ગુજરાત તરફથી રણજીમાં સૌપ્રથમ 300 રન ફટકારનાર પ્રિયાંક પંચાલ 'લાંબી રેસનો ઘોડો' કેમ કહેવાય છે?

  • ગુજરાતની ટીમ 2016-17ની રણજી ટ્રૉફી સિઝનમાં તો એકેય મૅચ હારી ન હતી
  • એ સિઝનમાં પ્રિયાંક પંચાલે મુંબઈ સામેની રણજી મૅચમાં 232 રન ફટકાર્યા અને ગુજરાતનો હાથ ઉપર રહ્યો
  • પંજાબ સામે ગુજરાત તરફથી રણજીમાં પ્રથમ ત્રેવડી સદી ફટકારી હતી
  • ગુજરાતની ટીમને પ્રેરણા પૂરી પાડવામાં પાર્થિવ પટેલ બાદ પ્રિયાંક પંચાલનું નામ આપવું રહે

ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે વેસ્ટ ઇન્ડિઝમાં અફલાતૂન પ્રદર્શન કરી રહી છે અને કૅરેબિયન ટીમને જીતવાની જરાય તક આપી નથી રહી. રોહિત શર્મા કે શિખર ધવન જેવા કૅપ્ટન બૅટિંગમાં જ નહીં પરંતુ એક સુકાની તરીકે પણ કમાલ કરી રહ્યા છે. બરાબર આવી જ સ્થિતિ અત્યારે રણજી ટ્રૉફીમાં ગુજરાતની છે. ગુજરાતની ટીમ પાસેથી સામાન્ય રીતે ખાસ અપેક્ષા રાખવામાં આવતી ન હતી અને ઘણાં વર્ષો સુધી વેસ્ટ ઝોનમાં પણ ગુજરાતની ટીમ છેલ્લા ક્રમે રહેતી હતી.

બીસીસીઆઈ તેનો કાર્યક્રમ જાહેર કરે એ જ વખતે હરીફ ટીમ ગુજરાત સામેની મૅચમાં પોતાને કેટલા પૉઇન્ટ મળશે તેની ગણતરી કરવા માંડતી હતી પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.

ગુજરાતની ટીમ 2016-17ની રણજી ટ્રૉફી સિઝનમાં તો એકેય મૅચ હારી ન હતી એટલું જ નહીં પરંતુ એકેય મૅચમાં ગુજરાતે પ્રથમ દાવની સરસાઈ પણ ગુમાવી ન હતી. અને અંતે તે ચૅમ્પિયન પણ બની હતી.

આ ઉપરાંત ખાસ વાત તો એ રહી હતી કે તેણે ફાઇનલમાં મુંબઈને શાનદાર ઢબે હરાવ્યું હતું. ગુજરાતની આ સફળતા માટે તત્કાલીન કૅપ્ટન પાર્થિવ પટેલ બાદ સૌથી વધારે કોઈને શ્રેય આપવો હોય તો તે છે ઓપનર પ્રિયાંક પંચાલ.

એ સિઝનમાં પ્રિયાંક પંચાલે મુંબઈ સામેની રણજી મૅચમાં 232 રન ફટકાર્યા અને ગુજરાતનો હાથ ઉપર રહ્યો.

હજી આ સ્કોરની ચર્ચા શમે નહીં ત્યાં તો પંજાબ સામે કર્ણાટકના બેલગામ ખાતેની મૅચ આવી પહોંચી. આ મૅચમાં પ્રિયાંક પહેલા દિવસે સદી ફટકારીને અણનમ રહ્યા ત્યારે જ એમ લાગતું હતું કે બીજે દિવસે તે બેવડી સદી માટે પ્રયાસ કરશે અને બરાબર એમ જ બન્યું.

બીજા દિવસે બપોર સુધીમાં તો આ 26 (એ વખતે) વર્ષીય ઓપનર બેવડી સદી નોંધાવીને રમી રહ્યા હતા અને હવે તેમણે આગેકૂચ ચાલુ રાખતાં 300નો આંક વટાવ્યો.

રણજી ટ્રૉફીમાં 300 રન

ગુજરાતે 1934થી રણજી ટ્રૉફીમાં રમવાનું શરૂ કર્યું હતું પરંતુ અત્યાર સુધીમાં કોઈ બૅટ્સમૅન 300નો આંક નોંધાવી શક્યો ન હતો.

1996ના જાન્યુઆરીમાં મુકુંદ પરમાર તેની નજીક પહોંચી ગયા હતા અને 283 રનના સ્કોરે આઉટ થઈ ગયા હતા. આમ મુકુંદ ત્રેવડી સદીથી વંચિત રહ્યા હતા પરંતુ પ્રિયાંકે આ કમી પૂરી કરી દીધી.

રણજીના ઇતિહાસમાં ગુજરાત માટે ઘણા ધુરંધરો રમી ચૂક્યા છે. જેમકે મુસ્તાક અલી અને સલીમ દુર્રાનીથી લઈને નરી કૉન્ટ્રેક્ટર, પોલી ઉમરીગર, જી. કિશનચંદ, પમનમલ પંજાબી, દીપક શોધન, જ્યોતીન્દ્ર શોધન.

વર્તમાન ક્રિકેટરનો ઉલ્લેખ કરીએ તો મુકુંદ પરમાર, નીલેશ મોદી, નીરજ પટેલ, પાર્થિવ પટેલ, ભાવિક ઠાકર અને ઋજુલ ભટ્ટ જેવા ખેલાડીઓ છે જેમનામાં મોટા સ્કોર ખડકવાની ક્ષમતા જોવા મળી છે પરંતુ તેઓ ક્યારેય 300ના મૅજિકલ આંક સુધી પહોંચી શક્યા ન હતા.

એક તબક્કે તો એમ લાગતું હતું કે ગુજરાતનો કોઈ બૅટ્સમૅન ત્રેવડી સદી ફટકારી જ શકે તેમ નથી પરંતુ પ્રિયાંકે આ સિદ્ધિ હાંસલ કરી.

અને, ત્યાર બાદ આવી જ સિદ્ધિ ગુજરાતના અન્ય ઓપનર સમિત ગોહીલે 2016-17ની જ સિઝનમાં જયપુર ખાતે ઓડિસા સામેની મૅચમાં શાનદાર અણનમ 359 રન ફટકારી દીધા.

આમ પ્રિયાંકની સફળતાના બરાબર એક મહિના બાદ વધુ એક ગુજરાતી બૅટ્સમૅન ત્રેવડી સદી ફટકારવામાં સક્ષમ બન્યા. તેને પ્રિયાંકની પ્રેરણા કહેવી કે બીજું કાંઈ તે નક્કી કરી શકાય તેમ નથી પરંતુ એક વાત નિશ્ચિત છે કે ગુજરાતની વર્તમાન ટીમને પ્રેરણાબળ પૂરું પાડવામાં પાર્થિવ પટેલ બાદ કોઈ ખેલાડીને યશ આપવો હોય તો પ્રિયાંક પંચાલનું નામ આપવું રહે.

ભારતીય ટીમનો અનુભવ

આમ તો જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ જેવા ખેલાડી પણ ગુજરાતના નવોદિત યુવાનોને પ્રેરિત કરી શકે છે પરંતુ આ બંને ખેલાડી તેમના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એટલા બધા વ્યસ્ત રહે છે કે તેમને ગુજરાતની ટીમ સાથે રમવાનો ખાસ સમય મળતો નથી. એવા સંજોગોમાં પ્રિયાંક પંચાલ આ કમી પૂરી કરી રહ્યા છે.

અમદાવાદમાં 1990ની નવમી એપ્રિલે જન્મેલા પ્રિયાંક પંચાલ એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. તેના પિતા કિરીટભાઈ (કિરીટ સોલંકી તરીકે સ્થાનિક ક્રિકેટમાં જાણીતા હતા) અમદાવાદમાં ડૉમેસ્ટિક ક્રિકેટમાં રમતા હતા પરંતુ પ્રિયાંકની ઉંમર નાની હતી ત્યારે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

તેમનાં માતાએ પ્રિયાંક અને તેમનાં નાનાં બહેનનું જતન કર્યું. નાનપણથી જ પ્રિયાંકને ક્રિકેટમાં રસ અને તેમણે 13 વર્ષની વયે તો બીસીસીઆઈની પોલી ઉમરીગર (અંડર-15) ટુર્નામેન્ટમાં રમવાનો પ્રારંભ કરી દીધો હતો. બસ, અહીંથી પ્રિયાંકે ક્યારેય પાછું વળીને જોયું નથી.

ગયા વર્ષે ભારતીય-એ ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે ગઈ હતી. તે અગાઉ પ્રિયાંક કોરોના તથા અન્ય બીમારીથી પરેશાન હતા પરંતુ તેમણે ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું અને સાઉથ આફ્રિકા જનારી ટીમના તેમને કૅપ્ટન બનાવી દેવામાં આવ્યા.

આ સિરીઝમાં પ્રિયાંકે શાનદાર દેખાવ કર્યો અને તેના ફળસ્વરૂપે તેમને ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરાયા. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ ડિસેમ્બર 2021માં સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટની સિરીઝ રમી તેમાં પ્રિયાંક પણ સામેલ હતા.

એ વાત અલગ છે કે તેને એકેય ટેસ્ટ રમવાની તક સાંપડી ન હતી કેમ કે કેએલ રાહુલ અને મયંક અગ્રવાલની ઓપનિંગ જોડીએ લગભગ ત્રણેય ટેસ્ટમાં નોંધપાત્ર દેખાવ કર્યો હતો.

જોકે આમ થવાથી પ્રિયાંકને ઇન્ટરનેશનલ ટીમ સાથે રહેવાનો બહુમૂલ્ય અનુભવ મળી ગયો જેનો લાભ અત્યારે ગુજરાતની ટીમને મળી રહ્યો છે.

પ્રિયાંક અત્યારે ગુજરાતની ટીમના નિયમિત સુકાની બની ગયા છે અને પાર્થિવ પટેલની નિવૃત્તિ બાદ તેમણે ગુજરાતની ટીમના પ્રદર્શનમાં પાર્થિવની ખોટ પડવા દીધી નથી.

7,000 કરતાં વધુ રન

2016-17થી 2019 સુધીનો સમયગાળો પ્રિયાંકની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સમય કહી શકાય કેમ કે આ ગાળામાં તેમણે બે વાર રણજી સિઝનમાં એક હજારથી વઘારે રન કર્યા હતા તો બધું મળીને આ જ સમયગાળામાં 14 સદી પણ ફટકારી હતી જેમાં પેલી યાદગાર ત્રેવડી સદી ઉપરાંત કેટલીક બેવડી સદીનો પણ સમાવેશ થતો હતો.

આ ઉપરાંત ભારત-એ ટીમના ઇંગ્લૅન્ડના પ્રવાસમાં ઇંગ્લૅન્ડ લાયન્સ સામે શાનદાર બેવડી સદી અને શ્રીલંકા-એ ટીમ સામે હવે પોતાના ફેવરિટ બની ગયેલા બેલગામના મેદાન પર ફટકારેલા 160 રનનો પણ સમાવેશ થાય છે.

બેલગામમાં આ વખતે તેમની સાથે અન્ય એક ભારતીય ટીમના સંભિવત બૅટ્સમૅન અભિમન્યુ ઇશ્વરને બેવડી સદી ફટકારી હતી અને પ્રિયાંક સાથે પહેલી વિકેટ માટે તેમણે 352 રનની વિશાળ ભાગીદારી પણ નોંધાવી હતી.

બેલગામની વાત કરીએ તો આ મેદાન પર ગુજરાતની ટીમ જ્યારે પંજાબ સામે રમી ત્યારે એવું પણ ન હતું કે હરીફ ટીમ નબળી હતી.

પંજાબે ચાર પેસ બૉલર સાથે રમવાનો નિર્ણય લીધો હતો અને તેના સુકાનીએ ટૉસ જીતીને ગુજરાતને બૅટિંગ આપી હતી તેનો અર્થ એ થયો કે તેમની પાસે વિકેટમાંથી કાંઈક મેળવવાની ક્ષમતા હતી.

પરંતુ પ્રિયાંકના જ શબ્દોમાં કહીએ તો એ દિવસે તેમણે નક્કી જ કરી લીધું હતું કે બૉલર ગમે તેવી ચાલ અજમાવે પરંતુ મારે તો રન જ કરવાના છે.

એ દિવસે તેને અક્ષર પટેલ કે ઋષ કલેરિયા જેવા બૅટ્સમૅનનો સહકાર પણ સાંપડ્યો હતો. આ બાબત જ પુરવાર કરે છે કે ગુજરાત એક ટીમ તરીકે આગળ આવી રહી છે.

101 ફર્સ્ટ ક્લાસ મૅચ

આ વખતે ગુજરાતની ટીમ ફાઇનલમાં પ્રવેશે તેવી આશા બંધાઈ ગઈ હતી અને ટીમમાં એમ કહેવાતું હતું કે માત્ર ફાઇનલ પ્રવેશ જ શા માટે અમને તો ટાઇટલ જીતવાનો ભરોસો છે. અને, અંતે ગુજરાતે ટાઇટલ જીત્યું પણ ખરું.

ટીમ જે રીતે આગળ ધપી રહી હતી તે જોતાં તેનામાં અગાઉથી જ ગુજરાતને પહેલી વાર રણજી ટ્રૉફી અપાવવાની ક્ષમતા જણાતી હતી.

પ્રિયાંકની વાત કરીએ તો તેઓ મુકુંદ પરમારની માફક લાંબી રેસના ઘોડા છે. નેશનલ પસંદગીકારો તેમની આ રમતને કેવી રીતે જુએ છે તે જોવું રહ્યું.

પ્રિયાંક અત્યારે રણજી ટ્રૉફીની સિઝનમાં સૌથી મોખરાના બૅટ્સમૅન છે અને તેના ખાતામાં સાત હજારથી વધારે રન બોલે છે તો તે 101 ફર્સ્ટ ક્લાસ મૅચ રમી ચૂકયા છે.

ભારતીય ટીમ હાલના સંજોગોમાં તો લિમિટેડ ઓવરની ક્રિકેટમાં જ રમે છે તેમ છતાં આગામી સમયમાં ટેસ્ટ ક્રિકેટમાં પણ રમશે અને ત્યારે ગુજરાતના આ લાંબી રેસના ઘોડાને પસંદ કરવા માટે પસંદગીકારોએ વર્તમાન ફોર્મને ધ્યાનમાં રાખીને ટીમને બૅલેન્સ કરવાનો પ્રયાસ કરવો પડશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો