IIT બૉમ્બેના ગુજરાતી દલિત વિદ્યાર્થી દર્શન સોલંકીના ઘરે કેવો માહોલ છે – ગ્રાઉન્ડ રિપોર્ટ

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

'પપ્પા, હવે હું તમને આ નાનકડા ઘરમાં નહીં રહેવા દઉ, મારું સપનું છે કે આપણે એક મોટા ઘરમાં રહેવા જઈએ.'

લગભગ ત્રણેક મહિના પહેલાં અમદાવાદના દર્શન સોલંકીને IIT-બૉમ્બેમાં પ્રવેશ મળ્યો, ત્યારે તેણે પિતા રમેશભાઈને આ વાત કહી હતી, પરંતુ તેનો મૃતદેહ જ્યારે ઘરે પરત આવ્યો, ત્યારે પરિવારના આક્રંદની કોઈ સીમા ન રહી.

તા. 12મી ફેબ્રુઆરીએ કૉલેજોમાં યુવા હૈયાં 'હગ ડે' ઊજવીને એકબીજાને આલિંગન આપી રહ્યાં હતાં, ત્યારે 18 વર્ષીય દર્શન મૃત્યુના આગોશમાં સમાઈ ગયા.

સોલંકી પરિવારનો આરોપ છે કે દલિત સમુદાયના હોવાથી શૈક્ષણિક સંસ્થાના સંચાલકો અને સાથી વિદ્યાર્થીઓએ દર્શન સાથે ભેદભાવ કર્યો હતો.

દલિત વિદ્યાર્થી સંગઠનની માગ છે કે ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરીને દર્શનના મૃત્યુના કેસની તપાસ થવી જોઈએ. બીજી બાજુ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાના મૅનેજમૅન્ટે ભેદભાવના આરોપોને નકાર્યા છે.

વિદ્યાર્થી સંગઠનો દ્વારા રાજ્યભરમાં ઠેરઠેર દર્શનને માટે રવિવારે સાંજે કૅન્ડલલાઇટ માર્ચ કાઢવાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે.

(નોંધ: આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. આ સિવાય આસરા વેબસાઇટ અથવા તો વૈશ્વિક સ્તર પર બીફ્રૅન્ડર્સ વર્લ્ડવાઇડ પાસેથી પણ સહયોગ મેળવી શકો છો.)

મણિનગરના રતન-દર્શન

મણિનગર મ્યુનિસિપલ સ્ટાફ ક્વાર્ટર્સની જૂની-પુરાણી અને બિસ્માર ઇમારતમાં બીજા માળે દર્શન તેમના પપ્પા, મ્મમી, મોટાં બહેન, દાદા અને દાદી સાથે રહેતા. મધ્યમ અને નિમ્ન મધ્યમવર્ગની બહુમતી ધરાવતા આ વિસ્તારમાં દિવસ દરમિયાન ભારે કોલાહાલ રહે, જેના કારણે દર્શન રાત્રે વાંચતા અને દિવસે ઊંઘતા, જેથી કરીને અભ્યાસમાં ધ્યાન પોરવાઈ રહે.

ધો. 12 સુધી દર્શન અભ્યાસમાં હંમેશાં અગ્રેસર રહ્યા હતા, ઘરમાં રહેલાં સર્ટિફિકેટ, શિલ્ડ અને પારિતોષિક તેમના ઉજ્જવળ ભૂતકાળની સાક્ષી પૂરે છે. દર્શન યૂટ્યૂબ અને સ્વસહાય સામગ્રીની મદદથી કોઈપણ જાતની મદદ વગર જાતે જ અભ્યાસ કર્યો હતો.

પરિવારજનોનું કહેવું છે કે ગત વર્ષે નવેમ્બર મહિનામાં બીટેક કેમિકલમાં પ્રવેશ લીધો હતો. દર્શનને આઈઆઈટી-બૉમ્બેમાં (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી) પ્રવેશ મળ્યો હતો. અગાઉ આઈઆઈટી બૉમ્બેમાં પ્રવેશ મેળવનાર દર્શને બીજી વખત જેઈઈ (જૉઇન્ટ ઍન્ટ્રેસ ઍક્ઝામ) આપી હતી અને પ્રવેશ લીધો હતો.

પ્લમબિંગકામ કરીને સામાન્ય જીવન ગુજારતા રમેશભાઈએ તેમનાં બંને સંતાનોને સારો અભ્યાસ મળે તે માટે તનતોડ મહેનત કરતા.

પોતાના દીકરા વિશે રમેશભાઈ કહે છે, "અમારા માટે તો ભણવું એટલે માત્ર ધો. એકથી 12નો અભ્યાસ. અમને આઈઆઈટી વિશે કોઈ ખબર જ ન હતી. તે ફૉર્મ લાવતો, જાતે તૈયારીઓ કરતો અને પરીક્ષા આપવા જતો. હું તેને માત્ર ફૉર્મ ભરવાના પૈસા આપતો."

મુંબઈની આઈઆઈટીમાં પ્રવેશના સમયને યાદ કરતા રમેશભાઈ કહે છે, "ઍડમિશન થઈ ગયા બાદ દર્શને કહ્યું હતું કે પપ્પા આપણે અહીં નહીં રહીએ અને વહેલી તકે અહીંથી બીજે રહેવા જતા રહીશું."

પરંતુ પરિવાર માટે જોયેલું સપનું આંખોમાં લઈને જ દર્શને આ દુનિયાને અલવિદા કરી ગયા.

દર્શનનો જીવનદીપ બુજાયો

ઉત્તરાયણ સમયે દર્શન મુંબઈથી અમદાવાદ આવ્યા હતા, ત્યારે તેમણે પોતાની સ્થિતિ વિશે પરિવારજનોને ફરિયાદ તો નહોતી કરી, પરંતુ ભેદભાવની વાત કહી હતી. દર્શનનાં મોટાં બહેન જાનવીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું:

"શરૂઆતમાં તો બધું સારું રહ્યું હતું, પરંતુ જ્યારે અન્ય વિદ્યાર્થીઓને ખબર પડી કે દર્શન દલિત છે એટલે તેમની સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર શરૂ થઈ ગયો હતો. તેને કોઈ પ્રકારની મદદ ન મળતી. ઘણા વિદ્યાર્થીઓ દલિત વિદ્યાર્થીઓ પ્રત્યે ઇર્ષ્યા રાખતા."

"તેઓ ટોણાં મારતા કે તે (દર્શન) મફતમાં ભણવા આવી ગયો છે. અન્ય વિદ્યાર્થીઓ લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં આઈઆઈટીમાં પ્રવેશ મેળવી નથી શકતા."

તા. 12મી ફેબ્રુઆરીના દિવસે દર્શનના પિતા રમેશભાઈ ઉપર આઈઆઈટી-બૉમ્બેમાંથી ફોન આવ્યો હતો અને તેમને તાત્કાલિક મુંબઈ પહોંચી જવા માટે જણાવવામાં આવ્યું હતું. આ માટેની ફ્લાઇટની ટિકિટ પણ સંસ્થા દ્વારા બૂક કરાવી દેવામાં આવી હતી.

રમેશભાઈ તાબડતોબ ત્યાં પહોંચ્યા હતા, ત્યારે તેમને માહિતી મળી હતી કે દર્શને સંસ્થાની બિલ્ડિંગ પરથી ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું છે. રમેશ ભાઈ પહોંચે તે પહેલાં પૉસ્ટમૉર્ટમ થઈ ગયું હતું.

રમેશભાઈનું કહેવું છે, "મને શંકા છે કે મારા દીકરા સાથે કોઈ અજુગતી ઘટના બની છે. તેની સાથે જાતિગત ભેદભાવ થતા હતા, અને તેના કારણે જ તેની સાથે કોઈ અઘટિત ઘટના બની છે, જેની જાણ સંસ્થા અમને કરવા માંગતી નથી. અમને ન્યાય જોઈએ છે અને અમારે જાણવું છે કે દર્શનનું મૃત્યુ કેવી રીતે થયું હતું. હું ચોક્કસપણે માનું છું કે તેણે આત્મહત્યા તો નથી કરી."

તેઓ ઉમેરે છે, , "મારો દીકરો, જ્યારે ફોન પર મારી સાથે વાત કરતો, ત્યારે મને તેની વાતોમાં ખૂબ ઢીલાશ વર્તાતી હતી, એવું સતત લાગતું હતું કે એ મારાથી કંઇક છૂપાવી રહ્યો છે, પરંતુ મને એ વાતનો અહેસાસ ન થયો કે તેની સાથે આ પ્રકારનું કંઈક થઈ રહ્યું છે."

ઉલ્લેખનીય છે કે મૃતદેહ પરના રંગભેદને પારખી શકાય અને કૃત્રિમ રોશનીને કારણે આભાસી ભેદ ન દેખાય તે માટે સૂર્યાસ્ત પહેલાં સૂર્યપ્રકાશમાં જ પૉસ્ટમૉર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

ડાયરેક્ટરને સસ્પેન્ડ કરવા માગ

IIT-બૉમ્બેમાં ચાલતા 'આંબેડકર પેરિયાર ફૂલે સ્ટડી' સર્કલ નામના વિદ્યાર્થી સંગઠને સંસ્થાની ઉપર ગંભીર આરોપ મૂક્યા છે અને પ્રેસનોટ દ્વારા સંસ્થાના ડિરેક્ટરને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની માગણી કરી છે.

સંગઠનનો દાવો છે કે તેણે આઈઆઈટી બૉમ્બેમાં સરવે કરાવ્યો છે, જેમાં અહીં અભ્યાસ કરતા એસસી (શિડ્યુલ્ડ કાસ્ટ) અને એસટી (શિડ્યુલ્ડ ટ્રાઇબ) સમુદાયના વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની સહાયતા કે કાઉન્સેલિંગ મળતા નથી. આ અંગે સંસ્થાને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પગલાં લેવામાં આવ્યાં નથી.

