તથ્ય પટેલની માફક જ્યારે વિસ્મય શાહે 'પૂરપાટ BMW દોડાવી' અને બે યુવાનોનો ભોગ લીધો

અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા ઇસ્કોન બ્રિજ ખાતે ગત સપ્તાહે ‘કાર અકસ્માત’માં નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ તથ્ય પટેલ નામના આરોપીએ કથિતપણે જેગુઆર કાર ‘પૂરપાટ ઝડપે’ અન્ય એક અકસ્માતના સ્થળે એકઠી થયેલી ભીડ પર ‘ચઢાવી દેતાં’ આ અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં 13 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા, જેમને ઘટનાસ્થળેથી નજીકની ખાનગી-સરકારી હૉસ્પિટલોમાં દાખલ કરાયા હતા. તથ્ય પટેલે ‘120 કિમી પ્રતિ કલાકની ઝડપે બેદરકારીપૂર્વક કાર દોડાવી’ હોવાનો પણ આરોપ છે.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ જોકે આરોપી અને તેના પિતાની ધરપકડ થઈ હતી, પરંતુ આ અકસ્માતે ગુજરાતમાં લગભગ દસ વર્ષ અગાઉ આવી જ રીતે ‘બેદરકારીપૂર્વક પૂરપાટ ઝડપે ભીડભર્યા રસ્તે કાર દોડાવવાને’ કારણે થયેલ ‘હચમાવી નાખનાર અકસ્માત’માં બે પરિવારોએ પોતાના યુવાન દીકરા ગુમાવવા પડ્યા હોવાની ઘટનાની યાદ તાજી કરાવી દીધી હતી.

એ સમયે આ કેસ ભારે ચર્ચાસ્પદ રહ્યો હતો. સ્થાનિક સહિત રાષ્ટ્રીય મીડિયા સંસ્થાનોએ તેની નોંધ લીધી હતી. તે વખતે સમગ્ર કેસ ‘વિસ્મય શાહ કેસ’ કે ‘બીએમડબ્લ્યૂ હિટ ઍન્ડ રન’ કેસ તરીકે ઓળખાયો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતાં સમગ્ર દેશમાં ‘આક્રોશની લહેર’ જોવા મળી હતી.

શું હતો કેસ?

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર અમદાવાદના પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુરના જજીસ બંગલો ખાતે લગભગ એક દાયકા અગાઉ એટલે કે 24 ફેબ્રુઆરી, 2013ના રોજ બિઝનેસમૅન અને શહેરના એક ડૉક્ટરના પુત્ર વિસ્મય શાહે ‘બેદરકારીપૂર્વક કાર દોડાવી બે સ્કૂટરસવાર યુવાન મિત્રોનાં મૃત્યુ નિપજાવ્યાં હતાં.’

લાડ સોસાયટી પાસે થયેલા આ અકસ્માત સમયે ઇજનેરીના વિદ્યાર્થી 25 વર્ષીય શીવમ દુબે અને તેમના મિત્ર 21 વર્ષીય રાહુલ પટેલ સ્કૂટર પર જઈ રહ્યા હતા, ત્યારે ‘વિસ્મય શાહે પોતાની બીએમડબ્લ્યૂ કાર 110 કિમી પ્રતિ કલાકની ઝડપે બેદરકારીપૂર્વક દોડાવી સ્કૂટરને ટક્કર મારતાં’ બંને યુવાનોનાં મૃત્યુ થયાં હતાં.

મીડિયામાં રિપોર્ટ થયેલ ઘટનાની હકીકતો અનુસાર ‘અકસ્માત કરી વિસ્મય ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.’ ઘટનાના બે દિવસ બાદ તેની ધરપકડ કરાઈ હતી. ઘટના બાદ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.

'ઇન્ડિયા ટુડે ડોટ ઇન'ના એક અહેવાલ અનુસાર વિસ્મયે ધરપકડ બાદ નીચલી અને ઉપલી અદાલતોમાં 14 વખત જામીન માટે અરજી કરી હતી. અંતે માર્ચ 2014માં સુપ્રીમ કોર્ટે તેના જામીન મંજૂર કર્યા હતા.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર વર્ષ 2015માં અમદાવાદની સેશન્સ કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 304, પાર્ટ – 2 હેઠળ કેસમાં વિસ્મય શાહને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરીને ઘાતક અકસ્માત કરવાના કૃત્ય માટે ગુનેગાર ઠેરવ્યો હતો.

ટ્રાયલ કોર્ટે વિસ્મયને પાંચ વર્ષની કઠોર કારાવાસની સજા કરી હતી. સાથે કોર્ટે પોતાના આદેશમાં દોષિતને અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને યુવાનાના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયા વળતર તરીકે ચૂકવવાનો તેમજ 25 હજાર રૂપિયાનો દંડ ભરવાનું કહેવાયું હતું.

જોકે, શાહની દોષસિદ્ધિ અંગે પીડિતોના પરિવારે ‘નારાજગી વ્યક્ત’ કરતાં ‘સેશન્સ કોર્ટે સુણાવેલી સજા સામે હાઈકોર્ટમાં અરજી’ કરી હતી. અરજદાર ઘનશ્યામ પટેલે આ અરજીમાં દોષિતની સજા વધારી દસ વર્ષ કરવાની માગ કરી હતી. ઉપરાંત રાજ્ય સરકારે પણ વિસ્મયની સજાની મુદ્દત વધારવા માટેની અરજી કરી હતી.

‘પરિવારોને દોઢ-દોઢ કરોડ રૂપિયા ચૂકવ્યા’

આ દરમિયાન વિસ્મય શાહે પણ ટ્રાયલ કોર્ટના હુકમને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર હાઈકોર્ટ આ કેસમાં કોઈ નિર્ણય સંભળાવે એ પહેલાં જ શાહે મૃતકોના પરિવારજનો સાથે મામલાને લઈને સમાધાન કરી લીધું હતું. બાદમાં પરિવારે વિસ્મય શાહની સજાને પડકારતી અરજીનો વિરોધ કર્યો નહોતો.

જોકે, ગુજરાત હાઈકોર્ટે ‘પરિવારો વચ્ચે થયેલા સમાધાનના મુદ્દાને ધ્યાને ન લઈ’ ટ્રાયલ કોર્ટની સજા બરકરાર રાખવાનો નિર્ણય કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ શાહની સજામાફી માટેની અરજી સીધી જ ફગાવી દીધી હતી.

કેસમાં રાહત મેળવવા માટે વિસ્મય શાહે પોતાની અરજી મારફતે જણાવ્યું હતું કે ‘તેમણે બંને મૃતકોના પરિવારજનોને દોઢ-દોઢ કરોડ રૂપિયા આપ્યા હતા, તેમજ તેમના પરિવારોને તેમને રાહત મળે એ વાતને લઈને કોઈ વાંધો નથી.’ જોકે, આ દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી નહોતી. આ અંગે કોર્ટે કહ્યું હતું કે, “પૈસાથી ન્યાય ન ખરીદી શકાય.”

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર આખરે 21 ઑગસ્ટ, 2020ના રોજ સજાના નિર્ણય સામે અરજી કરવાની બધી તકો અજમાવી લીધા બાદ આ કેસમાં પોતાની સજા કાપવા માટે વિસ્મય શાહે જેલમાં સરેન્ડર કર્યું હતું. અહેવાલ અનુસાર સેશન્સ કોર્ટના ચુકાદા બાદ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આ ચુકાદાને માન્ય રાખ્યો હતો. જોકે, એ સમયે પ્રવર્તી રહેલી કોવિડ – 19ની સ્થિતિને કારણે તેને બહાર રહેવા દેવાયો હતો. એ સમય સુધી તેણે પોતાની સજાના 13 મહિના પૂરા કર્યા હતા.

નોંધનીય છે કે જેલમાં જતા પહેલાં ડિસેમ્બર 2018માં અડાલજ નજીકના એક ફાર્મહાઉસ ખાતે વિસ્મય અને તેમનાં પત્ની કથિતપણે ‘દારુ પીવાના’ કેસમાં ‘પકડાયાં હતાં.’ હાઈકોર્ટે બંનેને સમાજસેવાની શરતે જામીન આપ્યા હતા. અહેવાલ અનુસાર પોતાની જામીનની શરતને અનુસંધાને વિસ્મયે છ મહિના અનાથાશ્રમ અને ઘરડાઘરમાં સેવા આપી હતી.

વર્ષ 2020માં જેલ ઑથૉરિટીને આત્મસમપર્ણ અંગેની પોતાની અરજીમાં વિસ્મયે પોતે કમરના દુખાવા અને હાઈપરટેન્શનની સમસ્યાથી પીડિત હોવાની વાત કરી હતી. તેમજ જેલમાં તેમને વેસ્ટર્ન ટૉઇલેટ અને પથારી અપાય એ માટે વિનંતી કરી હતી.

જોકે, ગત અઠવાડિયે જ વિસ્મય પોતાની સજા પૂરી કરીને જેલમાંથી બહાર આવ્યો હતો.

અહેવાલો અનુસાર શાહના વકીલે તેમના જેલમાંથી છૂટકારા અંગે વાત કરતાં કહ્યું હતું કે સત્તાધીશોએ ગુનેગાર તરીકે તેને મળતી રજા અને તેણે ઉપયોગ ન કર્યો હોય એ ફર્લોનો સમય ગણીને તેને જેલમાંથી છોડ્યો છે.

તથ્ય પટેલ કેસ

ઇસ્કોન બ્રિજ પર સંખ્યાબંધ લોકો પર ‘પૂરપાટ ઝડપે’ જેગુઆર કાર ‘દોડાવી’ ‘ભયાનક અકસ્માતને અંજામ આપવાના’ કૃત્યના આરોપી 20 વર્ષીય તથ્ય પટેલની આખરે પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસે કરેલી કાર્યવાહી અનુસાર અકસ્માતને પગલે એસજી હાઈવે – 02 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કારચાલક તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 279, 337, 338, 304, 504, 506 (2), 114 તેમજ મોટર વિહિકલ ઍક્ટ અધિનિયમની કલમ 177, 184 અને 134 (b) અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અહેવાલો અનુસાર બંને પિતા-પુત્રની ધરપકડ બાદ તેમને શુક્રવારે કોર્ટમાં હાજર કરાયા હતા. જ્યાં તથ્ય પટેલના રિમાન્ડ મંજૂર કરાયા હતા. તેમજ પિતા પ્રજ્ઞેશ પટેલને ન્યાયિક હિરાસતમાં મોકલી દેવાયા હતા.

ઘટના અંગે ‘દુ:ખ’ વ્યક્ત કરી રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ મામલે પત્રકારો સાથેની વાતચીતમાં ઘટનાને ‘હચમચાવનારી અને આખા રાજ્યને શોકગ્રસ્ત બનાવનારી’ ગણાવી અને ‘પીડિતોને ઝડપી ન્યાય અપાવવાની’ પ્રતિબદ્ધતા દાખવી હતી.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેસ રાજ્ય સરકારની ‘પ્રાથમિકતા’ હોવાનું અને ‘બાપ-દીકરાને કાયદાનું ભાન કરાવવાની કાર્યવાહી થાય એવું સુનિશ્ચિત કરવાનો’ વિશ્વાસ અપાવ્યો હતો.

બીજી તરફ આ અકસ્માતમાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારે ‘આરોપીને કોઈ પણ ભોગે ફાંસીની સજા’ અપાવવાની માગ ઉચ્ચારી હતી.

ઘટનાના દિવસે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો અમદાવાદની સોલા સિવિલ ખાતે ભેગા થતાં ‘વાતાવરણ શોકગ્રસ્ત બન્યું હતું’ અને ‘આક્રંદનાં ગમગીન દૃશ્યો’ સર્જાયાં હતાં.

આ ઘટના સામે આવ્યા બાદથી સમગ્ર મામલો ‘હાઈપ્રોફાઇલ અને ચર્ચાસ્પદ બની ગયો હતો.’ મીડિયા સંસ્થાનો હજુ સુધી આ સમગ્ર મામલાને લઈને નવા ખુલાસા અને હકીકતો સામે લાવવા પ્રયત્ન કરી રહ્યાં છે.