You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
75 વર્ષીય બાબુરાવ અને 70 વર્ષીય અનુસૂયા, ઉંમરના અવરોધોને પાર કરતી પ્રેમકહાણી
- લેેખક, સરફરાઝ સનદી
- પદ, બીબીસી મરાઠી માટે
મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના ઘોસરવાડ ગામમાં 75 વર્ષીય બાબુરાવ પાટીલ અને 70 વર્ષીય અનુસૂયા શિંદેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.
બંને કોલ્હાપુરમાં છેલ્લાં 17 વર્ષથી ચાલતા જાનકી વૃદ્ધાશ્રમમાં રહે છે.
મૂળ પુણેનાં વતની અનુસૂયા શિંદે પોતાના પતિ શ્રીરંગ શિંદે સાથે જાનકી વૃદ્ધાશ્રમમાં આવ્યાં હતાં. બંનેએ અંગત કારણસર પાંચ વર્ષ પહેલાં પોતાનું ઘર છોડી દીધું હતું.
વૃદ્ધાશ્રમમાં બંનેએ એકબીજાનો સાથ આપ્યો પણ ચાર મહિના પહેલાં અનુસૂયાના પતિનું નિધન થઈ ગયું. ત્યારબાદથી તેઓ એકલાં પડી ગયાં હતાં.
એવી જ કંઈક હાલત બાબુરાવની હતી. પત્નીના અવસાન બાદ તેઓ પોતાનું ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં આવી ગયા હતા.
બાબુરાવ પાટીલની કહાણી
બાબુરાવ પાટીલ દોઢ વર્ષ પહેલાં જાનકી વૃદ્ધાશ્રમમાં આવ્યા હતા. વૃદ્ધાશ્રમ સુધીની તેમની યાત્રા પણ પડકારજનક રહી હતી.
પત્નીના દેહાંત બાદ બાળકો સાથે બાબુરાવનો સંબંધ તૂટી ગયો હતો. આ વચ્ચે કોરોનાએ તેમનો વેપાર ઠપ કરી દીધો હતો.
એવામાં તેમને કોઈ આશરાની જરૂર હતી. તેથી તેઓ થોડો સમય પોતાના મોટા ભાઈ પાસે રહ્યા. પણ અંતે તેમણે વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'વૅલેન્ટાઇન ડે'ના દિવસે આવ્યો લગ્નનો વિચાર
ચાર મહિના પહેલાં પતિના અવસાન બાદ અનુસૂયા એકલાં પડી ગયાં હતાં અને એવી જ હાલત બાબુરાવ પાટીલની પણ હતી.
14 ફેબ્રુઆરી એટલે કે વૅલેન્ટાઇન ડેના દિવસે વૃદ્ધાશ્રમ દ્વારા એક કૉલેજમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો. ત્યાંનો માહોલ જોઈને બાબુરાવને ફરી વખત લગ્ન કરવાનો વિચાર આવ્યો.
કાર્યક્રમ પૂરો થયા બાદ જ્યારે બાબુરાવ પાછા વૃદ્ધાશ્રમ આવ્યા તો તેમણે એક યુવકની જેમ અનુસૂયા સામે પોતાના પ્રેમનો એકરાર કર્યો.
બાબુરાવે પ્રપોઝ કરતી વખતે અનુસૂયાને ગુલાબનું ફૂલ પણ આપ્યું, પરંતુ તે સમયે અનુસૂયાએ તેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં.
ચાર મહિના પહેલાં જ તેમણે પોતાના પતિ ગુમાવ્યા હતા. તેઓ હજી પણ દુખમાંથી બહાર આવ્યા નહોતા. તેમણે બાબુરાવ પાસે વિચારવા માટે સમય માગ્યો.
એકબીજાનાં થયાં બાબુરાવ અને અનુસૂયા
આ વચ્ચે વૃદ્ધાશ્રમ ચલાવી રહેલા બાબાસાહેબ પૂજારીને શંકા ગઈ કે બાબુરાવ અને અનુસૂયા વચ્ચે કંઈક ચાલી રહ્યું છે.
ત્યારે પૂજારીએ અનુસૂયાને પૂછ્યું કે શું તેઓ બાબુરાવ સાથે લગ્ન કરવા જઈ રહ્યાં છે?
ત્યારબાદ વૃદ્ધાશ્રમમાં બંનેને લઈને ચર્ચાએ જોર પકડ્યું. અનુસૂયાએ પૂજારીને પોતાનો ડર જણાવતા પૂછ્યું કે જો તેઓ લગ્ન કરશે તો સમાજ શું કહેશે, સંસ્થા પર તેની શું અસર પડશે?
આ ડરને કારણે તેમણે કોઈ નિર્ણય ન લીધો.
અંતે પૂજારીએ બંનેને વિશ્વાસમાં લીધાં અને તેમનાં લગ્ન કરાવવાનો માટે મધ્યસ્થી કરી.
વૃદ્ધાશ્રમ દ્વારા એક નવા જોડાની જેમ ઔપચારિક અને કાયદેસર રીતે બંનેનાં લગ્ન કરાવવામાં આવ્યા.
લગ્ન બાદ આ દંપતી હાલ વૃદ્ધાશ્રમમાં જ રહે છે. બંનેનું કહેવું છે કે તેઓ પોતાનું બાકીનું જીવન વૃદ્ધાશ્રમમાં જ વિતાવવા માગે છે.
બાબુરાવ કહે છે, "લગ્નનો અર્થ માત્ર શારીરિક સુખ કે સંતાનપ્રાપ્તિ જ નથી. આ તો એક બીજાનો સાથ આપવાનો પણ છે. આ માટે અમે વૃદ્ધાશ્રમમાં રહેવા છતાં આ ઉંમરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે."
તેમણે કહ્યું, "અમારી પાસે જેટલું જીવન બચ્યું છે, અમે સુખ-દુખમાં એકબીજા સાથે રહેવાનો નિર્ણય લીધો છે."