ગુજરાતી ક્રિકેટર રવીન્દ્રની આર્થિક મુશ્કેલીઓની ભરમાર વચ્ચે 'સર જાડેજા' બનવાની કહાણી

દિલ્હીમાં રમાઈ રહેલી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મૅચમાં ભારતનો વિજય થયો છે.

બીજી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાએ આપેલા 115 રનના લક્ષ્યને ભારતે બીજા દિવસના લંચ બ્રેક બાદ જ પૂર્ણ કરી દીધો હતો.

ચાર ટેસ્ટ મૅચની બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની સિરીઝમાં ભારતની આ બીજી જીત છે અને આ જીતમાં ભારતીય સ્પીન બૉલર રવીન્દ્ર જાડેજાનો સિંહફાળો રહ્યો છે.

રવીન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગમાં 12.1 ઓવર નાખીને ઑસ્ટ્રેલિયાની સાત વિકેટો લીધી હતી.

કોઈ પણ ક્રિકેટરમાં સારા પ્રદર્શન માટે પ્રતિભા તો હોવી જ જોઈએ... સાથે સાથે ઉત્સાહ, જોમ અને જુસ્સો પણ એટલો જ જરૂરી છે અને આ તમામ બાબત મેદાન પર તેના પ્રદર્શન દ્વારા છતી થઈ જતી હોય છે તો પછી તેમાં આસ્થાનો ઉમેરો કેવી રીતે થાય? અને તેમાં ય વાત રવીન્દ્ર જાડેજાના ઑલરાઉન્ડર દેખાવની થતી હોય તો આસ્થાનો અહીં શું અર્થ અને તેનું કેટલું મહત્ત્વ?

જોકે ગુજરાતીઓ અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વાચકો આ વાત સારી રીતે સમજી ગયા હશે કેમ કે રવીન્દ્ર જાડેજા કચ્છના માતાના મઢમાં ઘણી આસ્થા, શ્રદ્ધા ધરાવે છે તે વાત હવે કોઈનાથી છાની રહી નથી.

થોડા સમય અગાઉ એક ટીવી શોમાં વિરાટ કોહલી સહિત ઘણા ક્રિકેટરને એકત્રિત કરાયા હતા અને તેમાં ટીવી હોસ્ટે કોહલીને સવાલ કર્યો હતો કે તમારી ટીમમાં એવો કયો ખેલાડી છે જે સૌથી વધારે ફેંકતો હોય તો કોહલીએ જરાય ખચકાટ વિના જવાબ આપ્યો હતો રવીન્દ્ર જાડેજા.

આસ્થાનું કેન્દ્ર આશાપુરા મા

રવીન્દ્ર જાડેજા ડ્રેસિંગરૂમમાં કચ્છ સૌરાષ્ટ્રના હવે આસ્થાના પ્રતીક બની ગયેલા કેટલાક પ્રસંગો કહેતા હોય તેને સાથી ખેલાડીઓ ફેંકમફેંક ગણી લેતા હતા. જેમાં કોહલીએ જે ઉદાહરણ આપ્યું તેના પરથી ખ્યાલ આવી જાય છે.

કોહલીએ એ દિવસે જાડેજાને ટાંકીને કહ્યું હતું કે રવીન્દ્ર એમ કહેતો હોય છે કે કચ્છમાં એક સ્થાન એવું છે જયાં બે મઝાર (કબર) નજીક નજીક આવે છે અને જે દિવસે તે એક થઈ જશે ત્યારે ભયાનક ભૂકંપ આવશે અને પૃથ્વીનો નાશ થઈ જશે.

આવી જ રીતે જાડેજા સેંકડો કિલોમિટર પગપાળા જવાની પણ વાત કરતાં હોવાનું કોહલીએ એ દિવસે કહીને મજાક કરી લીધી હતી.

પરંતુ હકીકત એ છે કે અંજારની આ મજારની લોકવાયકા ગુજરાતમાં પ્રચલિત છે અને રવીન્દ્ર જાડેજા માતાજીના પરમભક્ત છે તે પણ એટલી જ સાચી હકીકત છે.

ખાસ તો એ છે કે અત્યારે મર્સિડીઝ અને તેવી જ મોંઘી કાર ધરાવતા રવીન્દ્ર જાડેજા પોતાના ઘરે (રાજકોટ અને જામનગર)થી પગપાળા ભુજ નજીકના માતાના મઢ સુધી જતા હોય છે. હવે તેમની પાસે અન્ય સવલતો છે પરંતુ આ સવલત ન હતી ત્યારે પણ જાડેજા પગપાળા આ યાત્રા કરતા રહેતા હતા તેની બહુ ઓછાને જાણ હશે.

આ તો થઈ આસ્થાની વાત પણ હકીકતમાં રવીન્દ્ર જાડેજા ટીમના એક એવા સદસ્ય છે જેની હાજરી માત્રથી ડ્રેસિંગરૂમનું વાતાવરણ હંમેશાં જીવંત રહેતું હોય છે જેવી રીતે તે બૅટિંગ કરતા હોય ત્યારે મેદાન અને ટીમનું વાતાવરણ રોમાંચક રહેતું હોય છે.

ડિસેમ્બર 1988માં જામનગર નજીક નવાગામ-ખેડ ખાતે જન્મેલા રવીન્દ્ર ઘણી નાની વયે માતાને ગુમાવી ચૂકેલા તથા તેમના પિતા પણ એવા મોટા ગજાના હતા નહીં કે પુત્રને તેમના શોખ મુજબ આગળ ધપવા માટે સમર્થ હોય.

આમ છતાં કોચ વામનભાઈ જાની (સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રણજી ક્રિકેટર) પાસેથી રવીન્દ્ર જાડેજાએ ક્રિકેટના પ્રાથમિક પાઠ શીખ્યા અને દસ વર્ષની વયે તો તેઓ નિયમિત ક્રિકેટ રમવા માંડ્યા હતા.

કારકિર્દીની શરુઆત

હજી 17 વર્ષના થાય ત્યાં તો તે ભારતની અંડર-19 ટીમ વતી જુનિયર વન-ડે ઇન્ટરનેશનલમાં રમવા લાગ્યા.

ફેબ્રુઆરી 2006ના અંડર-19 વન-ડે વર્લ્ડ કપમાં રમવા શ્રીલકા ગયેલી ભારતીય ટીમમાં ઑલરાઉન્ડર તરીકે રવીન્દ્ર જાડેજાને પણ સામેલ કરાયા હતા.

અહીંથી જ તેની ચુસ્ત બૉલિંગનો પ્રારંભ થયો હતો કેમ કે પાકિસ્તાન સામેની મૅચમાં તેમણે આઠ ઓવરમાં માત્ર 16 રન આપીને ત્રણ વિકેટ લીધી અને સૌરાષ્ટ્રની સિનિયર ટીમમાં રમવા માટે કાબેલ બની ગયા.

રણજી ટ્રૉફી રમે તે અગાઉ તો તેઓ દેવધર ટ્રોફીમાં રમ્યા અને એ જ વર્ષે પાકિસ્તાન ગયેલી ભારતની અંડર-19 ટીમમાં પણ તેને સ્થાન મળી ગયું.

એ વખતે જાડેજાની ખાસિયત એ હતી કે પોતાના સ્પેલમાં તેઓ ભાગ્યે જ ત્રણની સરેરાશથી રન આપતા હતા પણ તેમના નામે એકાદ બે વિકેટ તો બોલતી જ હતી.

રણજી ટ્રૉફી રમતા અગાઉ તેઓ દુલીપ ટ્રૉફીની ઝોનલ ટીમમાં પણ આવી ગયા. જોકે રણજી કારકિર્દીના પ્રારંભે તે પહેલા જ બૉલે આઉટ થઈ ગયા પણ પછી આ બાપુની ગાડીએ જે ઝડપ પકડી તે આજે 2022 સુધી એ જ રફતારથી દોડી રહી છે.

એમનું તલવારની જેમ બૅટનું વીંઝવું

સૌરાષ્ટ્રના બાપુની તલવાર વીંઝવાની વાતોને એક સમયે મજાકમાં લેનારા કોહલી તથા તેના સહયોગીઓને ત્યાર બાદ તો જાડેજાની રમતના ઘણા પરચા મળવા લાગ્યા.

કદાચ આ જ કારણ હશે કે આજેય રવીન્દ્ર જાડેજા અડધી સદી કે સદી વટાવ્યા બાદ મેદાન પર તલવારની માફક બૅટ વીંઝતા જોવા મળે છે.

ભારતીય ટીમમાં રવીન્દ્રને શરૂઆતમાં તો એક બૉલર તરીકે જ સ્થાન મળ્યું હતું પરંતુ રણજી ટ્રૉફીમાં સતત બેવડી અને ત્રેવડી સદી ફટકારવાને કારણે તેની એક સ્થાપિત બૅટ્સમૅન તરીકે ગણના થવા લાગી.

2008-09ની સિઝન જાડેજાને એક બૅટ્સમૅન તરીકે સ્થાપિત કરવામાં ઘણી મહત્ત્વની બની રહી જ્યાં તેમણે ઓડિશા સામેની મૅચમાં 232 રન તો ફટકાર્યા પણ સાથે સાથે રાજકોટનો ખંડેરી સ્ટેડિયમ પર સિનિયર ચેતેશ્વર પૂજારા સાથે મળીને 520 રનની વિશાળ ભાગીદારી પણ નોંધાવી.

આ ભાગીદારી ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બીજા ક્રમે છે. અગાઉ 1946-47માં વિજય હઝારે અને ગુલ મોહમ્મદે બરોડા માટે રમતા હોલકર સામે 577 રન ઉમેર્યા હતા.

આ ભાગીદારી સાથે બંનેએ પાંચમી વિકેટની વર્લ્ડ રેકર્ડ ભાગીદારી પણ નોંધાવી હતી. આ મૅચ ઉપરાંત જાડેજાને એક પ્રમુખ બૅટ્સમૅન બનાવવામાં ગુજરાત સામેની સુરત ખાતેની મૅચ પણ અગત્યની બની રહી.

2012ના નવેમ્બરમાં સુરતના લાલભાઈ કૉન્ટ્રેક્ટર સ્ટેડિયમ ખાતે ગુજરાતના 600 રનના વિશાળ સ્કોર સામે રમતાં સૌરાષ્ટ્રએ 716 રન ખડકીને પ્રથમ દાવની સરસાઈ હાંસલ કરી તેમાં જાડેજાના અણનમ 303 રન અને સાગર જોગિયાણીના 282 રન જવાબદાર હતા. આ વખતે બંનેએ 539 રનની ભાગીદારી નોંધાવી હતી.

આ સાથે રવીન્દ્ર જાડેજાનું ભારતીય ટીમમાં પણ આગમન થઈ ગયું અને હવે તે એક બૉલર નહીં પરંતુ શ્રેષ્ઠ ઑલરાઉન્ડર તરીકે રમી રહ્યા હતા.

અશ્વિન સાથે જોડી

દરમિયાન એક બૉલર તરીકે તો તે ખ્યાતનામ બની જ ગયા હતા જેમાં તેમણે રવિચંદ્રન અશ્વિન સાથે જોડી બનાવીને દેશ અને વિદેશમાં ભારતને ઘણી ટેસ્ટમાં સફળતા અપાવી.

વચ્ચે ઈજાગ્રસ્ત થયા હોવાને કારણે તેમને સ્થાને ગુજરાતના અક્ષર પટેલને ટીમમાં સામેલ કરાયા અને ઇંગ્લૅન્ડ સામેની ગયા વર્ષની શાનદાર સફળતાએ અક્ષરને કાયમી સ્થાન અપાવી દીધું પરંતુ જાડેજા આખરે જાડેજા છે.

તેમણે શાનદાર પુનરાગમન કર્યું. હજી બે મહિના અગાઉ પ્રવાસી શ્રીલંકા સામે મોહાલી ખાતે તેમણે શાનદાર 175 રન ફટકારીને એક બૅટ્સમૅન તરીકે અને તરત જ પાંચ વિકેટ ખેરવીને એક ઑલરાઉન્ડર તરીકે પોતાની ઉપયોગિતા પુરવાર કરી દીધી.

અશ્વિન અને રવીન્દ્ર જાડેજા એક એવી જોડી છે જેઓએ આઇસીસીના ક્રમાંકમાં એક જ સપ્તાહમાં પ્રથમ અને બીજું સ્થાન હાંસલ કર્યું હોય. પાછલી અસર અને તેમના અગાઉના પ્રદર્શનને આધારે ગણતરી થતાં 1974 બિશનસિંઘ બેદી અને ભગવત ચંદ્રશેખરે આ કમાલ કરી હતી પરંતુ એ વખતે અત્યારની માફક ટેસ્ટ રેન્કિંગની નિયમિત ગણતરી થતી ન હતી.

વિવાદ વચ્ચે લોકપ્રિયતા યથાવત્

રવીન્દ્ર જાડેજા અત્યારે દેશમા લોકપ્રિય ક્રિકેટરમાં સ્થાન ધરાવે છે પરંતુ તે ક્યારેક વિવાદમાં પણ સપડાયેલા રહ્યા છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં હાલમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સના કૅપ્ટન બનેલા અને ટીમના કંગાળ દેખાવ બાદ કપ્તાની છોડી ચૂકેલા રવીન્દ્ર જાડેજાએ આઇપીએલની કારકિર્દીનો પ્રારંભ 2008માં રાજસ્થાન રોયલ્સથી કર્યો ત્યારે શેન વોર્ન પણ તેનાથી ખૂબ પ્રભાવિત થયા હતા.

જોકે બે સિઝન રાજસ્થાન માટે રમ્યા બાદ તેમણે ત્રીજી સિઝનમાં વધુ રકમ હાંસલ કરવા માટે નિયમ વિરુદ્ધ જઈને અન્ય ફ્રેન્ચાઇઝીનો સંપર્ક કર્યો હતો જેનું પરિણામ એ આવ્યું કે 2010ની આઇપીએલમાંથી રવીન્દ્ર જાડેજાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.

ત્યાર બાદની સિઝનમાં તે કોચી ટસ્કર્સ માટે રમ્યા અને પછી ચેન્નાઈ સુપર કિંગ્સમાં કાયમી સ્થાન બનાવી લીધું. આ દરમિયાન ચેન્નાઈની ટીમને બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાતાં તે ગુજરાત લાયન્સ માટે રમ્યા હતા.

જુનિયર ક્રિકેટથી વન-ડે અને ત્યાર બાદ ટેસ્ટ અને આઇપીએલ દરમિયાન રવીન્દ્ર જાડેજાની કારકિર્દીમાં ઘણા ચડાવ ઉતાર આવ્યા છે પરંતુ સો વાતની એક વાત આ આસ્થાવાન ક્રિકેટરની લોકપ્રિયતામાં ક્યારેય ઘટાડો થયો નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો