CWG વિમૅન્સ ક્રિકેટ મૅચમાં ભારતે પાકિસ્તાનને આઠ વિકેટથી હરાવ્યું - પ્રેસ રિવ્યૂ

રવિવારે બર્મિંઘમમાં યોજાયેલ 52મી કૉમનવેલ્થ ગેમ્સમાંની ટી20 વિમૅન્સ મૅચમાં ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમની સ્પર્ધા યોજાઈ હતી.

એજબેસ્ટનમાં યોજાયેલ ગ્રૂપ મેચમાં પ્રથમ બૅટિંગ કરનાર પાકિસ્તાનની ટીમને આઠ વિકેટથી હરાવી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સ્પર્ધામાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

નોંધનીય છે કે બંને ટીમનું પ્રોત્સાહન આપવા મોટી સંખ્યામાં દર્શકો મૅચ જોવા આવ્યા હતા.

પાકિસ્તાને પ્રથમ બૅટિંગ કરતાં 18 ઓવરમાં 99 રન બનાવ્યા હતા.

આ મૅચમાં સ્મૃતિ મંધાનાની આક્રમક અર્ધસદીની મદદ ભારતીય ટીમ આઠ વિકેટની મોટી જીત મેળવી શકી હતી.

ભારતે માત્ર 11.4 ઓવરમાં બે વિકેટ પર 102 રન કરી લક્ષ્ય સરળતાથી પાર કર્યું હતું

વરસાદના કારણે બંને ટીમો વચ્ચેની મૅચ 18-18 ઓવરની રહેવા પામી હતી.

સ્નેહ રાણા, રાધા યાદવની દમદાર બૉલિંગથી પાકિસ્તાનની ટીમ 99 રનમાં સમેટાઈ ગઈ હતી.

ભારતને કૉમનવેલ્થમાં બીજો ગોલ્ડ, વેઇટ લિફ્ટિંગમાં જેરેમીએ જીત્યું પદક

જેરેમી લાલરિનૂંગાએ બર્મિંઘમ કૉમનવેલ્થ ગેમ્સ 67 કિલોગ્રામ કૅટગરીમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

શનિવારે મીરાબાઈએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ફાઇનલમાં જેરેમીએ કૂલ 300 કિલોગ્રામ વજન ઊંચક્યું. બર્મિંઘમ કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતનું આ પાંચમું પદક છે.

બીજા સ્થાન પર રહેલ વૈયપાવાએ 293 કિલોગ્રામ વજન ઊંચક્યું. રજતપદક નાઇજીરિયાના એડિડિયૉન્ગ ઓમોઆફિયાએ જીત્યું, તેમણે 290 કિલોગ્રામ વજન ઊંચક્યું.

હાવડામાં રોકડ સાથે પકડાયેલા કૉંગ્રેસના ત્રણ ધારાસભ્ય પાર્ટીમાંથી સસ્પેન્ડ

પશ્ચિમ બંગાળના હાવડામાં શનિવારે રાત્રે જંગી રોકડ સાથે ઝડપાયેલા ત્રણેય કૉંગ્રેસ ધારાસભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

નવી દિલ્હીમાં પાર્ટીની પત્રકારપરિષદમાં કૉંગ્રેસના ઝારખંડ પ્રભારી અવિનાશ પાંડેએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ નિર્ણય તાત્કાલિક અસરથી લેવામાં આવ્યો છે.

કૉંગ્રેસના આ ત્રણ ધારાસભ્યો જામતારાના ધારાસભ્ય ઈરફાન અંસારી, ખીજરીના રાજેશ કચ્છપ અને કોલેબિરાના નમન બિક્સલ છે.

આ દરમિયાન પવન ખેડાએ આરોપ લગાવ્યો કે ભાજપ જે રાજ્યોમાં ચૂંટણી દ્વારા પોતાની સત્તા સ્થાપિત કરી શકતો નથી ત્યાં આવી રીત અપનાવે છે.

તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે, "પહેલાં અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા અને હવે ઝારખંડ. ભાજપ દર મહિને પોતાની નિમ્ન કક્ષાની રાજનીતિનું ઉદાહરણ આપે છે."

તો કૉંગ્રેસના આવા જ આરોપોને ફગાવતાં કેન્દ્રીય મંત્રી અને રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી અર્જુન મુંડાએ કહ્યું હતું કે પોતાની ભૂલો છુપાવવા માટે બીજા પર પાયાવિહોણા આરોપો કરવાની કૉંગ્રેસની આદત છે.

એએનઆઈ અનુસાર, અર્જુન મુંડાએ કહ્યું, "તેમણે (કૉંગ્રેસના ધારાસભ્યો) સ્પષ્ટ કરવું જોઈએ કે તેમની કારમાંથી કબજે કરવામાં આવેલા તમામ પૈસા ક્યાંથી આવ્યા?"

સંજય રાઉતના ઘરે EDના દરોડા, કરોડોના જમીનકૌભાંડનો મામલો શું છે?

સમાચાર સંસ્થા ANI અનુસાર આજે સવારે ઈડીની ટીમ સંજય રાઉતના નિવાસસ્થાને પહોંચી હતી. આ તપાસનું કનેક્શન 'પતરાચાલી જમીનકૌભાંડ' કેસ સાથે હોવાનું માનવામાં આવે છે.

સમાચાર સંસ્થા એએનઆઈ પ્રમાણે આ સંદર્ભે રાઉતની ઈડીએ પૂછતાછ પણ કરી છે. સવારે સાત વાગ્યે જ સંજય રાઉતના નિવાસસ્થાને ઈડીની ટીમ પહોંચી ગઈ હતી.

એજન્સી અનુસાર સંજય રાઉતને ઈડી દ્વારા 28 જૂને 1,034 કરોડના 'પતરાચાલી જમીનકૌભાંડ' મામલે સમન્સ પાઠવવામાં આવ્યા હતા.

સમન્સ પર તેઓ હાજર નહોતા થયા અને સંસદના ચોમાસું સત્ર હોવાથી હાજર થઈ શકે એમ નથી, એવું કારણ આગળ ધર્યું હતું.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં હવે એકનાથ શિંદે મુખ્ય મંત્રી બન્યા છે. પાર્ટીના સભ્યોએ બળવો કરતા ઉદ્ધવ ઠાકરેને રાજીનામું આપવું પડ્યું હતું.

મીરાબાઈ ચાનુએ કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

મીરાબાઈ ચાનુએ 49 કિલોગ્રામ ભાર વર્ગમાં વજન ઉઠાવીને કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

ચાનુએ સ્નૈચ રાઉન્ડ બાદ 12 કિલોની ભારે સરસાઈ મેળવી હતી.

ચાનુ પર વખતે શરૂઆતથી વિશ્વાસ હતો, તેમણે કુલ 201 કિલો વજન ઊંચક્યું હતું. સ્નૈચમાં તેમણે 88 કિલો વજન ઊંચક્યું હતું. જ્યારે ક્લીન અને જર્કમાં 113 કિલો વજન ઊંચક્યું હતું. તેમણે આ કૅટેગરીમાં રેકૉર્ડ બનાવ્યો છે.

પહેલા પ્રયાસમાં તેમણે 84 કિલો વજન ઊંચક્યું હતું. બીજા પ્રયાસમાં તેમણે 88 કિલો વજન ઊંચકીને પર્સનલ બેસ્ટની બરાબરી કરી હતી.

મીરાબાઈ ટોક્યો ઑલિમ્પિકમાં સિલ્વર મેડલિસ્ટ છે.

ભારતની આર્થિક સ્થિતિ અંગે રઘુરામ રાજન શું બોલ્યા?

ભારતીય રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે ભારતની સ્થિતિ શ્રીલંકા કે પાકિસ્તાન જેવી નથી થઈ રહી. અહીંની આર્થિક સમસ્યાઓ શ્રીલંકા અને પાકિસ્તાન જેવી નથી. ભારત પાસે પૂરતી માત્રામાં વિદેશ મુદ્રા ભંડાર છે અને વિદેશી કરજ પણ છે.

રાજને આરબીઆઈનાં વખાણ કરતા કહ્યું કે બૅન્કે વિદેશી મુદ્રા ભંડારને વધારવા માટે સારું કામ કર્યું છે.

આરબીઆઈના તાજા આંકડાઓ અનુસાર, 22 જુલાઈ સુધી ભારત માટે 571.76 બિલિયન ડૉલરનો વિદેશી મુદ્રા ભંડાર છે. તો માર્ચ 2022ના અંત સુધીમાં દેશ પર કુલ 620.7 બિલિયન ડૉલરનું વિદેશી દેવું છે.

રાજને એ ચેતવણી પણ આપી કે ભારતે સારા ભવિષ્ય અને આર્થિક વિકાસ માટે તેના ઉદારવાદી લોકતંત્ર અને લોકતાંત્રિક સંસ્થાઓને મજબૂત કરવાની જરૂર છે.

રઘુરામ રાજન શનિવારે 'ભારતના આર્થિક વિકાસ માટે કેમ ઉદારવાદી લોકતંત્રની જરૂર છે' એ મુદ્દા પર બોલી રહ્યા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો