Valentine's Day : 'હું ન પ્રેમમાં પડીશ, ન તો પ્રેમલગ્ન કરીશ', કૉલેજે લેવડાવ્યા શપથ

વૅલેન્ટાઇન ડે એટલે પ્રેમીઓનો તહેવાર જેમાં પ્રેમની ઉજવણી કરાતી હોય છે અને એકબીજા સાથે સમય વિતાવે છે.

પરંતુ અમરાવતી જિલ્લાના ચાંદુરમાં છોકરીઓને વિચિત્ર શપથ લેવડાવવામાં આવ્યા છે.

વિદર્ભ યૂથ વેલફેર સોસાયટી દ્વારા સંચાલિત વુમન્સ ઍન્ડ આર્ટ્સ કૉલેજમાં છોકરીઓને પ્રેમમાં ન પડવાના શપથ લેવડાવવામાં આવ્યા છે.

શપથ લેતાં છોકરીઓએ કહ્યું, "મને મારાં માતાપિતા પર પૂરો ભરોસો છે. હું સોગંધ લઉં છું કે હું ક્યારેય પ્રેમમાં નહીં પડું અને પ્રેમલગ્ન નહીં કરું."

"હું કોઈ એવા યુવક સાથે લગ્ન નહીં કરું જે દહેજ લે. સામાજિક રીત નિભાવીને હું લગ્ન કરીશ જેથી પેઢીને જીવંત રાખી શકું. ભવિષ્યમાં હું કોઈ પાસેથી દહેજ નહીં લઉં કે મારી દીકરીને દહેજ નહીં આપું."

"હું આ શપથ મારી સામાજિક જવાબદારીને ધ્યાનમાં રાખીને મારા દેશ માટે લઉં છું."

'પ્રેમનો વિરોધ નથી'

વિદ્યાર્થિનીઓને અપાવવામાં આવેલા શપથ વિશે કૉલેજના પૉલિટીકલ સાયન્સના ડિપાર્ટમેન્ટ હેડ પ્રદીપ દંદે કહે છે, "અમે પ્રેમનો વિરોધ કરતાં નથી. અમે એવું નથી કહેતાં કે પ્રેમમાં પડવું એ ખોટું છે."

"પરંતુ કિશોરાવસ્થા દરમિયાન છોકરીઓને પ્રેમ અને આકર્ષણ વચ્ચે સમજણ હોતી નથી. એટલે તેમને એ ખબર નથી પડતી કે તેમની માટે યોગ્ય વ્યક્તિ કોણ છે."

તેઓ કહે છે, "આ શપથ વયસ્કો માટે નથી. આ શપથ કૉલેજમાં ભણતી કિશોરીઓ માટે છે."

"દિલ્હીનો નિર્ભયા કેસ, હૈદરાબાદનો બળાત્કારકેસ, મહારાષ્ટ્રના ધામણગાવમાં કિશોરીની હત્યા કરી દેવાની ઘટના, હિંગણઘાટમાં છોકરીને સળગાવી દેવાયાની ઘટના."

"સમાચારપત્રોમાં એક તરફ આ પ્રકારના સમાચાર વાંચવા મળે છે તો બીજી તરફ એ જ સમાચારપત્રોમાં છેલ્લા 10 દિવસમાં 10 છોકરીઓ ઘરેથી ભાગી ગઈ હોવાના સમાચાર પણ છે."

"મૉડર્ન ભારતના નામે આપણે કેવી સંસ્કૃતિ અપનાવી રહ્યા છીએ? તેનું નિરાકરણ શું છે? એ જાણવા માટે અમે અમારા કૉલેજના NSSના કૅમ્પમાં 'આજના યુવાનો સામેના પડકાર' વિશે ચર્ચા કરી."

"આ જ ચર્ચા દરમિયાન એવા મુદ્દા ઊઠ્યા હતા કે શું યુવાનોને તેમનાં માતાપિતા પર ભરોસો નથી? અને જો ભરોસો છે, તો તેમની ઇચ્છા વિરુદ્ધ કેમ લગ્ન કરે છે?"

દંદે જણાવે છે, "હું માનું છું કે લવ અને અરેન્જ મૅરેજ બન્નેમાં થોડી મુશ્કેલીઓ હોય છે. ક્યારેક-ક્યારેક પરિવારજનોની મરજીથી થયેલાં લગ્ન પણ તૂટી જાય છે."

"એટલે જ અમે ઇચ્છીએ છીએ કે છોકરીઓએ જાગૃત થવાની જરૂર છે. તેમણે દહેજપ્રથા વિરુદ્ધ પણ અવાજ ઉઠાવવાની જરૂર છે."

'...છોકરીઓને સક્ષમ બનાવો'

પત્રકાર મુક્તા ચૈતન્ય જણાવે છે, "છોકરીઓને આ પ્રકારના શપથ અપાવવાના બદલે તેમને પોતાની માટે યોગ્ય નિર્ણય લેવા સક્ષમ બનાવવાની જરૂર છે."

"આવા શપથ અપાવવા એ કોઈ ગંભીર બીમારીનું ઉપર-ઉપરથી ઇલાજ કરવા સમાન છે. એવું પણ બની શકે છે કે છોકરીએ કોઈ સારો છોકરો પસંદ કર્યો હોય અને આવા શપથને કારણે તેને દુઃખ થાય."

"આ પ્રકારના શપથ અપાવવાના બદલે સમસ્યાને સારી રીતે સમજી તેનું નિરાકરણ શોધવાની જરૂર છે."

આગળ તેઓ જણાવે છે, "આપણા સમાજમાં આપણે છોકરીઓની સેક્સ્યુઆલિટી વિશે ક્યારેય વિચારતા નથી કે તેના વિશે ક્યારેય વાત કરતા નથી. કિશોરીઓ મૂંઝવણમાં રહે છે."

"તેમનાં શરીરમાં પરિવર્તન આવી રહ્યાં હોય છે. તેવામાં તેમની સાથે વાત કરી સેક્સ્યુઆલિટી વિશે વાત કરી તેમને સમજાવવામાં આવે એ ખૂબ જ જરૂરી છે."

"આમ કરવાથી તેઓ પ્રેમ અને આકર્ષણ વચ્ચે અંતર સમજી શકશે અને પોતાનું જીવન વધારે સારી રીતે જીવી શકશે અને પરિસ્થિતિને સંભાળી શકશે."

આ વિશે હંગામી ધોરણે નિમાયેલા શિક્ષક ભાઉસાહેબ ચાસકરે પોતાનો પક્ષ મૂક્યો.

તેઓ કહે છે, "કૉલેજનું કામ ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ આપવાનું છે. પણ ક્યારેક-ક્યારેક તેઓ મૉરલ પૉલિસી લાગુ કરી દે છે."

"એ વાત સાચી છે કે શૈક્ષણિક સંસ્થાઓએ બાળકોની સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ કરવો જોઈએ પણ આ પ્રકારના શપથ અપાવીને નહીં, તેમનું કાઉન્સેલિંગ કરવું જરૂરી છે. પણ આપણે બાળકો સાથે વાત કરતા નથી એ ખોટું છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો