You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આગામી આઈપીએલમાં હાર્દિક પંડ્યા સાથે રમનારા પાલનપુરના ઉર્વીલ પટેલ ક્રિકેટર કેવી રીતે બન્યા?
- પાલનપુરના ઉર્વીલ પટેલની ગુજરાત ટાઇટન્સની ટીમમાં પસંદગી થઈ છે
- ઉર્વીલ 6 વર્ષના હતા, ત્યારથી જ પિતાએ ક્રિકેટ રમવા માટે પ્રેરણા આપી હતી
- ઉર્વીલનાં માતાપિતા બંને શિક્ષક છે
- ગુજરાત ટાઇટન્સની ટીમમાં ઉર્વીલનો રોલ વિકેટકીપર અને બૅટ્સમૅન તરીકેનો છે
પાલનપુરના ઉર્વીલ પટેલની ગુજરાત ટાઇટન્સની ટીમમાં પસંદગી થઈ છે. ઉર્વીલ માત્ર 6 વર્ષના હતા, ત્યારથી જ તેમને ક્રિકેટનો ખૂબ શોખ હતો.
ઉર્વીલનાં માતાપિતા બંને શિક્ષક છે. ઉર્વીલ 6 વર્ષના હતા, ત્યારથી જ પિતાએ ક્રિકેટ રમવા માટે પ્રેરણા આપી અને તેને પ્રૅક્ટિસ શરૂ કરાવી હતી. જે મહેનત આજે આઈપીએલમાં સિલેક્શન થવાથી ફળી છે.
બીબીસી ગુજરાતી સાથે ઉર્વીલે વાત કરતા જણાવ્યું હતું કે, “આજે મારું આઈપીએલ ગુજરાત ટાઇટન્સની ટીમમાં સિલેક્શન થયું છે, જે ગયા વર્ષની ચૅમ્પિયન ટીમ છે. મારી સાથે ગુજરાતમાંથી કૅપ્ટન તરીકે હાર્દિક પંડ્યા પણ સામેલ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, “ટીમના મૅનેજમૅન્ટે મને તક આપી તેના માટે હું ઘણો ખુશ છું. વર્ષોથી મારું સ્વપ્ન હતું કે હું આઈપીએલમાં રમું, જે આજે સફળ થયું છે.”
ઉર્વીલે બીજા ખેલાડીઓને સંદેશ આપ્યો હતો કે, જો આપણે ધગશ અને લગન સાથે મહેનત કરીએ તો સફળતા મળે જ છે.
“ભારત માટે સિલેક્શન થાય એ જ ઇચ્છુ છું”
ઉર્વીલે ટીમમાં સિલેક્શન થવા પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, “ગુજરાત ટાઇટન્સની ટીમમાં સિલેક્શન થવાથી મને ખૂબ ખુશી થઈ છે. આ ટીમમાં મારો રોલ વિકેટકીપર અને બૅટ્સમૅન તરીકેનો છે. મને ઘણી ખુશી થાય છે કે મને દિગ્ગજ ક્રિકેટરો સાથે રમવા મળશે, ડ્રેસિંગ રૂમ શૅર કરવા મળશે. મને દિગ્ગજ ક્રિકેટરો પાસેથી શિસ્તતાથી લઈને ઘણું બધુ શીખવા મળશે. હું એ પળની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.”
“દરેક ક્ષેત્રમાં મહેનત તો કરવી જ પડે છે, પણ જો આપણે નક્કી કર્યું હોય કે આપણે કઈ જગ્યાએ પહોંચવું છે, તો તેમાં સફળતા મળે જ છે. આ સફળતા પાછળ મારા પરિવાર, મિત્ર, કોચ દરેકે મને ઘણી મદદ કરી છે.”
તેઓએ વધુમાં કહ્યું હતું કે, “રોજ હું 6થી 7 કલાક ક્રિકેટની પ્રૅક્ટિસ કરતો હતો. ઑલ ઇન્ડિયામાં બીસીસીઆઈ તરફથી સૈયદ મુસ્તાક અલી ટૂર્નામેન્ટ રમાય છે, જેમાં મેં આ વર્ષે 18 બૉલમાં 50 રન કરી ઓલ ઇન્ડિયામાં ફાસ્ટેસ્ટ 50 નોંધાવી હતી. એના આધારે ગુજરાત ટાઇટન્સે મને પસંદ કરી તક આપી છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉર્વીલે પોતાનાં લક્ષ્ય વિશે વાત કરતા કહ્યું હતું કે, “મારું લક્ષ્ય આઈપીએલમાં સિલેક્ટ થવાનું હતું, જે પૂરું થયું છે, પણ દરેક ખેલાડીનું એક સ્વપ્ન હોય છે કે ભારતની ટીમ માટે રમે, તો મારો પણ એ જ ગોલ છે કે, હું આઈપીએલની દરેક મૅચમાં સારું પ્રદર્શન કરું અને ભારત માટે મારું સિલેક્શન થાય.”
“પિતાનું સ્વપ્ન હતું કે ઉર્વીલ ક્રિકેટર બને”
ઉર્વીલનાં માતા ગીતા બહેને કહ્યું હતું કે, “ઉર્વીલ 6 વર્ષનો હતો, ત્યારથી તેને ક્રિકેટનો ઘણો શોખ હતો. તેના પિતાએ તેને ક્રિકેટમાં વધવા પ્રેરણા આપી હતી. આજે ઉર્વીલનું સિલેક્શન થવા પર મને ઘણી ખુશી થઈ રહી છે.”
ઉર્વીલનાં બહેને જણાવ્યું હતું કે, “ઉર્વીલને ઇન્ડિયાનું સૌથી મોટું પ્લૅટફૉર્મ મળ્યું છે, આઈપીએલમાં રમવાની તક મળી છે. મારાં માતા-પિતા બંને શિક્ષક છે, પણ પિતાનું સ્વપ્ન હતું કે ઉર્વીલ ક્રિકેટર બને.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “હું અને ઉર્વીલ બાળપણમાં જ્યારે સાથે અભ્યાસ કરતા, ત્યારે તેને સતત લાગ્યા કરતું હતું કે, અભ્યાસમાં ધ્યાન આપીશ તો ક્રિકેટ રહી જશે અને ક્રિકેટમાં ધ્યાન આપીશ તો અભ્યાસ રહી જશે.”
“આજે ઉર્વીલે સખત મહેનત કરીને માતા-પિતાનું સ્વપ્ન પૂરું કર્યું છે, મારી અને માતા-પિતાની પણ આશા છે કે, આઈપીએલની ટીમમાં તે સારું પ્રદર્શન કરી, ભારતની ટીમ માટે સિલેક્ટ થાય.”
“માત્ર 6 વર્ષની ઉંમરે પ્રૅક્ટિસ શરૂ કરી હતી”
ઉર્વીલના પિતા મુકેશભાઈ પટેલે દીકરાની ગુજરાત ટાઇટન્સમાં પસંદગી માટે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, “ઉર્વીલ માત્ર 6 વર્ષનો હતો, ત્યારથી જ તેણે ક્રિકેટના ગ્રાઉન્ડમાં પ્રૅક્ટિસ શરૂ કરી હતી. જ્યારે તેણે પ્રૅક્ટિસ શરૂ કરી, ત્યારથી મને એવું લાગ્યા કરતું હતું કે ઉર્વીલ ક્રિકેટમાં આગળ જશે. ઉર્વીલ ક્રિકેટમાં આગળ વધે તે માટે હું નાનપણથી તેને પ્રૅક્ટિસ કરાવી પ્રેરણા આપી રહ્યો હતો.”
“ઉર્વીલે અંડર-14, અંડર-16, અંડર-19, 19 વર્લ્ડકપ, નેશનલ ક્રિકેટ ઍકેડેમી, કૂચ બિહાર ટ્રૉફી (Cooch Behar trophy), વિજય મર્ચન્ટ ટ્રૉફી, વિનુ માંકડ ટ્રૉફી, વિજય હઝારે ટ્રૉફી, સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી આ તમામ ટૂર્નામેન્ટમાં ઉર્વીલની પસંદગી થઈ હતી. આ તમામ ટૂર્નામેન્ટમાં બેસ્ટ સ્કોર સાથે ઉર્વીલનું ગુજરાત ટાઇટન્સમાં પણ સિલેક્શન થયું એ માટે અમે ખૂબ ખુશ છીએ.”
તેઓએ વધુમાં કહ્યું હતું કે, “હવે અમે એજ ઇચ્છીએ છે કે, ઉર્વીલ ગુજરાત ટાઇટન્સની ટીમમાં બેસ્ટ પ્રદર્શન કરી ઇન્ડિયાની ટીમમાં ઝડપથી સ્થાન મેળવે અને ખૂબ આગળ વધીને બનાસકાંઠા, ગુજરાત અને ભારતનું નામ રોશન કરે એવી જ શુભેચ્છા પાઠવીએ છે.”
“સવારે 7થી બપોરે 1 વાગ્યા સુધી પ્રૅક્ટિસ કરતો હતો”
ઉર્વીલના કોચ પ્રકાશભાઈ પટનીએ જણાવ્યું હતું કે, “હું બીસીસીઆઈ ઍકેડેમીમાં ક્રિકેટ કોચ તરીકે ફરજ બજાવું છું. ઉર્વીલ 6 વર્ષથી મારી પાસે પ્રેક્ટિસ માટે આવતો હતો, તેને આજે 15 વર્ષે પરિણામ મળ્યું છે.”
તેઓએ વધુમાં કહ્યું હતું કે, “ઉર્વીલ રોજ સવારે 7 વાગ્યે આવીને 1 વાગ્યા સુધી પ્રૅક્ટિસ કરતો હતો, તે ખૂબ મહેનત કરતો હતો. તેનું સિલેક્શન થવા પર તેને હું અભિનંદન પાઠવું છું.”