એ મહાદલિત મહિલાઓ, જેમણે ખેતી કરીને લાખો રૂપિયા રળ્યા

    • લેેખક, સીટુ તિવારી
    • પદ, પટનાથી બીબીસી ગુજરાતી માટે

સંજુ દેવી લાખોપતિ બની ગયાં છે. આજે લખપતિ બનવાની વાત તમને સામાન્ય લાગશે.

પરંતુ બિહારમાં દલિત મુસહર સમુદાયમાંથી આવતાં સંજુ માટે આ કોઈ કરિશ્મા જેવું છે કે તેઓએ 4.5 લાખની રકમ આપીને જમીનના અડધા કટ્ઠા (કટ્ઠા એટલે જમીનનું એક માપ, 20 કટ્ઠા બરાબર એક વીઘો)નો એક ટુકડો ખરીદ્યો છે.

પટના પાસેના પરસા બજારના સીમરા ગામનાં સંજુના જીવનમાં ખેતીને કારણે આ બદલાવ આવ્યો છે.

હકીકતમાં ચાર વર્ષ પહેલાં સંજુએ ભાડાપેટ્ટે પાંચ કટ્ઠા ખેતર લઈને ખેતી શરૂ કરી હતી.

વર્ષ 2017માં તેઓએ 50 હજાર અને 2018માં દોઢ લાખ રૂપિયાનો નફો મેળવ્યો હતો. હાલમાં સંજુએ 30 હજાર રૂપિયામાં 3 વીઘા જમીનમાં ડુંગળી વાવી છે.

પાંચ બાળકોનાં માતા સંજુ કહે છે, "પૈસા કમાવ્યા પછી સૌથી પહેલાં છોકરાને સરકારી સ્કૂલમાંથી ઉઠાડીને પ્રાઇવેટ સ્કૂલમાં મૂક્યો, જેના દર મહિને 3000 રૂપિયા થાય છે."

"પછી પાકું મકાન ચણાવ્યું અને હવે અડધા કટ્ઠા જમીન ખરીદી છે. હું અને મારા પતિ મોહન માંઝી બંને ખેતી કરીએ છીએ અને સમય મળતાં ખેતમજૂરી પણ કરીએ છીએ."

ભાડાપેટે ખેતી કરીને જીવન બદલ્યું

સંજુના જીવનની જેમ જ બિહારની રાજધાની પટના પાસેના ફુલવારી શરીફ, પુનપુન અને બિહટાનાં મુસહર સમાજનાં 600 મહિલાઓનાં જીવનમાં બદલાવ આવ્યો છે.

આ બદલાવ ભાડાપેટ્ટે નાનાનાના જમીનના ટુકડાથી આવ્યો છે.

ભાડાપેટ્ટે ખેતી એટલે કે સામટી રકમ આપીને ખેતીની જમીનને એક વર્ષ માટે ભાડે લેવી.

35 વર્ષનાં ક્રાંતિ દેવી 17 કટ્ઠાની વાડીને દેખાડતાં હસે છે. તેમની વાડીમાં શાકભાજી તૈયાર છે.

તેમના પતિ મંગલેશ માંઝી જુગાડુ ઠેલણગાડી (જેમાં એક એન્જિન લાગેલું હોય છે) પર શાકભાજી રાખીને પટનાની બજાર સમિતિની જથ્થાબંધ બજારમાં એ શાકભાજી વેચવા જશે.

મિતભાષી ક્રાંતિ દેવી કહે છે, "બહુ નાની ઉંમરમાં વિવાહ થઈ ગયા. 20 વર્ષ થયાં લગ્નને, પરંતુ બે ટંકનો રોટલો પણ મળતો નહોતો. જ્યારથી ખેતી શરૂ કરી છે, રોટલો પણ મળે છે અને બાળકોને ભણતર પણ."

"મારી બે પુત્રીઓ પુનપુન ભણવા જાય છે, ટેમ્પો ભાડાના રોજના 64 રૂપિયા થાય છે અને એક પુત્ર હૉસ્ટેલમાં રહીને ભણે છે."

મુસહર, દારૂબંધી અને કમાણી પર આફત

બિહારમાં મુસહરની વસતી અંદાજે 30 લાખ અને સાક્ષરતાદર અંદાજે 9 ટકા છે.

મુસહરોની સામાજિક, આર્થિક, રાજકીય હાલત દલિતોમાં સૌથી નીચા સ્તરે છે. બિહાર સરકારે તેઓને મહાદલિતોની શ્રેણીમાં રાખ્યા છે.

આ ભૂમિહીન સમાજની ઓળખ ઉંદર પકડવા, ઉંદર ખાવા અને દેશી દારૂ ગાળનારના રૂપમાં થાય છે.

વર્ષ 2016માં જ્યારે બિહારમાં દારૂબંધી થઈ ત્યારે દેશી દારૂ બનાવવાના ધંધા પર આફત આવી. જેના કારણે મહાદલિત મહિલાઓમાં સ્વાભાવિક રોષ વ્યાપ્યો હતો.

ગત ત્રણ દશકથી મહાદલિતો પર કામ કરી રહેલાં પદ્મશ્રી સુધા વર્ગીઝ કહે છે, "અમારી સંસ્થા 'નારી ગુંજનટની મિટિંગમાં આ મહિલાઓ દારૂબંધી માટે અમને દોષી માનતી હતી."

"પણ ધીમેધીમે તેમને સમજાયું અને પરસા બજાર થાણાના મોહલી મુસહરીમાં 10 મહિલાઓએ 2.5 વીઘા ખેતરમાં 30 હજાર રૂપિયા એક વર્ષ માટે રોકી દીધા. તેમનો સામૂહિક ખેતીનો પ્રયોગ સફળ રહ્યો, મહિલાઓને ફાયદો થયો અને બાદમાં મહિલાઓએ જાતે જમીન ભાડે લઈને ખેતી શરૂ કરી."

'ઉંદર ખાશો તો વિદ્યા જતી રહેશે'

મુસહર મહિલાઓ અને ખેતીની આ જુગલબંધીને કારણે તેમના પરિવારો બદલાઈ રહ્યા છે. જીવન પ્રત્યેનો તેમનો અભિગમ અને પ્રાથમિકતામાં બદલાવ આવી રહ્યો છે.

સામાન્ય રીતે મુસહર વિસ્તારમાં જાવ તો બાળકો ઘરે જોવા મળતાં હોય છે, પરંતુ આ અભણ પરિવારની મહિલાઓનાં બાળકો હવે સ્કૂલે જાય છે.

બાળવિવાહ, પરિવારનિયોજન, માસિકધર્મ સ્વચ્છતા, માર્કેટની સમજ- તેમાં નફા-નુકસાનનું ગણિત જેવા તમામ જરૂરી મુદ્દાઓથી આ મહિલાઓ પરિચિત થઈ છે.

આ પરિવારોની ખાનપાનની રીતમાં પણ બદલાવ (સકારાત્મક કે નકારાત્મક) આવ્યો છે.

ચાર બાળકોનાં માતા બિંદિયા દેવી જણાવે છે, "બાળકો કહે છે કે ઉંદર ખાઈશું તો વિદ્યા જતી રહેશે. ગણેશજી નારાજ થઈ જશે."

સાસરી અને પિયરની સીમા ઓળંગી

45 વર્ષીય રાણી અને 37 વર્ષીય અનીતા દેવીએ પહેલી વાર વર્ષ 2018માં પોતાની સાસરી અને પિયરની સીમા ઓળંગી.

આ બંને મહિલાઓ ખેડૂતોની ફૉન્ફરન્સમાં ફ્લાઇટમાં અમદાવાદ ગયાં હતાં.

દૂબળુંપાતળું શરીર ધરાવતાં અનીતા જીવનમાં પહેલી વાર શાવરમાં, ગરમ પાણીએ નહાયાં. ઍરપૉર્ટ પર ચેકિંગ દરમિયાન પોતાનાં બાળક માટે ખરીદેલી 10 રૂપિયાની બંદૂક સુરક્ષાકર્મીઓએ સુરક્ષાના કારણસર લઈ જવા દીધી નહોતી.

પટના અને અમદાવાદનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે, "પટના કરતાં બહુ સારું હતું. ત્યાં રોડ પર કોઈ થૂંકતું નહોતું, કોઈ થેલી (પૉલિથીન) અને જંગલબંગલ જેવું નહોતું."

મહિલાઓને 80 અને પુરુષોને 400 રૂપિયા

આ બદલાવ છતાં હજુ ઘણું બધું બદલવાનું બાકી છે. ભાડાપટ્ટેના ખેતરમાં મહિલાઓને ખેતમજૂરીના 80 રૂપિયા અને પુરુષોને 400 રૂપિયા મળે છે.

તેનું કારણ પૂછતાં લીલા દેવી કહે છે, "મહિલાઓ સરળ કામ કરે છે અને પુરુષો મુશ્કેલ કામ કરે છે."

"મહિલાઓ 10 વાગ્યે આવે છે અને પુરુષો સવારથી કામે લાગી જાય છે. આથી બંનેને સરખી મજૂરી કેવી રીતે આપી શકાય?"

ઉલ્લેખનીય છે કે આ મહિલાઓ પોતે પણ આ અસમાનતાનો શિકાર બન્યાં છે. પણ તેમના માટે મજૂરીમાં આ અસમાનતા વાજબી છે અને તેને લઈને તેમની પાસે પોતાના તર્ક પણ છે.

આ સિવાય હજુ આ મહિલાઓ માટે સાથે ગામ-સમાજના જાતીય બંધનો તોડવાના પણ બાકી છે.

પરસા બજારમાં આ મહિલાઓ સાથે છેલ્લાં ચાર વર્ષથી કામ કરતાં અજિત કુમાર કહે છે, "ઘરમાં આ મહિલાઓની સ્થિતિ મજબૂત થઈ છે અને ઘરેલુ હિંસામાં કમી આવી છે. પરંતુ મુસહર સમુદાયને લઈને સમાજમાં જે દૃષ્ટિકોણ બંધાયો છે એ તૂટવો બાકી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો