You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હી : અથડામણ બાદ મહિલાને કારથી ઢસડવાના મામલે અત્યારસુધી શું-શું જાણવા મળ્યું?
દિલ્હી પોલીસે જણાવ્યું છે કે રવિવારે (1 જાન્યુઆરી)ના રોજ કાર અકસ્માતમાં માર્યા ગયેલાં યુવતીનો મૃતદેહ કાર સાથે લગભગ 10-12 કિલોમીટર સુધી ઢસડાયો હતો.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી (કાયદોવ્યવસ્થા) સાગરપ્રીત હુડ્ડાએ જણાવ્યું છે કે "(પીડિતા) લગભગ 10-12 કિલોમિટર સુધી ઢસડાતી રહી હતી." દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના રવિવારે સવારે 2.30થી 3 વાગ્યાની વચ્ચે ઘટી હતી.
અગાઉ પોલીસે માહિતી આપી હતી કે અકસ્માત બાદ મૃતદેહ કારમાં ફસાઈ ગયો હતો અને કાર એને કેટલાંય કિલોમિટર સુધી ઢસડતી રહી હતી. જેના કારણે તેમના માથાનો પાછળનો ભાગ અને શરીરનો પાછળનો ભાગ ગંભીર રીતે છોલાઈ ગયો હતો.
જોકે પોલીસ હજુ પણ આ ઘટનાને અકસ્માત માની રહી છે.
સ્પેશિયલ સીપી હુડ્ડાના જણાવ્યા અનુસાર, "આ મામલે મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી છે અને પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ કેટલાંક વધુ સેક્શન ઉમેરવામાં આવી શકે છે."
તેમણે જણાવ્યું કે આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તેમને ગુનાના સ્થળે લઈ જશે. સીસીટીવી ફૂટેજના આધારે સમયરેખા બનાવવામાં આવશે. આરોપીઓએ જે કંઈ કહ્યું છે તેની પુષ્ટિ કરવામાં આવશે.
જોકે, તેમણે પોલીસતપાસ પર ઉઠાવવામાં આવેલા સવાલોને ફગાવી દીધા હતા.તેમણે કહ્યું કે પોલીસ પાસે વાહનનો સાચો નંબર નથી. સીસીટીવી ફુટેજના આધારે નંબર ટ્રેક કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પીડિતા વિશે સ્કૂટી દ્વારા માહિતી એકત્ર કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે એમ પણ કહ્યું કે આ મામલાની તપાસ માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે અને પોલીસ પીડિતાના પરિવારજનો સાથે પણ સંપર્કમાં છે.
પરિવારજનો તપાસથી સંતુષ્ટ નથી
દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં કારની ટક્કરથી મૃત્યુ પામેલી યુવતીના મામલે પોલીસે જણાવ્યું હતું કે પીડિતા પર બળાત્કાર થયો નથી.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, આઉટર દિલ્હીના ડીસીપી હરેન્દ્રસિંહે જણાવ્યું છે કે "પીડિતા સાથે જાતીય ઉત્પીડન થવાની વાત સાચી નથી. આ અંગે સોશિયલ મીડિયામાં ખોટી માહિતી આપવામાં આવી રહી છે."
તેમણે એવું પણ ઉમેર્યું છે, "પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે તેમની કાર પીડિતાની સ્કૂટી સાથે અથડાઈ હતી પરંતુ તેઓને ખબર ન હતી કે તે કાર સાથે કેટલાક કિલોમીટર સુધી ઘસડાઈ હતી."
જોકે,પીડિતાનાં માતા અને પરિવારના અન્ય સભ્યો પોલીસની થિયરી પર સવાલો ઉઠાવી રહ્યાં છે. પીડિતાનાં માતાએ આરોપ લગાવ્યો કે "પાંચ લોકોએ તેમની પુત્રી સાથે ખોટું કામ કર્યું અને તેને માર મારીને કારની નીચે ઢસડી હતી."
પોલીસની તપાસને લઈને સ્થાનિક લોકોએ સોમવારે સુલતાનપુરી પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો.
સમાચાર એજન્સી એએનઆઈએ પીડિતાની માતાને ટાંકીને કહ્યું કે તેમણે હજુ સુધી તેમની પુત્રીનો મૃતદેહ જોયો નથી.
દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષે શું કહ્યું?
દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે અને મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા છે.
તેમણે કહ્યું, "દિલ્હીની સડકો પર દારૂના નશામાં ધૂત છોકરાઓ એક છોકરીને તેની કારથી કેટલાય કિલોમીટર સુધી ઢસડી ગયા હતા. રસ્તા પર તેમનો મૃતદેહ નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો."
"આ ખૂબ જ ભયાનક મામલો છે. દિલ્હી પોલીસને હાજરીનો સમન્સ જારી કરી રહ્યાં છીએ. શું આ સુરક્ષાવ્યવસ્થા હતી નવા વર્ષના અવસરે?”
ઘટના પર રાજકારણ
પીડિતાના સંબંધીઓ અને સ્થાનિક લોકો ઉપરાંત આમ આદમી પાર્ટી પણ આ મામલે આક્રમક છે.
આમ આદમી પાર્ટી દિલ્હી પોલીસની તપાસ પર સવાલ ઉઠાવી રહી છે. જેને લઈને પાર્ટીએ આજે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાના ઘરનો ઘેરાવ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે તે ગુનેગારોની 'રાક્ષસી અસંવેદનશીલતા' જોઈને તેઓ ચોંકી ગયા હતા.
તેમણે કહ્યું હતું, "પીડિત પરિવારને તમામ શક્ય મદદ સુનિશ્ચિત મદદ કરવામાં આવશે." તેઓએ લોકોને વધુ જવાબદાર અને સંવેદનશીલ સમાજ બનાવવાની અપીલ પણ કરી છે.