You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દરગાહમાં પેટ ભરનાર અને ચાની દુકાનમાં કામ કરનાર એક છોકરાની અચાનક લાખોપતિ બની જવાની કહાણી
- લેેખક, આસિફ અલી
- પદ, દેહરાદૂનથી બીબીસી ગુજરાતી માટે
શાહઝેબની વય પુસ્તકો સાથે દોસ્તી કરવાની હતી ત્યારે કમનસીબે તે અનાથની માફક જિંદગી પસાર કરતો ઉત્તરાખંડના પિરાન કલિયર શરીફ ખાતેની દરગાહમાં ભટકી રહ્યો હતો, પરંતુ કિસ્મત પલટી, તકદીરના સિતારા ચમક્યા અને દરગાહના લંગરમાં ભોજન કરીને પેટ ભરતાં અનાથ શાહઝેબ લાખોની દોલતનો વારસદાર બની ગયો.
કાલ્પનિક લાગતી આ કથા હકીકત છે. કિસ્મત કનેક્શનના આવા જ એક ચમત્કારની ચર્ચા દુનિયાની સાથે વિખ્યાત પિરાન કલિયર દરગાહમાં પણ થઈ રહી છે.
અહીંના એક અનાથ બાળકને તેનો પરિવાર જ નહીં, પરંતુ લાખો રૂપિયાનો વારસો પણ મળ્યો છે.
માતા-પિતા સાથેના ઝઘડાએ બદલી શાહઝેબની જિંદગી
શાહઝેબ આઠેક વરસનો હતો ત્યાં સુધી તેમની જિંદગી કંઈક જુદી હતી. તેઓ લાડકોડમાં ઊછર્યો. તેનાં માતા ઈમરાનાબેગમ અને પિતા મોહમ્મદ નાવેદ ઉત્તર પ્રદેશના સહારનપુરના દેવબંદ તાલુકાને નાગલ બ્લોકના પાંડોલી ગામમાં રહેતાં હતાં.
જોકે. તેમનું નસીબ કંઈક અલગ જ પલટો લેવાનું હતું. 2019માં એક દિવસે તેનાં માતા અને પિતા વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. એ પછી ઈમરાના તેમના પુત્ર શાહઝેબને લઈને સાસરેથી હરિયાણાના યમુનાનગર ખાતેના પોતાના પિયર ચાલ્યાં ગયાં હતાં. શાહઝેબના પિતા 2015થી પૅરેલિસિસ સામે ઝઝૂમી રહ્યા હતા.
પત્ની તથા પુત્ર ઘરમાંથી જઈ રહ્યાં હતાં ત્યારે પણ નાવેદ ખાટલામાં જ પડ્યા હતા. તેમને તેમનાં પત્ની તથા પુત્રના ઘર છોડવાની પીડા થતી હતી.
નાવેદે ઈમરાનાને પાછા બોલાવવાના પ્રયાસ કર્યાં હતાં, પરંતુ ઈમરાના પાછા આવવા તૈયાર થયાં ન હતાં. એટલું જ નહીં, થોડા દિવસ પછી ઈમરાનાએ તેમનો ફોન નંબર પણ બદલી નાખ્યો હતો.
કોરોનામાં માતાને ગુમાવ્યાં
દિવસો, મહિનાઓ અને વર્ષો પસાર થતાં રહ્યાં. એ દરમિયાન ઈમરાના તેમના પિતાના યમુનાનગર ખાતેના ઘરને પણ છોડીને દીકરા શાહઝેબ સાથે ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના પિરાન કલિયર ચાલ્યાં ગયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈમરાનાબેગમે પિરાન કલિયરમાં રહેવા માટે રૂ. 1,500ના ભાડાથી એક રૂમ રાખ્યો હતો. તેઓ ત્યાંની દરગાહમાં સફાઈકામ કરતાં હતાં અને પોતાનું તથા પુત્રનું ગુજરાન ચલાવતાં હતાં.
થોડો સમય પસાર થયા પછી સમગ્ર દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ ફેલાયો હતો. શાહઝેબ જણાવે છે કે કોરોનાની બીજી લહેરમાં તેમના જીવનમાં સૌથી મોટું તોફાન આવ્યું હતું અને તેમાં માતાનો સથવારો છૂટી ગયો હતો.
આજે ઘરના મખમલી સોફા પર શાંતિથી બેઠેલા શાહઝેબ કહે છે, “અમ્મીના મોતની છેલ્લી પળોમાં હું તેમની સાથે જ હતો.”
શાહઝેબના જણાવ્યા અનુસાર, દરગાહમાં આવતા લોકોની મદદથી જ તેમણે ઈમરાનાના અંતિમસંસ્કાર કર્યા હતા.
શાહઝેબ કહે છે, “હું બહુ રડતો હતો. બહુ ભૂખ લાગે ત્યારે દરગાહના લંગરમાં જમી લેતો હતો. ક્યારેક તો ભૂખ્યા પેટે ઊંધી જતો હતો.”
ચાની દુકાનમાં વાસણ ધોઈને પેટ ભર્યું
અજાણ્યું શહેર, કોઈ હમદર્દ નહીં, માથા પર છત નહીં. નાનો શાહઝેબ દરગાહની કાચી-પાકી ગલીઓમાં એકલો ભટકવા લાગ્યો હતો.
તેના સંઘર્ષના દિવસોની શરૂઆત ત્યારથી થઈ હતી. પેટનો ખાડો પૂરવા માટે શાહઝેબ નજીકની ચાની દુકાનમાં કામ કરવા લાગ્યો. ગ્રાહકો માટે ‘છોટુ’ બની ગયેલો શાહઝેબ ચા આપવાનું, એંઠા ગ્લાસ ધોવાનું કામ કરવા લાગ્યો હતો.
ચા પીવા આવતા કેટલાક લોકોનાં ખરાબ વર્તનનો સામનો પણ તેણે કરવો પડતો હતો. તેમને રોજના દોઢસો રૂપિયા મહેનતાણું મળતું હતું. તેમાંથી 30 રૂપિયા રજાઈનું ભાડું ચૂકવવું પડતું હતું.
શાહઝેબ કહે છે, “બીજા બાળકોને રમતા જોતો ત્યારે મને પણ રમવાનું મન થતું હતું. સ્કૂલ જતા બાળકોને જોઉં ત્યારે હું વિચારતો કે મારી અમ્મી, પપ્પા કે દાદા હોત તો હું પણ સ્કૂલે ભણવા જતો હોત.”
કેવી રીતે બદલાઈ શાહઝેબની જિંદગી?
એક દિવસ શાહઝેબના દૂરના ફૂઆ મુબીનઅલી પિરાન કલિયરમાં પોતાનાં બહેન વાજિદાને મળવા આવ્યા હતા. ત્યાં સંયોગવશ શાહઝેબ જોવા મળ્યો. શાહઝેબ વાજિદાના પુત્ર શાહઝેન સાથે રમવા આવતો હતો. મુબીનની નજર શાહઝેબ પર પડી ત્યારે તેમણે પૂછ્યું હતું કે “તારું નામ શું છે? ક્યાં રહે છે?” શાહઝેબે કહ્યું હતું કે “મારું નામ શાહઝેબ છે અને હું મૂળ સહારનપુરના ઘંટાઘરનો રહેવાસી છું.” મુબીને પિતાનું નામ પૂછ્યું તો શાહઝેબે કહ્યું હતું કે “પપ્પાનું નામ નાવેદ છે.”
મુબીને તેને પૂછ્યું હતું કે “તારા દાદાનું નામ યાકૂબ હતું?”
શાહઝેબે હા પાડી.
મુબીને ફરી પૂછ્યું હતું કે “યાકૂબ સિવાય કોને ઓળખે છે?”
શાહઝેબે કહ્યું હતું કે “દાદા શાહઆલમ, કાકા રિચાઝ અને ફોઈ હિનાને ઓળખું છું.”
બધા સવાલના જવાબ સાંભળ્યા પછી મુબીને આશ્ચર્ય સાથે કહ્યું હતું કે “તું તો અમારો જ દીકરો છે.”
એ પછી મુબીને પોતાનો ફોન બહાર કાઢ્યો હતો અને તેમાંથી શાહઝેબને તે ચાર વર્ષનો હતો ત્યારનો ફોટો દેખાડ્યો હતો. એ જોઈને શાહઝેબે કહ્યું હતું કે “આ તો મારો જ ફોટો છે.”
એ પછી મુબીને ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં રહેતા મોહમ્મદ શાહઆલમ તથા તેમના પરિવારને ફોન કરીને આખો કિસ્સો જણાવ્યો હતો.
શાહઝેબ કહે છે, “બીજાં બાળકોને રમતાં જોતો ત્યારે મને પણ રમવાનું મન થતું હતું. સ્કૂલે જતા બાળકોને જોઉં ત્યારે હું વિચારતો કે મારી અમ્મી, પપ્પા કે દાદા હોત તો હું પણ સ્કૂલે ભણવા જતો હોત.”
અનાથ શાહઝેબ તો લાખોપતિ નીકળ્યો
આ કહાણીને વધુ ઊંડાણથી જાણવા માટે અમે પિરાન કલિયરમાંની સાબિરસાહબની દરગાહે પહોંચ્યા હતા. એ દરગાહની આસપાસ શાહઝેબે પાછલાં ત્રણ વર્ષ પસાર કર્યાં હતાં. દરગાહમાં અમારી મુલાકાત મુનવ્વરઅલી સાથે થઈ હતી.
મુનવ્વરઅલી અને તેમનો પરિવાર દરગાહની બરાબર સામે જ રહે છે. શાહઝેબે સંઘર્ષના દિવસો પસાર કર્યા હતા એ બધી જગ્યા મુનવ્વરઅલીએ અમને દેખાડી હતી.
મુનવ્વરઅલીએ જણાવ્યું હતું કે “શાહઝેબ તેનો સંબંધી છે. શાહઝેબ અહીં રહેતો હતો, પણ અમે તેમને ઓળખી શક્યા ન હતા. શાહઝેબ દરગાહની બહારના ટીન શેડની નીચે ભાડાના ગાદલા ઉપર ઊંઘતો હતો.”
મુનવ્વરઅલીના જણાવ્યા મુજબ, “શાહઝેબ ક્યારેક અમારા ઘરે જમવા પણ આવતો હતો. આ વર્ષે ઠંડી વધી ત્યારે મેં શાહઝેબને કહ્યું હતું કે તું રાતે ઊંઘવા અહીં આવજે. શાહઝેબ ઘરમાં ઊંઘવા આવતો થયો એના ચાર-પાંચ દિવસ જ થયા હશે ત્યાં એક દિવસ અમારા સંબંધી મુબીન અમારા ઘરે આવ્યા હતા. તેમણે શાહઝેબને જોઈને તેમના વિશે પૂછપરછ કરી ત્યારે ખબર પડી હતી કે એ તો અમારો સંબંધી જ છે.”
“શાહઝેબ એ બાળક હતો, જેને અમે વર્ષોથી શોધતા હતા” એમ જણાવતાં મુનવ્વરઅલીએ ઉમેર્યું હતું કે “બે વર્ષ પહેલાં શાહઝેબનો ફોટો મારા સંબંધીએ મોકલ્યો હતો, પણ એ તેના બાળપણનો હતો. તેથી હું તેને ઓળખી શક્યો ન હતો. આ શાહઝેબ જ છે એવી ખબર પડી પછી અમે તેની માહિતી સહારનપુરમાં રહેતા અમારા સંબંધી અને શાહઝેબના દાદા શાહઆલમને આપી હતી.”
દરગાહ નજીક રહેતા લોકો શું કહે છે?
કાલના અનાથ અને આજના લાખોપતિ શાહઝેબે સંઘર્ષના દિવસો જ્યાં પસાર કર્યા હતા એ બધાં સ્થળો પિરાન કલિયરમાં અમે શોધી રહ્યા હતા.
શાહઝેબ જે ટીન શેડ નીચે ઊંઘતો હતો અમે પહોંચ્યા હતા. એ વખતે અનેક લોકો ત્યાં ઊંઘતા હતા. એ પૈકીના કેટલાક દરગાહની મુલાકાતે આવેલા શ્રદ્ધાળુઓ હતા, જ્યારે કેટલાક નિરાધાર લોકો હતા.
અહીં અમારી મુલાકાત ઈસ્તિખાર નામના એક શખ્સ સાથે થઈ હતી. તેઓ શાહઝેબને જાણતા હતા. ઈસ્તિખાર અહીં ચાની દુકાન ચલાવે છે અને રાતે ઊંઘવા માટે રજાઈ તથા ગાદલાં ભાડે આપવાનો ધંધો પણ કરે છે.
ઈસ્તિખારે જણાવ્યું હતું કે શાહઝેબ પણ તેમની પાસેથી રજાઈ અને ગાદલું ભાડેથી લેતો હતો. શાહઝેબ પાસે પૈસા ન હોય ત્યારે તેઓ તેની પાસેથી પૈસા લેતા નહોતા.
શાહઝેબનું નવું જીવન કેવું છે?
એક મોટું ઘર. તમામ સુવિધાઓ અને હર્યોભર્યો પરિવાર. ઘણાં વર્ષો સુધી ખુશીથી વંચિત રહેલા શાહઝેબ પાસે આજે આ બધું જ છે.
શાહઝેબ હવે સહારનપુર જિલ્લામાં પોતાના નાના દાદા શાહઆલમના ઘરમાં રહે છે અને ખુશ દેખાય છે. પરિવારમાં શાહઆલમ ઉપરાંત શાહઝેબનાં દાદી શહનાઝબેગમ તથા ચાર કાકા ફૈયાઝ આલમ, રિયાઝ આલમ, શાહનવાઝ આલમ અને નવાઝ આલમનો સમાવેશ થાય છે.
એ બધાનાં કુલ નવ સંતાન છે, જે શાહઝેબના ભાઈ-બહેન છે. શાહઝેબ એ બધાની સાથે ખૂબ રમે છે અને ખુશ રહે છે.
શાહઝેબના નાના દાદા શાહ આલમ કોણ છે?
શાહઝેબના જીવન સાથે આજે અનેક સંબંધ જોડાઈ ગયા છે. મોહમ્મદશાહ આલમ, શાહઝેબના પિતા મોહમ્મદ નાવેદના સગા કાકા છે. તેથી શાહઝેબ તેમને નાના દાદા કહીને બોલાવે છે.
મોહમ્મદશાહ આલમ આ પરિવારના વડીલ પણ છે.
અમારી સાથે વાત કરતાં મોહમ્મદશાહ આલમે જણાવ્યુ હતું કે ઈમરાના તથા શાહઝેબ ઘર છોડી ગયાંના થોડા સમય બાદ શાહઝેબના પિતા નાવેદ મૃત્યુ પામ્યા હતા.
નાવેદ 11 વર્ષના હતા ત્યારે તેમનાં માતાનું અવસાન થયું હતું. એ પછી શાહઆલમે તેમને ઉછેર્યા હતા.
શાહઆલમના સગા મોટાભાઈ અને નાવેદના પિતા મોહમ્મદ યાકૂબ હિમાચલ પ્રદેશમાં શિક્ષક તરીકે કામ કરતા હતા.
શાહઝેબ વિશે વાત કરાતં મોહમ્મદશાહ આલમે કહ્યુ હતું કે મોહમ્મદ યાકૂબની ઇચ્છા હતી કે તેમનો વારસો તેમના ખોવાયેલા પૌત્રને મળવો જોઈએ.
મોહમ્મદશાહ આલમના જણાવ્યા અનુસાર, ઈમરાના પુત્ર સાથે ઘર છોડીને ચાલ્યા ગયાં પછી નાવેદના મોતથી મોહમ્મદ યાકૂબને સખત આઘાત લાગ્યો હતો. યાકૂબ બે વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા.
મોહમ્મદ શાહ આલમે પ્રોપર્ટીના કેટલાક દસ્તાવેજ દેખાડતાં કહ્યું હતું કે શાહઝેબના પિતા નાવેદે પણ પોતાની થોડી સંપત્તિનો તેમાં ઉમેરો કર્યો હતો.
તેમાં સાડા ચાર વિઘા જમીન અને સાડા ત્રણસો ગજ જમીનમાં બનેલા મકાનનો સમાવેશ થાય છે. એ પ્રોપર્ટી સહારનપુર જિલ્લાના દેવબંદ તાલુકાના નાગલ બ્લોકના પાંડોલી ગામમાં છે.
પાંડોલી ગામના ભાવના હિસાબે આજે તે પ્રોપર્ટીની કિંમત પચાસેક લાખ રૂપિયા થાય.
તેમણે જણાવ્યું હતું કે શાહઝેબના પિતા નાવેદ આ દુનિયામાં નથી અને ખોવાયેલો શાહઝેબ પણ મળી ગયો છે. તેથી મેં આ બધી પ્રોપર્ટી શાહઝેબના નામે કરી દીધી છે.
દાદી શહનાઝ બેગમની ઇચ્છા
દાદી શહનાઝબેગમ વર્ષો પછી શાહઝેબ મળી આવ્યો તેથી બહુ ખુશ છે. તેઓ કહે છે કે આખો પરિવાર બહુ ખુશ છે.
તેમણે કહ્યું હતું કે “શાહઝેબને જે કરવું હશે તે અમે તેને કરવા દઈશું. એ જ્યાં ઈચ્છે ત્યાં ભણી શકશે. જે કામ કરવું હશે તે કરી શકશે. અમે બહુ લાડથી તેનું પાલનપોષણ કરીશું.”
11 વર્ષના શાહઝેબ પોતાના ઘરમાં, પોતાના પરિવારજનો વચ્ચે ખુશ છે. તે કહે છે કે તેની ઈચ્છા મોટા થઈને અનાથાશ્રમ શરૂ કરવાની છે.
તેનું કારણ પૂછતાં તે આત્મવિશ્વાસ સાથે કહે છે, “મારે જે રીતે ભટકવું પડ્યું એ રીતે બીજા કોઈ બાળકે ભટકવું પડે તેવું હું નથી ઇચ્છતો.”
શાહઝેબ અનાથ બાળકોની મદદ કરીને તેમને ખુશ રાખવા ઇચ્છે છે.