You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇસ્કોન અકસ્માત : ‘અમારે વળતર નહીં ન્યાય જોઈએ’, મૃતકોના પરિવારજનોનો કલ્પાંત
- લેેખક, સાગર પટેલ
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતના અમદાવાદ શહેરના એસજી હાઇવે ખાતે ઇસ્કોન ફ્લાયઓવર પર ગુરુવારે મોડી રાત્રે સર્જાયેલ ‘પૂરપાટ ઝડપે દોડી આવતી’ જેગુઆર કારે સર્જેલા ‘ગંભીર’ અકસ્માતમાં નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ઘટનામાં 12ને ઈજા થઈ હતી, ઈજાગ્રસ્તોને નિકટની હૉસ્ટિપલોમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. અકસ્માત અંગે એસજી હાઇવે 2 ટ્રાફિક પોલીસે જેગુઆર કારના ચાલક તથ્ય પટેલ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 279, 337, 338, 304 અને મોટર વિહિકલ ઍક્ટરની કલમ 177 અને 184 અંતર્ગત ફરિયાદ નોંધી હતી.
મળી રહેલ માહિતી મુજબ આરોપી ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસના જણાવ્યાનુસાર ડૉક્ટરની સલાહ મુજબ તથ્યના બે-ત્રણ ટેસ્ટ કરાવવાના થાય છે. “ટેસ્ટનાં પરિણામ આવ્યાં બાદ જો તે કુશળ હશે તો પોલીસ તેની ધરપકડ કરી શકશે.” પ્રાથમિક માહિતી અનુસાર પોલીસે આ મામલો ‘ડ્રન્ક ઍન્ડ ડ્રાઇવનો નહીં પરંતુ અત્યંત સ્પીડમાં ગાડી ચલાવવાનો’ ગણાવ્યો હતો.
ઘટના અંગે મળેલ માહિતી અનુસાર ઘટનાસ્થળે બે ગાડીના અકસ્માતને કારણે ‘પોલીસજવાનો સહિત ભેગા થયેલા લોકો’ના ટોળા પર ‘160 કિમી પ્રતિ કલાકની ઝડપે’ ચાલતી જેગુઆર કાર ‘ફરી વળતાં’ આ ‘ભયાનક’ અકસ્માત થયો હતો.
ગુજરાત સરકારના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અકસ્માતને ‘દુ:ખદ અને હચમચાવનારી ઘટના’ ગણાવી, ‘મુખ્ય મંત્રીની સૂચના પ્રમાણે કાર્યવાહી શરૂ કરાયા’ની માહિતી આપી હતી.
રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર અકસ્માત અંગે પ્રતિક્રિયા આપતાં તેને ‘દુ:ખદ’ ગણાવ્યો હતો. તેમણે મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરતાં રાજ્ય સરકાર તરફથી ઘટનામાં મૃત્યુ પામનારાના પરિવારોને ચાર-ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી હતી.
ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજનોએ ‘અકસ્માત કરનારને ફાંસીની સજા’ની માગ કરી હતી. કઠોરમાં કઠોર સજાની માગ સાથે દુ:ખી પરિવારજનોએ ‘ન્યાયની માગણી સાથે સ્વજનોના મૃત્યુ બદલ કોઈ પ્રકારનો વળતર ન સ્વીકારવાની’ વાત કરી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો સોલા સિવિલ હૉસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થયા બાદ મૃતકોના સ્વજનો હૉસ્પિટલે દોડી આવ્યા હતા, કોઈએ પોતાનો ‘એકનો એક લાડકવાયો’ તો કોઈએ ‘પોતાના ઘરનો કમાઉ દીકરો’ ગુમાવી દીધો હતો. પરિવારજનો હૉસ્પિટલે પહોંચતાં કરુણ દૃશ્યો સર્જાયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી ગુજરાતીએ અકસ્માત બાદ મૃતકોના પરિવારજનો અને સરકારી પક્ષ સાથે વાત કરી સમગ્ર ઘટના અને અત્યાર સુધી થયેલી કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
‘અમારે વળતર નથી જોઈતું, આરોપીને ફાંસી આપો’
સોલા સિવિલ કંપાઉંડમાં એકઠા થયેલા મૃતકોના પરિવારજનો પોતાના સ્વજનોનાં મૃત્યુના ‘અપાર દુ:ખ’ને કારણે ‘ગળગળા થયેલા’ જોવા મળ્યા હતા. ‘રડમસ’ સ્વરે તેઓ પોતાના મૃતક પરિવારજનો માટે ‘ન્યાય’ માગતા જોવા મળી રહ્યા હતા.
મૃતકો પૈકી એક યુવાન અક્ષય ચાવડાના એક પરિવારજન નરેન્દ્રભાઈએ બીબીસી સાથેની વાતચીતમાં આક્રોશ સાથે માગણી કરતાં કહ્યું હતું કે, “અમારે ન્યાય જોઈએ. મારા સાળાનો એકનો એક દીકરો ગુજરી ગયો. ગુનેગારને ફાંસી મળે એ સુનિશ્ચિત કરવું જોઈએ.”
સરકારે જાહેર કરેલા વળતર અંગે પ્રતિક્રિયા આપતાં તેમણે કહ્યું કે, “અમારે ન્યાય જોઈએ, વળતર નહીં. જો પૈસાની જ વાત હોય તો અમે પૈસા આપીશું, પરંતુ ગુનેગારને ફાંસી સિવાય અમને કોઈ સજા મંજૂર નથી.”
પરિવારજનો સાથે થયેલી વાતચીત મુજબ અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવાન અક્ષર ચાવડા મૂળ બોટાદ જિલ્લાના હતા. પરિવારે આપેલી માહિતી અનુસાર, “અમદાવાદ એમબીએ કોર્સમાં ઍડમિશન માટે આવ્યો હતો, એ ઘટનાસ્થળ પાસેની હૉસ્ટેલમાં રૂમ રાખીને રહેતો, અકસ્માતનો અવાજ સાંભળી એ અને તેના મિત્રો ત્યાં પહોંચ્યા અને અકસ્માતમાં તેનો જીવ ગયો.”
અક્ષરના પિતા ઘટના અંગેની વાત કરતાં ગળગળા થઈ ગયા હતા.
પુત્રના મૃત્યુનો ભાર વેઠી રહેલાં આ પિતા માંડમાંડ વાત કરી શકતા હતા. તેમણે કહ્યું કે, “અમને આ અકસ્માત થયાનો ફોન આવ્યો. અમે આવ્યા ત્યારે ખબર પડી કે સારવાર ચાલી રહી છે, પરંતુ અંતે મારો દીકરો મૃત્યુ પામ્યો.”
ઘટનામાં એક હોમગાર્ડ જવાને પણ જીવ ગુમાવ્યો હતો.
તેમના એક પરિવારજન દિલીપભાઈ ચંદેલે વાત કરતાં કહ્યું હતું કે, “રાત્રે તે તેની ડ્યૂટી પર ગયો હતો. દરમિયાન ઇસ્કોન પાસે ચા પીવા જતાં તેમણે જોયું કે નજીકમાં અકસ્માત થયો છે, આ દૃશ્ય જોઈ તે મદદ કરવા ગયો. પરંતુ આ જ દરમિયાન આ ગાડીવાળાએ આવીને ત્યાં ઊભેલાં દસ-15 જણને અડફેટે લઈ લીધા. તેમાં પોલીસકર્મી સહિત મારા ભત્રીજાનું પણ મૃત્યુ થયું હતું.”
તેમણે ઘટનાના જવાબદાર કારચાલકને સજાની માગણી કરતાં કહ્યું હતું કે, “અમારું માત્ર એટલું જ કહેવું છે કે ભલે આ કારચાલક ગમે એ વ્યક્તિ હોય, તેને સજા થવી જ જોઈએ.”
સરકારે જાહેર કરેલા વળતર અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “ચાર લાખ રૂપિયામાં છોકરું નથી મળતું. ચાર લાખ રૂપિયા આપે બધું પૂરું ન થઈ જાય.”
“છોકરાને મોટો કરવામાં માબાપનું જીવન ગુજરી જાય છે. સહાય આપવાથી બધું નથી થઈ જતું. તેને મહેનત કરીને અમે મોટો કર્યો હતો.”
તેમણે આરોપીને સજાની માગ કરતાં કહ્યું હતું કે, “આવા ગુનેગારોને સરકાર સજા કરે. જેનાથી બીજા ગુનેગારો માટે દાખલો બેસે.”
'ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં કેસ ચલાવી, કાયદાનું ભાન કરાવાશે'
ઘટનામાં આરોપી ચાલક તથ્ય પટેલ હાલ ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમના પિતા પ્રજ્ઞેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “ગાડીમાં અન્ય જેટલા પણ લોકો હતા, એ બાધા પોલીસ સ્ટેશન કે કોર્ટ આવવા માટે તૈયાર છે.”
તેમણે મીડિયા સાથેની વાતચીતમાં તથ્યને ઘટનાસ્થળેથી લઈ જવા પાછળના કારણ અંગે વાત કરતાં કહ્યું હતું કે, “ત્યાં હાજર લોકો મારા દીકરાને મારી રહ્યા હતા, તેથી હું તેને લઈ ગયો.”
‘ઓવરસ્પીડ ડ્રાઇવિંગ’ અંગેના આરોપને લઈને ખુલાસો કરતાં તેમણે કહ્યું હતું કે, “તેમને એ વિશે કાંઈ ખબર નથી. મારા દીકરો લોહીલુહાણ થઈ ગયો હતો, લોકો તેને મારતા હતા તેથી મને કોઈ વિચાર ન આવતાં હું એને ત્યાંથી લઈને નીકળી ગયો.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કોર્ટ જે કરે એ ઠીક. તેની પાસે લાઇસન્સ છે. કાર અમારા ભાગીદારના નામે રજિસ્ટર્ડ છે.”
પ્રજ્ઞેશ પટેલે પોતાનો પુત્ર રાત્રે ક્યાં ગયો હતો એ અંગે પણ વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું કે, “તે તેના મિત્રો સાથે રાત્રે 11 વાગ્યે કાફેમાં જવા નીકળ્યો હતો.”
ઘટનાસ્થળેથી પુત્ર તથ્ય પટેલને લઈ જવા માટે તેમણે કથિતપણે લોકોને ‘ધમકાવીને પિસ્તોલ કાઢી’ હોવાના આરોપ અંગે ઇનકાર કરતાં તેમણે કહ્યું હતું કે, “મેં એવું કંઈ નથી કર્યું, બીજા કોઈએ કર્યું હોય તો મને ખબર નથી.”
ઘટના બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટના અંગે કહ્યું હતું કે ‘તંત્ર અને સરકાર ગંભીરતાપૂર્વક પગલાં લઈ રહ્યાં છે.’
તેમણે કહ્યું હતું કે, “મુખ્ય મંત્રીની સૂચના મુજબ આ કેસમાં કાર્યવાહી ચાલુ કરી દેવાઈ છે. એક અઠવાડિયામાં મામલાની ચાર્જશીટ દાખલ કરાઈને ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં કેસ ચલાવાશે. સાંજ સુધી સ્પેશિયલ પબ્લિક પ્રૉસિક્યૂટરની નિમણૂક કરી દેવાશે. આ કેસને અતિ ગંભીર અને ઉચ્ચ પ્રાથમિકતાવાળા કેસ તરીકે જોવાઈ રહ્યો છે.”
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, “અમે આ કેસને લઈને ખૂબ ગંભીર છીએ. આજે રાજ્યમાં તમામનાં ઘરમાં શોકનો માહોલ છે. અમે સુનિશ્ચિત કરશું કે આ મામલાને લઈને કોઈ છટકબારી ન રહે. સાંજ સુધીમાં આરટીઓનો રિપોર્ટ મળી જશે. આવી ઘટનાઓ આગળ ન થાય એ માટે પોલીસની એક નિરીક્ષણ ટીમ બનાવાઈ છે, જે નજર રાખવાનું કામ કરશે.”
તેમણે કેસ અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, “પ્રાથમિક તપાસ મુજબ કરાયેલા ટેસ્ટમાં મામલો ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવનો જણાયો નથી. પરંતુ હજુ આ અંગે તપાસ કરાઈ રહી છે. વધુ ડિટેઇલ ટેસ્ટ કરાશે. જો ઘટનાના અગાઉના દિવસોમાં દારૂ પીધો હોય કે ડ્રગ્સ લીધું હોય તેની પણ તપાસ કરાશે. બ્લડ રિપોર્ટ બાદ બધું સામે આવશે.”
તથ્યના પિતા સામે ‘દાદાગીરી’ના આક્ષેપ અંગે તેમણે કહ્યું હતું કે, “સામાન્ય પરિવારોની ખુશી છીનવી અને એવું જાણવા મળ્યું છે કે તેના પિતાએ દાદાગીરી કરવાનો પ્રયાસ કર્યો, તેની સામે પણ પોલીસ કાયદાનું ભાન થાય એવી કાર્યવાહી કરવાનું સુનિશ્ચિત કરશે.”
“સામાન્ય નાગરિકોને ગભરાવા મામલે તેમની સામે પણ એફઆઇઆર દાખલ કરાશે.”
તેમણે કહ્યું હતું કે, “સમગ્ર મામલામાં પોલીસ અને તંત્રે ખૂબ સારી કામગીરી કરી છે.”
કેવી રીતે થયો અકસ્માત?
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ગુજરાત પોલીસે આને “હિટ ઍન્ડ રન”નો મામલો ગણાવ્યો હતો. કંટ્રોલ રૂમનાં સૂત્રો દ્વારા અખબારને મળેલ માહિતી અનુસાર, “ઈજાગ્રસ્તોમાં કારનો ડ્રાઇવર પણ સામેલ છે.”
સ્થાનિક મીડિયામાં ઘટના અંગે અપાઈ રહેલી માહિતી અનુસાર મૃતકોમાં ‘બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકો સામેલ’ છે. ઘટના અંગે સ્થાનિક મીડિયામાં આવી રહેલી માહિતી અનુસાર ઇસ્કોન બ્રિજ પરથી પસાર થતી વખતે એક ડમ્પરની પાછળ એક કાર ઘૂસી જતાં, મોડી રાત્રે લોકોનું ટોળું અકસ્માતના સ્થળે પહોંચી ગયું હતું.
માહિતી પ્રમાણે, ‘અકસ્માત જોવા પહોંચેલી ભીડ’ પર ‘160 કિમી પ્રતિ કલાક’ની ઝડપે આવી રહેલી જેગુઆર કાર ‘ફરી વળી’ હતી. ‘ગોઝારા અકસ્માત’માં સોલા સિવિલ હૉસ્પિટલનાં મેડિકલ ઑફિસર કૃપા પટેલે નવ લોકોનાં મૃત્યુ થયાંની વાતની પુષ્ટી કરી હતી.
માહિતી મુજબ અકસ્માતમાં “નવમાંથી ચાર-પાંચ મૃતકો 18-23 વર્ષની વયના હતા, જ્યારે બાકીના મૃતકોની ઉંમર 35-40 વર્ષની હતી.” ડૉક્ટરે આપેલી માહિતી અનુસાર અકસ્માતના મૃતકોમાં ‘બે પોલીસજવાનો’ પણ સામેલ હતા.
સમાચાર એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, “રાત્રે લગભગ દોઢ વાગ્યાની આસપાસ ઈજાગ્રસ્તો અને મૃતદેહોને લાવવાનું શરૂ થયું હતું. પહેલાં તો ચાર ઈજાગ્રસ્તો અને ત્રણ મૃતદેહો લવાયા. જે પૈકી ગંભીર હાલતમાં રહેલા એક દર્દીનું અડધા કલાકમાં મૃત્યુ થયું હતું.”
“બીજા એક દર્દીને અહીંથી અસારવા સિવિલ ટ્રાન્સફર કરાયા હતા. હાલ આ હૉસ્પિટલમાં કોઈની સારવાર ચાલી નથી રહી.”
તેમણે મૃતકોની સંખ્યા અને તે બાદની કાર્યવાહી વિશે વાત કરતાં કહ્યું કે, “અકસ્માતમાં મૃત્યુ પામેલા નવ લોકોના મૃતદેહ પહોંચ્યા છે. જે પૈકી એકનું પોસ્ટમૉર્ટમ કરાયું છે, તેમજ અન્યોના પોસ્ટમૉર્ટમની પ્રકિયા ચાલી રહી છે.”
તેમણે ઘટનાની ભયાનકતા અંગે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, “મારી કારકિર્દીમાં પહેલી વાર કોઈ ઘટના બાદ આટલા બધા લોકોની ડેડ બૉડી જોઈ છે. એક સાથે નવ ડેડ બૉડી હતી. બધાને ગંભીર ઈજા થઈ હતી.”
મૃતકો અંગે માહિતી આપતાં ડૉ. પટેલે કહ્યું હતું કે મૃતકોની ઉંમર ‘18થી 40 વર્ષની વચ્ચે’ની હતી.
આરોપી તથ્ય પટેલની ધરપકડ કેમ નહીં?
સમાચાર એજન્સી એએનઆઈના કહેવા પ્રમાણે અમદાવાદ ટ્રાફિક પોલીસનાં ડીસીપી નીતા દેસાઈએ આ ઘટના બાદ પ્રેસ કૉન્ફરન્સ કરી છે.
નીતા દેસાઈએ કહ્યું, “આ ઘટનાની તપાસ શરૂ કરી દેવાઈ છે. પંચનામું પણ થઈ ગયું છે અને ફોરેન્સિક લૅબોરેટરીના અધિકારીઓ પણ અહીં આવીને તપાસ કરી ગયા છે. તેઓ આરટીઓના અધિકારીઓ સાથે પણ ઘટનાસ્થળની મુલાકાત લેશે.”
તેમણે વધુમાં જણાવ્યું કે જેગુઆર ગાડીનો ચાલક તથ્ય પટેલ (જેણે આ અકસ્માત કર્યો છે) હાલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આરોપી તથ્ય પટેલની ધરપકડ કેમ નથી કરી તેવા સવાલના જવાબમાં નીતા દેસાઈએ કહ્યું, “ડૉક્ટરે સલાહ આપી છે કે તથ્યના બે-ત્રણ ટેસ્ટ કરાવવાના થાય છે, તે ટેસ્ટનાં પરિણામ આવ્યાં બાદ જો તેઓ કુશળ હશે તો પોલીસ તેમની ધરપકડ કરી શકશે.”
પોલીસના જણાવ્યા પ્રમાણે ડૉક્ટરની સલાહ પ્રમાણે આરોપીની ધરપકડની કાર્યવાહી થશે. તેને પોલીસની નજર હેઠળ જ રાખવામાં આવ્યો છે. નીતા દેસાઈએ કહ્યું કે પોલીસનો ઉદ્દેશ એક જ છે કે જેઓ અકસ્માતને કારણે મૃત્યુ પામ્યા છે તેમને ન્યાય મળે.
જોકે, પોલીસે આ કેસ ડ્રંક ઍન્ડ ડ્રાઈવ હોવાનો ઇન્કાર કરી દીધો છે. પોલીસ કહે છે કે તથ્ય ખૂબ સ્પીડમાં આ ગાડી ચલાવતો હતો તેને કારણે આ અકસ્માત સર્જાયો છે.
પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે તથ્ય પટેલની સાથે ગાડીમાં બીજું કોણ-કોણ હતું. જો માલૂમ પડશે કે આ ગાડીમાં અન્ય કોઈ વ્યક્તિ પણ સવાર હતી તો પોલીસ તેમને પણ બોલાવીને તેમની પૂછપરછ કરી શકે છે.