You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC She : મહિલાઓને કેવા સમાચાર પસંદ હોય છે?
- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી સંવાદદાતા
સવારે ચા સાથે અખબાર વાંચતી વખતે થતી ચર્ચા હોય કે પછી રાત્રે ઊંઘતા પહેલાં ટ્વિટર જોતાંજોતાં દિવસ દરમિયાનના ઘટનાક્રમ પર ટીકા-ટિપ્પણી. શું તમને લાગે છે કે જાણતા-અજાણતા સમાચારને બે ખાંચામાં વહેંચી દેવામાં આવે છે?
રાજકારણ, અર્થવ્યવસ્થા, ચૂંટણી, આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને સામાન્ય રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે અને એ પુરુષોની પસંદગી હોવાનું માનવામાં આવે છે.
જ્યારે સ્વાસ્થ્ય, શિક્ષણ, મનોરંજન જેવા મુદ્દાને હળવા સમજવામાં આવે છે અને તે મહિલાઓની પસંદ હોવાનું માનવામાં આવે છે.
સમાચારોનો આ અનુક્રમ અને તેને વાંચનારાઓ વિશેની આ સમજ, બંને પરંપરાગત છે. જે મુજબ પુરુષો ઘરની બહાર જઈને પૈસા કમાય છે તો તેમના વિચાર અને કૂતુહુલતા વિશાળ હશે. જ્યારે મોટા ભાગની મહિલા ઘર ચલાવે છે એટલે તેમનું વિશ્વ સીમિત હોય છે.
ભણેલાગણેલા પુરુષોની સંખ્યા મહિલાઓથી વધુ છે અને ઇન્ટરનેટ અને મોબાઇલ સુધી તેમની પહોંચ પણ વધુ છે. આ ઉપરાંત સમાચાર પણ તેઓ જ બનાવતા આવ્યા છે અને એક રીતે સમાચાર પણ તેમના માટે જ બને છે.
સમાચારની પંસદગી કરનારા અને લખનારાઓએ ક્યારેય એ વર્ગ વિશે વિચાર્યું જ નથી, જેમના સીમિત અનુભવોને કારણે ઘણા વિષયો તેમની પહોંચથી બહાર છે.
અમારું પત્રકારત્વ તેમના માટે એ અઘરા વિષયો સહજ કેવી રીતે બનાવી શકે જેથી મહિલાઓ પાછળ ન રહી જાય.
સમાચારની પસંદગી અને તેને રજૂ કરવાની રીત 'જૅન્ડર લેસ' બનાવવાની જરૂર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે વિશ્વ બદલાઈ રહ્યું છે. મહિલાઓ પત્રકારત્વમાં પોતાનું સ્થાન બનાવી રહી છે અને સમાચારના જૂના માળખાઓ સામે સવાલ ઉઠાવી રહી છે.
બીબીસીની પહેલ BBC Sheના બીજા સંસ્કરણમાં અમે અન્ય મીડિયા સંસ્થાનો સાથે મળીને એવી કહાણીઓ પર કામ કર્યું, જે સમાચારના અનુક્રમમાં ફસાયા વગર મહિલાઓની ચિંતાઓ, મોટી ઘટનાઓ અને નીતિઓની તેમના જીવન પર પડતી અસરને સામે લાવશે.
શું છે BBC She?
આ સંયુક્ત પહેલ અંતર્ગત અમે દેશના અલગ-અલગ વિસ્તારો અને ભાષાઓમાં કામ કરી રહેલાં મીડિયા સંગઠનોનો સંપર્ક કર્યો અને 'જૅન્ડર લેસ' પત્રકારત્વ વિશે તેમના વિચાર જાણ્યા.
પરસ્પર ચર્ચા બાદ નક્કી થયું કે કોઈ પણ એક મુદ્દા પર સાથે મળીને એવી કહાણીઓ પર કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું, જે પુરુષો, મહિલાઓ અને તમામ લોકો માટે સમાન હોય.
અમે જે છ સંગઠનો સાથે કામ કર્યું એ છે -
બાઈમાણુસ : ઔરંગાબાદથી ચાલતી મરાઠી ભાષાની આ ન્યૂઝ વેબસાઇટનો ધ્યેય છે પરંપરાગત પત્રકારત્વના માળખાથી આગળ વધીને સામાન્ય મહિલાઓને તેમના જીવન સાથે જોડાયેલા મુદ્દા સામે લાવવાની તક આપવી. તેઓ મુખ્યધારાની મીડિયામાં ઓછું સ્થાન પામનારા દલિત, આદિવાસી અને પછાત સમુદાયોના મુદ્દા સામે લાવવાનો પ્રયત્ન કરે છે.
ફૅમિનિઝમ ઇન ઇન્ડિયા (હિંદી) : અંગ્રેજી અને હિંદીમાં ચાલતી આ વેબસાઇટનો ધ્યેય છે નારીવાદ અંગે જાગૃતિ પ્રસરાવવાનો. સંશોધન સિવાય તેઓ સામયિક સમાચારો અને મુદ્દા પર લેખ અને વીડિયો પ્રકાશિત કરે છે. તેમનો ધ્યેય મહિલાઓ અને સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને મુખ્યધારા સાથે જોડવાનો અને તેમનો અવાજ ઉઠાવવાનો છે.
ધ બ્રિજ : રમતગમતના સમાચારોને વધુ આગળ લઈ જવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલી આ વેબસાઇટમાં માત્ર ક્રિકેટ જ નહીં, અન્ય તમામ સ્પોર્ટ્સ અને ખેલાડીઓ વિશે અહેવાલો પ્રકાશિત કરવામાં આવે છે. ઑલિમ્પિક્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય ટુર્નામૅન્ટ પર મીડિયાની નજર રહેતી હોય છે પણ તેમનો ઉદ્દેશ છે વર્ષભર સ્પોર્ટસના અહેવાલ પ્રકાશિત કરવા અને ખેલાડીઓના સંઘર્ષને લોકો સમક્ષ મૂકવા.
ગુડગાંવ કી આવાઝ : આ રાજધાની દિલ્હી અને તેની સાથે જોડાયેલ એનસીઆર (નેશનલ કૅપિટલ રીજન) માં સામાન્ય સમાજ દ્વારા ચાલતું એકમાત્ર કૉમ્યુનિટી રેડિયો સ્ટેશન છે. ગુડગાંવ વિસ્તારમાં તેને સાંભળનારા લોકોમાં સ્થાનિક ગ્રામીણો સિવાય પ્રવાસી કામદારો પણ છે. પોતાના કાર્યક્રમોમાં તેઓ શિક્ષણ, સ્વાસ્થ્ય, રાજનીતિ સહિત ઘણા મુદ્દા સામેલ કરે છે.
ધ ન્યૂઝ મિનિટ : દેશભરના સમાચારો અને મુદ્દા પર નજર રાખનારા આ ડિજિટલ મીડિયા સંગઠનનું મુખ્ય ધ્યાન દક્ષિણ ભારતના પાંચ રાજ્યો પર છે. બૅંગલુરુમાં હૅડક્વૉર્ટર ધરાવતા આ પોર્ટલના લેખ અંગ્રેજીમાં છે. જોકે, તેઓ માત્ર તમિળ ભાષામાં વીડિયો પ્રકાશિત કરે છે.
વિમેન્સ વેબ : આ વેબસાઇટનો મૂળ મંત્ર છે પરંપરાગત મીડિયાની વિચારધારથી અલગ. ખરેખર મહિલાઓ દરેક પ્રકારના સમાચારમાં રસ ધરાવે છે. અંગ્રેજીમાં લેખ પ્રકાશિત કરતી આ વેબસાઇટ મહિલાઓને પોતાના જીવનના અનુભવો અને સત્ય કહાણીઓ રજૂ કરવાની તક આપે છે. સાથે જ તેઓ વર્કશૉપ અને સેમિનાર પણ યોજે છે.
આ તમામ મીડિયા સંગઠનો સાથે વિમર્શ કર્યા બાદ અમે સમજવાનો પ્રયાસ કર્યો કે મહિલાઓની જીવન અને ચિંતાઓ સમજવા, રજૂ કરવા અને તેમના સુધી પહોંચાડવાના ક્યા રસ્તા હોઈ શકે છે.
તેમની સાથે મળીને શોધવામાં આવેલી છ કહાણીઓ તેમને લેખ અને વીડિયો સ્વરૂપે આવનારા દિવસોમાં બીબીસીની તમામ ભારતીય ભાષાઓ હિંદી, પંજાબી, ગુજરાતી, મરાઠી, તેલુગુ અને તમિળની વેબસાઇટ તેમજ સોશિયલ મીડિયા હૅન્ડલ્સ અને આ તમામ મીડિયા સંગઠનોની વેબસાઇટ પર વાંચી અને જોઈ શકશો.
આ એક પ્રયત્ન છે અને અમારો ધ્યેય 'જૅન્ડર લેસ' પત્રકારત્વ પર અમારી સમજ વધુ મજબૂત કરવા અને મહિલાઓની તકલીફોને સમાચારમાં વધુ યોગ્ય રીતે રજૂ કરવાનો છે. આ પ્રયાસ ચાલુ રહેશે.
BBCSheના પ્રથમ સંસ્કરણમાં પાંચ વર્ષ પહેલાં અમે દેશના અલગઅલગ શહેરો અને ગામડાઓમાં જઈને સામાન્ય મહિલાઓને પૂછ્યું હતું કે તેઓ બીબીસી પર કેવી કહાણીઓ જોવા, વાંચવા કે સાંભળવા માગે છે અને બાદમાં તેમની સલાહનું અમલીકરણ કર્યું હતું.