You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઍન્ડ્ર્યુ સાયમન્ડ્સ, એક શાનદાર ઑલરાઉન્ડરથી મંકીગેટ વિવાદ અને બિગ બૉસના ઘરમાં ઍન્ટ્રી સુધી
ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી ઍન્ડ્ર્યુ સાયમન્ડ્સનું 46 વર્ષની ઉંમરે કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સાયમન્ડ્સની કાર શનિવારે રાત્રે ક્વિન્સલૅન્ડના ટાઉન્સવિલેમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી.
શહેરથી લગભગ 50 કિલોમીટર દૂર હર્વે રેન્જમાં રાત્રે અંદાજે 11 વાગ્યે એક અકસ્માત સર્જાયો, અકસ્માતની સૂચના મળતા તરત પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ગતિ વધારે હોવાથી કાર પલટી ગઈ હતી.
આઈસીસીની વેબસાઇટ પ્રમાણે જે સમયે દુર્ઘટના સર્જાઈ ત્યારે સાયમન્ડ્સ પોતાની કારમાં એકલા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
સાયમન્ડ્સના મૃત્યુના બે મહિના પહેલાં જ ક્રિકેટ જગતે શેન વૉર્ન જેવા દિગ્ગજને ગુમાવ્યા છે. આ સિવાય આ વર્ષની શરૂઆતમાં જ રૉડ માર્શનું પણ હાર્ટ ઍટેકથી મૃત્યુ થયું છે.
સાયમન્ડ્સની ક્રિકેટ કારકિર્દી
ઍન્ડ્ર્યુ સાયમન્ડ્સ એક સમયે અદ્ભુત બૉલર, બૅટર અને ક્રિકેટ ઇતિહાસના સૌથી સારા ફીલ્ડર્સમાંના એક હતા. ક્રિકેટજગતના ઉત્કૃષ્ટ ઑલરાઉન્ડર્સમાં તેમની ગણના થાય છે.
1998માં પાકિસ્તાન વિરુદ્ધ વન-ડે ક્રિકેટમાં ડૅબ્યૂ કરનારા સાયમન્ડ્સે ટેસ્ટ ક્રિકેટમાં ડૅબ્યૂ કરવા માટે છ વર્ષનો સમય લીધો. વર્ષ 2004માં તેમણે શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ડેસ્ટ મૅચ રમી.
દેશ માટે 26 ટેસ્ટ મૅચ રમનારા સાયમન્ડ્સનો સ્ટ્રાઇક રેટ 40.61 રહ્યો હતો. તેમણે 198 વન-ડે ઇન્ટરનેશનલમાં છ સદી અને 30 અર્ધ સદી ફટકારી હતી. આ સિવાય ઑફ-સ્પિન અને મીડિયમ પેસ બૉલિંગ થકી 133 વિકેટ મેળવવામાં સફળ રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વન-ડેમાં તેમના સ્કોરની વાત કરીએ તો તેમણે 5088 રન બનાવ્યા હતા. તેમનો ઍવરેજ સ્કોર 39.75 રહ્યો હતો.
ટેસ્ટ ક્રિકેટમાં તેમણે 40.61ની ઍવરેજથી કુલ 1,462 રન બનાવ્યા હતા. ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્ટ્રાઇક રેટની વાત કરીએ તો તેમનો સ્ટ્રાઇક રેટ 169.34 હતો.
વર્ષ 2003 વર્લ્ડ કપ ફાઇનલમાં જોહાનિસબર્ગમાં પાકિસ્તાન વિરુદ્ધ અણનમ 143 રનની ઇનિંગ્સ તેમની યાદગાર ઇનિંગ્સમાંની એક છે.
સાયમન્ડ્સ અને વિવાદ
ઍન્ડ્ર્યુ સાયમન્ડ્સ એક અદભુત ખેલાડી તો હતા, પરંતુ તેમની સાથે જોડાયેલા વિવાદ પણ ઓછા ન હતા.
ભારતીય સ્પિનર હરભજન સિંહ સાથે મંકી-ગેટ વિવાદ ઘણો ચર્ચામાં રહ્યો. આ કિસ્સો 2008નો હતો. સિડનીમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મૅચ ચાલી રહી હતી.
સાયમન્ડ્સે હરભજન પર વંશીય ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દો એટલો મોટો થઈ ગયો કે હરભજન પર કેટલીક મૅચો માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. બાદમાં આઈસીસીના કમિશનર જસ્ટિસ જૉન હૅન્સન સમક્ષ હરભજનની અપીલની સુનાવણી થઈ અને તેમના પર લાગેલા પ્રતિબંધો હઠ્યા હતા. જોકે, તેમને મૅચની અડધી ફી દંડસ્વરૂપે ચૂકવવાનું કહેવાયું હતું.
આ મામલાની ગંભીરતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઑસ્ટ્રેલિયાના પૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગે પોતાના પુસ્તક 'ધ ક્લોઝ ઑફ પ્લે'માં 'મંકી-ગેટ' વિવાદનો ઉલ્લેખ કરતાં સચીન તેંડુલકરની ભૂમિકા પર સવાલ કર્યો અને વર્ષ 2013માં આ મામલો ફરી ચર્ચામાં આવ્યો હતો.
જોકે, એક સમય એવો પણ આવ્યો જ્યારે આઈપીએલની મુંબઈ ઇન્ડિયયન્સ ટીમમાં સાયમન્ડ્સ અને હરભજન સિંહ એકસાથે રમતા જોવા મળ્યા હતા.
સાયમન્ડ્સ પોતાની દારૂની લતના કારણે પણ ચર્ચામાં રહ્યા છે. આ લતનો ગેરફાયદો તેમના કરિયરને પણ પડ્યો, જ્યારે તેમને મૅચ રમવાની ના પાડી દેવાઈ હતી.
જ્યારે બિગ બૉસનો ભાગ બન્યા
ઍન્ડ્ર્યુ સાયમન્ડ્સને ખેલાડી તરીકે તો સૌ કોઈ જાણતું હતું પરંતુ જ્યારે તેઓ બિગ બૉસના ઘરમાં પહોંચ્યા તો ઘરમાં તેમનું અલગ જ સ્વરૂપ જોવા મળ્યું હતું.
બિગ બૉસની પાંચમી સિઝનમાં તેઓ એક ગૅસ્ટ તરીકે શોનો ભાગ બન્યા હતા. તેઓ બે અઠવાડિયામાં જ બહાર આવી ગયા હતા. આ દરમિયાન તેમની અને સન્ની લિયોની વચ્ચે સારી મિત્રતા બંધાઈ ગઈ હતી.
શો દરમિયાન તેઓ શાક-રોટલી બનાવતા શીખ્યા હતા.
માનવામાં આવતું હતું કે સન્ની લિયોની અને ઍન્ડ્ર્યુ સાયમન્ડ્સને શોની ટીઆરપી વધારવા માટે જ લાવવામાં આવ્યાં હતાં.
ક્રિકેટ જગતે આપી શ્રદ્ધાંજલિ
સાયમન્ડ્સના મૃત્યુ પર ક્રિકેટ જગતના તમામ દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો છે.
ઑસ્ટ્રેલિયન વિકેટકીપર ઍડમ ગિલક્રિસ્ટ, માઇકલ વૉન, શોએબ અખ્તર, સચીન તેંડુલકર જેવા તમામ ખેલાડીઓએ ઍન્ડ્ર્યુ સાયમન્ડ્સના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.
હરભજન સિંહે પણ ટ્વીટ કરીને સાયમન્ડ્સને શ્રદ્ધાંજલિ આપી છે.
હરભજનનું ટ્વીટ એટલા માટે ખાસ છે, કારણ કે તેમની સાથે સાયમન્ડ્સનો 'મંકીગેટ' વિવાદ જોડાયેલો છે.
ઑસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર ઍડમ ગિલક્રિસ્ટે ટ્વીટ કર્યું, "આ ખૂબ દુઃખદ છે.."
અન્ય એક ટ્વીટમાં તેમણે સાયમન્ડ્સને સૌથી ઈમાનદાર, મજેદાર અને સારા મિત્ર તરીકે યાદ કર્યા હતા.
સાયમન્ડ્સ રૉયના નામથી પણ મશહૂર હતા. ગિલક્રિસ્ટે પોતાના ટ્વીટમાં તેમણે આ નામથી પણ યાદ કર્યા હતા.
સચીન તેંડુલકરે પણ સાયમન્ડ્સને યાદ કર્યા છે. તેમણે લખ્યું, "આ સમાચારને સહન કરવા અઘરા છે. તેઓ એક શાનદાર ઑલરાઉન્ડર હતા. મુંબઈ ઇન્ડિયન્સમાં તેમની સાથે રમતી વખતની ઘણી યાદો પણ છે."
ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ પોતાના શાનદાર ખેલાડીને યાદ કરતા લખ્યું કે, "અમે અમારા ક્વિન્સલૅન્ડરને ગુમાવીને ખૂબ દુઃખી છીએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો