પોતાની રાજકીય પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ની સ્થાપના કરી, જેનું ઘોષણાપત્ર પણ પાસબાનના મૂળ પર આધારિત હતું.

જેમાં 'ઇસ્લામિક કલ્યાણકારી રાજ્યની સ્થાપના, ઉત્તરદાયિત્વનું સૂત્ર અને એક ન્યાયપૂર્ણ સમાજની રચના' સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાં સામેલ હતાં. જોકે, શરૂઆતમાં એ માત્ર 'વન મૅન શો' કહેવાતી હતી. પછીથી એ સંઘમાં વધારે ને વધારે લાકો જોડાતા ગયા.

મંસૂર મલિકનું કહેવું છે કે જોકે પાર્ટીની રચના 1996માં થઈ હતી પરંતુ એનું પહેલું મોટું પ્રદર્શન 2011માં જોવા મળ્યું હતું, જ્યારે એણે 30 નવેમ્બરે લાહોરના મિનાર-એ-પાકિસ્તાનમાં મોટી રેલી યોજી હતી.

ત્યાં સુધીમાં વૈચારિક લોકો ઉપરાંત કેટલાક ઇલેક્ટેબરલ પણ એમાં જોડાઈ ગયા હતા.

ઈ.સ. 2002ની ચૂંટણીમાં PTIએ માત્ર એક જ સીટ મળી હતી, જે ઇમરાન ખાને મિયાંવલીથી જીતી હતી. પછી 2013ની ચૂંટણી આવી. એ વખતે PTIએ પોતાને પાયાના સ્તરેથી સંગઠિત કરવા માંડી હતી કે, એમના ઉમેદવાર કોણ હશે, પૈસા કોણ ખર્ચશે, કોણ કરી શકશે અને કોણ નહીં.

પાર્ટી બનતાં જ તૂટ-ફૂટ શરૂ

આજકાલ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)માં ટૂટ-ફૂટ, વિદ્રોહી સભ્યો અને સહયોગીઓની નારાજગીની વાતો થઈ રહી છે. વિદ્રોહી સભ્યોને ક્યારેક 'દેશદ્રોહી' કહેવામાં આવે છે અને ક્યારેક એમના પર ભ્રષ્ટાચારનો આરોપ મુકાય છે પરંતુ શું PTIમાં આવું પહેલી વાર થઈ રહ્યું છે? બિલકુલ નહીં. જ્યારથી પાર્ટી બની છે અને ચૂંટણીમાં ઝંપલાવવા માંડી છે ત્યારથી જ પાર્ટીનાં જુદાં જુદાં જૂથો એકબીજાં સામે નારાજ રહ્યાં છે અને ઘણાએ પાર્ટી છોડી દીધી છે.

1996માં જ્યારે ઇમરાન ખાને પોતાની રાજકીય પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) બનાવી હતી, ત્યારે કદાચ એમને એ વાતનો અંદાજ નહોતો કે 11 ખેલાડીઓની ક્રિકેટ ટીમની કૅપ્ટનશિપ કરવી અને રાષ્ટ્રીય સ્તરે એક રાજકીય પાર્ટી ચલાવવી એ બે વચ્ચે કેટલું અંતર છે.

કહેવાય છે કે ઇમરાન ખાનના વ્યક્તિત્વની એક ખાસિયત એ પણ છે કે જે લોકો એમની ખૂબ નજીક જાય છે તેઓ થોડા સમય પછી એમનાથી દૂર થઈ જાય છે. હામિદ ખાનથી માંડીને રિટાયર્ડ જસ્ટિસ વજીહુદ્દીન સુધી અને જહાંગીર ખાનથી લઈને અલીમ ખાન સુધી - PTIમાં નારાજ સદસ્યોની યાદી ઘણી લાંબી છે.

ઘણી વાર આ તણાવનું કારણ ઇમરાન ખાનના પોતાના નિર્ણયો હોય છે. ઉદાહરણ તરીકે, 2013ની ચૂંટણી પહેલાં અચાનક જ એવો નિર્ણય કરાયો કે પાયાના સ્તરે સંગઠનનું નિર્માણ કરવા માટે 'નામાંકનના બદલે ચૂંટાયેલા લોકોને લેવા જોઈએ', જે પાર્ટીના મૂળ સિદ્ધાંતનું જ ઉલ્લંઘન હતું.

મંસૂર મલિકે જણાવ્યા અનુસાર, પહેલાં કહેવામાં આવેલું કે પાર્ટી ચૂંટણી કરાવશે, પરંતુ ધ્રુવીકરણ એટલું વધી ગયું હતું કે જૂથો અંદરોઅંદર જ લડવા લાગ્યાં. દરમિયાન 2013ની ચૂંટણી નજીક આવી ગઈ. એ વખતે PTIને લાગ્યું કે ચૂંટણીમાં આપણે વિપક્ષ સામે લડવાના બદલે પોતાની સામે જ લડી રહ્યા છીએ. જ્યારે ચૂંટણીપરિણામો જાહેર થયાં તો બધાને ખબર પડી ગઈ કે ભૂલો ક્યાં થઈ છે.

મલિકનું કહેવું છે કે અત્યારે જે લોકો પાર્ટીથી અલગ પડ્યા છે, આ એ જ લોકો છે જેઓ પહેલાં પણ અવાજ ઉઠાવતા રહ્યા છે અને આ પહેલી વાર નથી કે તેઓ પાર્ટી સામે નારાજ થયા હોય.

એમને પૅકેજ અને ડેવલપમેન્ટ ફંડ નહોતાં મળતાં, કેમ કે, ઇમરાન ખાને તો એટલે સુધી કહેવા માંડ્યું હતું કે, પાર્ટીના MLA અને સાંસદોને તો ફંડ મળવું જ ન જોઈએ, કેમ કે એ લોકલ ગવર્નમેન્ટનું કામ છે.

પરંતુ એમણે પાયાના સ્તરે વ્યવસ્થા માટે ના તો પાર્ટીની આંતરિક ચૂંટણી કરાવી કે ના તો ઘોષણાપત્ર અનુસાર લોકલ ગવર્નમેન્ટની ચૂંટણી કરાવી. ચૂંટણી પંચ ચાર વર્ષથી કહી રહ્યું છે કે ચૂંટણી કરાવો, પરંતુ એવું ના થઈ શક્યું, કેમ કે, એમના અનુસાર પૂરતા લોકો જ નથી.

આ એવાં કામ હતાં જેને પહેલા 100 દિવસમાં કરવાનાં હતાં. પાર્ટીમાંના વૈચારિક લોકો કહેવા લાગ્યા કે બહારથી લોકો આવી રહ્યા છે, સંઘીય મંત્રી અને સલાહકાર બની રહ્યા છે અને જે લોકો શરૂઆતથી પાર્ટીની સાથે રહ્યા એમને કશું પણ અપાતું નથી. આ બધો ગુસ્સો હવે દેખાવા લાગ્યો છે.

મંસૂર મલિકે કહ્યું કે, મેં પાર્ટીને બનતી અને વિકસતી જોઈ છે અને હું પાર્ટીના લોકોને સારી રીતે ઓળખું છું. મને ખબર છે કે 2013 પહેલાં અને પછી જે મતભેદ શરૂ થયા હતા એ હાલ પણ છે. એ વખતે પાર્ટીના લોકો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરવા લાગ્યા હતા.

જેમ એ સમયે લોકો અલીમ ખાનને 'ભ્રષ્ટ' કહેવા લાગ્યા હતા અને આજે પણ જ્યારે અલીમ ખાને વરિષ્ઠ મંત્રીપદેથી રાજીનામું આપી દીધું ત્યારે, પાર્ટીમાંના ઘણા લોકો કહે છે કે સારું થયું, એમનાથી બચી ગયા.

પરંતુ આ એ જ માણસ છે જેમણે પાર્ટીને ખૂબ જ સપોર્ટ કર્યો હતો અને બધી મોટી મોટી રેલીઓ કરાવી હતી, જેનાથી પાર્ટી પાયાના સ્તર સુધી દેખાતી હતી. અલીમ ખાન જેવા લોકો વિચારતા હતા કે અમે ઇમરાન ખાનના વફાદાર અને વૈચારિક સહયોગી છીએ, પરંતુ જ્યારે સરકાર બને છે ત્યારે અમને ભૂલી જવાય છે.

PTI માટે ઈ.સ. 2013થી 2018 સુધીની સફર રાજકીય રીતે એક મહત્ત્વપૂર્ણ સમય હતો. 2013ની ચૂંટણીમાં પાર્ટી 30 સીટ જીતી અને વોટ શેરની બાબતમાં બીજા નંબરની સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી. જેના વિશે ઇમરાન ખાન સૌથી વધારે વાતો કરે છે એ ખૈબર પખ્તૂનખ્વામાં એમને બહુમત મળ્યો અને ત્યાં PTIની પહેલી રાજ્ય સરકાર બની.

મંસૂર મલિકનું કહેવું છે કે જેવું 2018 આવ્યું અને ઇમરાન ખાને ઍસ્ટાબ્લિશમેન્ટ સાથે હાથ મિલાવ્યા, જેમના પર એમને પહેલાં વિશ્વાસ નહોતો, પરંતુ હવે બધા માને છે, ત્યારે ઍસ્ટાબ્લિશમેન્ટે એમને લોકો લાવી આપવાનું શરૂ કર્યું.

જ્યારે ઇલેક્ટેબરલ્સ લાવવામાં આવ્યા ત્યારે પાર્ટીમાં ફરીથી વિવાદ શરૂ થઈ ગયો. પોતાના માણસોને ટિકિટ નહોતી મળતી અને જે લોકો બહારથી લાવવામાં આવતા હતા એમને પાર્ટીની ટિકિટ મળી જતી હતી.

એનું સૌથી મોટું ઉદાહરણ ઉસ્માન બઝદાર છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-ક્યૂ અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-(નવાઝ)માંથી આવનારા બઝદારને PTIમાં સામેલ કરીને મુખ્યમંત્રી બનાવી દેવાયા. એનાથી પાર્ટીના બધા સભ્યો નારાજ થઈ ગયા પરંતુ ઇમરાન અડગ રહ્યા.

ઇમરાન, એર્તુગરુલ અને યૂથ

2018ની ચૂંટણીમાં, નૅશનલ અસેમ્બ્લીમાં PTI 116 સીટ જીતી અને ઇમરાન ખાન પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલા એવા રાજનેતા બન્યા જેમણે પાંચ સીટો પર ચૂંટણી લડી અને પાંચે સીટ પર જીત્યા.

જીત પછી પોતાના ભાષણમાં ઇમરાન ખાને પોતાની ભાવિ સરકારનું વિઝન રજૂ કર્યું હતું અને કહેલું કે તેઓ દેશને પૂર્ણ કલ્યાણકારી રાજ્ય બનાવીને એને મદીના રાજ્યના સિદ્ધાંતોની રીતે ચલાવવા માંગે છે.

એમણે સાદગી અને નાના કૅબિનેટ વાળી સરકારની વાત કરી, પરંતુ ભૂતકાળની જેમ આ વાયદો પણ થોડા દિવસોમાં હવાઈ સાબિત થયો. મંત્રીમંડળનો પણ વિસ્તાર થતો ગયો અને ખર્ચ પણ વધતો ગયો. ના વડા પ્રધાન આવાસ યુનિવર્સિટી બની કે ના મંત્રીઓ સાઇકલ પર આવ્યા.

મોટી મોટી અને મોંઘી મોંઘી ગાડીઓની લાઇન થઈ ગઈ અને વડા પ્રધાન હેલિકૉપ્ટર વડે ઑફિસ જવા લાગ્યા. જોકે એમને પસંદ કરનારા મતદાતાઓને ખરાબ તો લાગ્યું પરંતુ ઇમરાન માટેના પ્રેમ અને ભૂતકાળના રાજનેતાઓ માટેની ઘૃણાએ એમના મગજ પર એટલી હદે અસર કરી હતી કે કૅપ્ટનનું આ રૂપ ન ગમતું હોવા છતાં એમણે સ્વીકારી લીધું હતું.

વર્ષ 2020માં ઇમરાન ખાને એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે તેઓ ઇચ્છે છે કે પાકિસ્તાનની જનતા લોકપ્રિય તુર્કી સીરીઝ ડિરિલિસઃ એર્તુગરુલ જુએ. આ ઇમરાન ખાનનો એક મજબૂત ઇસ્લામિક રાજ્યનો પાયો નાખવા તરફનો પણ ઇશારો હતો અથવા કદાચ તેઓ પોતાને પણ એ રૂપમાં જોઈ રહ્યા હતા.

તુર્ક ઐતિહાસિક પાત્ર એર્તુગરુલ તુર્ક સામ્રાજ્યના સંસ્થાપક ઉસ્માન ગાઝીના પિતા હતા, જેમણે પોતાનું જીવન મોંગોલો, દગાબાજો અને ધર્મયુદ્ધ લડનારા ખ્રિસ્તીઓની વિરુદ્ધ લડવામાં વિતાવ્યું હતું. પછીથી એમના પુત્રએ ઓટોમન સામ્રાજ્યની સ્થાપના કરી હતી જે 600 વર્ષ સુધી ચાલ્યું.

પાકિસ્તાનના માનવાધિકાર આયોગનાં નિર્દેશક અને વરિષ્ઠ પત્રકાર ફરાહ ઝિયાનું માનવું છે કે ઇમરાન ખાનનું વચન જૂના રાજકારણને સમાપ્ત કરીને નવું રાજકારણ લાવવાનું હતું.

પરંતુ એવું ના થયું. "એમણે ન્યાય સાથે શરૂઆત કરી હતી, પરંતુ તમે ન્યાયની હાલત જોઈ શકો છો. વાસ્તવમાં તો કંઈ પણ પરિવર્તન નથી કરી શક્યા. તેઓ કશો બદલાવ નથી કરી શક્યા તેથી લોકોને ઇસ્લામી વિચારો કે એર્તુગરુલ નાટક તરફ દોરી જવાનો જ આસાન માર્ગ બચ્યો હતો."

ઇસ્લામિઝમ અને નૅશનાલિઝમ

ઇમરાન ખાન પાકિસ્તાનને મદીના રાજ્યની ઢબનું તો જોવા ઇચ્છે છે પરંતુ સાથે જ તેઓ સ્કૅન્ડિનેવિયાઇ કલ્યાણ સંરચનાઓ, બ્રિટિશ અને અમેરિકન લોકશાહી તથા ચીની શૈલીની સત્તાવ્યવસ્થાની અપેક્ષા રાખે છે.

સાથે જ, તેઓ તુર્કીના રેચેપ તૈયબ અર્દોઆન અને મલેશિયાના મહાથીર મોહમ્મદનું ઉદાહરણ આપતાં એમના જેવું નેતૃત્વ પણ ઇચ્છે છે. રાજનીતિના કોઈ પણ વિદ્યાર્થી માટે આ બધાને સાંકળવું મુશ્કેલ જ નહીં, બલકે અસંભવ પણ છે, કેમ કે એમાં સત્તાવાદ પણ છે અને લોકશાહી પણ, ફાસીવાદ પણ છે અને ઇસ્લામિક મૂલ્યો પણ છે. આ બધા એકબીજાને ચુંબકના એકસરખા ધ્રુવોની જેમ એકબીજાથી દૂર કરે છે.

પરંતુ ઇમરાન ખાનનો પોતાનો એક વિચાર છે કે આ બધામાંથી વીણી વીણીને કેટલીક વસ્તુઓ લઈ શકાય, અથવા, કદાચ તેઓ આ બધાને એક જ વસ્તુ માને છે.

એમની વિદેશનીતિમાં પણ આ અસમંજસની ઝલક જોવા મળે છે. તેઓ દરેક મંચ પર દુનિયાભરના મુસલમાનોની વિરુદ્ધના ઇસ્લામોફોબિયા અને અત્યાચારો વિશે વાતો કરે છે.

પરંતુ એમને જ્યારે પૂછવામાં આવે છે કે ચીનના ઉઇગર મુસલમાનો વિશે એમનું શું માનવું છે? તો તેઓ કહે છે કે એમને ખબર નથી. એ જ રીતે એમણે ઉત્તર સિરિયા પર તુર્કી હુમલાને પણ સમર્થન આપ્યું હતું, જેના કારણે એમના ઘણા સમર્થકો નારાજ પણ થયા હતા.

આ રીતે, એમણે જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળમાં અમેરિકાનો પ્રવાસ કર્યો હતો ત્યારે તેમણે પાકિસ્તાનની સાથેના અમેરિકાના સંબંધોની ખૂબ જ પ્રશંસા કરી હતી અને જ્યારે તેઓ પાકિસ્તાન પાછા ફર્યા ત્યારે એમણે ખૂબ જ ગર્વથી કહ્યું કે એમને એવું લાગે છે કે જાણે તેઓ વિશ્વ કપ જીતીને આવ્યા છે.

રાષ્ટ્રપતિ જો બાઇડન સત્તા પર આવ્યા પછી એમણે ખૂબ રાહ જોઈ કે તેઓ એમનો સંપર્ક કરે. અને કેટલાક ઇન્ટરવ્યૂમાં તો એમણે એટલે સુધી કહી દીધું કે ખબર નહીં ફોન કેમ ના આવ્યો. પરંતુ સાથે જ તાજેતરમાં એમણે એમ પણ કહી દીધું કે અમેરિકા એમની સરકારને સત્તા પરથી હટાવવાનું ષડ્‌યંત્ર રચે છે.

ઇસ્લામાબાદની કાયદ-એ-આઝમ યુનિવર્સિટીના સ્કૂલ ઑફ પૉલિટિક્સ ઍન્ડ ઇન્ટરનૅશનલ રિલેશન્સના સહાયક પ્રોફેસર ડૉક્ટર સૈયદ કંદીલ અબ્બાસે જણાવ્યું કે અમેરિકા અંગેની ઇમરાન ખાનની નીતિ અને બયાનને સમજવા માટે ઐતિહાસિક પૃષ્ઠભૂ જોવી પડશે.

"પાકિસ્તાનના પહેલા વડા પ્રધાન લિયાકત અલી ખાનના સમયથી જ અમારી સમસ્યા એ રહી છે કે અમારી વિદેશનીતિ 'ભારતકેન્દ્રી' રહી છે અને અમે એમ જ માનતા રહ્યા છીએ કે જે કોઈ દેશ ભારત બાબતે અમારા પક્ષનું સમર્થન કરશે તે અમારો મિત્ર છે. એવું કહેવાય છે કે શરૂઆતમાં લિયાકત અલી ખાન રશિયા જવાનું મુલતવી રાખીને અમેરિકા જતા રહ્યા હતા."

"ત્યાંથી જ પાકિસ્તાનની વિદેશનીતિનો પાયો નંખાયો અને પાકિસ્તાનને પશ્ચિમી બ્લૉક સાથે જોડી દેવાયું. પરંતુ 1965 અને 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને અમેરિકાની મદદ ના મળી, જેની એને આશા હતી અને પાકિસ્તાનમાં પશ્ચિમવિરોધી અને અમેરિકાવિરોધી લાગણી જન્મી."

"જ્યારે જુલ્ફીકાર અલી ભુટ્ટોનો સમય આવ્યો અને એમણે ઇસ્લામિક જૂથોની વાત કરી અને હેનરી કિસિંદરે એમને એક પ્રખ્યાત ધમકી આપી ત્યારે તો વાત એટલી વધી ગઈ કે કેટલાક લોકો ભુટ્ટોની ફાંસી માટે પણ અમેરિકાને જવાબદાર ઠરાવે છે."

એમનું કહેવું છે કે પાકિસ્તાન માટે ત્રાસદાયક એ છે કે પશ્ચિમી જૂથમાં હોવા છતાં પાકિસ્તાનમાં પશ્ચિમવિરોધી અને અમેરિકાવિરોધી લાગણીઓ રહી છે.

સત્તામાં આવ્યા પહેલાં ઇમરાન ખાન પણ અમેરિકન ડ્રોન હુમલો અને અફઘાનિસ્તાનમાં તાલિબાન વિરુદ્ધની લડાઈમાં અમેરિકાની હાજરીનો વિરોધ કરતા રહ્યા. તણાવ તો ત્યારે વધી ગયો જ્યારે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની વાપસી માટે એટલી મદદ ના કરી જેટલી એ કરવા માગતો હતો.

ડૉક્ટર કંદીલનું કહેવું છે કે એક ઇન્ટરવ્યૂમાં જ્યારે ઇમરાન ખાનને પાકિસ્તાનની ધરતી પરથી અફઘાનિસ્તાન પરના હુમલા વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમણે 'એબ્સોલ્યૂટલી નોટ'નું પેલું જગપ્રસિદ્ધ વાક્ય કહ્યું અને બીજા સ્થળે એમ પણ કહ્યું કે જો હવે ડ્રોન આવશે તો અમે પાડી દઈશું.

ડૉક્ટર કંદીલનું કહેવું છે કે ઇમરાન ખાનનો ઝુકાવ ચીન અને રશિયા તરફ છે અને તેઓ પાકિસ્તાનને પશ્ચિમી જૂથમાંથી કાઢીને પૂર્વના જૂથમાં જોડવા માંગે છે અને સાથે જ ઇસ્લામી જૂથ વિશે પણ વિચારે છે. "એ સાચું છે કે તેઓ ચીનના પ્રવાસ પછી તરત જ રશિયાના પ્રવાસે એ જ દિવસે ગયા જે દિવસે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. એ એક સંયોગ પણ હોઈ શકે છે, કેમ કે પ્રવાસ પૂર્વઆયોજિત હોય છે."

પરંતુ ફરાહ ઝિયાનું કહેવું છે કે પાકિસ્તાનની કોઈ પણ સરકાર ક્યારેય સ્વતંત્ર વિદેશનીતિ નથી ઘડી શકી. "ઍસ્ટાબ્લિશમેન્ટ ક્યારેય રાજકીય સરકારોને એક સ્વતંત્ર વિદેશનીતિ અપનાવવા નથી દેતું."

"સાચું તો એ છે કે વિદેશ કાર્યાલય પણ એમની જ પાસે હોય છે. ઝરદારીએ પ્રયાસ કરેલો અને ઈરાન સુધી પહોંચી ગયેલા પરંતુ એનાથી આગળ એમને કશું ન કરવા દીધું. મારો પ્રશ્ન એ છે કે શું એમને એટલું સ્વાતંત્ર્ય હતું કે તેઓ પોતાની વિદેશનીતિ ઘડી શકે?"

ડૉક્ટર કંદીલે જણાવ્યા અનુસાર, ભૂરાજકીયમાંથી નીકળીને ભૂઅર્થશાસ્ત્ર તરફ જોવાની જરૂર છે. અને કદાચ ઇમરાન એવું કરવા પણ માંગે છે. "એક મજબૂત અર્થવ્યવસ્થા વગર એક સ્વતંત્ર વિદેશનીતિ સંભવ નથી."

ઇમરાનના 'ટાઇગર' અને 'અભદ્ર ભાષા'ની ત્સુનામી

2014માં જ્યારે ઇમરાન ખાન તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફના વિરોધમાં આંદોલન કરવા લાગ્યા હતા અને એમણે કહેલું કે એમના યુવાઓની ત્સુનામી 'ભ્રષ્ટ' રાજનેતાઓને બરબાદ કરી દેશે, ત્યારે કદાચ મોટા ભાગના લોકોને એ વાતનો અંદાજ નહોતો કે ત્સુનામી પછીની બરબાદી સાથે ખૂબ બધી ગંદકી પણ બહાર આવી જાય છે, જેને સાફ કરવી ખૂબ મુશ્કેલ છે. અને ઇમરાનની ત્સુનામી સાથે પણ કંઈક એવું જ થયું.

જેમણે પણ ઇમરાનનો વિરોધ કર્યો ઇમરાન ખાનના સમર્થકો અને ખુદ ઇમરાને એમને ઘણું સારુંનરસું સંભળાવ્યું. આજે એમની પાર્ટીમાં જો કોઈ પસંદગી ધરાવનાર છે તો કાલે ટીકા કર્યા પછી તે ખરાબ બની જશે અને એને 'ગદ્દાર' અને 'વેચાઉ' કહેવાશે. અસંમતિની તો કશી શક્યતા જ નથી અને એ જ PTIની સૌથી મોટી ખામી લાગે છે.

પરંતુ વિરોધીઓની વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ માત્ર ઇમરાનના સમયમાં જ નથી થયો, એમની પહેલાં મુસ્લિમ લીગ (નવાઝ)એ એની શરૂઆત કરી હતી અને જનસભાઓમાં નવાઝ શરીફ અને શાહબાઝ શરીફે પોતાના વિરોધીઓ વિરુદ્ધ જે શબ્દોના પ્રયોગ કર્યા હતા એ પણ ઇતિહાસનો ભાગ છે.

જોકે, PTIના સમયમાં પડતીનું એક નવું સ્તર જોવા મળ્યું છે. અનુભવ એવો થયો છે કે એક વિચારપૂર્વકની નીતિ હેઠળ ઇમરાનના ટાઇગર્સ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને એવા દરેક અવાજને રૂંધી નાખવા માંગે છે જેઓ એમની નીતિ કે નેતાની ટીકા કરે છે.

જોકે, ફરાહ ઝિયાનું કહેવું છે કે અમને એ વસ્તુઓ વારસામાં મળી કે રાજનેતા કાં તો ભ્રષ્ટ હોય કે દેશદ્રોહી અને એ કંઈ નવી વાત નથી. બલકે, એ 1950ના દાયકાથી ચાલી રહ્યું છે. "પરંતુ એ પણ સાચું છે કે આજકાલ આ પ્રકારનો દૃષ્ટિકોણ એક નવા સ્તરે જ પહોંચી ગયો છે."

બીજી તરફ, ઇમરાન ખાને પોતાને ક્યારેય જવાબદાર નથી ઠરાવ્યા અને જ્યારે પણ એમના પર કોઈ આરોપ થાય છે કે કોઈ નીતિ બાબતમાં એમની નિષ્ફળતા દેખાય છે ત્યારે તરત જ એમણે કોઈ બીજાને જ એના માટે જવાબદાર ઠરાવી દીધા અથવા એને ષડ્‌યંત્ર ગણાવ્યું.

ઇમરાન કંઈ પણ બોલવાથી નથી બીતા. ભલે ને પછી ભાષણમાં ગુપ્ત પત્રનો ઉલ્લેખ કરતાં અમેરિકાનું નામ લેવાનું કામ જ કેમ ન હોય. અને એ પણ યાદ રાખવા જેવું છે કે એ ઇમરાન ખાન જ હતા જેમણે સ્વીકાર્યું હતું કે તેઓ બૉલ ટેમ્પરિંગ કરતા હતા, બલકે, એક વાર તો એમણે બૉલનો કશીક ધારદાર વસ્તુ સાથે ઘસીને ઉપયોગ કર્યો હતો.

શું ઇમરાન ખાન રાજકારણી છે?

ઇમરાન ખાન રાજનેતાઓ વિશે હંમેશાં સારું ખરાબ બોલતા રહ્યા છે. ક્યારેક તેઓ ગૃહને પણ ગણકારતા નથી અને ક્યારેક તેઓ પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાને બાદ કરતાં ભૂતકાળના અન્ય કોઈ રાજનેતાને દેશ પ્રત્યે વફાદાર નથી માનતા.

ફરાહ ઝિયાનું કહેવું છે કે એવું એટલા માટે પણ છે કેમ કે ઇમરાન પોતે એક રાજકારણી નથી. એમને એવી ટ્રેનિંગ જ નથી મળી.

"તેઓ પોતાનાં ભાષણોમાં એમ કહેવાની કોશિશ કરતા રહે છે કે હું રાજકારણનો વિદ્યાર્થી છું, પરંતુ વાસ્તવમાં તેઓ રાજકારણના વિદ્યાર્થી નથી. તેઓ એક ક્રિકેટર છે અને એ પણ રિટાયર્ડ, જે માત્ર પોતાના ભૂતકાળમાં જીવે છે."

"કેમ કે રાજકારણ તો લેણદેણના સિદ્ધાંત પર આધારિત હોય છે. એમાં અતિ વ્યવહારુપણું આવશ્યક હોય છે, જે ઇમરાન ખાનમાં નથી. તેઓ તો માત્ર એક વૈચારિક માણસ છે જે પોતાને મસીહા (ઉદ્ધારક) માને છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો