દર્શન સોલંકી કેસ : કૅમ્પસમાં જાતિગત ભેદભાવ થવા પર પ્રતિષ્ઠિત સંસ્થાઓ શું કરે છે?

    • લેેખક, કીર્તિ દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા

12મી ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યા ને 20 મિનિટે દર્શન સોલંકીએ પોતાના પિતા સાથે વીડિયો કૉલ પર વાત કરી. દર્શન આઇઆઇટી બૉમ્બેમાં બીટેક્‌ના પ્રથમ વર્ષના વિદ્યાર્થી હતા. રવિવારે કરેલા આ કૉલમાં દર્શને પોતાના પરિવારને જણાવ્યું કે ઍક્ઝામ પતી ગઈ છે એટલે તે મિત્રો સાથે જૂહુ ચોપાટી અને ગેટવે ઑફ ઇન્ડિયા ફરવા જશે.

ગુજરાતના અમદાવાદમાં રહેતા દર્શનના પિતા રમેશભાઈ સોલંકી 14મી ફેબ્રુઆરીએ પુત્રને લેવા માટે મુંબઈ જવાના હતા પરંતુ પરિવારને કરેલા પોતાના છેલ્લા ફોનના લગભગ એક કલાક બાદ દર્શને આત્મહત્યા કરી લીધી.

દર્શન સોલંકીના પિતા રમેશભાઈ સોલંકી પ્લમ્બર છે, એટલે કે બાથરૂમ અને નળની મરામતનું કામ કરે છે. તેમણે જણાવ્યું, "પહેલાં તો તે નેવીમાં જવા માગતો હતો પરંતુ પછી 11મા ધોરણમાં એને કૅમિકલ સાયન્સ ભણવાનો જુસ્સો ચડ્યો અને એને આઇઆઇટી બૉમ્બે જ જવું હતું, ત્યાં ભણવું એ તેનું સપનું હતું. પરંતુ અમને ક્યાં ખબર હતી કે એનું સપનું એના પ્રાણ લઈ લેશે."

એક 18 વરસનો છોકરો જે ત્રણ મહિના પહેલાં પોતાનું સપનું સાકાર કરવા દેશની સૌથી પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કૉલેજોમાંની એક આઇઆઇટી બૉમ્બે આવ્યો, એના માટે થોડાક જ મહિનાઓમાં જીવન એટલું બધું મુશ્કેલ થઈ ગયું કે એણે એને પૂરું કરી નાખવાને આસાન સમજ્યું. પોતાના મૃત્યુના કારણ અંગે દર્શને કોઈ પત્ર તો નથી લખ્યો પરંતુ ગયા મહિને ઉત્તરાયણ વખતે એણે પોતાની બહેનને એમ જરૂર કહેલું કે, "આઇઆઇટીમાં તે પોતે જે જાતિનો છે તેના લીધે એને હેરાન કરવામાં આવે છે."

આઇઆઇટી બૉમ્બેમાં દર્શનના બૅન્ચમેટે નામ ન છાપવાની શરતે બીબીસી સાથે વાતચીત કરી. એણે કહ્યું, "દર્શને એક વાર કહેલું કે ઘરે તો તે સૌનો લાડકો છે, હવે તો એનાં સગાંઓ, ભાઈબહેન બધાં એનાં ખૂબ વખાણ પણ કરે છે. પરંતુ અહીં એને લોકો પસંદ નથી કરતા."

દર્શનને ઓળખતા એક વિદ્યાર્થીએ અમને જણાવ્યું, "દર્શનના રૂમમેટે એની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું, હૉસ્ટેલની વિંગમાં પણ લોકોનું એના પ્રત્યેનું વલણ કંઈ સારું નહોતું. એના લીધે તે ખૂબ પરેશાન હતો. એની ફરિયાદ એણે પોતાના મેન્ટરને પણ કરી હતી, ત્યાર બાદ એની વિંગનો માહોલ એના માટે વધારે ખરાબ થઈ ગયો."

આઇઆઇટી બૉમ્બેનું બયાન

14 ફેબ્રુઆરીએ આઇઆઇટી બૉમ્બે વહીવટી તંત્રએ એક બયાન પ્રસિદ્ધ કર્યું, જેમાં કહેવાયું કે, "મીડિયા રિપોર્ટ્સનું એમ કહેવું કે જાતિના ભેદભાવના લીધે વિદ્યાર્થીનું મૃત્યુ થયું, તે ખોટું છે. જ્યારે ઘટનાની તપાસ ચાલી રહી છે ત્યારે આ પ્રકારની ટિપ્પણી કરવી તે ખોટું છે. વિદ્યાર્થીએ ભેદભાવ સહન કર્યો છે તેવા કોઈ સંકેત હજુ સુધી નથી મળ્યા."

ત્યાર બાદ, 18 ફેબ્રુઆરીએ આઇઆઇટીના ડાયરેક્ટર્સ તરફથી એક આંતરિક ઇ-મેલ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે પવઈ પોલીસ આ આત્મહત્યાની તપાસ કરી રહી છે અને એની સાથે જ આઇઆઇટી બૉમ્બેએ પણ આ ઘટનાની તપાસ માટે સમિતિની રચના કરી છે. પ્રૉફેસર નંદકિશોર આ કમિટીની અધ્યક્ષતા કરશે.

બીબીસીને અપાયેલા લેખિત જવાબમાં આઇઆઇટી બૉમ્બેએ કહ્યું છે કે, "વહીવટી તંત્ર કૅમ્પસમાં કોઈ પણ પ્રકારના ભેદભાવનું સખત વિરોધી છે. સુધારણાની ખૂબ શક્યતા છે જેથી આ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ ઘટના ફરી ન બને. અમે વિદ્યાર્થીઓને એમ સમજાવીએ છીએ કે તેઓ જેઇઇ પરીક્ષાની રૅન્ક સાથે સંકળાયેલા સવાલ ન પૂછે."

"પહેલા વર્ષે વિદ્યાર્થીઓને ટીચિંગ આસિસ્ટન્ટ આપીએ છીએ, જે કૅમ્પસની સિસ્ટમને ખૂબ સારી રીતે સમજે છે અને નવા વિદ્યાર્થીઓને મદદ કરે છે. વિદ્યાર્થીઓને અકૅડમિક મેન્ટર આપવામાં આવે છે, જેઓ વિદ્યાર્થીઓને અકૅડમિક સપોર્ટ આપવાનું કાર્ય કરે છે. પહેલા વર્ષે વિદ્યાર્થીઓને અંગ્રેજીનો વર્ગ અપાય છે. વિદ્યાર્થીઓ માટે 24 કલાક કાઉન્સેલિંગની સુવિધા છે."

વહીવટી તંત્રએ જણાવ્યું છે કે, "આ ઘટનાની તપાસ માટે આઇઆઇટી વહીવટી તંત્રએ એક સમિતિ બનાવી છે જે આ પ્રકારની બાબતોની જાણકાર છે." પરંતુ, આ સમિતિ ક્યાં સુધીમાં પોતાનો રિપોર્ટ આપશે? એ સવાલ અંગે આઇઆઇટીએ અમને કશો જવાબ ન આપ્યો.

આઇઆઇટી બૉમ્બેમાં એક પીએચડીના વિદ્યાર્થીએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું, "જ્યારે વિદ્યાર્થી અહીં આવે છે ત્યારે અહીં કોઈ પણ પ્રકારની સપોર્ટ સિસ્ટમ એમને નથી મળતી. બધી શરૂઆત થાય છે કોઈ વિદ્યાર્થીના જેઇઇ પરીક્ષાના રૅન્કિંગ જાણવાથી. પછી જ્યારે રૅન્કિંગની ખબર પડે છે ત્યારે એને એવી અનુભૂતિ કરાવાય છે કે તે અહીં આવવાને લાયક નહોતો પરંતુ એને રિઝર્વેશનના કારણે અહીંયાં એમની વચ્ચે બેસવાની તક મળી."

"એમની પાસે મેરિટ નથી, તેઓ કૉમ્પિટિટિવ નથી. નાની ઉંમરે બાળકો જ્યારે ઘરથી બહાર જાય છે ત્યારે એમને લાગે છે કે મારામાં શી કમી છે, આ લોકો મને પોતાના ગ્રૂપનો ભાગ કેમ નથી બનાવતા. ધીરે ધીરે એમની ઓળખ જ એમનો ડર બની જાય છે."

"ડર પોતાની ઓળખ જાહેર કરવાનો, કેમ કે એનાં ઘણાં પરિણામ ભોગવવાં પડે છે. જ્યારે હું પરિણામની વાત કરું છું ત્યારે મારો કહેવાનો મતલબ છે કે આઇઆઇટીમાં 96 ટકા ફૅકલ્ટી સવર્ણ છે, સવર્ણ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે અને તે સંસ્થાનો વ્યવહાર નક્કી કરે છે."

'એસસી એસટી સેલ એક ખોખલી વ્યવસ્થા છે'

આઇઆઇટી બૉમ્બેમાં ઈ.સ. 2017માં એક એસસી એસટી સેલ બનાવવામાં આવી સંસ્થાની વેબસાઇટ પર જણાવાયું છે કે જો કોઈ વિદ્યાર્થીને જાતિના આધારે ભેદભાવનો સામનો કરવો પડે તો તે આ સેલ પાસે આવે અને પોતાની ફરિયાદ નોંધાવે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓએ બીબીસીને જણાવ્યું કે તે એક "ખોખલી વ્યવસ્થા" છે. આ સેલની "પાસે ન તો કોઈ શક્તિ છે અને ન તો એના કામ કરવાની કોઈ પદ્ધતિઓ તમને ક્યાંય લેખિતમાં મળશે."

આંબેડકર સ્ટુડન્ટ્સ કલેક્ટિવના સભ્ય અને આઇઆઇટી બૉમ્બેમાંથી પીએચડી કરી રહેલા સ્વપ્નિલ ગેદામે કહ્યું કે, "અહીંનું એસસી એસટી સેલ કેટલી સરસ છે તે એ વાતથી સમજી શકાય છે કે એમને દર્શનની આત્મહત્યાના સમાચાર એક સ્થાનિક અખબાર દ્વારા મળ્યા. જોકે બનવું એવું જોઈતું હતું કે, સૌથી પહેલાં આ સેલ પાસે દર્શનની આત્મહત્યાની માહિતી હોવી જોઈતી હતી."

"આઇઆઇટી એક એવી જગ્યા છે જ્યાં વિરોધ પ્રદર્શન કરી શકવું અને એને જાળવી રાખવું કોઈ પણ યુનિવર્સિટી કરતાં વધારે મુશ્કેલ છે. જ્યારે અમે લોકો દર્શન માટે શોક માર્ચ કરી રહ્યા હતા ત્યારે અન્ય વિદ્યાર્થીઓના ક્લાસ પણ ચાલતા હતા. એવું લાગતું હતું જાણે કશું થયું જ નથી. કોઈ અમારી વચ્ચેથી જતું રહ્યું છે અને કૅમ્પસમાં જોઈને એમ લાગે કે જાણે બધું બરાબર છે."

આઇઆઇટી બૉમ્બેના આંબેડકર, પેરિયાર, ફૂલે સ્ટુડન્ટ સર્કલે દર્શનની આત્મહત્યાને "સંસ્થાનિક હત્યા" ગણાવી છે. આ સંગઠનનો આરોપ છે કે પાછલાં ઘણાં વર્ષોથી કૅમ્પસમાં આ પ્રકારની બાબતો અંગે વહીવટી તંત્ર કશાં પગલાં નથી લેતું.

લોકસભામાં કેન્દ્ર સરકાર તરફથી અપાયેલા એક સવાલના જવાબમાં જાણવા મળ્યું કે દેશમાં આઇઆઇટી અને આઇઆઇએમ સંસ્થાઓમાં ઈ.સ. 2014થી 2021 દરમિયાન 122 આત્મહત્યાના કેસ થયા. જેમાં 24 વિદ્યાર્થી એસસી એટલે કે અનુસૂચિત જાતિના અને 41 વિદ્યાર્થી ઓબીસી એટલે કે અન્ય પછાત વર્ગના હતા. તો ત્રણ વિદ્યાર્થી એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના હતા. એમ સમજો કે આત્મહત્યા કરનારા કુલ 122માંથી 68 વિદ્યાર્થી રિઝર્વ કૅટેગરીમાંથી હતા.

સ્વપ્નિલે એક ઉદાહરણ આપીને કહ્યું કે, "દર્શનના મૃત્યુ બાદ એક વૉટ્સઍપ ગ્રૂપમાં વાતો થઈ રહી હતી એનું હું આપને ઉદાહરણ આપું છું. એક ચૅટમાં કહેવામાં આવ્યું - એબિલિટીની વાત છે, જેઇઇમાં 150 'નંબર' લાવીને કૅમિકલ મળે અને 80 'નંબર' લાવીને સીએસ અને કૅમિકલ મળી જાય તો કંઈક તો અંતર છે. જ્યારે અનુસૂચિત જાતિમાંથી આવતા એક છોકરાનું મૃત્યુ થયું છે ત્યારે આવી વાતો ગ્રૂપમાં કરવી, આ મૅસેજને એ જાતિમાંથી આવનારાં અન્ય બાળકો વાંચશે તો આખરે એમની પાસે કયા પ્રકારનો સંદેશો જશે. શું તેઓ ક્યારેય પોતાની જાતિગત ઓળખની બાબતમાં સહજ રહી શકશે?"

અનિકેત અમ્બારેના કેસમાં આઇઆઇટી બૉમ્બેએ શું કર્યું હતું?

ઈ.સ. 2014માં આઇઆઇટી બૉમ્બેમાં જ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી અનિકેત અમ્બારેએ આત્મહત્યા કરી હતી. તે અનુસૂચિત જાતિના હતા. અમ્બારેના પરિવારજનોએ જ્યારે આ જાતિગત ભેદભાવના આરોપની લેખિત ફરિયાદ આઇઆઇટી બૉમ્બેના ડાયરેક્ટરને કરી હતી ત્યારે આ કેસમાં ત્રણ સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી. વર્ષ 2015માં એ સમિતિએ પોતાનો રિપોર્ટ આપ્યો અને આઇઆઇટી તરફથી એને ક્યારેય સાર્વજનિક ન કરાયો.

પરંતુ ઈ.સ. 2019માં ઇન્ડિયન એક્સ્પ્રેસે આ સમિતિના રિપોર્ટના આધારે એક સમાચાર છાપ્યા અને કહ્યું કે ત્રણ સભ્યની આ સમિતિના રિપોર્ટમાં લખ્યું હતું કે, "અનિકેત અમ્બારેની તકલીફો માટે જાતિ આધારિત વ્યવહાર કારણભૂત નહોતો, બલકે તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ પોતે આંતર્દ્વંદ્વ સામે ઝઝૂમી રહ્યા હતા."

આંબેડકર, પેરિયાર, ફૂલે સ્ટડી સર્કલ એટલે કે એપીપીએસીના આઇઆઇટી બૉમ્બે વિભાગના એક સભ્યએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું કે, "આ આંતર્દ્વંદ્વ ક્યાંથી આવ્યો, સમિતિ એ બાબતની તપાસ કેમ નથી કરતી? જે સમિતિ અનિકેત અમ્બારેના કેસમાં બનાવાઈ અને જે સમિતિ દર્શનની આત્મહત્યાની તપાસ માટે પ્રૉફેસર નંદકિશોરની અધ્યક્ષતામાં બનાવવામાં આવી રહી છે, તે આખરે કયાં પાસાંની તપાસ કરી રહી છે? કયા પ્રકારના પુરાવા એકઠા કરી રહી છે? તે ક્યારેય સાર્વજનિક નથી થતું."

"આ સમિતિમાં એક પણ સ્વતંત્ર અવાજ નથી હોતો, કોઈ બહારનો સભ્ય પણ સામેલ નથી હોતો. બે એસસી કે એસટી વિદ્યાર્થી લેવામાં આવે છે પરંતુ પ્રૉફેસર માટે વિદ્યાર્થીના અવાજને પ્રભાવિત કરી દેવો કેટલું આસાન છે એ કહેવાની જરૂર નથી. બધું ભૂલી જાઓ, દર્શન સોલંકીના કેસમાં ઍડ્‌મિનિસ્ટ્રેશનની સમિતિમાં સોશ્યલ સાયન્સ વિભાગના એક પણ સભ્ય સામેલ નથી, જ્યારે સંસ્થામાં એ વિભાગ છે, જાતિ અંગે કામ કરનારા પ્રૉફેસર અને રિસર્ચના વિદ્યાર્થીઓ છે."

અનિકેત અમ્બારે બીટેક્‌ના ચોથા વર્ષના વિદ્યાર્થી હતા અને આત્મહત્યાના 15 દિવસ પહેલાં એમણે એમના પરિવારજનોને કહેલું કે તેઓ જેઇઇની પરીક્ષા ફરીથી આપવા માગે છે અને વધારે નંબર લાવીને જનરલ કૅટેગરીમાં ઍડ્‌મિશન લેવા માગે છે.

એપીપીએસીના સભ્યએ કહ્યું કે, "સમિતિનું એમ કહેવું કે અનિકેત અમ્બારેએ પોતાના આંતરિક દ્વંદ્વના કારણે આત્મહત્યા કરી લીધી, તે શરમજનક છે, કેમ કે, એમણે એ શોધી કાઢવું જોઈતું હતું કે આખરે ચોથા વર્ષમાં આવીને કોઈ વિદ્યાર્થીને ફરીથી જેઇઇની પરીક્ષા આપવાનો વિચાર કેમ આવ્યો? કેવી પરિસ્થિતિમાં માણસ એમ વિચારી શકે કે એણે પોતાના જીવનનાં ચાર વર્ષ ભૂલીને ફરીથી પહેલા વર્ષથી બધું જ શરૂ કરવું છે."

કૅમ્પસમાં જાતિના આધારે ભેદભાવની કહાણી માત્ર આઇઆઇટી, આઇઆઇએમ સુધી સીમિત નથી પરંતુ આ સમુદાયમાંથી આવનારા આઇઆઇટી અને આઇઆઇએમના વિદ્યાર્થીઓ એમ કહે છે કે, "અન્ય જગ્યાઓએ આ અંગે થોડીક વાત થઈ જાય છે, પરંતુ આ સંસ્થાઓમાં એ અંગે વાત કરવી કે કૉલેજના વહીવટી તંત્રનો આને એક સમસ્યા માનવાથી ઇનકાર કરી દેવો તે અમારા માટે મુશ્કેલી વધારે છે."

'વિદેશોમાં પણ પીછો નથી છોડતી જાતિ'

જાતિના નામે કોઈને શરમાવવાનો સિલસિલા દેશની બહાર પણ દલિત વિદ્યાર્થીઓ અને પછાતોનો પીછો નથી છોડતો.

યાશિકા દત્ત ન્યૂયૉર્કમાં રહે છે, વ્યવસાયે પત્રકાર છે, એમણે પોતાની જાતીય ઓળખ વિશે એક સંસ્મરણ 'કમિંગ આઉટ એઝ દલિત' લખ્યું.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "ક્વૉટા સ્ટુડન્ટ કહેવું તે કોઈની બધી ઉપલબ્ધિઓને એમ કહીને ખારીજ કરવા સમાન છે કે તે બંધારણના લીધે મળેલા હકનો ઉપયોગ કરીને આવ્યા છે, તો એમાં મેરિટ નથી, એ સવર્ણ સમુદાયની સીટ ખાઈ ગયા. આ એવી વસ્તુ છે કે જે ધીરે ધીરે એ જાતિમાંથી આવનારાના મનમાં શરમ ભરી દે છે. કૉલેજનો પહેલો દિવસ હોય છે અને સીનિયર ખુલ્લેઆમ પૂછે છે, 'ક્વૉટા સ્ટુડન્ટ' કોણ છે આમાંથી. શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિગત ભેદભાવ ખુલ્લેઆમ થાય છે."

"હું વાલ્મીકિ સમાજની છું અને એનો (પ્રતિબંધિત શબ્દ) તો લોકો સામાન્ય બોલચાલમાં ગાળની જેમ ઉપયોગ કરે છે. હું જ્યારે સ્કૂલમાં હતી ત્યારે મારાં માતા-પિતાએ મને કહેલું કે કોઈ પણ સ્થિતિમાં લોકોને પોતાની જાતિની ખબર પડવા ન દેતી. તેઓ મને એ દરેક વસ્તુ આપતાં હતાં જે એમની પહોંચમાં હતી. પરંતુ એક વાત જે મારી માને પહેલાંથી ખબર હતી કે તે બદલાઈ નહીં શકે, તે હતી મારી જાતિ સાથે જોડાયેલી મારી ઓળખ."

"જાતિના નામે એટલી હદે શરમાવવામાં આવે છે કે તમે સંસ્થામાં હોવા છતાં પોતાની જાતિને પોતાની ઓળખનો ભાગ બનાવતાં શરમ અનુભવો છો."

પરંતુ, અમેરિકામાં જાતિગત ભેદભાવ હોય છે?

યાશિકાએ કહ્યું કે, "એ અમેરિકામાં પણ આવી ગયો છે. ભારતીય અમેરિકન સમુદાય અમેરિકામાં સૌથી વધારે ઝડપે ફૂલતો-ફાલતો સમુદાય છે અને અહીં ઑફિસોમાં, કૉલેજોમાં ભારતીયો કામ કરે છે, પ્રૉફેસર છે અને ત્યાં ઘણી વાર પછાત અને અનુસૂચિત જાતિમાંથી આવનારા લોકો માટે કહેવાય છે - આ ક્વૉટા લઈને અહીં પણ આવી ગયા."

અમેરિકાના સિએટલનાં સિટી કાઉન્સેલર ક્ષમા સાવંતે જાતીય ભેદભાવ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને મંગળવારે પાસ કરવામાં આવ્યો. સિએટલ એવું પહેલું અમેરિકન શહેર બની ગયું જ્યાં જાતિ આધારિત ભેદભાવને પ્રતિબંધિત કરી દેવાયો છે.

આ કાયદો એટલા માટે પણ મહત્ત્વનો છે, કેમ કે, સિએટલમાં લગભગ બધી મોટી કંપનીઓની ઑફિસ છે, અને કાયદો લાગુ થવાથી રાજ્યમાં બધી કંપનીઓની ઑફિસોમાં જાતિગત ભેદભાવ અટકશે. સિએટલમાં મોટી સંખ્યામાં દક્ષિણ એશિયાઈ લોકો રહે છે અને આ પ્રસ્તાવનું પાસ થવું ઐતિહાસિક માનવામાં આવે છે.

'સન્માન સાથે મૃત્યુ પણ ના મળે'

દર્શન સોલંકીના મૃત્યુ બાદ 12 ફેબ્રુઆરીની સાંજે 6 વાગ્યા ને 40 મિનિટે આઇઆઇટી બૉમ્બેના ડાયરેક્ટર તરફથી બધા વિદ્યાર્થીઓને એક ઇ-મેલ મોકલવામાં આવ્યો, પરંતુ આ ઇ-મેલમાં દર્શન સોલંકીનું નામ લખવાની જગ્યાએ એમને માત્ર 'બીટેક્ ફર્સ્ટ યર સ્ટુડન્ટ' કહેવામાં આવ્યા.

સ્વપ્નિલ ગેદામે કહ્યું કે, "પહેલાં મને લાગ્યું કે આ મેલ કરવાની એક રીત છે જેમાં જેમનું મૃત્યુ થયું હોય એમનું નામ નથી લખાતું, પરંતુ પછી મેં જૂના ઇ-મેલ જોયા અને આની પહેલાં જે વિદ્યાર્થીઓ સાથે કશું અજુગતું બન્યું હોય એમનાં નામ મેલમાં લખવામાં આવ્યાં હતાં."

"મતલબ કે મર્યા પછીયે કોઈના નામને લોકો સામે છુપાવવામાં આવે! એનાથી વધારે અપમાન બીજું શું હોઈ શકે! તમે કોઈનો સન્માનજનક મૃત્યુનો અધિકાર પણ એનાથી છીનવી રહ્યા છો."

બીબીસીને આઇઆઇટી બૉમ્બેના પાંચ વિદ્યાર્થીઓએ જણાવ્યું કે જ્યારે પહેલીવાર શોક માર્ચ કાઢવામાં આવી તો ઘણા લોકોને એ પણ ખબર નહોતી કે જેણે આત્મહત્યા કરી એનું નામ શું છે.

જ્યારે વિદ્યાર્થીઓએ આ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી તો 12 ફેબ્રુઆરીની મોડી રાત્રે સાડા અગિયાર વાગ્યે વહીવટી તંત્ર તરફથી એક બીજો મેલ આવ્યો, જેમાં દર્શન સોલંકીનું નામ લખવામાં આવ્યું હતું.

એમ્સઃ જ્યાં એસસી, એસટી વિદ્યાર્થીઓએ વારંવાર નપાસ થવું પડે છે

ગયા વર્ષે દિલ્હી સ્થિત દેશની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ કૉલેજ એમ્સની બાબતે પ્રગટ થયેલા સંસદીય સમિતિના રિપોર્ટમાં કહેવાયું હતું કે પક્ષપાતભર્યું વલણ અને ભેદભાવના કારણે એમ્સમાંથી એમબીબીએસ કરનારા એસસી, એસટી વિદ્યાર્થીઓને વારંવાર પરીક્ષામાં નપાસ કરવામાં આવે છે.

ભાજપના નેતા કિરીટ પ્રેમભાઈ સોલંકીના અધ્યક્ષપણા હેઠળ બનેલી એસસી એસટી વેલ્ફેર કમિટીએ પોતાના રિપોર્ટમાં એમ પણ કહેલું કે દલિત અને આદિવાસી સમુદાયમાંથી આવનારા લોકોને ફૅકલ્ટીમાં નોકરી મેળવતી વખતે પણ ભેદભાવનો સામનો કરવો પડે છે.

માત્ર આઇઆઇટીમાં રિસર્ચ કરવા માટે કેટલા લોકો પછાત, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાંથી પસંદ કરવામાં આવે છે, એ અંગેની જે તસવીર આંકડા રજૂ કરે છે એને જરા સમજીએ.

રોહિત વેમુલા અને દર્શન સોલંકીઃ બે સપનાં જે જોવાયાં ખરાં પણ જિવાયાં નહીં

ઈ.સ. 1948માં દેશની આઝાદીના એક વર્ષ બાદ આભડછેટને સમાપ્ત કરી દેવાઈ, એને દસ્તાવેજોમાંથી તો ભૂંસી નંખાઈ પણ સમાજમાંથી હટાવી ન શકાઈ.

દરરોજ દેશની જુદી જુદી જગ્યાએથી જાતિગત ભેદભાવ, હિંસા અને અત્યાચારનાં ચિત્રો સામે આવતાં રહે છે.

ઈ.સ. 2016માં હૈદરાબાદ યુનિવર્સિટીમાં પીએચડીના વિદ્યાર્થી રોહિત વેમુલાએ આત્મહત્યા પહેલાં લખેલા પોતાના અંતિમ પત્રમાં લખેલું - હું હમેશાં લેખક બનવા માગતો હતો, કાર્લ સેગનની જેમ, પરંતુ અંતમાં બસ આ એક ચિઠ્ઠી જ છે જે હું લખી રહ્યો છું. મારું જનમવું જ એક દુર્ભાગ્ય રહ્યું.

લગભગ છ વર્ષ બાદ દર્શને આત્મહત્યા કરી અને 18 વર્ષના આ બાળકે પોતાની પાછળ કોઈ અંતિમ ચિઠ્ઠી ના મૂકી.

એના પિતા રમેશભાઈ સોલંકીએ કહ્યું કે, "ખૂબ ભણતો'તો મારો દીકરો. એ સહન બહુ કરતો'તો. એની બચપનથી આદત હતી બધું પોતાની અંદર દબાવી રાખવાની. પરંતુ મારા બાળકને આખરે કેટલો હેરાન કર્યો હશે કે એણે મરી જવાનું યોગ્ય માન્યું. મારો દર્શન ગયો, મને એ નહીં મળી શકે પરંતુ હું લડીશ કે જેથી કોઈ કૉલેજમાં બીજો કોઈ દર્શન ના બને… બસ, આ જ મારી લડાઈ છે."

સ્વપ્નિલ ગેદામે જણાવ્યું કે, "અહીં જાતિની બાબતમાં કેવો માહોલ છે તે આમ સમજો કે 17 જાન્યુઆરીએ અમે રોહિત વેમુલાના મૃત્યુની તિથિએ એકબીજા સાથેની એક બેઠક કરવા માગતા હતા, બહારના કોઈને આમંત્રણ નહોતું પરંતુ અમને એ માટેની મંજૂરી ના મળી."

"સિક્યૉરિટીએ અમને નક્કી કરેલી જગ્યાએ મળવા ન દીધા પરંતુ અહીં સરસ્વતીની પૂજા થાય છે, શિવાજી મહારાજની જયંતીનું આયોજન થાય છે તો એમાં ક્યારેય કોઈ પ્રકારની સિક્યૉરિટીનો કશો સવાલ નથી આવતો."

રોહિત વેમુલા અને દર્શન સોલંકી, બંનેએ સપનું જોયું પરંતુ બંને પોતપોતાનું સપનું જીવી ન શક્યા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો