'અમારાં લગ્નને 26 વર્ષ થયાં, પણ લાગે છે જાણે 26 દિવસ જ થયા હોય' : 'રિમઝિમ ગિરે સાવન’ પર વરસાદમાં ભીંજાતા વાઇરલ યુગલની કહાણી

    • લેેખક, વંદના અને મધુપાલ
    • પદ, બીબીસી ન્યૂઝ

મુંબઈ, દરિયાકિનારો અને ચોમાસાનો વરસાદ.. આ દૃશ્ય જ ખૂબ રોમૅન્ટિક છે...તે પછી ફિલ્મ હોયે કે અસલ જિંદગી...

51 વર્ષના શૈલેષ ઇનામદાર અને વંદનાએ તેમના વીડિયો દ્વારા ઘણી ધારણાઓને તોડી નાખી છે.

તાજેતરમાં મુંબઈના વરસાદની મજા માણતાં પતિ-પત્ની શૈલેષ ઇનામદાર અને વંદના ઇનામદારનો વીડિયો ખૂબ વાઇરલ થયો હતો.

આ વીડિયોમાં તેમણે અમિતાભ બચ્ચન-મૌસમી ચેટરજીનું મશહૂર ગીત ‘રિમઝિમ ગિરે સાવન’ રિક્રિએટ કર્યું ત્યારથી કોઈ અનામ શાયરનો આ શેર ફરી રહ્યો છે- ‘ખુદા ઉમ્ર દરાઝ રખે ઉસકો ઓર તાઉમ્ર ઉસકો મેરી હસરત રહે...’

"હું તેમની (પત્ની) પાછળ ઘણા દિવસથી પડ્યો હતો કે મને વરસાદમાં એકવાર પલળવું છે. એ સમયે એવો કોઈ વિચાર ન હતો કે કોઈ ફિલ્મી ગીત રિક્રિએટ કરવું છે. બસ મારે એમની સાથે પલળવું હતું."

51 વર્ષીય શૈલેષ ઈનામદારની આ માત્ર એક નાની ઇચ્છા હતી અને તેમાંથી જે રિક્રિએટ થયું, તે આજે વાઇરલ છે.

'26 વર્ષ એવા પસાર થયાં જાણે 26 દિવસ'

સોશિયલ મીડિયાની દુનિયાથી બિલકુલ દૂર, શૈલેષ અને વંદના મુંબઈમાં રહે છે અને તેમને ધીરે-ધીરે ખબર પડી રહી છે કે સોશિયલ મીડિયા પર તેમના વીડિયોએ પ્રેમને લઈને નવી ચર્ચા શરૂ કરી દીધી છે.

શૈલેષ કહે છે કે, "યુવાન ઉંમરમાં પ્રેમમાં આકર્ષણ વધુ હોય છે, પરંતુ એવું કેમ છે કે અમારી ઉંમરે અમે બહાર હાથ પકડીને ચાલી ન શકીએ? તેમાં કોઈ સોશિયલ ટૅબૂ રહેવો ન જોઈએ. જો તમે કોઈને સાચા દિલથી પ્રેમ કરો છો તો પ્રેમ વ્યક્ત પણ કરવો જોઈએ.”

"ઉંમર માત્ર એક આંકડો છે, વધતો રહેશે. જ્યાં સુધી વાત મારી પત્નીની છે, પ્રેમ તો એ પણ કરે છે, પરંતુ શરમાય છે."

"ઘણી કેરિંગ છે. હું થોડો ઍક્સટ્રૉવર્ટ છું, તેમના દિલમાં પણ પ્રેમ હશે, પરંતુ તે વાત કરતી નથી, એટલો જ ફરક છે. અમારાં લગ્નને 26 વર્ષ થયાં છે, પરંતુ અમને 26 દિવસ જ થયા હોય એવું લાગે છે."

"અમારા વચ્ચે કંઈ જ બદલાયું નથી. આજે પણ પહેલાં જેવું જ લાગી રહ્યું છે. માત્ર હવે જવાબદારી વધી ગઈ છે."

વંદના થોડી લાઇનોમાં જ તેમની વાત મૂકવાનું પસંદ કરે છે, ત્યાં શૈલેષ થોડા ખુલીને વાત કરે છે.

2023માં 1979ની યાદ

આ વાઇરલ વીડિયોએ 1979ની ફિલ્મ ‘મંઝિલ’ અને તેનાં ગીતોની યાદો પણ તાજી કરી દીધી છે.

‘રિમઝિમ ગિરે સાવન’ ગીત વરસાદની થીમ પર બનાવવામાં આવ્યું છે, કદાચ સૌથી સુંદર, રોમૅન્ટિક અને સુકૂન ભરેલાં ગીતોમાંથી એક છે.

આ ફિલ્મમાં ગીતના મેલ અને ફિમેલ વર્ઝન બંને છે.

વરસાદનું આ ગીત લતા મંગેશકરે ગાયું છે, જે બૅકગ્રાઉન્ડમાં ચાલે છે. સૂટ બૂટ પહેરીને અમિતાભ બચ્ચન અને સાદી સાડીમાં મૌસમી ચેટરજી મુંબઈના વરસાદમાં એકબીજા સાથે કંઈક આવી રીતે રાજી હતાં, જાણે આસપાસની દુનિયા તેમના માટે ઓઝલ છે.

1979માં આવેલી બાસુ ચેટર્જીની આ ફિલ્મનું સંગીત આરડી બર્મને આપ્યું હતું અને ગીતકાર યોગેશે ગીતના સુંદર બોલ લખ્યા હતા.

યોગેશનાં ગીતોમાં એક અલગ પ્રકારની સાદગી હતી, જે હૃદયને સ્પર્શી જાય છે. જોકે યોગેશની ચર્ચા અન્ય ઘણા નામી ગીતકારોની સરખામણીએ ઓછી થાય છે.

ફિલ્મ ‘મંઝિલ’માં બૂંદ (ટીપું) વિશે તેઓ લખે છે કે, ‘જબ ઘુંઘરુઓ સી બજતી હે બૂંદે, અરમાં હમારે પલતે ન મુંદે.’

બૂંદ (ટીપાં), ઘુંઘરુ (ઝાંઝરી)અને અરમાનો જેવા શબ્દોને તેમણે ખૂબ સુંદર રીતે એક પંક્તિમાં પોરવ્યા છે.

વરસાદમાં હમસફર સાથે પલળવાની એ ખુમારી યોગેશ કંઈક આવી રીતે રજૂ કરે છે. ‘પહલે ભી યૂં તો બરસે થે બાદલ, પહલે ભી યૂં તો ભીગા થા આંચલ, અબકે બરસ ક્યૂ સજન સુલગ સુલગ જાએ મન.’

આ ગીતનું પુરુષ વર્ઝન કિશોર કુમારે ગાયું હતું, જ્યાં અમિતાભ બચ્ચન એક લગ્નમાં આ ગીત સંભળાવે છે અને મૌસમી ચેટરજી આ ગીત સાંભળીને અમિતાભની પ્રશંસા કરે છે, તેમની તરફ આકર્ષાય છે અને આ ગીત વરસાદ વચ્ચે એક રોમૅન્ટિક ગીત બની જાય છે.

શૈલેષ અને વંદનાએ આ ગીતના દરેક સીનનું મુંબઈના વરસાદમાં પુનરાવર્તન કરતું શૂટિંગ કર્યું છે.

શૂટિંગ પહેલાંની તૈયારી

વંદના પ્રેમથી કહે છે કે, "મને પલળવું ગમતું નથી, કારણ કે ત્યારબાદ કામ વધી જાય છે. તેથી જ્યારે ગીત શૂટ કરવાનો વિચાર આવ્યો, ત્યારે મેં કહી દીધું હતું કે અહીં આસપાસ જ પલળીશું, મુંબઈના નરીમન પૉઇન્ટ કેમ જવું છે, કોટ વોટ કેમ પહેરવો છે."

"તેથી હું ના પાડી દેતી હતી, પરંતુ જ્યારે તેમણે તેમના દોસ્ત સામે હા પાડી દીધી અને પ્લાન બનાવી લીધો ત્યારે મારા ના બોલવાનો કોઈ મતલબ નહોતો. અમે તૈયાર થઈ ગયાં."

શૈલેષ કહે છે કે, "આ ગીત અમારા હૃદયથી ખૂબ નજીક છે. અમે અમિતાભ અને મૌસમીના ચાહક છીએ, ત્યારે હું તેમની (પત્ની) પાછળ પાણીમાં પલળવા માટે ઘણા દિવસથી પડ્યો હતો."

"હું અમિતાભની જેમ સૂટ-બૂટ ટાઈ પહેરી લઈશ અને તમે મૌસમી ચેટરજીની જેમ સાડી પહેરશો, આપણે નરીમન પૉઇન્ટ જઈશું અને પલળીશું. માત્ર આટલો જ વિચાર હતો. ત્યારે આ વાત અમે અન્ય લોકો સાથે પણ શેર કરી ત્યારે તેમણે કહ્યું કે તમે તો તેમના જેવા જ લાગો છો."

"મારા મિત્ર અનુપે એ વિચારને ગંભીરતાથી લીધો."

"અમે મુંબઈમાં તમામ વેધર ફોરકાસ્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી ડેટા કઢાવ્યો. તમામે પ્રિડિક્ટ કર્યું કે 25 જૂનથી 1 જુલાઈ સુધી ઘણો વરસાદ થશે."

"એજ પ્રમાણે અમે શૂટ કરવાનું નક્કી કર્યું. પત્નીએ ધમકી આપી હતી કે હું પહેલાં જાતે વીડિયો જોઈશ, પછી જ તે પબ્લિશ થશે અને આ વીડિયો આપણાં માતા-પિતાને પણ સારો લાગે. અમે થોડા શરમાળ છીએ."

‘શો મસ્ટ ગો ઑન...’

સાથે ઘરે બાળકો શું વાચરશે તેનો પણ ડર હતો કે કેમ અને વીડિયો આવ્યા પછી લોકોનું વલણ કેટલું બદલાયું છે?

શૈલેષે કહ્યું કે, "નાંદેડમાં અમારા સ્કૂલ શિક્ષક રહે છે, જેમણે બાળપણમાં અમને ઘણા માર્યા હતા, તેમણે અમને ફોન કરીને કહ્યું કે શૈલેષ મને ગર્વ છે. અમારી આંખોમાં આંસુ આવી ગયા, અમે કહ્યું સર આ તમે બોલી રહ્યા છો."

રેહાના રિયાઝ ચિશ્તી રાજસ્થાન મહિલા સ્ટેટ કમિશનનાં અધ્યક્ષ છે, તેમણે ટ્વિટર પર લખ્યું છે કે, "ઉંમર ક્યારેય પણ અવરોધ ન બનવી જોઈએ. શો ચાલતો રહેવો જોઈએ."

વ્યવસાયે ફિઝિશિયન અને કવિતાઓ લખતા દિનેશકુમાર શર્માએ ટ્વિટર પર તેમના માટે એક કવિતા પણ લખી હતી- "ઉંમર માત્ર એક સંખ્યા છે ફરી બતાવ્યું એક યુગલે, નીકળ્યું મુંબઈના રસ્તાઓ પર જીવનપર્વ ઉજવવા, વરસાદની રિમઝિમમાં પ્રેમગીત ગાવા."

’80 વર્ષના કાકા બોલ્યા...’

‘રિમઝિમ ગિરે સાવન’ ગીતને રિક્રિએટ કરવાને બહાને શૈલેષ અને વંદનાને તેમની જિંદગી, તેમના સંબંધો, તેમના પ્રેમને નવા વિચારોથી, ફરીથી પરિભાષિત કરવાની તક મળી હતી.

શૈલેષ કહે છે કે,"હું એ કહી શકું છું કે આ પહેલા પ્રેમ વ્યક્ત કરવાની મારી રીત ડૉમિનેટિંગ હતી, એટલે કે હું તમને પ્રેમ કરું છું , તેથી મને તમારું સંપૂર્ણ અટેન્શન જોઈએ. આ મારો દુર્ગુણ હતો."

"પરંતુ દર વર્ષે પરસ્પર વિશ્વાસ અને આદર પણ વધ્યો છે અને માફી માગવું પણ સરળ થઈ ગયું છે."

"બાળપણમાં ‘કોરા કાગજ’ ફિલ્મ જોઈ હતી, તેમાં પણ બંને ભણેલા છે, બંને ઇચ્છે છે કે બીજો માફી માગે અને માત્ર ઇગોના કારણે બંને એકબીજાથી 15 વર્ષ દૂર રહ્યાં હતાં."

શૈલેષ કહે છે કે, "તેમને વિનોદ મેહરા ખૂબ ગમે છે. મને યાદ છે, જ્યારે અમે પહેલીવાર મળ્યાં હતાં, ત્યારે મને થોડી ઈર્ષ્યા થઈ હતી. મે કહ્યું હતું કે હું વિનોદ મેહરાથી સારો છું."

શૈલેષ અને વંદનાનો વીડિયો આનંદ મહિન્દ્રા જેવી હસ્તીઓએ અને દુનિયાભરના લોકોએ શેર કર્યો છે, તેથી શૈલેષ અને વંદના કહે છે કે તેમણે ઉંમરને લઈને લોકોની વિચારસરણની લઈને આવેલો બદલાવ મેળવ્યો છે.

પોતાની વાત પૂરી કરતા શૈલેષ ગર્વથી કહે છે કે, "આ વીડિયોનું એક રિઍક્શન એ પણ આવ્યું કે 80 વર્ષના કાકાએ અમને કીધું કે ઇનામદારજી, હું તમારી કાકીને લઈને હમણાં પલળવાનો છું."

"અમારા મરાઠી ફિલ્મ લાઈનના ઘણા લોકોએ કહ્યું કે વંદનાનું કામ સારું છે. અમને પણ ખબર ન હતી કે તેમનો હાવભાવ આટલો સારો હશે..જો કોઈ પ્રોજેક્ટ હશે તો અમે બંને તૈયાર છીએ."