You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટેસ્ટ ક્રિકેટમાં ગરીબોના ગેરી સોબર્સ કહેવાતા ગુજરાતી ક્રિકેટર રૂસી સુરતીની કહાણી
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
વેસ્ટ ઇન્ડીઝ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના સર્વકાલીન મહાન ઑલરાઉન્ડર તરીકે સર ગારફિલ્ડ સોબર્સનું નામ લેવાય છે. ગેરી સોબર્સ તરીકે જાણીતા એવા આ સોબર્સ બેટિંગમાં તો ઉપયોગી હતા જ, પરંતુ સાથે સાથે તેઓ ઝડપી બૉલિંગ, સ્વિંગ બૉલિંગ તથા લેફ્ટ આર્મ સ્પિન બૉલિંગ પણ કરી શકતા હતા અને એક ઉમદા ફિલ્ડર પણ હતા.
365 રનનો સર્વોચ્ચ સ્કોર (એ સમયનો વર્લ્ડ રેકૉર્ડ), આઠ હજારથી વધારે રન અને 235 વિકેટ, 100 જેટલા કેચ આ રેકૉર્ડ સોબર્સને આસાનીથી મહાન ક્રિકેટરની શ્રેણીમાં મૂકી દે છે.
જોકે એ વાત અલગ છે કે આજના ક્રિકેટમાં આ રેકૉર્ડ કદાચ ટૉપ-10માં પણ નહીં હોય પણ તેઓ ઉમદા ક્રિકેટર અને ઉમદા વ્યક્તિ હતા બસ આવા જ તમામ ગુણ ભારતના રૂસી સુરતીમાં હતા.
મૂળ સુરતના અને થોડા સમય માટે મુંબઈ રહ્યા બાદ ગુજરાત (તથા રાજસ્થાન) માટે રણજી ટ્રૉફી રમીને ભારતીય ટીમમાં સ્થાન હાંસલ કરનારા રૂસી સુરતીનું નામ આજે તેમના નિધનના 12-13 વર્ષ બાદ પણ એટલા જ આદરથી લેવાય છે.
રૂસી સુરતીમાં એ તમામ ગુણ હતા જે ગેરી સોબર્સમાં હતા, પરંતુ સોબર્સના વર્લ્ડ ક્લાસને કારણે રૂસી સુરતીને ગરીબોના સોબર્સ કહેવામાં આવતા હતા. એક વાતમાં તો સુરતી વધારે ચડિયાતા હતા અને તે તેમની ચિત્તા જેવી ફિલ્ડિંગ.
પારસીઓના ગૌરવસમાન અને વિશ્વવિખ્યાત ક્રિકેટ લેખક તથા કાયમ માટે ઑસ્ટ્રેલિયામાં વસેલા કેરસી મેહર હોમજીએ તો રૂસી વિશે એટલે સુધી લખ્યું હતું કે કદાચ રૂસી સુરતી ફિલ્ડિંગની બાબતમાં સોબર્સ કરતાં ચડિયાતા હતા.
કેમ કે તેઓ જંગલમાં ચિત્તો આંટા મારતો હોય અને જે રૂઆબ જોવા મળે તે સુરતીમાં દેખાતો હતો. કવર તરફ બૉલ જાય તો કોઈ બૅટ્સમૅન રન લેવાનો વિચાર સુધ્ધાં કરતો ન હતો. કેમ કે એ તરફ રૂસી સુરતી ઊભા રહેતા હતા.
સુરતીના નામે 8245 રન
આ તો રૂસી સુરતીની ફિલ્ડિંગની ખાસિયત થઈ પણ તેઓ ઉમદા બૅટ્સમૅન પણ હતા. એક વાત તેમની વિરુદ્ધમાં જતી હતી અને તે તેમની સદી વંચિત રહેવાની બાબત.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રૂસી સુરતી તમામ પ્રકારના ક્રિકેટમાં મળીને સમગ્ર કારકિર્દીમાં 165 મૅચ અને 283 ઇનિંગ્સ રમ્યા હતા, જેમાં તેમણે માત્ર છ જ સદી ફટકારી હતી.
આ બાબત તેમની સુવર્ણમયી કારકિર્દીમાં થોડી વિરુદ્ધ જનારી બાબત હતી. પણ તેમણે 55 અડધી સદી ફટકારી હતી. ક્રિકેટ જીવનમાં સુરતીના નામે 8245 રન છે, તો 290 વિકેટ પણ છે અને સાથે સાથે 122 કેચ તો ખરાં જ.
રૂસી સુરતી ભારતના એવા ગણ્યાગાંઠ્યા કમનસીબ બૅટ્સમૅનમાં સ્થાન ધરાવે છે, જેમણે ટેસ્ટ ક્રિકેટમાં એક હજારથી વધારે રન કર્યા હોય, પરંતુ ક્યારેય સદી ફટકારી ન હોય.
આવા કિસ્સામાં ચેતન ચૌહાણની યાદ જરૂર આવે, પરંતુ રૂસી તો ટેસ્ટ ઇનિંગ્સમાં છેક 99 રનના સ્કોરે પહોંચી ગયા હતા અને સદીથી વંચિત રહ્યા. ત્યારબાદ તેમને ફરીથી ક્યારેય સદી સુધી પહોંચવાની તક સાંપડી ન હતી.
1936ની 25મી મેએ સુરતમાં જન્મેલા રૂસી સુરતી ભારત માટે 26 ટેસ્ટમાં રમ્યા અને તેમાં તેમણે 1263 રન ફટકાર્યા હતા, તો 42 વિકેટ ઝડપી અને 26 કેચ પણ ઝડપ્યા હતા. સદી તો એકેય નહીં પરંતુ તેમણે નવ અડધી સદી ફટકારી હતી.
આજથી બરાબર 55 વર્ષ અગાઉ 1968ની સાતમી માર્ચે ઑકલૅન્ડ (ન્યૂઝીલૅન્ડ) ખાતેની ટેસ્ટમાં રૂસી સુરતી 99 રનના સ્કોરે આઉટ થયા હતા. એ ટેસ્ટમાં પટૌડીની ભારતીય ટીમનો વિજય થયો હતો અને એ સાથે ભારતે પહેલી વાર વિદેશમાં સિરીઝ જીતી હતી.
જ્યારે ભવિષ્યના સુપરસ્ટારની આગાહી કરી
રૂસી સુરતી હંમેશાં માત્ર ક્રિકેટ વિશે જ વિચારતા હતા અને ભવિષ્ય વિશે સચોટ વાત કરી શકતા હતા. જોકે તેઓ ભવિષ્યવેતા ન હતા, પરંતુ તેની પાછળ તેમનો ક્રિકેટને લગતો અભ્યાસ હતો.
2013માં તેમનું નિધન થયું તે અગાઉ જાન્યુઆરી 2012માં ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી અને સિરીઝની ચારેય ટેસ્ટમાં તેનો પરાજય થયો હતો.
એ વખતે સુરતીએ કહ્યું હતું કે, આ ટીમમાં પ્રતિભાની કમી નથી. બસ, ટીમને સારી રીતે મૅનેજ કરવાની જરૂર છે. ટીમમાં ઘણા ખેલાડી તેમના નામને ખાતર જ ટકી રહ્યા છે. (સચીન, દ્રવિડ, લક્ષ્મણ, ગાંગુલી તરફ સંકેત હતો) પરંતુ બોર્ડે એ પણ જોવું જોઇએ પસંદગી વખતે કોઈ સિનિયર કે જુનિયર હોતો નથી, માત્ર ફૉર્મ જ મહત્ત્વનું હોય છે, કેમ કે બાકીના કેટલાક ખેલાડી માત્ર ટૂરિસ્ટ વિઝા પર ઑસ્ટ્રેલિયા આવ્યા નથી.
એ જ વખતે તેમણે ચાર ખેલાડીનાં નામ આપ્યાં હતાં કે જેઓ ભવિષ્યમાં ભારતના સુપરસ્ટાર બની શકે તેમ છે. અને તેઓ કેટલા સાચા ઠર્યા તે આ ખેલાડીઓના નામ વાંચશો એટલે ખ્યાલ આવી જશે. એ ચાર ખેલાડી હતા... વિરાટ કોહલી, રોહિત શર્મા, સુરેશ રૈના અને રવીન્દ્ર જાડેજા.
સુરેશ રૈના હવે નિવૃત્ત થઈ ગયા છે અને બાકીના ત્રણ ખેલાડી અત્યારે ક્યાં પહોંચી ગયા છે તે જોવા માટે રૂસી સુરતી આપણી વચ્ચે નથી.
આવી જ રીતે આ પ્રવાસ વખતે સુરતીએ એવું સૂચન પણ કર્યું હતું કે રાહુલ દ્રવિડ અને અનિલ કુંબલેમાં ભારતીય ટીમને કોચિંગ આપવાની તથા મૅનેજ કરવાની ક્ષમતા છે. આજે રાહુલ દ્રવિડ ભારતના સફળ કોચ બની ગયા છે, તો કુંબલેએ આ જવાબદારી અગાઉ અદા કરી હતી.
આખાબોલા રૂસી
ગુજરાતમાં કહેવાય છે કે, સુરતીઓ બોલવામાં આખાબોલ હોય છે. તેમના ઘણા શબ્દો આમ તો અતિ સામાન્ય (તેમના માટે) હોય છે, પણ તે જાહેરમાં લખી શકાતા નથી અને રૂસી સુરતી પણ આ આખાબોલાપણામાં બાકાત ન હતા.
ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની સૌથી કરુણ ઘટના પૈકીની એક એટલે 1962માં વેસ્ટ ઇન્ડીઝના ચાર્લી ગ્રિફિથના બૉલે નરી કૉન્ટ્રાક્ટરનું ઘાયલ થવું. માર્ચ 1962માં બાર્બાડોઝ સામેની બ્રિજટાઉન ખાતેની મૅચમાં કૉન્ટ્રાક્ટર ઘાયલ થયા, ત્યારે તેમની સાથે સામે છેડે રૂસી સુરતી બેટિંગ કરી રહ્યા હતા.
ગ્રિફિથની બૉલિંગ સામે સુરતીએ વિરોધ નોંધાવ્યો હતો અને તેઓ થ્રો બૉલિંગ કરે છે તેમ કહીને અમ્પાયર્સને ચેતવ્યા હતા, પણ તેનાથી કોઈ ફરક પડ્યો નહીં અને કૉન્ટ્રાક્ટર એક બાઉન્સરમાં ઘાયલ થયા હતા, જે બાઉન્સરે તેમની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.
એ ઘટના બાદ સુરતીએ ટીમના બાકીના ખેલાડીઓ વચ્ચે જાહેર કર્યું હતું કે હવે જો હરીફો મર્યાદા વટાવશે, તો હું મેદાન પર કાંઈ પણ બોલતા અચકાઈશ નહીં.
‘હું ભારતમાં છેલ્લા શ્વાસ લેવાનું પસંદ કરીશ’
ખુદ નરી કૉન્ટ્રાક્ટર પણ માનતા હતા કે રૂસીની ખરી રમત તો એ પ્રવાસમાં જોવા મળી હતી, જ્યાં તેણે કેરેબિયન ઝંઝાવાતનો હિંમતપૂર્વક સામનો કર્યો હતો.
રૂસી સુરતી ઑસ્ટ્રેલિયા સામે સૌથી સફળ રહ્યા છે.
ખાસ કરીને ઑસ્ટ્રેલિયાના મેદાન પર તેઓ સૌથી સફળ રહ્યા છે. ત્યાં તેમણે ભારત માટે બે વાર પ્રવાસ કર્યો અને તેમાં ચાર ચાર અડઘી સદી ફટકારી હતી.
છેલ્લે બ્રિસબેનમાં તેમણે બંને દાવમાં અડધી સદી ફટકારી. આ બ્રિસબેનમાં તેમનું મન વસી ગયું હશે અને થોડા સમય બાદ તેઓ કાયમ માટે બ્રિસબેનમાં જ સ્થાયી થઈ ગયા. તેઓ ઑસ્ટ્રેલિયામાં ક્વિન્સલૅન્ડ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા હતા.
2013માં તેઓ બીમારીની સારવાર માટે ભારત આવ્યા હતા અને મુંબઈની જશલોક હૉસ્પિટલમાં તેમને દાખલ કરાયા ત્યારે તેમના પુત્ર પર્સીને તેમણે કહ્યું હતું કે ભલે ચાર દાયકાથી ઑસ્ટ્રેલિયામાં વસ્યા છીએ, પરંતુ હું ભારતમાં છેલ્લા શ્વાસ લેવાનું પસંદ કરીશ અને તેમની આ ઇચ્છા પૂર્ણ પણ થઈ.
ભારતમાં રૂટિન પ્રવાસે આવેલા સુરતીની સ્ટ્રૉક આવતાં તેમને મુંબઈમાં સારવાર માટે ખસેડાયા, જ્યાં તેમણે 2013ની 13મી જાન્યુઆરીએ અંતિમ શ્વાસ લીધા.