રજત પાટીદાર : IPLમાં જેને કોઈ લેવા તૈયાર ન હતું, તે અજાણ્યા હીરોની કહાણી

"મારું સંપૂર્ણ ફોક્સ એ વાત પર હતું કે હું બૉલને સારી રીતે ફટકારું. જ્યારે પાવર પ્લૅની પાંચમી ઓવર ચાલી રહી હતી, ત્યારે મને એવું લાગતું હતું કે આજે મારો દિવસ છે. હું એ વાત ઉપર ફોક્સ કરી રહ્યો તો કે આ તકનો વધુ લાભ કેવી રીતે લઉં. હું શૉટ મારવા પર તથા ટાઇમિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો." આઈપીએલ 2022માં સૌથી ઝડપી સદી ફટકાર્યા બાદ 'મૅન ઑફ ધ મૅચ' રજત પાટીદારે આ વાત કહી હતી.

આઈપીએલના ઍલિમિનેટર મૅચ દરમિયાન પાટીદારે 54 બૉલમાં 12 ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી અણનમ 112 રન ફટકાર્યા હતા અને એકલા હાથે મૅચમાં બેંગ્લોરની ટીમને વિજય અપાવ્યો હતો.

જોકે રજત એવા ખેલાડી છે કે જેને ખુદ બેંગ્લોરે પણ 2022માં યોજાયેલી હરાજી દરમિયાન ખરીદ્યા નહોતા. 2021માં પણ રજત બેંગ્લોરની ટીમ સાથે જ હતા, તેમને ચાર વખત તક આપવામાં આવી હતી, પરંતુ તેમણે બેન્ચ પર જ બેસી રહેવું પડ્યું હતું.

એ મૅચો દરમિયાન રજતે 17.75ની સરેરાશ સાથે કુલ 71 રન ફટકાર્યા હતા. તેમનો સ્ટ્રાઇક રેટ 114.52 રહેવા પામ્યો હતો.

પોતાની ઇનિંગ્સ પછી રજત પાટીદારે કૉમેન્ટેટર હર્ષ ભોગલેને કહ્યું કે ઘણા લોકોને ખબર ન હતી કે ટુર્નામેન્ટની શરૂઆતથી તેઓ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં સામેલ નહોતા.

ટીમના ખેલાડી લવનીથ સિસોદિયા ઘાયલ થયા હતા ત્યારે તેમને ટુર્નામેન્ટમાં વચ્ચેથી ટીમમાં સ્થાન અપાયું હતું.

ચાલુ સિઝન દરમિયાન પાટીદારે બેંગ્લોરની ટીમને મુશ્કેલીમાંથી ઉગારી હોય, એવો આ પહેલો બનાવ ન હતો.

આ પહેલાં ગુજરાત સામે 52 રન અને હૈદરાબાદ વિરુદ્ધ 48 રનની ઇનિંગ રમી ચૂક્યા છે. બુધવારની ઇનિંગ સાથે તેઓ બેંગ્લોર માટે ચાલુ સિઝન દરમિયાન 55ની એવરેજ સાથે 275 રન બનાવી ચૂક્યા છે. તેમનો સ્ટ્રાઇક રેટ 156 રહેવા પામ્યો છે.

સ્ટાઇલિશ રીતે છગ્ગો મારીને સદી ફટકારનારા રજત પાટીદારે કહ્યું કે તેઓ પીચ ઉપર હતા ત્યારે પોતાની સદી વિશે નહીં, પરંતુ વધુ અને વધુ રન ફટકારવા વિશે વિચારી રહ્યા હતા.

પાટીદારની આ ઇનિંગ્સ એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કે ટીમના ત્રણ મોટા ખેલાડી વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસી તથા ગ્લેન મૅક્સવેલે મળીને માત્ર 34 રન ફટકાર્યા હતા. મહત્ત્વપૂર્ણ મૅચમાં કૅપ્ટન ડુપ્લેસી શૂન્ય રને પેવેલિયન ભેગા થયા ત્યારે દબાણ ભરી સ્થિતિમાં પાટીદાર મેદાન ઉપર ઊતર્યા હતા.

જો આ મૅચમાં પરાજય થયો હોત તો ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હોત. ભારે દબાણ છતાં પાટીદારે ક્રિકેટના પુસ્તકના દરેક શૉટ ફટકાર્યા અને સદી ફટકારી.

મૅચ દરમિયાન અને પછી પણ દિગ્ગજ ખેલાડીઓ પાટીદાર ઉપર ઓવારી ગયા અને તેની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.

તેંડુલકરનું અનુમાન પડ્યું સાચું

બેંગ્લોરની ઇનિંગ પૂરી થઈ એ પછી સચીન તેંડુલકરે ટ્વીટ કરીને લખ્યું હતું, "રજત પાટીદારની લાજવાબ હિટિંગને દિનેશ કાર્તિકે સારો સપોર્ટ આપ્યો. આ સારો સ્કૉર છે, પરંતુ આ પીચ પર જે પ્રકારે મૅચ રમાઈ છે તથા આઉટફિલ્ડ ફાસ્ટ છે. તે જોતા મને લાગે છે કે ભારે મુકાબલો થશે."

તેંડુલકરનું અનુમાન બરાબર રહ્યું હતું અને માત્ર 14 રનના તફાવતથી મૅચનું પરિણામ આવ્યું હતું. 17મી ઓવર સુધી બંને ટીમોએ લગભગ સરખી જ રમત રમી હતી.

શરૂઆતની ત્રણ ઓવર દરમિયાન પણ બંને ટીમોનો સ્કોર સરખો રહ્યો હતો. બંનેએ 20 રન ફટકાર્યા હતા.

19મી ઓવરના નવ બૉલ

19મી ઓવરમાં બેંગ્લોરની ટીમે 21 રન ફટકાર્યા હતા, જ્યારે લખનૌની ટીમ માત્ર નવ રન બનાવી શકી હતી. જોસ હેઝલવૂડે ત્રણ વાઇડ-બૉલ તથા એક નૉ-બૉલ છતાં ખૂબ જ કરકસરયુક્ત બૉલિંગ કરી હતી. આ સિવાય ચોથા દડે તેમણે લખનૌના કૅપ્ટન કે.રાહુલની અને પાંચમા દડે કૃણાલ પંડ્યાની વિકેટ લીધી અને મૅચનું પરિણામ લગભગ નક્કી થઈ ગયું.

આની પહેલાંની ઓવર પણ બેંગ્લોરની ટીમ માટે નિર્ણાયક રહી હતી.

હર્ષલ પટેલે પહેલાં બે બૉલમાં બે વાઇડ તથા છ રન આપવા છતાં આગામી છ બૉલ દરમિયાન માત્ર બે રન આપ્યા અને માર્ક્સ સ્ટોઇનિસની વિકેટ પણ લીધી હતી.

હર્ષલે તેમની તાકત ગણાતા ઑફ-કટરનો સારો ઉપયોગ કર્યો હતો અને છેલ્લી ઓવરમાં નવ રન જ અપાયા.

પાટીદારે આ સદીની મદદથી અનેક નવા રેકર્ડ બનાવ્યા હતા અને કેટલાક કીર્તિમાન પોતાને નામ કર્યા હતા.

એક આઈપીએલ ટુર્નામેન્ટ દરમિયાન ફટકારવામાં આવેલી સદીઓના રેકૉર્ડની બરાબરી રજતની ઇનિંગ સાથે થઈ. રજતે વર્તમાન ટુર્નામેન્ટની સાતમી સદી ફટકારી.

આ પહેલાં જૉસ બટલર ત્રણ, કેએલ રાહુલે બે તથા ક્વિટેન ડિકૉકે એક સદી ફટકારી હતી. 2016ની આઈપીએલ દરમિયાન સૌથી વધુ સાત સદીઓ થઈ હતી.

પહેલી વખત કોઈ અનકૅપ્ડ ક્રિકેટરે (જેણે પોતાના દેશ વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચ ન રમમી હોય) પ્લૅઑફ દરમિયાન સદી ફટકારી છે.

આ પહેલાં અનકૅપ્ડ મનીષ પાંડેએ કોલકતા વતી 2014ની ફાઇનલમાં પંજાબ વિરૂદ્ધ 94 રન બનાવ્યા હતા.

પાટીદારની સદી સિઝનનું સૌથી ઝડપી શતક છે. રજત માત્ર 49 બૉલમાં સદી ફટકારી અને 56 દડામાં સદી મારવાના કેએલ રાહુલના રેકૉર્ડથી આગળ નીકળી ગયા હતા.

રાહુલે લીગ મૅચ દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સ વિરૂદ્ધ 16 એપ્રિલે એ યાદગાર ઇનિંગ રમી હતી.

પાટીદાર ચોથા અનકઍપ્ડ ખેલાડી છે, જેમણે આઈપીએલમાં સદી ફટકારી છે. આ પહેલાં મનીષ પાંડેએ 2009માં ડેક્કન ચાર્જર્સ વિરૂદ્ધ અણનમ 114, પંજાબના પૉલ વલ્થેટીએ 20114માં ચેન્નાઈ વિરૂદ્ધ અણનમ 120 રન તથા બેંગ્લોરના જ દેવદત્ત પડ્ડિકલે 2021માં રાજસ્થાન વિરૂદ્ધ 101ની અણનમ ઇનિંગ રમી છે.

આ સાથે જ ઍલિમિનેટર રાઉન્ડમાં લખનૌને 14 રને પરાજય આપીને બેંગ્લોરે તેને ટુર્નામેન્ટની બહાર કરી દીધી છે. હવે ક્વૉલિફાયર-2માં તેની અને રાજસ્થાનની ટીમ વચ્ચે ટક્કર થશે. ગુજરાતની ટીમ અગાઉથી જ ફાઇનલમાં પહોંચી ગઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો