અમદાવાદ : કિન્નર બનીને ભિક્ષા માગી, અભ્યાસ પણ કર્યો, હવે આઈએએસ બનવું છે

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'મારા પિતા માનવા તૈયાર નહોતા કે એમના ઘરે જન્મેલો છોકરો એક કિન્નર છે. હું છોકરીઓનાં કપડાં પહેરું તો મને માર પડતો, મને ઘરમાંથી બહાર કાઢી મૂકી, મેં કિન્નર બનીને ભિક્ષા પણ માગી, પણ મારામાં ભણવાની ધગશ જોઈ અમારા કિન્નરોના ગુરુએ ભિક્ષાનું કામ બંધ કરાવી મને ભણાવી, હું ગ્રૅજ્યુએટ થઈ, હવે હું આઈએએસની તૈયારી કરું છું. મારા ભણવાનો ખર્ચ મારા ગુરુ ઉઠાવે છે.”

ઋત્વિક શાહમાંથી કિન્નર બનેલા 24 વર્ષીય ઋતુ દેના આ શબ્દો છે.

કિન્નર ઋતુ દે અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા કિન્નરના અખાડામાં અને ક્યારેક પોતાના ઘરે રહે છે. તેમના પરિવારમાં ત્રણ ભાઈબહેન છે. તેમના મોટા ભાઈ માનસિક રીતે વિકલાંગ છે અને મોટી બહેનનાં લગ્ન થઈ ગયાં છે.

બીબીસી સાથેની વાતચીતમાં કિન્નર ઋતુ દે કહે છે, “મારા પિતા રિક્ષા ચલાવતા હતા, તેમને એમ હતું કે ભાઈ માનસિક રીતે દિવ્યાંગ છે એટલે હું એમનો વંશ આગળ વધારીશ. પણ મને નાનપણથી એમ લાગતું હતું કે હું છોકરો નહીં છોકરી છું. હું મારી મામીની સાડી પહેરી લેતી. છોકરાઓને બદલે છોકરીઓ સાથે રમતી હતી. એ વખતે બધાને એમ લાગતું હતું કે બાળક છે એટલે આવું કરે છે, પણ હું સાતમા ધોરણમાં આવી ત્યારે મારા ફોઈ મારી મોટી બહેન માટે ઈમ્પૉર્ટેડ પર્સ અને મેકઅપનો સામાન લાવ્યાં હતાં. મેં જબરદસ્તીથી એ લઈ લીધો અને એ દિવસે છોકરીઓનાં કપડાં પહેરી મેં લિપસ્ટિક લગાવીને મેકઅપ કર્યો હતો.”

તેમના જણાવ્યા અનુસાર, એ દિવસે તેમના પિતાએ ઋતુ દેને છોકરીઓનાં કપડાંમાં અને લિપસ્ટિક લગાવેલી જોઈને માર માર્યો હતો અને ફરી છોકરીઓનાં કપડાં નહીં પહેરવા ફરમાન છોડ્યું હતું.

ઋતુ દે કહે છે, “એટલે હું સ્કૂલેથી આવી રૂમ બંધ કરી છોકરીઓનાં કપડાં પહેરતી હતી. આ વાતની મારી માતાને ખબર પડી ગઈ હતી. એટલે ફરી મારી પર દબાણ શરૂ થયું હતું.”

જીવનમાં સંઘર્ષની થઈ શરૂઆત

ઋતુ દે કહે છે કે, “મારા જીવનની કઠણાઈની શરૂઆત ત્યારે શરૂ થઈ જ્યારે મારા પિતાને આઘાત લાગ્યો હતો. આઘાત એ વાતનો કે હું છોકરીઓ જેવું વર્તન કરું છું. મારા પિતાને એમ કે મને કોઈ વળગાડ છે. મારા ઘરે ભૂવાઓ આવવા લાગ્યા હતા. મારા પિતા ભૂવાઓ પાસે વિધિ કરાવતા હતા, પરંતુ કોઈ ફેર પડ્યો નહીં. ત્યારબાદ વાજીકરણની દવાઓ અને પુરુષત્વ વધે એવો ખોરાક આપવા મને આપવામાં આવતો હતો. પણ મારામાં સ્ત્રીનાં લક્ષણો જ દેખાતાં હતાં.”

“દસમા ધોરણમાં આવી ત્યારે મારા શરીરમાં પુરુષ નહીં સ્ત્રી જેવા ફેરફાર થવા લાગ્યા. મારી છાતીનો ભાગ વધવા લાગ્યો હતો. હું શર્ટ પહેરી શકું એવી હાલત પણ નહોતી. સ્કૂલમાં છોકરાઓ મને ચીડવતા હતા. મારા ક્લાસ ટીચર પણ બધું મજાકમાં લેતા હતા, કારણ કે મારી ચાલ, બોલવાનો લહેકો બધું જ છોકરી જેવાં હતાં.”

“મને લોકો શારીરિક નહીં પણ માનસિક ત્રાસ આપતા. મારું અપમાન કરતા. આમ છતાં હું દસમા ધોરણમાં સારા માર્ક સાથે પાસ થઈ. હવે મારા શરીરમાં થતા ફેરફારને કારણે મારી સ્કૂલ જવાની હિંમત ચાલતી નહોતી. એટલે મેં વિજ્ઞાન પ્રવાહમાં ઍક્સ્ટર્નલ વિદ્યાર્થી તરીકે 11મું અને 12મું ધોરણ પાસ કર્યું હતું. આ સમયમાં મને છોકરાઓ પ્રત્યે આકર્ષણ થવાં લાગ્યું અને હું એક છોકરાના પ્રેમમાં પડી. અમે કલાકો સુધી વાતો કરતા. એક દિવસ હું રૂમમાં સંતાઈને વાતો કરતી હતી અને પકડાઈ ગઈ હતી. મારા પિતાએ છોકરાના ઘરે જઈને ધમકાવ્યો હતો. અમારા પ્રેમસંબંધમાં એ ઍક્ટિવ પાર્ટનર હતો અને હું પેસિવ પાર્ટનર હતી. આ કિસ્સો બન્યો પછી ઘરમાં તણાવ વધી ગયો હતો.”

ઋતુ દે આગળ જણાવે છે કે,”એક દિવસ મારા પિતાને લકવો થઈ ગયો અને મારા ઘરની આર્થિક હાલત ખરાબ થઈ ગઈ હતી. મારા પિતા આ બધા પાછળ મને જવાબદાર માનતા હતા. મારે ભણતર છોડવું પડ્યું હતું.”

કિન્નર બની ભિક્ષા પણ માગી અને અભ્યાસ પણ કર્યો

જૂના દિવસોને યાદ કરતાં ઋતુ દેને ડૂમો ભરાઈ જાય છે. તેઓ વાત આગળ વધારે છે અને કહે છે કે, “મેં અંતે એ છોકરા સાથે સંબંધ કાપી નાખ્યા અને ઘરમાંથી મને કાઢી મૂકવામાં આવી હતી. આ કપરા સમયમાં મારી જેવા જ એક છોકરાએ મને સહારો આપ્યો હતો. એ ગે હતો અને પેસિવ હતો. એક છોકરો ઍક્ટિવ ગે હતો એની સાથે અમે રહેતા હતા. આ મારા ગે મિત્રને એક કિન્નર સાથે પરિચય હતો. એટલે મારી ઓળખાણ એક કિન્નર સાથે થઈ હતી. મને પણ કિન્નરની જેમ તાળી પાડવી, એમની જેમ ફરવું ગમતું હતું.”

આ દરમિયાન ઋતુ દેનો એક છોકરા થકી ડીસાના એક કિન્નર ગુરુ સાથે થયો હતો. તે ડીસા ગઈ અને ત્યાં બીજા કિન્નરો સાથે મળીને આસપાસનાં ગામડાંમાં ભિક્ષા માગવા જતી હતી.

“એક દિવસ ભાભરમાં અમે ભિક્ષા માગવા ગયા ત્યાં કૉલેજ જોઈને મને ફરી ભણવાની ઇચ્છા થઈ. મેં મારા ગુરુને વાત કરી હતી. પણ અમારા મુખ્ય ગુરુએ મને ભણવાની ના પાડી દીધી હતી.”

પોતાની વાત આગળ વધારતા તેઓ કહે છે, “અમદાવાદમાં કિન્નરનો અખાડો ચલાવતા કિન્નર ગુરુ કામિની દેના સંપર્કમાં હું આવી હતી. કામિની દે પ્રગતિશીલ વિચારધારાવાળા હતા. મેં એમને કહ્યું કે મારે ભણવું છે, તો એમને નવાઈ લાગી હતી, કારણ કે કિન્નરને માટે ભણવું અઘરું હતું. તેમણે શરત મૂકી કે મારે મારી જાતને સાબિત કરવી પડશે પછી જ તેઓ આગળ ગુરુને વાત કરશે અને ડીસાથી માંડવાળના કિન્નરના અખાડામાં લઈ જશે. હું શહેર છોડીને ગામડાંમાં રહેતી હતી. પણ મને નવું વાંચવાનો અને શીખવાનો શોખ હતો. એ સમયે વર્ગ-3ની પોલીસ કૉન્સ્ટેબલની પરીક્ષા થઈ હતી, જેનું પ્રશ્નપત્ર ઇન્ટરનેટ પર મુકાયેલું હતું.”

એક પ્રશ્નપત્રથી બદલાયું જીવન

પોતાના જીવનમાં વર્ગ-3ની પોલીસ કૉન્સ્ટેબલની પરીક્ષાના પ્રશ્નપત્રથી આવેલા પરિવર્તનની વાત કરતા ઋતુ દેની આંખમાં ચમક આવી જાય છે.

તેઓ કહે છે, “મેં એ સમયે કામિની દે ગુરુને કહ્યું કે, હું આ સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર તમારી સામે લખીશ અને એમાં પાસ થાઉં તો મને ભણવા મળશે? એમણે હા પાડી. ત્યારબાદ મેં એમની નજર સામે બેસીને એક કલાકના સમયમાં પૂરું કરવાનું પ્રશ્નપત્ર માત્ર 45 મિનિટમાં જ લખી નાખ્યું હતું. મેં એની કોઈ તૈયારી કરી નહોતી. ત્યારબાદ ઇન્ટરનેટ પર જોઈને કામિની દે ગુરુ સામે એ પ્રશ્નપત્રના માર્ક ગણ્યા તો 100માંથી 72 માર્ક્સના જવાબો સાચા હતા. મારી આ ધગશ જોઈને એમણે મારા ગુરુને મનાવ્યા કે એ મને અમદાવાદ લઈ જવા માગે છે. પછી એ મને અમદાવાદના અખાડામાં લઈ આવ્યા હતા. મારા ઘરેથી મારા બારમા ધોરણની માર્કશીટ લાવીને મને કૉલેજમાં ઍડમિશન અપાવ્યું હતું.”

બીબીસીએ ગુરુ કામિની દે સાથે પણ વાત કરી હતી. કામિની દેએ જણાવ્યું હતું કે, “અમારા કિન્નર સમાજમાં ભણવાનું લગભગ કોઈ પસંદ કરતું નથી. ઋતુ દેની ભણવાની ધગશ મને સ્પર્શી ગઈ હતી. મેં એનો ભણવાનો ખર્ચ અને કૉલેજનો ખર્ચ ઉપાડવાનું નક્કી કર્યું હતું. એ દિલથી ભણતી હતી. અમારા અખાડામાં એને ભણવા માટે ભિક્ષાવૃત્તિમાંથી મુક્તિ અપાવી દીધી હતી. પછી અન્ય કોઈ સાથેના નારાજ ન થાય એ માટે મેં તેને કમ્પ્યુટરની જગ્યાએ ટેબ્લેટ લઈ દીધું હતું. એ હવે એની જિંદગીમાં મસ્ત થઈ ગઈ હતી. સાથે એ મોબાઈલથી અમારા વીડિયો ઉતારીને રીલ બનાવતી હતી અને સોશિયલ મીડિયામાં અમારા સમાજની વાતો, અમારી મસ્તીની વાતો મૂકતી હતી. એટલે ટૂંક સમયમાં એ અમારા અખાડામાં સૌની લાડકી બની ગઈ હતી. દરેક કિન્નર એને ભણવા માટે મદદ કરવા તત્પર રહેતા અને માનસિક રીતે સાવ ભાંગી ગયેલી ઋતુ દેમાં નવા જ આત્મવિશ્વાસનો સંચાર થયો હતો. એ કોઈ પણ ટ્યુશન વગર સારા માર્ક લઈ આવતી હતી, જેનો અમને પણ ગર્વ થવા લાગ્યો.”

ઋતુ દે કહે છે કે, “હું સારા માર્ક સાથે પાસ થતી હતી અને કૉલેજમાં હું ગર્વથી કહેતી કે હું કિન્નર છું અને ભણવા આવી છું. કોઈ મારી મજાક ઉડાવવાનો પ્રયાસ કરે તો હું એની સામે કિન્નરની જેમ જ તાળી પાડતી હતી.”

આઈએએસ બનવાનું સપનું

આગળ ભણીને ઋતુ દેને હવે આઈએએસ બનવું છે. આઈએએસ બનવાના વિચાર પર ઋતુ દે જણાવે છે કે, “ઇન્ટરનેટ પર વાંચી વાંચીને મેં ઇતિહાસ સાથે બીએ પાસ કર્યું હતું. પણ મારા સારા માર્ક જોઈને લોકો મારી નોટ્સ લેવા આવતા હતા. કૉલેજમાં પહેલાં કોઈએ મને સ્વીકારી નહીં, પણ ત્યારબાદ બધાએ મને સ્વીકારી લીધી. હું ઇતિહાસ સાથે પાસ થઈ ગઈ એટલે મારી કૉલેજમાં પ્રોફેસરોએ મારા સામાન્ય જ્ઞાનને જોતા મને કહ્યું કે, હું આઈએએસની પરીક્ષા આપી શકું એમ છું. એટલે મેં નક્કી કર્યું કે મારે કોઈ પણ સંજોગોમાં આઈએએસ થવું જ છે.”

ઋતુ દેના ગુરુ કામિની દે બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, “એની ભણવા માટેની ધગશ જોઈને અમે એને એક આઈએએસ તાલીમ કેન્દ્રમાં ઍડમિશન અપાવ્યું હતું. જ્યારે આ કેન્દ્રના સંચાલકોને ખબર પડી કે એ ટ્રાન્સજેન્ડર છે અને એને જીવનમાં આવી તકલીફો જોઈ છે તો એમણે એની ફી માફ કરી હતી. ઍક્સટ્રા કોચિંગ ક્લાસ આપે છે, અમે ના ખરીદી શકીએ એવાં પુસ્તકોની વાંચવા માટે વ્યવસ્થા કરી આપી છે. એના ટ્રેનિંગ સેન્ટરના પ્રોફેસરને એની પ્રતિભા જોતા લાગે છે કે એ આઈએએસની પરીક્ષા પાસ કરશે જ.”

અમદાવાદમાં આશ્રમ રોડ પર ચાલતા આ ટ્રેનિંગ સેન્ટરના સંચાલકનો સંપર્ક કરતા એમણે પોતાની સંસ્થાનું નામ જાહેર નહીં કરવાની શરતે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “આ અમારો પહેલો પ્રયાસ છે. એમાં અમે સફળ થઈશું એની અમને શ્રદ્ધા છે. એક વિદ્યાર્થીની ફી માફી કરીને અમે પ્રસિદ્ધિ મેળવવા નથી માગતા. એ આઈએએસની પરીક્ષામાં પાસ થાય પછી અમે તેને ભણાવી એમ એમ જાહેર કરીશું. અમે એનો ઉત્સાહ વધારવા અને ગરીબ, ટ્રાન્સજેન્ડર બાળકોને પ્રેરણા મળે એના માટે પ્રયાસ કરીએ છીએ.”