એક એવું ગામ, જ્યાં આઝાદીનાં 75 વર્ષ પછી પહેલી વાર કૉલેજમાં ભણવા ગઈ છોકરીઓ

    • લેેખક, ગુરપ્રીત સૈની અને રિતિકા
    • પદ, બીબીસી હિન્દી અને ફેમિનિઝમ ઇન ઇન્ડિયા (હિન્દી)

પહેલી વાર નૈનાને મળ્યાં ત્યારે તેને જોઈને એવું લાગ્યું ન હતું કે તેણે તેના પિતાને આકરો જવાબ આપ્યો હશે, પણ તેની જીદ કૉલેજમાં અભ્યાસ કરવાની હતી.

નૈનાએ કહ્યું હતું કે, “મારા પિતાએ મનાઈ કરી ત્યારે મેં પણ જીદ કરી હતી કે હું ભણીશ અને ભણીશ જ. મેં તેમને કહ્યું હતું કે હું કશું ખોટું કરું તો તમે મારું ગળું કાપી નાખજો.”

નૈનાને ખબર હતી કે કૉલેજમાં ભણવાનાં સપનાં જોતાં હોય તેવાં એ ગામનાં પ્રથમ યુવતી ન હતાં, પરંતુ પોતાના સપનાને હકીકતમાં બદલવાનો દૃઢ નિશ્ચય કરી ચૂકેલાં પ્રથમ યુવતી તેઓ જરૂર હતાં.

નૈના તેમના તથા તેમનાં દસ બહેનો માટે જ નહીં, પરંતુ તેમની ગ્રામ પંચાયતનાં તમામ યુવતીઓ માટે કેડી કંડારી રહ્યાં હતાં.

દિલ્હીથી માત્ર 100 કિલોમીટર દૂર હરિયાણાના કરનાલ જિલ્લાની દેવીપુર ગ્રામ પંચાયત હેઠળના ગામની યુવતીઓને આઝાદીનાં 75 વર્ષ પછી પણ કૉલેજમાં અભ્યાસ કરવાનું સદ્ભાગ્ય સાંપડ્યું ન હતું.

પરિવાર, ગામ અને સરકારી તંત્ર સામે સંઘર્ષ કરીને આ યુવતીઓએ કૉલેજ જવાનો અધિકાર કેવી રીતે મેળવ્યો હતો?

નૈના અને તેમની ગ્રામ પંચાયતનાં 14 યુવતીઓની જીદ તથા હિંમતની કહાણી પ્રસ્તુત છે.

BBCShe પ્રોજેક્ટ માટે આ લેખ ફેમિનિઝમ ઇન ઇન્ડિયા હિન્દી અને બીબીસીએ સાથે મળીને લખ્યો છે, જેથી અમે અમારા વાચકો સમક્ષ મહિલાઓની ચિંતાને વધુ સારી રીતે દર્શાવી શકીએ.

BBCShe પ્રોજેક્ટ વિશે વિગતવાર માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો.

આઝાદી તરફ પહેલું પગલું

ગામની બીજી છોકરીઓની માફક નૈનાએ પણ જેમતેમ સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

કૉલેજમાં અભ્યાસ કરવા જવાનો અર્થ વધારે આઝાદી એવો હતો, જે પરિવારને અસ્વીકાર્ય હતી અને એ આઝાદી અનેક શરતો સાથે જ મળી શકતી હતી.

નૈનાએ કહ્યું હતું કે, “મને ઘરેથી સલાહ આપવામાં આવી હતી કે કોઈની સાથે વધારે વાત કરવાની નથી, ફોનનો ઉપયોગ તો જરાય નહીં કરવાનો. ઘરેથી કૉલેજ અને કૉલેજથી સીધા ઘરે.”

એ ઉપરાંત યુવતીઓને કૉલેજમાં અભ્યાસ માટે ન મોકલવાનું એક નક્કર કારણ ગામ પાસે હતું. દેવીપુરથી કૉલેજ જવા માટે જાહેર પરિવહનની કોઈ વ્યવસ્થા ન હતી. ગામથી કૉલેજ જવાની રસ્તે એક પુલ આવતો હતો, જેને પાર કરવાનું એક મોટો પડકાર હતું.

કહાણી એક એવા ગામની જ્યાં ઉચ્ચ અભ્યાસ કરવા માગતી દીકરીઓ માટે વર્ષો સુધી આ સપનું સાકાર નહોતી કરી શકતી

  • હરિયાણાના અંતરિયાળ ગામની આ વાત છે
  • અહીં છોકરીઓ માતાપિતાની આબરૂનો ભાર અને છેડતીના ભયના કારણે વર્ષો સુધી ઉચ્ચ અભ્યાસથી વંચિત રહી જતી હતી
  • કારણ? આ ગામથી 30 કિલોમીટરના અંતરે આવેલ કૉલેજે જવા માટે ગામમાં બસ આવતી નહોતી
  • પરંતુ છોકરીઓએ આ પરિસ્થિતિ સામે હાર ના માની અને જુસ્સો ટકાવી રાખ્યો
  • અંતે તમામ પડકારોને પાર કરીને દીકરીઓ આખરે પોતાની ઉચ્ચ અભ્યાસ કરવાની ઇચ્છા પૂર્ણ કરી શકી
  • પરિવાર, ગામ અને સરકારી તંત્ર સામે સંઘર્ષ કરીને આ યુવતીઓએ કૉલેજ જવાનો અધિકાર કેવી રીતે મેળવ્યો હતો?

પુલ, જેને પાર કરવાનું મુશ્કેલ હતું

ગામના એક વડીલે કહ્યું હતું કે, “પબ્લિક ટ્રાન્સપૉર્ટની બસની સુવિધા ન હોવાને કારણે લોકો પોતાની દીકરીઓને કૉલેજે મોકલવાથી બચતા હતા. ટ્રાન્સપૉર્ટ માટે છોકરીઓએ ચાર કિલોમીટર ચાલવું પડતું હતું. છોકરીઓ ડરતી પણ હતી. પુલ પર છોકરાઓ બદમાશી કરતા હતા.”

છોકરીઓ સાથે એ પુલ પર રોજ કોઈને કોઈ ઘટના બનતી હતી. ક્યારેક તેમના પર કીચડ ફેંકવામાં આવતો હતો તો ક્યારેક છોકરા ઈંટ મારીને ચાલ્યા જતા હતા. ગંદી કૉમેન્ટ્સ તો રોજિંદી બાબત હતી.

જોકે, છોકરાઓના બહાર આવવા-જવા પર કોઈ પાબંદી ન હતી અને પરિવારમાં દીકરા હોય એવું બધા ઇચ્છતા હતા.

બે પુત્રના પિતા અને નૈનાના મોટા કાકાએ કહ્યું હતું કે, “હું તો ભગવાન પાસે માગું છું કે મારા ભાઈને ત્યાં દીકરો જન્મશે તો એ મારા જેવો થઈ જશે.”

એક ‘પત્ર’

કૉલેજમાં અભ્યાસ કરવાની નૈનાની જીદ જોઈને કેટલાંક અન્ય યુવતીઓએ પણ હિંમત કરીને નક્કી કર્યું હતું કે ગામ સુધી બસ આવી જાય તો આ સમસ્યાનું નિરાકરણ થઈ જશે.

યુવતીઓએ સાથે મળીને ગામના લોકો સાથે બેઠક કરી અને તેમાં આ વાત જણાવી.

યુવતીઓએ સાથે મળીને કરનાલનાં ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ જસબીરકોરને ગયા મે માસમાં એક પત્ર લખ્યો હતો.

ગામનાં યુવતીઓ આજ સુધી કૉલેજમાં અભ્યાસ કરી શક્યાં નથી એ જાણીને જસબીરકોર આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં.

જેન્ડર બાબતે કામ કરતી એક સંસ્થા ‘બ્રેકથ્રૂ’ મારફત યુવતીઓ જસબીરકોર પાસે પહોંચ્યાં તેના બીજા જ દિવસે તેમણે બસસેવા શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.

‘છોકરીઓને નશો કરતી જોઈ છે?’

જસબીરકોરે દેવીપુર ગામની મુલાકાત લીધી ત્યારે તેમને એ સમજાયું હતું કે બસ ઉપરાંત ગામના લોકોના દૃષ્ટિકોણની પણ સમસ્યા હતી.

જસબીરકોરો કહ્યું હતું કે, “મેં ગામ લોકોને પૂછ્યું હતું કે તમે કોઈ છોકરીને બહાર નશો કરતી જોઈ છે? ગામના લોકોએ ના પાડી ત્યારે મેં પૂછ્યું કે તમે કેટલી છોકરીઓને સ્કૂલ છોડીને ભાગતી જોઈ છે? ગામના લોકોએ કહ્યું કે નથી જોઈ.”

“એ પછી મેં ગામના લોકોને સવાલ કર્યો હતો કે આવું ન હોય તો તમને એમ કેમ લાગે છે કે કૉલેજ જવાથી છોકરીઓ બગડી જશે? ગામના લોકોએ મારી વાત માની હતી અને છોકરીઓને કૉલેજમાં અભ્યાસ કરવા મોકલવા તૈયાર થયા હતા.”

“પુલ પર બનતી ઘટનાઓને રોકવા, છોકરીઓની સલામતી સુનિશ્ચિત કરવા એક પીસીઆર વાનની વ્યવસ્થા કરાવી. એ પીસીઆર વાન હવે દિવસમાં બે વખત સમગ્ર વિસ્તારમાં ચક્કર લગાવે છે.”

નૈનાના સંઘર્ષમાં જ્યોતિની ભૂમિકા

ગામમાં બસસેવા શરૂ થયા બાદ નૈના ઉપરાંત દેવીપુર ગ્રામ પંચાયત હેઠળનાં ચાર ગામનાં 15 યુવતીઓ કૉલેજમાં અભ્યાસ કરવા જાય છે.

આ છોકરીઓના કૉલેજ જવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા જ્યોતિએ ભજવી છે. કરનાલ જિલ્લાના ગઢી ખજૂર ગામનાં જ્યોતિ દલિત સમુદાયનાં છે.

જ્યોતિએ કહ્યું હતું કે, “બારમું પાસ કર્યા પછી મેં કૉલેજમાં અભ્યાસનો નિર્ણય કર્યો ત્યારે મને મારા પરિવારજનોનો સાથ મળ્યો હતો. હું બારમું પાસ કર્યા બાદ શહેરની કૉલેજમાં પ્રવેશ મેળવનારી ગામની એક માત્ર છોકરી હતી. અહીં છોકરી મારી વયની થાય એટલે તેને પરણાવી દેવામાં આવતી હતી.”

ગ્રૅજ્યુએશન દરમિયાન જ્યોતિના મનમાં વારંવાર સવાલ થતો હતો કે છોકરીઓ બારમું પાસ કર્યા બાદ કૉલેજમાં અભ્યાસ કરવા કેમ નથી જઈ શકતી?

કૉલેજમાં અભ્યાસ દરમિયાન જ્યોતિ ‘બનિત્રા ફાઉન્ડેશન’ નામના એક બિન-સરકારી સંગઠનમાં જોડાયાં હતાં. તેમણે ગામની 'હરિજન ચૌપાલ'માં એક લર્નિંગ સેન્ટર શરૂ કર્યું હતું.

‘નવાં મેડમ અમારી છોકરીઓને ભણાવશે’

એક દલિત છોકરી મૅડમ બનીને છોકરીઓને ભણાવી રહી છે એ વાત કહેવાતા ઊંચી જ્ઞાતિના પુરુષોને જરાય ગમી ન હતી.

જ્યોતિએ કહ્યું હતું કે ,“રાજપૂત છોકરાઓ મારા પર કૉમેન્ટ કરતા હતા. સેન્ટર પર સાંજે દારૂ પીને આવતા હતા અને ગેરવર્તન કરતા હતા. તેઓ કહેતા હતા કે છોકરીઓને ભણાવનારી તું તે વળી કોણ છે? તેથી મેં લર્નિંગ સેન્ટર ગામની સરકારી સ્કૂલમાં શિફ્ટ કર્યું હતું, જેથી હરિજન ચૌપાલની સમસ્યા ન રહે અને અમારું કામ આગળ વધે.”

જ્યોતિ હાલ બ્રેકથ્રૂ સાથે મળીને કરનાલ જિલ્લાનાં આઠ ગામની છોકરીઓને ઉચ્ચ શિક્ષણ સાથે જોડવાનું કામ કરી રહ્યાં છે.

ગઢી ખજૂર ગામનાં શન્નો દેવી કૉલેજ તો શું સ્કૂલના પગથિયાં પણ ચડ્યાં ન હતાં, પરંતુ તેમનાં પૌત્રી સલોની આજે જ્યોતિની મદદથી બૅચલર ઑફ આર્ટ્સનો અભ્યાસ કરી રહ્યાં છે.

પોતાનાં પૌત્રીએ જીતેલી ટ્રૉફી નિહાળતાં શન્નોએ કહ્યું હતું કે, “એ પોતે ભણશે તો ભાવિ પેઢીને પણ સુધારશે. જ્યાં લગ્ન થશે ત્યાં પણ પરિવર્તન લાવશે. પોતાના પગ પર ઊભી થઈ જશે તો કમસે કમ કોઈની સામે હાથ લાંબો નહીં કરવો પડે.”

બસસેવાનો પ્રારંભ સમસ્યાનો અંત નથી

દેવીપુરના એક વૃદ્ધે જણાવ્યું હતું કે બસસેવા શરૂ થવાથી યુવતીઓ કૉલેજ તો જઈ રહી છે, પરંતુ એ યુવતીઓ અંધારું થાય એ પહેલાં ઘરે પાછી આવી જાય તેવું ગામના લોકો ઇચ્છે છે.

ગામમાં માત્ર એક જ બસ આવે છે અને તેના પાછા આવવાનો સમય સાંજના છ વાગ્યાનો છે. ઘરે જલદી પાછા ફરવા માટે આ યુવતીઓએ રોજ અમુક લેક્ચર છોડવાં પડે છે.

દેવીપુર ગ્રામ પંચાયતના સરપંચ કૃષ્ણકુમારે કહ્યું હતું કે, “બસના સમયની સમસ્યા બાબતે અમે વહીવટી તંત્ર સાથે વાત કરી છે, પરંતુ તેનું હજુ સુધી નિરાકરણ થયું નથી.”

“હવે વધુમાં વધુ યુવતીઓ કૉલેજે જાય, સફળ થાય તેવું અમે ઇચ્છીએ છીએ. દેવીપુરમાં બારમા ધોરણ સુધીની સ્કૂલ શરૂ થઈ છે ત્યારથી લોકો તેમની દીકરીઓને સ્કૂલે મોકલતા થયા છે. અગાઉ અમારે ત્યાં લોકો દીકરીઓને દસમા ધોરણ સુધી જ ભણાવતા હતા.”

લડાઈ લાંબી છે

જસબીરકોરના જણાવ્યા મુજબ, તેઓ યુવતીઓને ફરી વાર મળીને બસની સમસ્યાના નિરાકરણના પ્રયાસ કરશે, પણ સવાલ એ છે કે તમામ પ્રયાસ છતાં આજે પણ માત્ર 15 યુવતીઓ જ કોલેજે શા માટે જઈ રહી છે? યુવતીઓ માટે કૉલેજમાં અભ્યાસ અત્યારે પણ સપનું જ છે.

ગત જાન્યુઆરીની એક સવારે નૈના અને તેમનાં બહેન રાખી વાદળી તથા સફેદ રંગના યુનિફોર્મમાં સજ્જ થઈને બસની રાહ જોઈ રહ્યાં હતાં.

રાખીએ કહ્યું હતું કે, “આજે અમે કૉલેજે જઈ રહ્યાં છીએ. અમારી નાની બહેનો અને ગામની બીજી છોકરીઓ પણ કૉલેજે જાય તેવું અમે ઇચ્છીએ છીએ. ભણવું-ગણવું પણ જરૂરી છે ને.”

થોડી વારમાં બસ આવી અને બન્ને યુવતીઓ કૉલેજ જવા નીકળી પડી હતી.

જે યુવતીઓ કૉલેજ નથી જઈ શકતી તેમને આજે પણ રંજ રહે છે.

બારમા ધોરણ સુધી ભણેલી કોમલે કહ્યુ હતું કે, “નૈનાને કૉલેજ જતી જોઈને મને પણ કૉલેજ જવાનું મન થતું હતું, પરંતુ મારા પરિવારજનો માન્યા જ નહીં.”

કોમલની પાસે ઊભેલાં કાજલે અમે આ સવાલ પૂછ્યો ત્યારે પોતાની વાત પૂરી કરતાં-કરતાં લગભગ રડી પડ્યાં હતાં.

જસબીરકોરે કહ્યું હતું કે, “પરિવર્તન રાતોરાત થતું નથી. બળજબરીથી પણ પરિવર્તન કરાવી શકાતું નથી. મને આશા છે કે કૉલેજમાં અભ્યાસ કરવા જતી યુવતીઓની સંખ્યા 15 પૂરતી મર્યાદિત નહીં રહે.”

(પ્રોડ્યૂસર – સુશીલા સિંહ, સિરીઝ પ્રોડ્યૂસર – દિવ્યા આર્ય, બીબીસી)