You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તામિલનાડુમાં દલિતોના વિસ્તારમાં પાણી પીવાની ટાંકીમાં મળ કોણે ભેળવ્યો?
- લેેખક, પ્રેમિલા ક્રિષ્નન
- પદ, બીબીસી તામિલ
તામિલનાડુના પુદુકોટ્ટાઈ જિલ્લાના ઈરૈયુરમાં અનુસૂચિત જાતિના બાહુલ્યવાળા વિસ્તારમાં પાણીની ટાંકીમાં વિષ્ટા એટલે કે મળ ભેળવવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે.
એ ટાંકીમાંથી પાણી પીધા બાદ ઘણાં બાળકો બીમાર પડ્યાં હોવાની હકીકત તપાસમાં બહાર આવી હતી. આ સંદર્ભે ત્રણ જણની ધરપકડ કરવામાં આવી છે.
તપાસ દરમિયાન જિલ્લા કલેક્ટરને જાણવા મળ્યું હતું કે આ વિસ્તારમાં દલિતો માટે અલગ કપ અને મંદિરોમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ જેવા અસ્પૃશ્યતા સંબંધી ભેદભાવ કરવામાં આવે છે.
દલિતો તથા અન્ય સમુદાય વચ્ચેના સંબંધ ખરાબ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટીતંત્રે બેઠક યોજી હતી. બીજા કેટલાક ફેરફાર કરવામાં આવ્યાનું સૂચવતા અખબારી અહેવાલો પણ પ્રકાશિત થયા છે.
સ્થળ પરની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે બીબીસીએ ઈરૈયુર ગામની મુલાકાત લીધી હતી.
પાણીની ટાંકીમાં મળ ભેળવાયાની ખબર કેવી રીતે પડી?
ઈરૈયુર ગામ પુદુકોટ્ટાઈથી આશરે 20 કિલોમીટર દૂર આવેલું છે. આ ગામમાં મુથરૈયાર અને અગમુદૈયાર કોમના આશરે 300 પરિવાર રહે છે.
ઈરૈયુર ગામમાં પ્રવેશતાંની સાથે જ અમને ચારે તરફ પોલીસ જોવા મળી હતી. દલિતો તથા સવર્ણોના એમ બન્ને વિસ્તારોમાં લોકો સરકારી અધિકારીઓ દ્વારા લેવાયેલી ગામની મુલાકાત વિશે ચર્ચા કરતા જોવા મળ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈરૈયુરના દલિત વિસ્તારમાંના 30,000 લિટરની પાણીની ટાંકીમાંથી મેળવાયેલું પાણી પીધા બાદ બાળકો બીમાર પડ્યાં હતાં. એ પૈકીના એકના માતા પંડીચેલ્વીને અમે મળ્યા હતાં. તેમનો ચાર વર્ષનો પુત્ર પણ બીમાર પડ્યો હતો.
પંડિચેલ્વીએ કહ્યું હતું કે “મારા દીકરાને સાત દિવસથી તાવ ઊતરતો જ ન હતો. તેથી અમે સરકારી હૉસ્પિટલે ગયાં હતાં. મારા દીકરાને સતત ઝાડા-ઊલટી પણ થતાં હતાં. ગામના અન્ય છોકરાઓને પણ તાવ ચડ્યો હતો અને ઝાડા થયા હતા. તેથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ અમને અમારા વિસ્તારમાંના પાણીને ટેસ્ટ કરવા જણાવ્યું હતું. એ પછી અમને ખબર પડી હતી કે તે પાણીમાં મળ ભેળવવામાં આવ્યો હતો.”
પંડિચેલ્વી સહિતના અનેક ગામ લોકોની ફરિયાદ બાદ જિલ્લા વહીવટીતંત્રે પાણીનું પરીક્ષણ કરાવ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે તેમાં મળ ભેળવવામાં આવ્યો છે.
પછી પાણીની ટાંકી સાફ કરવામાં આવી હતી અને લોકોને પાણી પૂરું પાડવામાં આવ્યું હતું.
પંડિચેલ્વીએ એમ પણ કહ્યું હતું કે “મેં મારા દીકરાને તે પાણી પીવડાવ્યું હતું અને હવે પાણીની ટાંકી સાફ કરવામાં આવી છે ત્યારે મને એવું લાગે છે કે મેં તેને ઝેર આપ્યું હતું. અત્યારે સાફ પાણી વાપરતાં પણ અરુચિનો ભાવ જાગે છે. ઘણા લોકો અમારા ગામને, મળવાળું પાણી પીતા ગામ તરીકે ઓળખે છે. આ સમસ્યાનો અંત અમારી પેઢી સાથે થવાનો નથી. તે જબરો આઘાત છે. આવું ચાલુ રહેશે તો શું થશે એ વાતે અમે ચિંતિત અને ભયભીત છીએ.”
દલિતોના મંદિરપ્રવેશ પર પ્રતિબંધ અને અલગ કપની પ્રથા
દસ દિવસની સારવાર પછી છોકરાની હાલત સારી છે. અમે હૉસ્પિટલમાં સાત દિવસ સારવાર લઈને આવેલી એક છોકરીને પણ મળ્યા હતા.
બીજાં પાંચ બાળકો હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. પુખ્ત વયના કેટલાક લોકો પણ ગંદું પાણી પીવાને કારણે બીમાર પડ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, 10 બાળકો સહિતના કુલ 30 લોકો બીમાર પડ્યા હતા.
સિંધુજા નામની એક યુવતીએ કહ્યું હતું કે "અમારા વિસ્તારમાં ઘણાં બાળકો બીમાર પડ્યાં હતાં અને એ સારી બાબત નથી. સત્તાવાળાઓ કહે છે કે જળમાં મળ કોણે ભેળવ્યો તે અમે જાણી શક્યા નથી. કેન્દ્ર સરકાર આઝાદીનાં 75 વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવ ઊજવી રહી છે, પરંતુ અમને મળ ભેળવેલું જળ મળે છે."
"અમારું ગામ કથિત નીમ્ન જ્ઞાતિનો લોકો પર સતત અત્યાચારનું મોટું ઉદાહરણ છે. કોઈએ મોટા રાજકારણીના ઘરની સામે મળત્યાગ કર્યો હોત તો સત્તાવાળાઓએ તેને તરત પકડી પાડ્યો હતો, પરંતુ અમારે મળ ભેળવેલું જળ પીવું પડ્યું, કારણ કે અમે સામાન્ય લોકો છીએ. સત્તાવાળાઓ આ ઘટનાની તપાસ બાબતે ગંભીર નથી."
જિલ્લા કલેક્ટર કવિતા રામુએ ઈરૈયુર ગામની મુલાકાત લીધે ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે મૂકૈયા નામના ઉચ્ચ જ્ઞાતિના પુરુષ દ્વારા ચલાવવામાં આવતી ચાની દુકાનમાં દલિતો માટે અલગ કપ રાખવામાં આવે છે.
દલિતોએ જણાવ્યું હતું કે તેમને ગામના અય્યાનાર મંદિરમાં પ્રવેશવાની છૂટ નથી. તેથી જિલ્લા કલેક્ટરે દલિતોને મંદિરમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.
એ વખતે સિંગામ્મલ નામના ઉચ્ચ જ્ઞાતિના એક પુરુષ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે દલિતોને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા હતા. પોલીસે તેમની ધરપકડ કરી હતી અને કલેક્ટર દલિતોને મંદિરમાં લઈ ગયાં હતાં.
મૂકૈયા અને તેમનાં પત્ની મીનાત્ચીની પણ દલિતો માટે ચાના અલગ કપ રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
સિંગામ્મલની દલિતોનો મંદિરમાં પ્રવેશ રોકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે પ્રોટેક્શન ઑફ સિવિલ રાઈટ્સ ઍક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
મંદિર બાબતે વાત કરતાં સિંધુજાએ કહ્યું હતું કે "કલેક્ટર અહીં આવ્યાં હતાં અને તેમણે અમને મંદિરમાં પ્રવેશ કરાવ્યો હતો. અમે છેલ્લી ત્રણ પેઢીથી મંદિરમાં જવાની પ્રતિક્ષા કરતા હતા. હવે પ્રભાત થયું."
"અમે અન્ય જ્ઞાતિના લોકો સાથે સમથુવા પોંગલની ઉજવણી કરી હતી. હવે ગામને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે, પરંતુ અમારા પીવાના પાણીમાં જેણે મળ ભેળવ્યો હતો તેમને શોધીને સજા કરવામાં આવશે ત્યારે જ અમને ન્યાય મળશે."
અમે આ ઘટના બાબતે 59 વર્ષના સદાસિવમ સાથે પણ વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે "ગામમાંથી અસ્પૃશ્યતા નાબૂદ થઈ નથી. હું નાનો હતો ત્યારે અન્ય જ્ઞાતિના છોકરાઓ મારા પિતાને તુંકારે બોલાવતા હતા. તેઓ અમારી સાથે સમાનતાભર્યો વ્યવહાર કરતા ન હતા."
"ગામમાં કલેક્ટર આવ્યાં તેથી અમે મંદિરમાં જઈ શક્યા, પરંતુ હવેથી અમે મંદિરમાં કાયમ જઈ શકીશું કે કેમ તે ખબર નથી. પેઢીઓથી અમારા પર અત્યાચાર થતો રહ્યો છે. અમને આશા હતી કે કમસે કમ આગામી પેઢી સુધીમાં તો પરિવર્તન જરૂર થશે, પરંતુ ભયાનક અસ્પૃશ્યતા ચાલુ જ રહી છે."
ઉચ્ચ જ્ઞાતિના લોકોનો દાવોઃ દલિતો પર અત્યાચાર થતા નથી
ગામમાં અસ્પૃશ્યતાની પ્રથા ચાલુ છે કે કેમ તેની તપાસ કરવા અનેક સ્વયંસેવકો ઈરૈયુર આવ્યા હતા અને કેટલાક રાજકારણીઓ પણ વિરોધપ્રદર્શન કરવા આવ્યા હતા.
ઉચ્ચ જ્ઞાતિના કેટલાક લોકોની મુલાકાત અમે લીધી હતી, પરંતુ તેઓ વાત કરવા તૈયાર ન હતા.
તેમણે જણાવ્યું હતું કે તેમનો દૃષ્ટિકોણ કોઈ જણાવતું નથી એટલે તેઓ વાત કરતા નથી.
કેટલીક મહિલાઓએ જણાવ્યું હતું કે ગામમાં આવતા મીડિયાના લોકો સાથે વાત કરવાનું તેમને પસંદ નથી.
અમે તેમનો દૃષ્ટિકોણ જાણવાનો વધુ એક પ્રયાસ કર્યો ત્યારે આ રિપોર્ટર તથા ફોટોગ્રાફરને લોકો ઘેરી વળ્યા હતા.
ઉચ્ચ જ્ઞાતિના યુવાનોએ કહ્યું હતું કે "અમારા વિશે કોઈ લખતું નથી. બધા અમારા ગામમાં આવે છે અને અસરગ્રસ્ત લોકોના વિસ્તારનું સરનામું પૂછે છે. અત્યાર સુધી અમારી વચ્ચે ભાઈચારો છે. દલિતોના મંદિરમાં પ્રવેશ સામે કોઈ સમસ્યા નથી. તેઓ વર્ષોથી મંદિરના પ્રવેશદ્વાર સુધી જ આવે છે અને તે પ્રથા ચાલુ રહી છે."
તેમણે એમ પણ જણાવ્યુ હતું કે મંદિરમાં અમુક વિધિ માત્ર દલિતો જ કરી શકે છે અને અસ્પૃશ્યતા જેવી કોઈ ચીજ અહીં નથી.
ઉચ્ચ જ્ઞાતિનાં મહેશ્વરી અમારી સાથે વાત કરવા આગળ આવ્યાં હતાં.
તેમણે કહ્યું હતું કે "કોઈ નીચી જ્ઞાતિનું છે એવું અમે કહેતા નથી. તેઓ તેમની નીચી જ્ઞાતિના ગણાવે છે. નજીકની આંગણવાડીમાં તમામ જ્ઞાતિના બાળકો સાથે રમે છે. બધા સમાન રસ્તાનો ઉપયોગ કરે છે."
"દલિતો માટે ચાના અલગ કપ રાખવા બદલ કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું તેઓ કહે છે, પરંતુ અહીં એવું કશું જ નથી. જેઓ ભગવાનની મૂર્તિને હાર ચડાવે છે એ બધાને અમે અલગ-અલગ કપ જ આપીએ છીએ. તેમણે તેનો ભળતો અર્થ તારવ્યો છે.”
તેમણે ઉમેર્યું હતું કે "જળમાં મળ કોણે ભેળવ્યો હતો તે જાણવા મળશે તો અમે પણ રાજી થઈશું. અમારી જ્ઞાતિના લોકો એવું કરે નહીં, તેની અમને ખાતરી છે. પોલીસ ગુનેગારોને ઓળખી કાઢશે પછી દલિતો કરતાં વધારે રાહત અમને થશે."
"આટલાં વર્ષોમાં ક્યારેય કોઈ ફરિયાદ આવી નથી. અચાનક અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ તથા સરકારી અધિકારીઓ ગામની મુલાકાતે આવી રહ્યા છે. અમને દુઃખ થાય છે."
તપાસમાં વિલંબ શા માટે?
આ કૃત્ય કોણે કર્યું હતું તે સત્તાવાળાઓ હજુ સુધી શોધી શક્યા નથી.
આ કેસની તપાસમાં થયેલી પ્રગતિની માહિતી મેળવવા માટે અમે પોલીસવડા વંદિતા પાંડેના સંપર્કનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો.
ત્રિચીના ડીઆઈજી સરવણસુંદરે જણાવ્યું હતું કે આ કૃત્યના કરવૈયાઓને ખોળી કાઢવા માટે 11 સભ્યોની એક ખાસ સમિતિની રચના કરવામાં આવી છે.
જિલ્લા વહીવટીતંત્ર ઈરૈયુર વિસ્તારમાં સીસીટીવી કૅમેરા ઇન્સ્ટોલ કરવાના પ્રયાસ કરી રહ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.
સામાજિક કાર્યકર કધિરે જણાવ્યું હતું કે તપાસમાં થતા વિલંબને વખોડી કાઢવો જોઈએ.
તેમણે કહ્યું હતું કે "અલગ કપ રાખવાની પ્રથા અને મંદિરમાં પ્રવેશના મુદ્દે અધિકારીઓની મધ્યસ્થીને કારણે લોકોને મદદ મળી છે, પરંતુ જળમાં મળ મેળવવાનું કૃત્ય અસ્પૃશ્યતાની ચરમસીમા છે."
"આ કૃત્યના કરવૈયાઓને હજુ સુધી ઓળખી કાઢવામાં આવ્યા નથી. તેથી આ મુદ્દાને નબળો પાડવાની ચાલ તો નથીને એવી શંકા થાય છે. જળમાં જે પ્રમાણમાં મળ ભેળવવામાં આવ્યો હતો તેને ધ્યાનમાં લેતાં એવું લાગે છે કે આ કૃત્યમાં એકથી વધુ લોકો સંડોવાયેલા છે."
તેમણે ઉમેર્યું હતું કે નીમ્ન જ્ઞાતિ પર અત્યાચારના કિસ્સામાં ગુનેગારોને સજા થાય તેવું ભાગ્યે જ બનતું હોય છે.
"સામાન્ય રીતે દલિતો પર અત્યાચારની ફરિયાદ નોંધાય તો પણ ભાગ્યે જ કોઈને સજા થાય છે. સમગ્ર તામિલનાડુમાં છેલ્લાં સાત વર્ષમાં બનેલી આવી ઘટનાઓમાં માત્ર પાંચથી સાત ટકા કિસ્સામાં ગુનેગારોને સજા થઈ છે. આ માહિતી આરટીઆઈ ઍક્ટ હેઠળ કરવામાં આવેલી અરજીમાં બહાર આવી છે."
"આ ઘટનાની તપાસમાં વિલંબનો અર્થ દલિતો પર અત્યાચાર કરતા લોકોના વિજય સમાન છે. એ ઉપરાંત અસ્પૃશ્યતાના અન્ય મુદ્દાઓ પર ફોકસ કરવામાં આવ્યું હોવાથી આ કેસનો મૂળ મુદ્દા પરથી ધ્યાન ફંટાઈ જશે."
‘અસ્પૃશ્યતા વિશે કોઈ વાત કરતું નથી’
અમે જિલ્લા કલેક્ટર કવિતા રામુને મળ્યા હતા અને તેમને સમગ્ર જિલ્લામાં અસ્પૃશ્યતા તથા તેના નિવારણ માટે જિલ્લા વહીવટીતંત્રે લીધેલા પગલાં બાબતે સવાલ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે "ઈરૈયુરની ઘટના પછી અમે એ વૉટ્સઍપ નંબર જાહેર કર્યો હતો. લોકો અસ્પૃશ્યતા સંબંધી કોઈ પણ ઘટના બાબતે તે નંબર મારફત તત્કાળ ફરિયાદ નોંધાવી શકે છે. ઈરૈયુરના લોકોની જરૂરિયાત સમજવા, આરોગ્ય, શિક્ષણ અને બિઝનેસ માટેની લોન વગેરેની સરકારી યોજનાઓના અમલ માટે ગામમાં કૅમ્પ યોજવાના પ્રયાસ કર્યા છે."
"અમે ઈરૈયુરમાં બન્ને પક્ષના લોકો સાથે વાતચીત કરી હતી. અમે સમાનતા પોંગલ કાર્યક્રમનું આયોજન પણ કર્યું હતું. અસ્પૃશ્યતાની સમસ્યા માત્ર પુદુકોટ્ટાઈમાં જ નથી. એક ગામમાં નીમ્ન જ્ઞાતિના લોકો પર અત્યાચારનો મુદ્દો હવે બહાર આવ્યો છે ત્યારે અમે એક ફરિયાદ માટે ખાસ ફોન નંબરની જાહેરાત કરી છે અને અન્ય વિસ્તારોમાં શું પરિસ્થિતિ છે તેની જાણકારી પણ અમે મેળવી રહ્યા છીએ."
અમે ગુનેગારોની ઓળખમાં થતા વિલંબ વિશે સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે "અત્યાર સુધી એ વિસ્તારમાં સીસીટીવી કૅમેરા ન હતા. અમે તપાસની પ્રક્રિયા ઝડપી બનાવી છે. એક અલગ સમિતિની રચના કરવામાં આવી છે. આ બધું દર્શાવે છે કે આ કેસને અમે કેટલું મહત્ત્વ આપી રહ્યા છીએ."
અમે તેમને પૂછ્યું હતું કે દર ત્રણ મહિને યોજાતી ખાસ સમિતિની બેઠકમાં અનુસૂચિત જાતિ પરના અત્યાચારની ચર્ચા કરવામાં આવી હતી કે કેમ.
તેમણે કહ્યું હતું કે "અમે દર ત્રણ મહિને એક બેઠક યોજીએ છીએ, પરંતુ તેમાં અત્યાર સુધી કોઈએ અસ્પૃશ્યતા બાબતે વાત કરી નથી. અસ્પૃશ્યતાનો મુદ્દો હવે બહાર આવ્યો છે."
"અન્ય વિસ્તારોમાંથી આવી ફરિયાદો આવશે તો અમે પગલાં લેવા તૈયાર છીએ. તમામ જ્ઞાતિના લોકો વચ્ચે એકતાનો પ્રસાર કરવા માટે અમે જનજાગૃતિના કાર્યક્રમો યોજી રહ્યા છીએ. અમારી ગામ પર સતત નજર છે."
ઈરૈયુરની ઘટનાના સૂચિતાર્થ
મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડૅવલપમેન્ટ સ્ટડીઝના લક્ષ્મણન અસ્પૃશ્યતા વિશે સંશોધન કરી રહ્યા છે.
અમે તેમની સાથે અસ્પૃશ્યતા બાબતે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તામિલનાડુમાં અસ્પૃશ્યતાની પ્રથા વિવિધ સ્વરૂપે ચાલુ જ છે, પરંતુ તેના નિવારણ પર ધ્યાન આપવામાં આવતું નથી.
તેમણે કહ્યું હતું કે "આરોગ્ય સેવા, જળ, શિક્ષણ અને માર્ગ સુવિધાની બાબતમાં તામિલનાડુ બહુ પ્રગતિશીલ રાજ્ય છે, પરંતુ સામાજિક પરિવર્તનની બાબતમાં આપણે સુસંસ્કૃત સમાજ નથી. ઈરૈયુરની ઘટના એ સૂચવે છે. પરિવર્તન લોકોના મનમાં થવું જોઈએ. અમે પેરિયારના પ્રદેશના લોકો છીએ એવું કહેવું તે સત્યને છુપાવવાનો પ્રયાસ છે."
તેમણે ઉમેર્યું હતું કે "તાજેતરમાં વેલ્લોર જિલ્લામાં એક વૃદ્ધનો મૃતદેહ દોરડા વડે સ્મશાનમાં લાવવો પડ્યો હતો, કારણ કે ત્યાં ઉચ્ચ જ્ઞાતિના લોકો દલિતોને નિયત માર્ગનો ઉપયોગ કરવા દેતા નથી. ઘણા જિલ્લામાં દલિતોનાં બાળકોને ટૉઈલેટ સાફ કરવાની ફરજ પાડવામાં આવે છે."
"તામિલનાડુમાં આવું બધું ચાલી રહ્યું છે તે દુઃખદ છે. નેશનલ ક્રાઇમ રેકૉર્ડ્ઝ બ્યુરોના આંકડા જણાવે છે કે દલિતો સામેના અત્યાચારનું પ્રમાણ કોરોના લૉકડાઉનના સમયગાળામાં વધ્યું હતું. તેથી લોકોનું હૃદય-પરિવર્તન નહીં થાય ત્યાં સુધી સામાજિક પરિવર્તન શક્ય નથી."