'પહેલી નજરે મને એ ડોસી સાથે પ્રેમ થઈ ગયો'

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"એ વખતે હું 75નો અને રંજન 65ની હતી. હું એ વખતે વૃદ્ધાશ્રમમાં રહેતો હતો. અમારા વૃદ્ધોનો મેળો હતો. મેં રંજનને જોઈ અને તેણે મને જોયો. બસ પ્રેમ થઈ ગયો અને અમે પરણી ગયાં. અમે સુખેથી રહીએ છીએ. મોટું મકાન વેચીને નાના મકાનમાં રહીએ છીએ. સવારથી અલગઅલગ મંદિરમાં જઈએ છીએ અને એકબીજાની હૂંફમાં બીજો પગ કબર તરફ ભરી રહ્યાં છીએ..."

આ શબ્દો છે 80 વર્ષના મહેશ મિસ્ત્રીના છે.

80 વર્ષીય મહેશ મિસ્ત્રી અમદાવાદના નારોલ વિસ્તારમાં છેલ્લાં પાંચ વર્ષથી રહે છે, પણ સંતાનો અને સગાંઓથી એવા દાઝેલા છે કે કોઈને મળતા નથી.

પોતાનાં નવાં પત્ની સાથે સવારે જમીને ઘરેથી નીકળે છે, અલગઅલગ મંદિરમાં ફરે છે, બપોરે નાસ્તો કરે છે અને સાંજે ઘરે પરત ફરે છે.

મહેશભાઈ આમ તો એન્જિનિયર છે. તેઓ 1963માં એન્જિનિયર થયા પછી પહેલાં તો સરકારી કંપનીમાં નોકરીએ લાગ્યા હતા.

પણ એમને ફાવ્યું નહીં એટલે સરકારી નોકરી છોડીને ભરૂચમાં એક ખાનગી કંપનીમાં નોકરીએ લાગ્યા.

બીબીસી ગુજરાતી સાથે પોતાની જવાનીના દિવસો યાદ કરતાં મહેશભાઈ કહે છે કે "હું એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. ભરૂચમાં દોસ્તો સાથે નોકરીથી છૂટ્યા પછી ફરતા હતા ત્યારે અમે કૉલેજ પાસેથી પસાર થતા હતા. ત્યારે વાતો કરતાં કરતાં જતા હતા."

"સામેથી કૉલેજિયન છોકરીઓ આવતી હતી, અને હું એક છોકરી સાથે અજાણતાં જ અથડાયો. અને એ છોકરીનાં પુસ્તકો પડી ગયાં. ફિલ્મી સ્ટાઇલથી મેં એને 'સૉરી' કહ્યું અને જમીન પર પડેલાં પુસ્તકો આપ્યાં."

"પણ એની બીજી બહેનપણીએ કહ્યું કે જાણીજોઈને અથડાયા અને 'સૉરી' કહે છે, પણ છોકરીઓને પરેશાન કરવાનો પ્રયાસ કરે છે."

"એની વાત સાંભળીને હું છંછેડાઈ ગયો. મેં કહ્યું કે હું મવાલી નથી, એક એન્જિનિયર છું. અને હું જે છોકરીને અથડાયો હતો એની સામે જોયું તો એ નખથી જમીન ખોતરી રહી હતી."

મહેશભાઈ એ જમાનાને યાદ કરતાં કહે છે કે "ભરૂચ એ જમાનામાં સાવ નાનું. બે દિવસ પછી હું ફૅક્ટરીથી બહાર નીકળતો હતો ત્યારે એ છોકરી મને રસ્તામાં મળી. અમારી આંખો મળી."

"એને મને કહ્યું કે 'માફ કરજો, મારી બહેનપણીએ જે કહ્યું એ, પણ મને ખરાબ નથી લાગ્યું', કોણ જાણે કેમ મને એ છોકરી પહેલી નજરે ગમી ગઈ."

મહેશભાઈ આગળ કહે છે કે હું એની પાછળપાછળ એના ઘરે ગયો. એના પિતા પાસે જઈને કહ્યું કે હું સારું કમાઉં છું, મારે તમારી દીકરી સાથે લગ્ન કરવાં છે.

"છોકરી ઊંચી જાતિની હતી. એના પિતાએ લગ્ન કરવાની ના પાડી દીધી, કારણ કે પ્રેમલગ્ન એ જમાનામાં જાણે કે મોટો ગુનો હોય એવું હતું. એના પિતાએ એને કૉલેજ બંધ કરાવી દીધી."

છોકરીના પિતાએ ના પાડી હોવા છતાં મહેશભાઈને એ જ છોકરી સાથે લગ્ન કરવા હતા.

તેમણે બીબીસીને જણાવ્યું કે, "એની બહેનપણીની મદદથી મેં એને ચિઠ્ઠી મોકલાવી. એ લગ્ન માટે તૈયાર થઈ ગઈ. મારા ઘરમાં પણ વિરોધ હતો, પણ પિતા મારી સાથે હતા. એમને હા પાડી અને અમે લગ્ન કર્યાં. અમારાં બંનેનાં સગાંમાંથી કોઈ હાજર ન રહ્યાં."

ત્યારબાદ મહેશભાઈનું લગ્નજીવન શરૂ થયું.

"અમારું લગ્નજીવન સરસ રીતે ચાલતું હતું. મેં ભરૂચમાં મકાન બનાવ્યું અને અમારા સુખી લગ્નજીવનથી મારે ત્રણ દીકરી અને એક દીકરાનો જન્મ થયો. ચારેય સંતાનોનાં લગ્ન કરાવ્યાં."

"હું અને મારી પહેલી પત્ની સુધા શાંતિથી જીવવા માગતાં હતાં, પણ વિધિને આ મંજૂર નહોતું. મારી પત્નીને બ્લડકૅન્સર થયું. મેં એની સારવાર મુંબઈ કરાવી, પણ એ ભગવાનના ઘરે પહોંચી ગઈ. હવે હું એકલો થઈ ગયો હતો."

જે બાળકો માટે જિંદગી ખર્ચી નાખી એમને પિતા ભારરૂપ લાગ્યા

મહેશભાઈ પોતાની વ્યથા જણાવતા કહે છે કે દીકરો સીએ પણ એની પત્ની મને સાથે રાખવા તૈયાર નહોતી.

"આ વાતની મારી દીકરીઓને ખબર પડી એટલે વારાફરતી હું દીકરીઓના ઘરે રહેવા લાગ્યો. પણ સમય જતા ત્રણેય જમાઈએ મને હળવા અવાજે કહ્યું કે પપ્પા તમે બધાના ઘરે વારાફરતી રહો છો એના કરતાં વૃદ્ધાશ્રમમાં અમે તમારી વ્યવસ્થા કરી દઈએ. અમે વારાફરતી તમને મળવા આવીશું."

"હું સમજી ગયો કે કોઈ મને રાખવા તૈયાર નથી એટલે અમદાવાદના વૃદ્ધાશ્રમમાં દાખલ થયો. પ્રેમલગ્નને કારણે સગાંઓ સાથે તો કોઈ સંબંધ હતા નહીં, પણ હું ખૂબ જ ઉદાસ રહેતો હતો."

વૃદ્ધાશ્રમમાં રહેતા મહેશભાઈ સતત ઉદાસ રહેવા લાગ્યા.

વ્યથિત સ્વરે તેઓ કહે છે, "જે બાળકો માટે જિંદગી ખર્ચી નાખી એમને હું ભારરૂપ લાગતો હતો. મેં મારી બધી બચત બાળકોને ભણાવવા, પરણાવવા અને પત્નીની દવામાં વાપરી નાખી હતી. થોડા ઘણા પૈસા હતા પણ હું 72 વર્ષે વૃદ્ધાશ્રમમાં રહેતો હતો."

"અમારા સંચાલક સ્વર્ગસ્થ ફરસુભાઈ કાયમ મારી ઉદાસીનું કારણ પૂછતાં. એક દિવસ મેં મોકળા મને વાત કરી નાખી અને એમણે મને ફરી લગ્ન કરવાનું કહ્યું. મેં એમને કહ્યું કે આ ઉંમરે લગ્ન?

"પણ મારા મગજમાં એક વિચારનું નવું બીજ રોપાઈ ગયું હતું. ફરસુભાઈએ મારા જેવા એકલા વૃદ્ધોને લગ્ન કરાવી આપનાર નટુભાઈ પટેલના મૅરેજ-બ્યુરોમાં મારું નામ લખાવી દીધું અને નટુભાઈએ પાંચ વર્ષ પહેલાં અમારા જેવા વૃદ્ધો અને એકલવાયું જીવન જીવતા લોકો માટે સ્વયંવર યોજ્યો."

"હું એમાં ગયો. ત્યાં લગ્ન કરવા આવેલા લોકોમાં મને મારાથી દસ વર્ષ નાની રંજન પસંદ આવી. મેં જમણવાર બાદ તરત જ કહ્યું કે હું એની સાથે લગ્ન કરીશ."

ફરી નવા લગ્નજીવનની શરૂઆત

મહેશભાઈ એ સમયની વાત કરતાં જાય છે એ સમયે તેમનાં બીજાં પત્ની રંજનબહેને તેમની વાત કાપી.

વાતને વચ્ચેથી કાપતા રંજનબહેન કહે છે કે સાવ એવું નહોતું. વૃદ્ધો એકબીજાનો પરિચય આપતા હતા, એમાં મહિલાઓની સંખ્યા ઓછી હતી અને પુરુષોની સંખ્યા વધુ હતી.

રંજનબહેન કહે છે, "સ્વયંવર બાદ જમણવારમાં અમે બધાં વાતો કરતાં હતાં ત્યાં મેં જોયું કે મહેશભાઈ બીજા લોકોની મદદ કરતા હતા. મને બીજાની કાળજી રાખનાર લોકો બહુ ગમે, કારણ કે મારા પતિ ગુજરી ગયા, એ પણ બીજાની કાળજી રાખતા હતા."

"અમે એકબીજા સાથે વાત કરી. મારા પતિના ગુજરી ગયા પછી મારા ઘરમાં પણ મારાં બાળકો મને સારું રાખતા નહોતાં. એમના માટે હું બોજારૂપ હતી."

"પણ મારી અમેરિકા રહેતી દીકરી મને અહીં લઈ આવી હતી. હું પણ મારાં બાળકોથી છુપાઈને આ સ્વયંવરમાં આવી હતી. અમે એકબીજા સાથે વાતો કરતાં હતાં, મને એમનો સ્વભાવ ગમ્યો."

"પહેલી વારમાં મને કહી દીધું કે મારે લગ્ન કરવાં છે. તું તૈયાર હોય તો કહે. મારે શું જવાબ આપવો એ ખબર પડી નહીં. સમાજ શું કહેશે એની મને બીક હતી."

લગ્ન કરવામાં આર્થિક મુશ્કેલી

રંજનબહેન કહે છે કે મારી દીકરીએ જાણે કે મહેશભાઈનો ઇન્ટરવ્યૂ લેવાનું શરૂ કરી દીધું. એને ફકીર જેવા લગતા મહેશભાઈ ગમી ગયા.

તેઓ કહે છે, "પણ સવાલ એ આવીને ઊભો રહ્યો કે આર્થિક રીતે સધ્ધર હોય એવા વૃદ્ધોનાં લગ્ન થાય અને લગ્ન કરનારે બંનેના સંયુક્ત નામે ચોક્કસ રકમની એફડી કરાવવી પડે, જેથી ભવિષ્યમાં કોઈને તકલીફ ઊભી ન થાય. આ હતા ફક્કડ ગિરધારી એટલે પૈસા ક્યાંથી હોય?"

વાતને વચ્ચેથી કાપતા મહેશભાઈએ કહ્યું કે અમારાં લગ્નમાં આ મોટી અડચણ હતી પણ રંજનની દીકરીએ કહ્યું કે એ રકમ જમા કરાવવા અને એફડી કરાવવા તૈયાર છે. પણ મેં ના પાડી અને એને બે દિવસનો સમય આપવાનું કહ્યું.

મહેશભાઈ કહે છે, "વૃદ્ધાશ્રમ આવીને મેં ફરસુભાઈને વાત કરી તો એમને મને કહ્યું કે ભરૂચમાં હવેલી જેવું મકાન છે એ વેચીને અમદાવાદમાં નાનું મકાન લઈ લો. બાકી પૈસા બચે એની એફડી કરી ઘડે ચઢી જાવ."

"મને રસ્તો મળી ગયો અને મેં તરત રંજનની દીકરીને ફોન કર્યો કે ભરૂચનું મકાન વેચાતા હું રંજન સાથે લગ્ન કરીશ. પણ એને અમેરિકા જવાનું હતું."

"એણે મને કહ્યું કે હું અત્યારે પૈસા આપું છું, અમેરિકા જાઉં એ પહેલાં લગ્ન કરી લો અને પૈસા આવે એટલે મને અમેરિકા મોકલાવજો. બસ, અમારી તકલીફ દૂર થઈ ગઈ અને અમે લગ્ન કરી લીધાં."

ભક્તિભાવપૂર્વકનું સાદું જીવન

મહેશભાઈ આજે અમદાવાદમાં બધાં સગાંથી દૂર નારોલમાં નાનકડું મકાન રાખીને રહે છે અને એકબીજાના સહારાથી જીવન ગુજારે છે.

મહેશભાઈ કહે છે, "અમે રોજ સવારે ઘરે પૂજાપાઠ કરીને જમીને બપોરનો નાસ્તો ભરીને બંને ડોસાડોસી ઘરેથી અલગઅલગ મંદિર જવા નીકળી જઈએ છીએ. સાંજે પરત આવી જમીને આરામથી સુખદુઃખની વાતો કરતા રહીએ છીએ અને એકબીજાના સહારે જીવન કાઢીએ છીએ."

મહેશભાઈ અને રંજનબહેનનાં લગ્ન કરાવનાર નટુભાઈ પટેલે અત્યાર સુધીમાં 100 જેટલાં વૃદ્ધોનાં લગ્ન કરાવ્યાં છે.

નટુભાઈએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમે આર્થિક રીતે સક્ષમ લોકોનાં લગ્ન એટલે કરાવીએ છીએ કે જો કોઈ બીમાર પડે તો એકબીજાની સારવાર માટે કોઈની પાસે હાથ ન લંબાવવો પડે."

"જીવનની ઢળતી સાંજે જ્યારે લગ્ન કરે ત્યારે માણસને કોઈ જાતીય ઇચ્છાઓ નથી હોતી પણ હૂંફની જરૂર હોય છે. અને બેમાંથી જો એકનું પણ અવસાન થાય તો એમની જોઇન્ટ ચોક્કસ રકમની એફડી કરાવેલી હોય તો આર્થિક તકલીફ પડે નહીં."

વૃદ્ધોનાં લગ્ન કરાવવાનો વિચાર કેવી રીતે આવ્યો એની વાત કરતા નટુભાઈ ભાવુક થઈ જાય છે.

બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "વાત છે 2001ના ભૂકંપની. હું અંજારમાં સરકારી નોકરી કરતો હતો. 26 જાન્યુઆરીને કારણે અમદાવાદ આવ્યો હતો."

"ભૂકંપ પછી હું ત્યાં ગયો ત્યારે આખુંય અંજાર તહસનહસ હતું. હું જે ગેસ્ટહાઉસમાં રહેતો હતો એ પણ ભૂકંપમાં પડી ગયું હતું. સરકારી ફરજના ભાગરૂપે લોકોને વિસ્થાપિત કરવાના અને બીજાં કામ કરવાનાં આવતા હતા."

"બે મહિનામાં આ લોકો વચ્ચે રહી હું ખૂબ વ્યથિત થયો હતો. કરોડપતિ રાતોરાત રોડપતિ થઈ ગયો હોય, ઢળતી ઉંમરે લોકોએ પરિવાર ગુમાવ્યો હોય ત્યારે મને વિચાર આવ્યો કે આવા લોકોનાં લગ્ન કરાવવાં જોઈએ, જેથી એમની એકલતા તો દૂર થાય.

નટુભાઈ કહે છે, "પહેલાં કોઈ તૈયાર થયું નહીં પણ 2002માં એક-બે વૃદ્ધનાં લગ્ન કરાવ્યાં. પછી મેં વૃદ્ધો માટે મફત મૅરેજ-બ્યુરો ખોલ્યો. પહેલાં લોકો આવતા સંકોચાતા, પણ હવે ઘણાં દીકરા-દીકરી એમનાં માતાપિતાને સાથે લાવીને લગ્ન કરાવે છે, જેથી એમની એકલતા દૂર થાય.

નટુભાઈ કહે છે કે તેઓ તેમના ઘરમાં જ મૅરેજ-બ્યુરો ચલાવે છે અને વૃદ્ધોની એકલતા દૂર કરે છે.

(આ અહેવાલ 14 ફેબ્રુઆરી 2020માં સૌપ્રથમ વાર પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો