એ રાત જ્યારે કાશ્મીરી પંડિતોએ વતન છોડી ભાગવું પડ્યું

    • લેેખક, જય મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી

તાજેતરમાં કાશ્મીરમાં લઘુમતિઓ પર હુમલાની સંખ્યાબંધ ઘટનાઓ બનતા કાશ્મીરમાંથી હિજરત કરી રહ્યાં હોવાના અહેવાલો સામે આવી રહ્યાં છે.

ગયા મંગળવારે કાશ્મીરી હિંદુ શિક્ષક રજની બાલાની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ ગુરુવારે દિવસે રાજસ્થાની બૅન્ક અધિકારી અને રાત્રે મૂળ બિહારના એક 17 વર્ષીય શ્રમિકની ચરમપંથીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે માર્ચથી અત્યાર સુધીમાં 12 જેટલા સામાન્ય નાગરિકોની આ પ્રકારે હત્યા થઈ છે. જેના કારણે લોકો સ્થળાંતરિક હિંદુ અને કાશ્મીરી પંડિતો ઘાટી છોડવાનું વિચારી રહ્યાં છે.

એક કાશ્મીરી પંડિતે નામ ન આપવાની શરતે હિંદુસ્તાન ટાઇમ્સને જણાવ્યું હતું કે 350 જેટલા પરિવારો અહીં બારામુલ્લા ટ્રાન્ઝિટ કૅમ્પમાં છે અને અડધા તો અહીંથી જતા પણ રહ્યા છે. ઘાટીમાં ટાર્ગેટેડ હત્યાઓ થતા અમને ડર છે કે શું અમે સુરક્ષિત છે?

આ જ રીતે 20 વર્ષ પહેલાં કાશ્મીરી પંડિતો પર હુમલા થતા તેઓ કાશ્મીર છોડીને ભાગ્યા હતા. ત્યારે તે વખતે શું થયું હતું તે માટે વાંચો જય મકવાણાનો અહેવાલ...

ગાઢ નિંદ્રામાં પણ મને વિચિત્ર અવાજો સંભળાઈ રહ્યા હતા અને હું ડરી રહ્યો હતો. કંઈક અઘટિત ઘટી રહ્યું હતું, બધું જ બદલાઈ રહ્યું હતું. એવામાં ભીંતની લગોલગ સરકી રહેલા પડછાયા અમારા ઘરમાં કૂદી પડ્યા, એક બાદ એક.

ઝબકીને હું જાગી ગયો. જોયું તો મારા પિતા મને જગાડતાં કહી રહ્યા હતા કે 'કંઈક ઘટ્યું છે.' શેરીઓમાં એકઠા થયેલા લોકો બૂમો પાડી રહ્યા હતા. એમના પગ તળે એ કંઈક ઘટી રહ્યું હતું.

મેં જે જોયું એ સપનું નહોતું? તેઓ અંદર કૂદવાના છે? ક્યાંક તેઓ અમારા મહોલ્લાને આગ તો નથી લગાડવાનાને?

ત્યાં જ સીટી વાગી. મસ્જિદના લાઉડસ્પીકરમાંથી એ અવાજ આવતો હતો. વહેલી સવારે મસ્જિદમાંથી બાંગ પોકારાય એ પહેલાં આવતો આ અવાજ અમે કાયમ સાંભળતા. આમ તો ઘડીકમાં જ એ અવાજ બંધ થઈ જતો, પણ એ રાતે સીટી બંધ થવાનું નામ જ નહોતી લઈ રહી. એ રાતે અમંગળના એંધાણ વર્તાઈ રહ્યા હતા.

થોડી વાર બાદ અમારા ઘરની બહારથી સંભળાઈ રહેલો અવાજ શાંત પડ્યો અને મસ્જિદમાં થઈ રહેલી ગણગણ સંભળાવા લાગી. કોઈ વાતે ચર્ચા ચાલી રહી હતી.

મારા કાકાએ પૂછ્યું 'શું થઈ રહ્યુ છે?'

'તેઓ કંઈક કરશે'

ગણગણાટ થોડી વાર સુધી ચાલુ રહ્યો અને એ બાદ અવાજ ગુંજી ઊઠ્યો.

'નારા-એ-તકબીર, અલ્લાહ હો અકબર!'

મેં જોયું કે મારા પિતાનો ચહેરો મરડાઈ ગયો. એ સૂરનો અર્થ તેઓ બરાબર જાણતા હતા. મેં પણ એ નારો સાંભળ્યો હતો. થોડા વર્ષ પહેલાં દૂરદર્શન પર 1947ના ભારત અને પાકિસ્તાનના વિભાજન પર આધારિત ભિષ્મ સહાનીની નવકથા પરથી બનેલી શ્રેણી 'તમસ' જોતી વખતે મેં એ નારો સાંભળ્યો હતો.

થોડી જ વારમાં અમારી ચોતરફથી રણહાક સંભળાઈ અને અમારી તરફ ઝેર પાયેલા ભાલાની માફક એ ધસી આવી.

હમ ક્યાં ચાહતે : આઝાદી!

એ ઝાલિમો, એ કાફિરો, કાશ્મીર હમારા છોડ દો

આ નારા અટક્યા એટલે અફઘાનિસ્તાન પર સોવિયેટ સંઘના કબજા વિરુદ્ધ મુજાહિદોના પ્રતિકારનાં સ્તુતિગાન સંભળાવાં લાગ્યાં.

કાકાએ કહ્યું, 'બીએસએફ કંઈક કરશે,' પણ કોઈએ કંઈ જ ન કર્યું અને વહેલી સવાર સુધી નારાઓ અટક્યા નહીં. અમે આખી રાત ઊંઘી શક્યા નહીં.

આવું માત્ર અમારા મહોલ્લામાં જ ઘટ્યું હતું એવું નહોતું. કાશ્મીરની આખી ખીણમાં લગભગ એક સાથે, એક સરખા સમયે આ ઘટના ઘટી હતી. વતનવટા માટે અમને ડરાવવા એ રાતે પૂર્વાનિયોજિત રીતે એ બધુ ઘડી કઢાયું હતું.

... અને બીજા દિવસે સવારે હિજરત શરૂ થઈ ગઈ. જે કંઈ પણ હાથમાં લાગ્યું એ લઈને કેટલાંય કુટુંબો જમ્મુ નીકળી ગયાં.

'અવર મૂન હૅઝ બ્લડ ક્લૉટ્સ' નામે સંસ્મરણો આલેખતાં પુસ્તકમાં રાહુલ પંડિતાએ 19 જાન્યુઆરી, 1990ની એ રાતનું એ વર્ણન કર્યું છે, જે બાદ કાશ્મીરમાંથી પંડિતોની હિજરત શરૂ થઈ હતી.

19 જાન્યુઆરી પહેલાં શું થયું?

19 જાન્યુઆરીની ઘટનાને યાદ કરતાં કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિના અધ્યક્ષ સંજય ટિકૂ બીબીસી ગુજરાતીને જણાવે છે :

"વર્ષ 1989માં રુબિયા સઇદનું અપહરણ, ગોળીબાર અને બૉમ્બવિસ્ફોટો જેવી ઘટનાઓ ઘટી. ઑગસ્ટ મહિનામાં પ્રથમ હત્યા મુસ્લિમ રાજકીય કાર્યકરની કરાઈ પછી ભાજપના નેતા એવા કાશ્મીરી પંડિતની હત્યા કરાઈ."

"મને બરોબર યાદ છે કે એ 19 જાન્યુઆરીની રાતે ડી.ડી. મેટ્રો પર 'હમરાઝ' ફિલ્મ આવી રહી હતી અને મોટા ભાગના લોકો ટીવી સામે જ લાગેલા હતા. રાતે 9 વાગ્યે લોકો રસ્તા પર ઊતરી આવ્યા અને આઝાદીના સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આખી રાત આવું ચાલ્યું અને અમે આખી રાત ઊંઘી ન શક્યા."

"સવારે જ્યારે અમે અમારા પડોશીઓને મળ્યા તો એમનું વર્તન બદલાયેલું જણાયું. તેઓ રસ્તા પર શા માટે ઊતર્યા હતા અને આગળ શું ઘટવાનું છે એની કોઈએ વાત ન કરી. મોટા ભાગનાઓનું વર્તન બદલાયેલું જણાયું અને એ રીતે સમગ્ર પરિદૃશ્ય બદલાઈ ગયું."

19 જાન્યુઆરીની એ ઘટના બાદ કાશ્મીરમાંથી ધીમેધીમે પંડિતોની હિજરત શરૂ થઈ હતી. સંજય ટિકૂ એ વખતે 22 વર્ષના હતા.

'કાશ્મીર : ઇટ્સ ઍબરિજિનિઝ ઍન્ડ ધૅયર ઍક્ઝોડસ' પુસ્તકમાં કર્નલ (ડૉ.) તેજકુમાર ટિકૂ 19 જાન્યુઆરીની રાત પહેલાનાં ઘટનાક્રમની જાણકારી આપે છે :

'4 જાન્યુઆરી, 1990એ સ્થાનિક ઉર્દૂ અખબાર 'આફતાબ'માં એક પ્રેસ-રિલીઝ છપાઈ જેમાં 'હિઝ્બ-ઉલ-મુજાહિદ્દીન'એ તમામ પંડિતોને તત્કાલ ખીણને છોડી દેવા આદેશ આપ્યો હતો.'

'એ જ ચેતવણી બીજા એક સ્થાનિક અખબાર 'અલ-સફા'એ પણ છાપી. આ જાહેરાતો બાદ કલાશનિકૉવ સાથે બુકાનીધારી 'જેહાદી'ઓ જાહેરમાં માર્ચ કરતા દેખાયા અને એવામાં કાશ્મીરી પંડિતોની હત્યાના સમાચારો ઉમેરાવા લાગ્યા. રોજ બૉમ્બવિસ્ફોટ અને નાના-મોટા ગોળીબારની ઘટનાઓ ઘટવા લાગી.'

'જાહેરમાં વિસ્ફોટક અને ઉશ્કેરણીજનક ભાષણો અપાયાં. આવા જ પ્રૉપેગૅન્ડા સાથેની હજારો ઑડિયો કેસેટ ખીણમાં પંડિત સમુદાયને ડરાવવા માટે વાગી અને લઘુમતીઓને કાશ્મીર છોડી જતા રહેવાની ધમકી આપતા પત્રો પણ ઠેરઠેર ચોંટાડાયા.'

''એ ધમકીનો અમલ કરાતાં 15 જાન્યુઆરી, 1990ના રોજ શ્રીનગરમાં એમ. એલ. ભાન નામના એક સરકારી કર્મચારીની હત્યા કરી દેવાઈ. એ જ દિવસ બલદેવરાજ દત્તા નામના અન્ય એક સરકારી કર્મચારીનું અપહરણ કરી લેવાયું અને ચાર દિવસ બાદ 19 જાન્યુઆરીએ એમનો મૃતદેહ મળી આવ્યો.'

ફારૂક અબ્દુલ્લાહની સરકારનું રાજીનામુ લઈ લેવાયું હતું અને રાજ્યપાલ તરીકે જગમોહનનું આગમન થયું હતું. જે દિવસે તેમણે પદભાર સંભાળ્યો એ જ રાતે '19 જાન્યુઆરીની ઘટના' ઘટી.

કાશ્મીરનાં ઇતિહાસ, રાજકારણ અને સમાજજીવન પર લખાયેલા પુસ્તક 'કાશ્મીરનામા'માં અશોકકુમાર પાંડેય 19 જાન્યુઆરીની પૃષ્ઠભૂમિ પર પ્રકાશ ફેંકતા લખે છે :

'કાશ્મીરી જનતોનો આક્રોશ બહુમુખી બની ગયો હતો. કાશ્મીરના રાજકારણ પર દિલ્હીનું નિયંત્રણ, તંત્રમાં પ્રસરેલો ભ્રષ્ટાચાર અને આર્થિક પછાતપણું કાશ્મીરી યુવાનોના આક્રોશને સતત વધારી રહ્યાં હતાં. '

'પણ જેમજેમ કાશ્મીરની પ્રજાસત્તાક અભિવ્યક્તિની જગા સંકોચાઈ, અભિવ્યક્તિ સૂત્રોચ્ચારમાં અને બાદમાં સશસ્ત્ર સંઘર્ષમાં પ્રગટી.'

'રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ માટે અપાયેલી મોટા ભાગની સુવિધાનો ઉપયોગ જમ્મુના વિસ્તારમાં થતો હતો. ભારતીય જનતાએ 1977માં જ્યારે ઇંદિરા ગાંધી જેવાં મજબૂત નેતાને ધૂળ ચાટતાં કરીને પ્રજાસત્તાક શક્તિઓનો સ્વાદ ચાખ્યો ત્યારે કાશ્મીરમાં જનતાની પ્રજાસત્તાક આકાંક્ષોને સતત દબાવવામાં આવી.'

'એનું પરિણામ એ આવ્યું કે સત્તાવિરોધી ગુસ્સો ભારતવિરોધી ગુસ્સામાં પરિવર્તિત થઈ ગયો કે પછી એવું કહો કે આઝાદીની સમર્થક અને ભારતવિરોધી શક્તિઓ માટે તેનો ઉપયોગ કરવો સરળ બની ગયું.'

અને આ દરમિયાન વર્ષ 1987માં રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં ગેરરીતિની ઘટનાએ આ પ્રક્રિયાને તેજ કરવામાં ઉદ્દીપકનું કામ કર્યું.

ઉદ્દીપકનું કામ કરી ગયેલી 1987ની ચૂંટણી

1987માં કૉંગ્રેસ અને નેશનલ કૉન્ફરન્સે સાથે મળીને ચૂંટણી લડવાનું નક્કી કર્યું પણ તેમને પડકાર ફેંક્યો એ વર્ષે જ જન્મેલી એકદમ નવી જ રાજકીય શક્તિ - મુસ્લિમ યુનાઇટેડ ફ્રંટે.

મુસ્લિમ યુનાઇટેડ ફ્રંટમાં સૈયદ અલી શાહ ગિલાનીની જમાત-એ-ઇસ્લામી, અબ્દુલ ગની લોનની પીપલ્સ લીગ અને મીરવાઇઝની અવામી ઍક્શન કમિટી સામેલ હતી.

આ ઉપરાંત સંગઠનમાં ઉમ્મત-એ-ઇસ્લામી, જમિયત-એ-અલહ-એ-હદીસ, અંજુમન-તહફૂઝ-ઉલ-ઇસ્લામ, ઇત્તિહાદ-ઉલ-મુસલમિન, મુસ્લિમ ઍમ્પ્લૉયીઝ ઍસોસિયેશન જેવા નાનામોટા સમૂહો પણ એમાં ભળ્યા હતા.

'કાશ્મીર ઔર કાશ્મીરી પંડિત : બસને ઔર બિખરને કે 1500 સાલ' પુસ્તકમાં અશોકકુમાર પાંડેય લખે છે :

'ઇસ્લામિક અને જનમત-સંગ્રહના સમર્થક પક્ષો અને સમૂહોનું આ અમ્બ્રૅલા સંગઠન એ વખતના કાશ્મીરી સમાજ અને રાજકારણમાં વ્યાપેલા અંસતોષને વાચા આપતું હતું.'

'રેલીઓમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી રહ્યા હતા અને ફ્રંટ દ્વારા તેમને ભ્રષ્ટાચાર, નફાખોરી, જમાખોરી, કાળાબજારી હઠાવવાનાં અને આરોપીઓને દંડ કરવાનાં વચનો દેવાઈ રહ્યાં હતા.'

બેરોજગારી કાશ્મીરમાં મોટી સમસ્યા હતી અને ફ્રંટ સૌને નોકરી આપવાની અને ઉદ્યોગ-રોજગાર લાવવાની વાતો કરતો હતો.

ફ્રંટની સામે ફારૂક અબ્દુલ્લાહે કૉંગ્રેસ સાથે હાથ મિલાવ્યા અને ચૂંટણીમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવાના આરોપ લાગ્યા.

કૉંગ્રેસનાં એ વખતનાં નેતા ખેમલતા વુખલુએ બીબીસી સાથેની એક વાતચીતમાં જણાવ્યું હતું, "મને યાદ છે કે 1987ની ચૂંટણીમાં ભારે ગેરરીતિ આચરવામાં આવી હતી. હારી રહેલા ઉમેદવારોને વિજેતા જાહેર કરાયા અને સામાન્ય માણસનો ચૂંટણી અને પ્રજાસત્તાક પ્રક્રિયા પરથી ભરોસો ઊઠી ગયો."

આ જ મોહભંગ થયેલા ભણેલાગણેલા તથા બેરોજગાર યુવાનો નિયંત્રણરેખાને પાર જતા રહ્યા અને જેકેએલએફે તેમને નેતૃત્વ પૂરું પાડ્યું.

જેકેએલએફ અને 'કાશ્મીર છોડો'નો નારો

'અન્ડરસ્ટેન્ડિંગ કાશ્મીર ઍન્ડ કાશ્મીરીઝ' નામના પુસ્તકમાં જેકેએલએફની ઓળખ આપતાં ક્રિસ્ટોફર સ્નીડન લખે છે :

'80ના દશકનો ઉત્તરાર્ધ હતો. આ એ સમયે હતો જ્યારે કાશ્મીરને ભારતમાંથી આઝાદ કરાવવા માટે રાજકીય ચળવળો અને વિરોધપ્રદર્શનો તેજ થવા લાગ્યાં હતાં.'

'અત્યાર સુધી જે વિરોધપ્રદર્શનો ચાલી રહ્યાં હતાં તે હવે હિંસક બની રહ્યાં હતાં અને આઝાદી માટેની કાશ્મીરીઓની માગમાં હિંસા ઉમેરાઈ રહી હતી.'

'આવામાં વર્ષ 1987માં રાજ્યમાં ચૂંટણી યોજાઈ અને કાશ્મીરીઓના પ્રાદેશિક પક્ષોના ગઠબંધન 'મુસ્લિમ યુનાઇટેડ ફ્રંટ'ને વિજયની આશા બંધાઈ.'

'જોકે, જ્યારે પરિણામ આવ્યાં ત્યારે તેમની આશા પર પાણી ફરી વળ્યાં અને હજારો કાશ્મીરી યુવાનો નિરાશાના ગર્તમાં જઈ પડ્યા. ભણેલાગણેલા યુવાનોનો પણ ચૂંટણીપ્રક્રિયા પરથી વિશ્વાસ ઊઠી ગયો.'

'આવા જ કેટલાક યુવાનો નિયંત્રણરેખા પાર કરીને પાકિસ્તાનમાં પ્રવેશ્યા અને તેમણે ભારત વિરુદ્ધ શસસ્ત્ર લડાઈનાં મંડાણ કર્યાં.'

'એ આગમાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર-સર્વિસિ ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ)એ ઘી હોમ્યું.'

'આઈએસઆઈએ આ યુવાનોને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં તાલીમ આપી તથા ભારતીય સૈન્ય વિરુદ્ધ લડવા હથિયાર પૂરાં પાડ્યાં.'

'આ યુવાનો ભારત પ્રશાસિત કાશ્મીરમાં પ્રવેશ્યા અને એ સાથે જ અહીંની શાંતિ ખોરવવાની શરૂઆત થઈ.'

'વર્ષ 1988માં મોટા પાયે ભારત વિરુદ્ધ પ્રદર્શનો થયાં અને તેને પગલે એટલા જ મોટા પ્રમાણમાં કાશ્મીરમાં કર્ફ્યુ લાદી દેવાયો.'

'આ વાતના એક વર્ષ બાદ જુલાઈ 1989માં શ્રીનગરમાં ટેલિગ્રાફના કાર્યાલયને ઉગ્રવાદીઓએ બૉમ્બથી ઉડાવી દીધું.'

'એના એક વર્ષ બાદ કાશ્મીરના અગ્રણી મુલ્લા મીરવાઈઝ મૌલવી ફારૂકની હત્યા કરાઈ અને તેમના જનાજામાં 20 હજાર જેટલા કાશ્મીરીઓ એકઠા થયા.'

'પરિસ્થિતિ કાબૂ બહાર જતાં જોઈ ભારતીય સુરક્ષાદળોએ ગોળીબાર કર્યો, જેમાં 20 કાશ્મીરીઓનાં મોત થયાં અને એ સાથે જ કાશ્મીરના લોહિયાળ પ્રકરણનો આરંભ થયો.'

'જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રંટે (જેકેએલએફ) આ હિંસક ચળવળની આગેવાની લીધી અને ભારત અને પાકિસ્તાન બન્નેમાંથી આઝાદીની માગ કરી.'

કાશ્મીરની આઝાદીના ઉદ્દેશથી 1965માં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં અમાનુલ્લા ખાન, મકબૂલ બટ્ટ અને કેટલાક યુવાનોએ મળીને 'પ્લૅબિસાઇટ ફ્રંટ' નામનો પક્ષ બનાવ્યો.

ભારત અને પાકિસ્તાન, એમ બન્ને દેશોમાં કાશ્મીરના વિલયનો વિરોધ કરતાં આ ફ્રંટે પોતાની એક સશસ્ત્ર પાંખ રચી, 'જમ્મુ ઍન્ક કાશ્મીર નેશનલ લિબરેશન ફ્રંટ' (જેકેએલએફ). તેનું માનવું હતું કે અલ્જિરિયાની માફક સશસ્ત્ર સંઘર્ષ કરીને જ કાશ્મીરને ભારતમાંથી અલગ કરી શકાશે.

'કાશ્મીરનામા'માં પાંડેય લખે છે કે આ જ જેકેએલએફે 1989ના ઉનાળામાં 'કાશ્મીર છોડો'નો નારો આપ્યો :

'પરિસ્થિતિ સુધારવા માટે સરકારે પાકિસ્તાનમાંથી પરત ફરતી વખતે પકડાયેલા એ 72 લોકોને મુક્ત કરી દીધા, જેમના પર કેટલાય ગંભીર આરોપ હતા.'

'આની ઊલટી અસર એવી થઈ કે આગામી દિવસે જ સીઆરપીએફના કૅમ્પ પર હુમલો થયો અને ત્રણ જવાનો માર્યા ગયા.'

'21 ઑગસ્ટ 1989માં શ્રીનગરમાં પ્રથમ રાજકીય હત્યા કરાઈ, જેમાં નેશનલ કૉન્ફરન્સના બ્લૉક અધ્યક્ષ મહમદ યુસુફ હલવાઈને ગોળી મારી દેવાઈ.'

'14 સપ્ટેમ્બરે હબ્બા કાદલની ખીણના એક અગ્રણી હિંદુવાદી નેતા અને વકીલ ટીકારામ ટિપલુની અને 4 નવેમ્બરે મકબુલ બટ્ટને સજા સંભળાવનારા ન્યાયાધીશ નીલકાંત ગંજૂની હત્યા કરી દેવાઈ.'

પુસ્તકમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર હત્યાની જવાબદારી જેકેએલએફે સ્વીકારી હતી.

આ દરમિયાન 8 ડિસેમ્બર, એ વખતના કેન્દ્રીય ગૃહમંત્રી મોહમ્મદ સઇદનાં પુત્રી ડૉ. રૂબિયા સઇદનું અપહરણ કરાયું અને તેમને મુક્ત કરાવવા પાંચ ઉગ્રવાદીઓને જેલમાંથી છોડાયા. ફારૂક અબ્દુલ્લાહે ઉગ્રવાદીઓ સામે ઝૂકવાનો બહુ વિરોધ કર્યો પણ તેમની કોઈ કારી ફાવી નહીં

આ ઘટના બાદ ઉગ્રવાદીઓનું મનોબળ વધી ગયું હતું અને ખીણમાં અપહરણ અને બદલામાં મુક્તિની કેટલીય ઘટનાઓ ઘટી હતી.

પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી હતી, જેને નિયંત્રણમાં લાવવાની જવાબદારી જગમોહનના શિરે આવી.

જગમોહને કાશ્મીર બચાવ્યું?

જગમોહનને કાશ્મીરમાં સૌ પહેલાં 1984માં રાજ્યપાલ તરીકે મોકલવામાં આવ્યા હતા એટલે કાશ્મીરીઓમાં એમની સ્મૃતિ તાજી જ હતી.

'કાશ્મીરનામા'માં અશોકકુમાર પાંડેય લખે છે, 'ખીણવિસ્તારમાં એમની છબિ હિંદુસમર્થક અને મુસ્લિમવિરોધીની હતી.'

'આ રીતે એક કાશ્મીરી મુસ્લિમ (મુફ્તી મોહમ્મદ સઇદ)ને ગૃહમંત્રી બનાવીને કાશ્મીરી જનતાનો ભરોસો જીતવાનો પ્રયાસ જગમોહનના રાજ્યપાલ બનતાંની સાથે જ ઊંધે માથે પટકાયો.'

'18 જાન્યુઆરીએ કાશ્મીરમાં અર્ધ સૈનિકદળોએ ઘરેઘરે જઈને તલાશી લેવાનું શરૂ કરી દીધું હતું. 19 જાન્યુઆરીએ જગમોહને જમ્મુમાં કાર્યભાળ સંભાળ્યો એ જ દિવસે સીઆરપીએફે લગભગ 300 યુવાનોની અટકાયત કરી હતી.'

'જગમોહન જ્યારે શ્રીનગર પહોંચ્યા તો તેમના વિરોધમાં 20 તારીખે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર એકઠા થઈ ગયા હતા. એકઠા થયેલા લોકોમાં મહિલા, વૃદ્ધ, બાળક સૌ સામેલ હતાં.

'21એ ફરી પ્રદર્શનો થયાં હતાં. જેના પર તંત્રે ગોળીબારના આદેશ આપ્યા અને ગવકદલમાં 50થી વધુ લોકો માર્યા ગયા. અધિકૃત આંકડો 35નો હતો. (ભારતની) સ્વતંત્રતા બાદ કોઈ એક ઘટનામાં થયેલાં આ સૌથી વધારે મૃત્યુ હતાં.'

જગમોહન પોતાના પુસ્તક 'માય ફ્રૉઝન ટર્બ્યુલન્સ ઇન કાશ્મીર' નામના પુસ્તકમાં ગવકદલમાં ગોળીબાર તેમના(જગમોહનના) આદેશ પર જ કરાયો હોવાનો સ્વીકાર કરે છે.

આવો જ અન્ય એક કિસ્સાની વાત અશોકકુમાર પાંડે આલેખે છે,

'21 મે 1990માં મીરવાઇઝની હત્યા કરી દેવાઈ. તેમના જનાજામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. એ વખતના મુખ્ય સચિવ આર. કે. ઠક્કરે જગમોહનને કાશ્મીરના એ સૌથી મોટા નેતાના મૃત્યુ પર જાતે જવાની કે કોઈ વરિષ્ઠ અધિકારીને મોકલીને એમની કબર પર ફૂલ ચઢાવવાની સલાહ આપી પણ જગમોહન માન્યા નહીં.'

'એમણે જુલૂસના માર્ગ અને જુલૂસ પર પ્રતિબંધને લઈને કંઈક ભ્રમ ફેલાવનારા નિર્દેશ આપ્યા. આ જ ભ્રમના પગલે અર્ધસૈનિકદળોએ જૂલુસ પર ત્યારે ગોળીબાર કર્યો જ્યારે તે પોતાના અંતિમ પડાવ મીરવાઇઝ મંજિલ પહોંચવાનું જ હતું. '

'આ ગોળીબારમાં અધિકૃત રીતે 27 લોકો માર્યા ગયા. ભારતીય પ્રેસે મૃતકોની સંખ્યા 47 બતાવી જ્યારે બીબીસીએ આંકડો 100 ગણાવ્યો. પરિસ્થિતિ એવી હતી કે મીરવાઇઝના મૃતદેહને પણ ગોળીઓ વાગી હતી.'

'કાશ્મીરનામા'માં અશોકકુમાર પાંડેય લખે છે :

'ખીણમાં હિંદુ-મુસ્લિમ વચ્ચેનું વૈમનસ્ય જગમોહનના રાજ્યપાલ તરીકે આવતાં વધ્યું હતું. એવો પ્રચાર કરાતો હતો કે તેમને મુસલમાનોની હત્યા કરવા માટે મોકલવામાં આવ્યા છે અને દૂર્ભાગ્યે પોતાનાં કૃત્યો થકી તેમણે આ પ્રચારને અસરકારક બનાવવામાં મદદ પણ કરી હતી. '

'મીરવાઇઝના જનાજા પર થયેલા ગોળીબાર અને સતત ચલાવાયેલાં સર્ચ ઑપરેશનો બાદ દસ હજારથી વધુ લોકો આઝાદીની લડાઈને ઉગ્ર કરવા માટે પ્રશિક્ષણ લેવા માટે સરહદપાર ચાલ્યા ગયા.'

'જગમોહનના સમયે ન માત્ર માનવાધિકારકાર્યકરોને બદનામ કરાયા પણ હાઈકોર્ટનાં કામકાજને પણ પ્રભાવિત કરવાના પ્રયાસો કરાયા. સ્પષ્ટ છે કે આનો ફાયદો ઉગ્રવાદીઓએ ઉઠાવ્યો અને ખીણની અંદર શંકાકુશંકા અને ભયનો માહોલ સર્જાયો.'

એમ. જે. અકબરના 'કાશ્મીર બિહાઇન્ડ ધ વૅલ' પુસ્તકને ટાંકીને પાંડેય લખે છે, 'કાશ્મીરમાં 19 જાન્યુઆરી પહેલાં સુધી આઝાદી માટે જનતાનું જે સમર્થન અપ્રત્યક્ષ હતું, એ 19 જાન્યુઆરી બાદ પ્રત્યક્ષ થઈ ગયું.'

જોકે, પોતે લીધેલાં આકરાં પગલાંને કારણે કાશ્મીરને ભારત હાથમાંથી જતું બચાવી શકાયું હતું એવું જગમોહન માને છે.

વરિષ્ઠ પત્રકાર કલ્યાણી શંકરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતે કાશ્મીર ગયા એ પહેલાં ત્યાં સરકાર જેવું કશું જ નહોતું અને ઉગ્રવાદીઓનું રાજ ચાલતું હોવાનો આરોપ લગાવતાં અને જગમોહન પોતાનો બચાવે કરે છે.

તેઓ જણાવે છે, "1989માં અફઘાન યુદ્ધ પૂ્ર્ણ થયું હતું અને તમામ મુજાહિદ્દીનોને આઈએસઆઈએ કાશ્મીર તરફ વાળી દીધા હતા. "

"એમની પાસે તમામ આધુનિક હથિયારો હતાં. અફઘાનિસ્તાનાં ગુરિલ્લા યુદ્ધનીતિનો તેમને અનુભવ હતો. આઈએસઆઈનો આર્થિક સહકાર તેમને પ્રાપ્ત હતો. "

"પાકિસ્તાને, આઈએસઆઈએ તેમને પૈસા પૂરા પાડ્યા, તાલીમ આપી, હથિયારો આપ્યાં અને તેમનામાં ઇસ્લામિક ઉન્માદ ઊભો કર્યો કે તમારે (ભારતવિરુદ્ધ) યુદ્ધ લડવું જોઈએ, જેહાદ કરવી જોઈએ અને આ વાત રેકર્ડ પર છે."

"તેમણે અફઘાન યુદ્ધ દરમિયાન જે પણ ટેકનિક શીખી હતી, તે અહીં કાશ્મીરમાં અજમાવી."

"રાજ્યપાલ તરીકેનો મારો પ્રથમકાર્ય પૂર્ણ થયો ત્યારે જ મેં ચેતવણી આપી હતી કે આઈએસઆઈ રમત રમી રહી છે, કાશ્મીર લિબરેશન ફ્રંટ, 'હિઝ્બ-ઉલ-મુજાહિદ્દીન આવી રહ્યાં છે. "

"મેં પત્ર પણ લખ્યો હતો કે આવતીકાલે બહુ મોડું થઈ જશે પણ મારો કાર્યકાળ પૂરો થયો એટલે માટે જવું પડ્યું."

"પણ જ્યારે ઉગ્રવાદ ચરમ પર હતો, રુબિયા સઇદના અપહરણની અને હિંસાની લગભગ 600 ઘટના ઘટી હતી, કેટલાય પ્રખ્યાત કાશ્મીરી પંડિતોની હત્યા કરી દેવાઈ હતી, ભારત સરકાર સાથે કામ કરી ચૂકેલા તમામ લોકોને નિશાન બનાવાઈ રહ્યા હતા, એ વખતે 19મી જાન્યુઆરીએ મને ત્યાં એવી આશા સાથે મોકલવામાં આવ્યો કે હું પરિસ્થિતિનો ઉકેલ કાઢવા સમર્થ હોઈશ.'

પોતે કાશ્મીરને ભારતમાંથી અલગ થતું બચાવ્યું હોવાનો દાવો કરતાં જગમોહન ઉમેરે છે, '26 જાન્યુઆરી 1990ના રોજ ઈદગાહમાં લોકોના એકઠા થવાની યોજના હતી, જ્યાં શુક્રવારની નમાઝ અદા કર્યા બાદ સ્વતંત્રતાની જાહેરાત કરવાની હતી. ત્યારે મારી ફરજ એ લોકોને એ રમત રમતા અટકાવવાની હતી. મેં એ નાટક થવા ન દીધું અને આવી રીતે કાશ્મીરને બચાવી શકાયું.'

અન્યાય કોની સાથે ન થયો?

જગમોહન કહે છે એમ તેમના પ્રયાસો થકી કાશ્મીરને અલગ થતાં તો ભારત બચાવી શક્યું પણ પંડિતોના કહેવા અનુસાર તેઓ એમને હિજરત કરતા અટકાવી નહોતા શકાયા.

ઉગ્રવાદની શરૂઆત થઈ એ બાદ કાશ્મીરમાં રહેતા સાડા ત્રણ લાખમાંથી મોટા ભાગના કાશ્મીરી પંડિતો વતન છોડીને જમ્મુ કે દેશના અન્ય વિસ્તારોમાં જતા રહ્યા હતા.

કાશ્મીર છોડીને જતા રહેલા પંડિતોનો આંકડો એક લાખ કરતાં વધારે હોવાનું માનવામાં આવે છે.

કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિના અધ્યક્ષ સંજય ટિકૂના મતે 1990માં જમ્મુ અને કાશ્મીરમાં ઉગ્રવાદે માથું ઊંચક્યું એ બાદ ઓછામાં ઓછા 399 કાશ્મીરી પંડિતો માર્યા ગયા અને 1990થી લઈને વીસ વર્ષ દરમિયાન કુલ 650 કાશ્મીરીઓએ ઉગ્રવાદને કારણે પોતાનો જીવ ગુમાવ્યો. માર્યા ગયેલા કાશ્મીરી પંડિતોમાંથી 302 પંડિતોની હત્યા 1990ના વર્ષમાં કરાઈ હોવાનું પણ ટિકૂનું માનવું છે.

જમ્મુ-કાશ્મીરની સરકારે વર્ષ 2010માં વિધાનસભામાં જણાવ્યું હતું કે 1989થી લઈને 2004 સુધીમાં કાશ્મીરમાં 219 પંડિતો માર્યા ગયા હતા. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર કાશ્મીરમાં એ વખતે 38,119 પંડિત પરિવારોની નોંધણી કરાયેલી હતી, જેમાંથી 24,202 પરિવારો હિજતર કરી ગયા હતા.

ટિકૂ આજે પણ કાશ્મીરની ખીણમાં રહે છે. તેમના જણાવ્યા અનુસાર 808 પરિવારોમાં કુલ 3,456 કાશ્મીરી પંડિતો હજુ પણ કાશ્મીરમાં રહે છે અને સરકારે તેમના માટે કંઈ નથી કર્યું.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "છેલ્લા છ વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકારની છે અને એમને કોણ રોકે છે કાશ્મીરીની પંડિતોના પુનર્વસનથી? હાલમાં જ રજૂ થયેલા બજેટમાં ખીણમાં પંડિતાનો પુનર્વસન માટે શું ફાળવાયું?"

આવો જ આરોપ અમદાવાદમાં રહેતા કાશ્મીરી પંડિત આગેવાન એ. કે. કૌલ લગાવે છે

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કૌલ જણાવે છે, "ભાજપ અને કૉંગ્રેસ બન્નેએ પોતાનું રાજકારણ ચમકાવવા કાશ્મીરી પંડિતોના પ્રશ્નનો ઉપયોગ કર્યો છે."

"મેં ગુજરાત સરકાર સમક્ષ કેટલાય પ્રેઝન્ટેશન રજૂ કર્યાં અને રાજ્યમાં અમને જમીન આપવા કે અન્ય કોઈ મદદની માગ કરી પણ ગુજરાત સરકારે અમારા માટે ક્યારેય કંઈ પણ ન કર્યું"

"કૉંગ્રેસે પણ અમારો ઉપયોગ કર્યો, ભાજપે પણ અમારો ઉપયોગ કર્યો અને હજુ પણ અમારો ઉપયોગ કરી રહ્યાં છે. મોદી સરકારે પણ કાશ્મીરી પંડિતોનાં નામનો બહુ ઉપયોગ કર્યો."

"ગુજરાત સરકારે અમારી કોઈ પણ મદદ કરી જ નથી. મેં ત્રણ વખત મોદી સરકારને આવેદનપત્ર આપ્યું પણ એક વખત પણ મારો સંપર્ક ન કરાયો." આરોપ-પ્રત્યારોપના આ સિલસિલા વચ્ચે અન્યાય માત્ર કાશ્મીરી પંડિતો સાથે જ નહીં, કાશ્મીર સાથે જોડાયેલા તમામ પક્ષો સાથે થયો હોવાનું અશોકકુમાર પાંડેય માને છે.

'કાશ્મીર ઔર કાશ્મીરી પંડિત : બસને ઔર બિખરને 1500 સાલ' પુસ્તકમાં અશોકકુમાર પાંડેય લખે છે :

'ન્યાય એક એવી વસ્તુ છે કે જેને લઈને કાશ્મીરમાં દરેક પક્ષને એવું લાગે છે કે તેમની સાથે દગો થયો છે.'

'પાકિસ્તાનને લાગે છે કે એકદમ સરહદને અડીને આવેલા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તાર પોતાને ન આપીને માઉન્ટબૅટથી માંડીને હરિસિંહ અને યુએનઓ સુધી સૌએ તેની સાથે અન્યાય કર્યો છે.'

'હિંદુસ્તાનને લાગે છે કે આટલાં વર્ષો સુધી આટલો ખર્ચ કર્યા બાદ પણ કાશ્મીરીઓ તેની સાથે એક સૂરમાં સૂર પૂરાવતાં ઊભા ન રહે તો આ અન્યાય છે.'

'કાશ્મીરી મુસલમાનોને લાગે છે કે જનમતસંગ્રહ અને સ્વાતંત્રતાનું વચન ન પાળીને, લોકતંત્રને નિયંત્રિત કરીને તેમની સાથે અન્યાય કરાયો છે. શેખ અબ્દુલ્લાહને આખી જિંદગી લાગ્યું કે તેમની સાથે અન્યાય થયો અને ફારૂકને લાગે જ છે કે કોઈ પણ જાતની શંકા વગર તિરંગો ફરકાવવા છતાં એમની સાથે અન્યાય થયો છે.'

'બહાર ચાલ્યા ગયેલા પંડિતોને લાગે છે કે હંમેશાં હિંદુસ્તાન સાથે ઊભા રહેવા છતાં 1990માં તેમને સુરક્ષા ન પૂરી પાડી શકાઈએ એ અન્યાય હતો અને કાશ્મીરમાં રહેતા પંડિતોને લાગે છે કે કાશ્મીર ન છોડવા છતાં સરકારનું એમના પર ધ્યાન ન આપવું એ અન્યાય છે.'

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો