You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લઠ્ઠાકાંડ : 'આંખે અંધારાં આવ્યાં અને...', ઝેરી દારૂ પીધા બાદ બચી ગયેલા લોકોની આપવીતી
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
લઠ્ઠાકાંડ વિશે ટૂંકમાં
- ગુજરાતમાં તાજેતરમાં થયેલા લઠ્ઠાકાંડને લઈને લોકોમાં આક્રોશ છે અને સરકારે પણ કાર્યવાહી હાથ ધરી છે
- આ કાંડમાં અત્યાર સુધીમાં 39 લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા સારવાર બાદ ઘરે પરત ફર્યા છે
- ગુજરાતમાં બનેલી આ ઘટના બાદ લોકો સોશિયલ મીડિયામાં પણ આક્રોશ ઠાલવી રહ્યા છે અને દારૂબંધીની નીતિ સામે સવાલ થયા છે
ગુજરાતમાં બોટાદ જિલ્લામાં થયેલા 'લઠ્ઠાકાંડ'ને લીધે અનેક પરિવારોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે, કેટલાકે ઘરના મોભી ગુમાવ્યા છે અને છોકરાઓ નિરાધાર બન્યા છે.
બોટાદમાં થયેલી ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 39 લોકોનાં મોત થયાં છે. દેશી દારૂ પીધા બાદ અનેક લોકોને અમદાવાદ, ભાવનગર, બોટાદની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કેટલાકના સારવાર દરમિયાન મોત થયાં છે, તો કેટલાક લોકો સારવાર બાદ સાજા થયા પછી ઘરે આવ્યા છે.
90 જેટલા લોકો સારવાર હેઠળ હતા, જેમાંના કેટલાકને સરવાર બાદ રજા અપાઈ છે.
સારવાર બાદ પોતાના ઘરે આવેલા લોકોએ જણાવ્યું હતું કે દારૂ પીધા બાદ તેમની કેવી હાલત થઈ હતી.
આ લઠ્ઠાકાંડનો મુખ્ય શિકાર રોજિદ ગામ બન્યું છે. ગામ હાલ શોકનો માહોલ છે અને મૃતકના સ્વજનોને લોકો સાંત્વના આપી રહ્યા છે.
'અચાનક આંખે અંધારાં આવવાં લાગ્યાં'
બોટાદમાં થયેલા આ લઠ્ઠાકાંડને લઈને રાજ્યભરમાં આક્રોશ છે. લોકો સોશિયલ મીડિયામાં પણ ગુજરાતમાં ચાલતી દારૂબંધીની નીતિ સામે અવાજ ઉઠાવી રહ્યા છે.
ગુજરાત સરકારનો દાવો છે કે કેમિકલને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી, જોકે લોકોની વાત પરથી હકીકત જરા જુદી જણાઈ આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારે મીડિયા અહેવાલો અને સરકાર તેમજ પોલીસમાં આ ઘટનાના 'કેમિકલકાંડ' તરીકેના નિરૂપણથી અનેક મૂંઝવણો ઊભી થઈ છે.
રોજિદ ગામના અનિલભાઈ હૉસ્પિટલમાંથી સારવાર લઈને ઘરે પરત ફર્યા છે.
બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે કે તેમણે બે થેલી દારૂ પીધો હતો. પછી આંખમાં ઘેન ચડ્યું અને ચક્કર જેવું આવવા લાગ્યું. પછી તપાસ કરવા ગયા અને દાખલ કરી દીધો હતો. તેઓ ચાર દિવસ બાદ સારવાર લઈને પાછા આવ્યા છે.
તો રોજિદ ગામના હિંમતભાઈ કહે છે, "અમે ચાર લોકો હતા. દારૂની પાંચ થેલી લાવ્યા હતા. પછી ચારેયે દારૂ પીધો. પછી બેની તબિયત બગડી હતી. તેમને દવાખાને દાખલ કર્યા હતા. પછી એ બે લોકો મરણ પામ્યા. પછી મને ફોન આવ્યો કે જો દારૂ પીધો હોય તો કહી દે. પછી મને પણ દવાખાને લઈ ગયા હતા."
તેઓ કહે છે કે "મને આંખે અંધારાં આવતાં હતાં. સામે કોઈ ઊભું હોય તો દેખાતું નહોતું."
'દારૂ પીધો હતો, કેમિકલ નહીં'
અન્ય એક વ્યક્તિ પણ કહે છે કે બધા એમ કહે છે કે કેમિકલ પીધું છે, કેમિકલ કોઈ જાણી જોઈને પીવે ખરું. દારૂ પીધો હતો.
વિનોદભાઈ કહે છે કે "મને ખબર હતી કે દારૂ છે, એવી ખબર નહોતી કે કેમિકલ છે કે લઠ્ઠો. સવારે બે થેલી પીધી હતી અને રાતે અસર થઈ એટલે રાતે બે વાગ્યે દાખલ કર્યો હતો."
સરકારનું કહેવું છે કે આ લોકોએ કેમિકલ પીધું હતું, જોકે સારવાર લઈને આવેલા લોકોનું કહેવું છે કે તેમણે દેશી દારૂ જ પીધો હતો.
રોજિદ ગામના સરપંચ જિગર ડુંગરાણીના જણાવ્યા પ્રમાણે, ગુજરાત સરકાર ખાલી ભરમાવવા માટે આમ કહી રહી છે.
તેઓ કહે છે, "પોલીસ કહે છે કે કેમિકલ પીવાથી આ લોકોનાં મૃત્યુ થયાં છે. તો મુદ્દો એ જ છે કે જો ગામમાં દારૂ વેચાવાનો બંધ થઈ ગયો હોય અને તેની જગ્યાએ કેમિકલ મળવાનું શરૂ થઈ ગયું હોય તો એમાં વાંક કોનો?
તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ-કૉન્ફરન્સ કરીને માહિતી આપી હતી કે "કેમિકલકાંડ કે લઠ્ઠાકાંડ, સરકાર કોઈ રીતે હાથ ઊંચા કરવા નથી માગતી. સરકાર સો ટકા કડકમાં કડક પગલાં ભરશે."
દેશી દારૂ ઝેર કઈ રીતે બની જાય છે?
દારૂને વધારે નશીલો બનાવવા માટે તેમાં ઑક્સિટોસિન ભેળવી દેવામાં આવે છે, જે મૃત્યુનું કારણ બને છે.
હાલનાં વર્ષોમાં ઑક્સિટોસિન વિશે એવી જાણકારી સામે આવી છે કે ઑક્સિટોસિનથી નપુંસકતા અને નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી ઘણા પ્રકારની બીમારીઓ થઈ શકે છે.
તેના સેવનથી આંખોમાં બળતરા, ખંજવાળ અને પેટમાં બળતરા થઈ શકે છે અને લાંબાગાળે તેનાથી આંખોની રોશની પણ જઈ શકે છે.
કાચા દારૂમાં યૂરિયા અને ઑક્સિટોસિન જેવા કેમિકલ પદાર્થ ભેળવવાના કારણે મિથાઇલ આલ્કોહૉલ બની જાય છે જે લોકોનાં મૃત્યુનું કારણ બને છે.
વૈજ્ઞાનિકો કહે છે કે મિથાઇલ આલ્કોહૉલ શરીરમાં જતા કેમિકલ રિએક્શન તીવ્ર બની જાય છે. તેનાથી શરીરના અંદરના અંગ કામ કરવાનું બંધ કરી દે છે અને તરત મૃત્યુ થઈ જાય છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો