You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરા : પતિએ પત્નીનાં 'અપહરણ-રેપ'ની કરી ફરિયાદ, પીડિતાએ આરોપી સાથે જ માંડી લીધો સંસાર
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મારા પતિ દારૂ પીને જ્યારે મને અને મારાં બાળકોને ઢોર માર મારતા હતા ત્યારે રણજિતસિંહ અમને છોડાવવા માટે આવતો હતો. મેં બાળકો સાથે ઘર છોડ્યું અને પછી રણજિતસિંહને મારો સાથ આપવા કહ્યું."
આ શબ્દો છે કથિત પીડિતાનાં છે, જેમના બળાત્કાર અને અપહરણની ફરિયાદ 17 વર્ષ પહેલાં ગુજરાતના પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
હવે 17 વર્ષ પછી આ ફરિયાદમાં આરોપી રણજિતસિંહ સોલંકીની પોલીસે સુરતના પાંડેસરાથી ધકપકડ કરી છે.
પરંતુ 2006માં નોંધાયેલા આ કેસમાં આટલાં વર્ષો પછી સફળતા મળ્યા બાદ પણ પોલીસ વિમાસણમાં મુકાઈ ગઈ છે, કારણ કે જે મહિલાના બળાત્કાર અને અપહરણનો આરોપ સુરતના રણજિતસિંહ સોલંકી પર છે, તેમના કહેવા પ્રમાણે બંને છેલ્લાં 17 વર્ષથી રાજીખુશીથી સાથે જ રહે છે અને બંનેને 15 વર્ષનો એક પુત્ર પણ છે.
બંનેએ આટલાં વર્ષોમાં પોતાનો નાનકડો સંસાર વસાવ્યો છે અને તેઓ આગળ પણ સાથે જ રહેવાં માગે છે.
શું છે સમગ્ર મામલો?
આ કહાણી શરૂ થઈ હતી 2006માં જ્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ સ્ટેશનમાં આ વિવાહિત મહિલાના પતિએ કોર્ટ મારફતે એક પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે પોતાની પત્નીનું એક યુવકે અપહરણ કરીને લઈ ગયો હોવાનો આક્ષેપ કર્યો હતો. મહિલાની સાથે દુષ્કર્મ પણ આચર્યું હોવાનો આરોપ આ ફરિયાદમાં કરાયો હતો.
પોલીસનું કહેવું છે કે આ ફરિયાદના આધારે આરોપીને શોધવા માટે પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભરપૂર પ્રયાસ કર્યા હતા. આખરે ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 17 વર્ષ બાદ એક ફેબ્રુઆરીના દિવસે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી રણજિતસિંહ સોલંકીની ધરપકડ કરી હતી.
જોકે ધરપકડ બાદ ફરિયાદમાં કથિત પીડિત મહિલાના નિવેદન બાદ રણજિતસિંહ સોલંકીને રાહત મળી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કોર્ટમાં નિવેદન આપ્યું કે, "ન તો મારું અપહરણ થયું હતું. ન તો મારી સાથે દુષ્કર્મ થયું હતું."
મહિલાના કોર્ટ સમક્ષ આપેલા નિવેદન બાદ કાલોલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બળાત્કાર અને અપહરણના ઍંગલની તપાસને બદલે વ્યભિચારના ગુનામાં શું કાર્યવાહી થઈ શકે તે બાબતે રિપોર્ટ તૈયાર કરીને કોર્ટ સમક્ષ મૂકવાની તૈયારી આરંભી દીધી છે.
આ અંગે મહિલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે, "મારું અપહરણ કરવામાં આવ્યું નથી. મારી સાથે દુષ્કર્મ પણ કરવામાં આવ્યું નથી. મેં સામેથી જ મારા પ્રેમી રણજિતસિંહને પ્રપોઝ કર્યું હતું. હું જ તેમને લઈને ભાગી ગઈ હતી. જ્યારે અમે ઘર છોડ્યું હતું ત્યારે હું બે બાળકોની માતા હતી. જ્યારે રણજિતસિંહ સોલંકી કુંવારા અને નાની ઉંમરના હતા.
પોતાના લગ્નજીવન વિશે વાત કરતાં મહિલાએ જણાવ્યું, "મારા પતિ દારૂ પીને મને તેમજ મારાં સંતાનોને ઢોર મારતા હતા. છેલ્લાં 17 વર્ષોથી હું અને રણજિતસિંહ સાથે રહીએ છીએ."
"અમારે બંનેનો એક 15 વર્ષનો દીકરો પણ છે. મારા આગળના પતિના દીકરો અને દીકરીને પણ રણજિતસિંહ પોતાનાં બાળકો જ માને છે. મારી દીકરીનાં લગ્ન પણ અમે કરાવ્યાં છે, મારી દીકરીના ઘરે પણ દસ દિવસ પહેલાં દીકરી આવી છે."
આરોપી રણજિતસિંહ અને પીડિતા મહિલા સાથે રહેવા માગે છે. તેમણે પોતાના 17 વર્ષના સહવાસ દરમિયાન પોતાની નાનકડી બચતમાંથી એક પ્લૉટ પણ ખરીદ્યો છે, તેઓ ત્યાં પોતાનું સપનાનું ઘર વસાવવા માગે છે.
તેઓ વધુમાં જણાવે છે કે, " મારા નવ વર્ષનું લગ્નજીવન હતું જેમાં મેં બે દીકરી અને એક દીકરાને જન્મ આપ્યો હતો. જેમાં મારી પહેલી દીકરી આઠ દિવસની થઈ અને મરી ગઈ હતી."
"મારા પતિ માછલીનો ધંધો કરતા હતા. તે સમયે તેઓ તેમની દુકાનમાં રણજિતસિંહને બેસાડતા હતા."
"જોકે, તે સમયે મારા અને રણજિતસિંહ વચ્ચે કોઈ સંબંધ ન હતા. મારા પતિ દારૂ પીને જ્યારે મને અને મારા બાળકોને ઢોર માર મારતા હતા ત્યારે રણજિતસિંહ અમને છોડાવવા માટે આવતો હતો."
કેવી રીતે પ્રેમ પાંગર્યો?
મહિલાએ રણજિતસિંહ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં લગ્નજીવન અને તેની મુશ્કેલીઓ વિશે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, "એક તરફ મારા પતિ મને અને મારાં બાળકોને માર મારતા હતા ત્યારે બીજી તરફ રણજિતસિંહનો સ્વભાવ ખૂબ જ સરળ અને સારો હતો. આથી મને ધીમે-ધીમે રણજિતસિંહ તરફ પ્રેમ વધવા લાગ્યો હતો. એક દિવસ મેં રણજિતસિંહને મારા પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, તે સમયે રણજિતસિંહએ મને જવાબ આપ્યો ન હતો પરંતુ હું તેમને પ્રેમ કરતી હતી."
"એક વાર મારા પતિએ મને અને બાળકોને માર્યા એ દિવસે હું ઘરેથી નીકળી ગઈ હતી. જોકે, રણજિતસિંહને મેં મારી સાથે નાસી જવા માટે કહ્યું પરંતુ તે મારી સાથે ભાગ્યો ન હતો પણ મારા ઘર છોડી દેવાના એક મહિના બાદ હું ફરીથી મારા ગામ ગઈ હતી અને તે સમયે રણજિતસિંહને મેં મારી સાથે આવવા માટે કહ્યું હતું. તેને મારી સાથે કોઈ જબરજસ્તી કરી ન હતી."
મહિલા વધુમાં જણાવે છે કે હું અને રણજિતસિંહ મારાં આંગળિયાત બે બાળકો અને અમારા બંનેનો એક દીકરો એમ ત્રણ બાળકો સાથે સુરતમાં શાંતિથી પ્રેમથી રહીએ છીએ.
"રણજિતસિંહ કેમિકલ ફેકટરીમાં કામ કરે છે તેમજ હું પડિયા બનાવવાનું કામ કરું છું. મારા મોટા દીકરાએ કોરોનાના કારણે ભણવાનું છોડી દીધું હતું. જે પણ હાલ નોકરી કરે છે, તેમજ મારો નાનો દીકરો હાલ ધોરણ-આઠમાં ભણે છે. અમે બધા લોકો કમાણી કરીએ છીએ. એક નાનકડો પ્લૉટ ખરીદ્યો છે. જેમાં હવે ઘર પણ બનાવવાના છીએ."
તેઓ પોતાનો આ પરિવાર બચાવી રાખવા માગે છે.
તેઓ જણાવે છે કે, " મારા કુટુંબના લોકો પાસેથી મને જાણવા મળ્યું છે કે મારો પતિ મને પરત લઈ જવા માગે છે પરંતુ હું સ્પષ્ટ છું, તેમજ મેં કોર્ટમાં પણ નિવેદન આપ્યું છે કે હું મારી મરજીથી ગઈ છું. મારી સાથે કોઈ જબરજસ્તી થઈ નથી. હું મારી આગળની જિંદગી પણ રણજિતસિંહ સાથે જ વિતાવવા માગું છું, મારા પતિ પાસે જવા માગતી નથી."
17 વર્ષ પહેલાં નોંધાયેલી પોલીસ ફરિયાદથી ઊભી થયેલી કપરી પરિસ્થિતિમાંથી બહાર કઈ રીતે નીકળવું તે અંગે તેઓ કાયદાકીય સલાહ લઈ રહ્યાં છે સાથે કાનૂની જંગ પણ લડી રહ્યાં છે.
પોલીસ આ અંગે શું કરી રહી છે?
આ અંગે કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે. ડી. તરલે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "વર્ષ 2006માં રણજિતસિંહ સોલંકી સામે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ કોર્ટમાં નોંધાવવામાં આવી હતી. જે અંગે પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રણજિતસિંહ સોલંકીની સુરતથી ધરપકડ કરવામાં આવી હતી."
"રણજિતસિંહ સોલંકીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે પીડિતાએ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, મારી સાથે કોઈ દુષ્કર્મ થયું નથી. તેમજ મારું અપહરણ પણ કરવામાં આવ્યું નથી."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "પીડિતા અને આરોપી બંને મૈત્રીકરાર કરીને સુરતમાં સાથે રહે છે. પીડિતાએ આ અંગે કોર્ટમાં નિવેદન પણ આપ્યું છે, જેથી હવે દુષ્કર્મ અને અપહરણનો અંગે કોઈ તપાસ કરવાની રહેતી નથી. પરંતુ વ્યભિચાર અંગેની ફરિયાદ રહે છે. આ અંગે અમે રિપોર્ટ તૈયાર કર્યો છે. જે રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરીશું. તે અંગે કોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવશે."
આરોપી અને ફરિયાદીનું શું કહેવું છે?
આરોપી રણજિતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, "અમે બંને અમારાં બાળકો સાથે સુખેથી રહીએ છીએ. ના મેં તેમની સાથે કોઈ જબરદસ્તી કરી છે, ના એમને મારી સાથે કોઈ જબરજસ્તી કરી છે. અમે સંમતિથી મૈત્રીકરાર કરીને સાથે રહીએ છીએ. પ્રેમિકાના પતિ અને હું કૌટુંબિક ભાઈઓ થતા હતા. મારી પ્રેમિકાના પતિ તેમને અને બાળકોને માર મારતા હતા. જે મારાથી જોઈ શકાતું ન હતું."
"ત્યારબાદ અમે પ્રેમમાં પડ્યાં હતાં. મારી પ્રેમિકા તેમનાં બાળકો સાથે પહેલાં ઘર છોડી દીધું હતું. તેમને મારો સાથ માગ્યો હતો. જેથી, મેં તમને સાથ આપવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ બંને બાળકોને મેં મારાં જ બાળકો માન્યાં છે અને મેં પિતા તરીકેની દરેક ફરજ પણ નિભાવી છે. દીકરીનાં લગ્ન પણ કરાવ્યાં છે. અમે પ્રેમથી સાથે રહીએ છીએ."
તો ફરિયાદી પ્રતાપસિંહ રાઠોડે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે "રણજિતસિહ મારી પત્ની અને બાળકોને લઈને ભાગી ગયો હતો. મારી પત્ની અને બાળકોને શોધવા માટે હું અલગઅલગ સ્થળોએ ગયો હતો. જે ખર્ચાને પહોંચી વળવા માટે મેં મારી જમીન પણ વેચી દીધી છે."
"મારે મારી પત્ની અને બાળકો પરત જોઈએ છે. જો મારી પત્ની મારી સાથે રહેવા ના માગતી હોય તો મને મારાં બાળકો પરત જોઈએ છે. પોલીસે રણજિતસિંહને પકડ્યો હતો પરંતુ મને બોલાવવામાં આવ્યો ન હતો."
આ સમગ્ર પ્રકરણમાં પોલીસે પરિણીતાના નિવેદન બાદ બળાત્કાર અને અપહરણના ઍંગલની તપાસ ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું છે જ્યારે બીજી તરફ, આ પ્રકરણમાં વ્યભિચારના ગુનામાં આગળની કાર્યવાહી અંગે પોતાનો રિપોર્ટ તૈયાર કરાવી રહી છે.
કોર્ટ દ્વારા આ સમગ્ર કેસમાં શું ફેંસલો આપવામાં આવે છે તેની ઉપર સૌની નજર રહેશે.