You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદનાં એ સાસુ-વહુની મંડળી જે રોજ 4000 થેપલાં બનાવે છે, આપે છે કેટલીક મહિલાઓને રોજગાર
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
"આપણે કશુંક કરવા માગતા હોઈએ. ધંધાની નવી ધરતી પર પગભર થવા માગતા હોઈએ તો લોકો શું કહેશે એ આપણે નહીં વિચારાનું. થેપલાં જેમ ધીમી આંચે જ સારા પાકે તેમ ધ્યેયને વળગીને ધીમે-ધીમે આગળ વધવાનું."
આ શબ્દો પ્રેમલતા મિશ્રાના છે.
પ્રેમલતાબહેન આ વાત કહે છે ત્યારે તેની આગળ પાછળ વીસેક મહિલાઓ થેપલાં બનાવી રહી છે. ટેસ્ટ બરાબર છે કે નહીં એ જાણવા માટે તેમની વહુ સંગમ મિશ્રા તીખાં થેપલાંનો મસાલો તેમને ચખાડી રહ્યાં છે.
અમદાવાદ શહેરના અંતરિયાળ એવા રામોલ વિસ્તારમાં ઉદ્યોગ ધંધાનો એક શેડ (ઉત્પાદન એકમ) છે. આ શેડમાં કોઈનો સબમર્સિબલ પમ્પનો વ્યવસાય છે.
કોઈનું મશીન ટૂલ્સનું કામકાજ છે. કોઈનું પ્લાસ્ટિકની વસ્તુઓનું કારખાનું છે. એ બધામાં સાસુ પ્રેમલતા અને વહુ સંગમ મિશ્રાનો થેપલાનો કારોબાર છે, જ્યાં મહિલાઓ માત્ર ને માત્ર થેપલાં બનાવે છે. આસપાસ જે કારોબાર છે એમાં બધે પુરુષો જ છે એ બધા વચ્ચે સાસુવહુ અને તેમની થેપલાં બનાવતી મંડળીની મહિલાઓને જોઈને અચરજ કરતાં વધારે આનંદ થાય તેવી ઘટના છે.
લોઢીમાં શેકતા થેપલાંની તીખી સુગંધ અને આછા ધુમાડા વચ્ચે બેસીને વાત માંડતા પ્રેમલતા મિશ્રા બીબીસીને કહે છે કે, "2016માં અમારા પારિવારિક ધંધામાં પાયમાલી થઈ. અમે લોકો ઘરમાં જ બેઠાં રહેતાં હતાં અને ચિંતા કરતાં હતાં કે શું કરીએ?"
"દરમ્યાન મારી વહુ સંગમે કહ્યું કે તમે ઘરમાં વિવિધ સ્વાદિષ્ઠ વ્યંજનો સરસ બનાવો છો તો છૂટક નાસ્તા વગેરેનો વ્યવસાય શરૂ કરીએ તો કેમ રહેશે? એ રીતે 2017માં શરૂઆત થઈ."
"શરૂઆતમાં નાસ્તો જ વેચતાં હતાં. એ પછી જોયું કે થેપલાંની માગ સારી છે. તેથી થેપલાંનો વ્યવસાય શરૂ કર્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“મને શરમ નથી આવતી”
જોકે, ધંધો શરૂ થયો એ અગાઉ તેમને ઘણા સવાલ હતા. ખાસ કરીને કોઈ મહિલા ઉદ્યોગમાં ઝંપલાવે ત્યારે તેમને થોડો સંકોચ થતો હોય છે.
થેપલાં તો સાસુવહુ બનાવી લેશે પણ દુકાનોમાં જઈને તેનું વિતરણ કરવું, વિવિધ વેપારીઓના સંપર્ક કરીને થેપલાં માટે ઑર્ડર લેવા, વિતરણ કરવા માટે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરવું વગેરે કામ મહિલા માટે સરળ નથી એવું પ્રેમલતાબહેન માનતાં હતાં.
તેમને મહિલા તરીકે થોડો સંકોચ પણ હતો. એ વખતે સંગમ મિશ્રાએ તેમનું મનોબળ વધાર્યું હતું.
સંગમબહેને સાસુને કહ્યું હતું કે "આપણે શરૂઆત કરીને આસપાસની દુકાનોમાં થેપલાંનું વિતરણ કરીએ. એ વિતરણ કરવા હું જઈશ."
એ દિવસો યાદ કરતાં સંગમ મિશ્રા કહે છે કે, "મેં સાસુને કહ્યું કે, મને શરમ નથી આવતી. અત્યારે તો ઘણી જગ્યાએ મહિલા જ કામ કરે છેને, શરમ શેની? તેથી અમે કામ શરૂ કર્યું."
શરૂઆત નાનકડી, પણ મક્કમ...
ઘરમાં પરિવાર પૂરતાં વીસેક થેપલાં બનાવવા એ એક વાત છે અને ધંધો માંડીને જથ્થાબંધ થેપલાં તૈયાર કરવા એ બીજી બાબત છે.
સંગમ મિશ્રા હસતાં હસતાં કહે છે કે, "શરૂઆતમાં તો અમારો માલ પણ બગડ્યો હતો. ક્યારેક લોટ અને મસાલાનું માપ બરાબર નહોતું બેસતું હોય એવું પણ થતું હતું. પછી ધીમે ધીમે ગડ બેસી ગઈ અને હવે રોજ હજારોની સંખ્યામાં એક જ સ્વાદનાં થેપલાં બનાવીએ છીએ."
પ્રેમલતાબહેન મસાલો તૈયાર કરે છે અને સંગમબહેન લોટ બાંધે છે. હવે તેમનો ધંધો એટલો વિકસી ગયો છે કે તેમની સાથે વીસ મહિલાઓ કામ કરે છે. તેમને ત્યાં લોટ બાંધવાનું મશીન, લૂઆ પાડવાનું તેમજ થેપલાં વણવાનું મશીન પણ છે.
પ્રેમલતા મિશ્રા કહે છે કે, "શરૂઆતમાં દસ પૅકેટથી શરૂઆત કરી ત્યારે વહુ અને હું સાથે મળીને લોટ બાંધતાં અને થેપલાં શેકતાં હતાં. થેપલાંની માગ થોડી વધી એટલે બે મહિલાઓને કામે રાખી. કામ વધતું ગયું તેમ તેમ કામદાર મહિલાઓની સંખ્યા વધારતા ગયાં."
"આજે અમારે ત્યાં વીસ બહેનો કામ કરે છે. ધીમે ધીમે રેલવેનો ઑર્ડર પણ મળ્યો. રેલવેમાં પણ અમારાં થેપલાં જાય છે. ધંધો સારો ચાલતો હતો ત્યારે 2020માં અચાનક કોરોના ત્રાટક્યો અને માંડ ગોઠવાતો ધંધો ફરી ખોરંભે ચઢ્યો હતો."
"અમે પણ ચિંતામાં પડી ગયાં હતાં. સારી વાત એ બની કે કોરોનામાં અમને ફૂડ પૅકેટનું કામ મળ્યું અને ગાડી પાટેથી ઊતરી નહીં."
આજે સાસુવહુની જોડીનાં અમદાવાદ તેમજ આસપાસના વિસ્તારોમાં રોજનાં એક હજાર પૅકેટ એટલે કે 4000 થેપલાં જાય છે.
આફતમાંથી અવસર
સંગમ મિશ્રાના પતિ અને પ્રેમલતા મિશ્રાના પુત્ર મહેશ મિશ્રા થેપલાંના વિતરણનું કામ સંભાળે છે. 2015માં મહેશભાઈને લકવાનો હુમલો થયો હતો. તેઓ હાલીચાલી શકતા નહોતા.
2017માં જ્યારે સાસુવહુએ કારોબાર શરૂ કરવાનું એક કારણ પણ એ જ હતું કે પરિવારનું ગાડું આગળ ચાલે. મહેશભાઈની સ્થિતિ સમય સાથે સુધરતી ગઈ.
છેલ્લાં પાંચ વર્ષથી તેમને ત્યાં થેપલાં બનાવવાનું કામ કરતાં રુકમણીબહેન કહે છે કે, "અહીં કામ કરું છું તેથી થોડો ઘરખર્ચ મારો નીકળી જાય છે. અમે વીસેક બહેનો સાથે મળીને જે કામ કરીએ છીએ તેમાં મને આનંદ આવે છે. અમે સુખદુખની વાતો કરીએ છીએ."
પ્રેમલતાબહેનની ઉમર સિત્તેર વર્ષ કરતાં વધુ છે. જે ઉંમરે કામકાજમાંથી લોકો પરવારતા હોય તે ઉંમરે તેમણે નવો વ્યવસાય શરૂ કર્યો.
તેઓ કહે છે કે, "જ્યારે વિપત્તિ આવે છે ત્યારે જ સર્જન થાય છે. અમારા પરિવાર પર પાયમાલીની જે આપત્તિ પડી ન હોત તો અમે આ ધંધા વિશે વિચાર્યું જ ન હોત!"