જુવાનજોધ દીકરો ગુમાવનારા રમેશભાઈનું કહેવું છે, "મારા દર્શન સાથે થયું એવું બીજા કોઈની સાથે ન થાય અને એ માટે એક યોગ્ય તપાસ કમિટી રચીને આ ઘટનાનાં તમામ પાસાંની તપાસ થવી જોઈએ."

આ અંગે બીબીસી ગુજરાતીએ આઈઆઈટી બૉમ્બેના એસસી-એસટી સેલનો સંપર્ક સાધીને તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાદમાં તેમણે આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું.

આઈઆઈટી બૉમ્બેએ શું કહ્યું?

આઈઆઈટી બૉમ્બેએ પોતાના સત્તાવાર નિવેદનમાં આરોપોને નકાર્યા છે અને પોલીસ તપાસને પૂર્ણ થવા દેવા કહ્યું છે.

સંસ્થાનું કહેવું છે કે મિત્રો સાથે થયેલી વાતચીત અને પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે દર્શનની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ થયો ન હતો.

સંસ્થાએ પોલીસતપાસ તથા પોતાની આંતરિક તપાસને પૂર્ણ થઈ જવા સુધી રાહ જોવાની અને ત્યાર સુધી કોઈ નિષ્કર્ષ નહીં કાઢવા આહ્વાન કર્યું હતું.

સંસ્થાનું કહેવું છે કે કોઈ પણ ફૅકલ્ટી દ્વારા ભેદભાવની ઘટના અંગે કાર્યવાહી કરવામાં આવે છે. એક વખત પ્રવેશપ્રક્રિયા પૂર્ણ થઈ જાય એટલે અન્ય વિદ્યાર્થી કે ફૅકલ્ટી દ્વારા ક્યારેય જ્ઞાતિ-જાતિ વિશે પૂછવામાં નથી આવતું. ઍન્ટ્રેન્સ ઍક્ઝામમાં રૅન્ક અંગે અન્ય વિદ્યાર્થીને નહીં પૂછવા અંગે કહેવામાં આવે છે, જેથી કરીને અપ્રત્યક્ષ રીતે પણ માહિતી ન મળી શકે. આ અંગે પ્રવેશ પછી તરત જ કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવે છે.

આઈઆઈટી બૉમ્બેનું કહેવું છે કે સંસ્થામાં એસસટી-એસટી વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા હોય તો તેઓ એસસી અને એસટી સેલને રજૂઆત કરી શકે છે. ફૅકલ્ટી કે અન્ય વિદ્યાર્થીઓ દ્વારા ભેદભાવની ગત વર્ષો દરમિયાન બહુ થોડી ફરિયાદો મળી છે અને એક ફરિયાદમાં વજૂદ જણાયું હતું, તેમાં કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

સંસ્થા સ્વીકારે છે કે કોઈ પણ વ્યવસ્થા 100 ટકા કારગત ન હોય શકે અને આમ છતાં જો કોઈ ઘટના ઘટે તો તેને અપવાદરૂપ ગણવી જોઈએ.

બાદમાં, 18 ફેબ્રુઆરી શનિવારે આઈઆઈટી બૉમ્બેએ ફરી એક વખત નિવેદન જાહેર કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઈ પોલીસ અને આઈઆઈટી બૉમ્બે દર્શનનાં મૃત્યુનું ચોક્કસ કારણ અને સંજોગો શોધવા માટે તપાસ હાથ ધરી રહી છે.

આઈઆઈટીએ આ મામલે ચીફ વિજિલન્સ ઑફિસર પ્રૉ. નંદ કિશોરના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવી છે. આ કમિટીમાં ફૅકલ્ટીના સભ્યો સહિત એસસી/એસટી સ્ટુડન્ટ સૅલના વિદ્યાર્થીઓ પણ સમાવિષ્ટ છે.

નિવેદન મુજબ, આ કમિટી એ તમામ વિદ્યાર્થીઓ અને લોકોની મુલાકાત લઈ રહી છે જે આ મામલા પર પ્રકાશ પાડી શકે.

આ સાથે તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે જો કોઈની પાસે દર્શનની આત્મહત્યાને લઈને કોઈ માહિતી હોય તો તેઓ કમિટી કે પછી પોવઈ પોલીસને જાણ કરી શકે છે.

દર્શનની આત્મહત્યાને લઈને પ્રકાશિત થયેલા વિવિધ અહેવાલોને લઈને કહેવામાં આવ્યું છે કે "આ કાયદાકીય બાબત હોવાથી જ્યાં સુધી તપાસમાં સત્ય સામે ન આવે ત્યાં સુધી અમે કંઈ કહી શકીશું નહીં."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો