You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં હિંદુ મહિલાની નિર્દયપણે હત્યા, ભારતે આપી પ્રતિક્રિયા
- લેેખક, શુમાઈલા ખાન
- પદ, બીબીસી માટે, કરાચીથી
- પાકિસ્તાનમાં હિંદુ મહિલાની ક્રૂર હત્યાનો મામલો સામે આવ્ય હતો
- મૃતક દયા ભીલ વિધવા હતાં, તેમનો પરિવાર ખેતી કરે છે
- ભારતના વિદેશમંત્રાલય તરફથી પણ આ મામલે પ્રતિક્રિયા આવી છે, ભારતે પાકિસ્તાનને લઘુમતીઓ પ્રત્યે પોતાની ફરજોનું પાલન કરવાનું કહ્યું છે
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિંદુ મહિલાનું માથું કાપીને હત્યા કરી દેવાની ઘટના ઘટી છે. પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. મહિલાના પરિવારજનોનું કહેવું છે કે એમની કોઈ સાથે દુશ્મની નથી.
આ ઘટના સૅન્ટ્રલ સિંધના સંધાર જિલ્લાના સિંઝોરો વિસ્તારમાં ઘટી છે, જે કરાચીથી 250 કિલોમીટરના અંતરે આવેલો છે. 40 વર્ષનાં દયા ભીલ વિધવા હતાં. તેમના પુત્ર સુમેરચંદ ભીલે જણાવ્યું છે કે પરિવાર ખેતી કરે છે.
ભારતે આ હત્યા પર પાકિસ્તાનને સવાલ કર્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પાકિસ્તાનને લઘુમતી પ્રત્યે જવાબદારી નિભાવવા કહ્યું છે.
સુમેરચંદના જણાવ્યા અનુસાર મંગળવારની બપોરે દયા ભીલ શેરડીના ખેતરમાં ઘાસ કાપવા ગયાં હતાં. એમની સાથે એમની પુત્રી પણ હતી. ઘાસ કાપ્યા બાદ પૂળો એમણે પુત્રીને આપીને ઘરે મોકલી દીધી. એ બાદ તેઓ ફરીથી ઘાસ કાપવા લાગ્યાં.
સુમેરચંદે જણાવ્યું કે જ્યારે તેઓ સાંજે ઘરે પહોંચ્યા તો બહેને જણાવ્યું કે 'મા હજુ સુધી આવ્યાં નથી.'
એ બાદ તેઓ પોતાના કેટલાક સંબંધીઓ સાથે માતાને શોધવા માટે ખેતર તરફ ગયા. શોધખોળ દરમિયાન પરિવારજનોને સરસવના ખેતરમાં એમનો મૃતદેહ મળી આવ્યો.
સુમેરચંદ જણાવે છે, "મારી માનો મૃતદેહ ખેતરમાં પડ્યો હતો. જ્યારે અમે નજીક પહોંચ્યા તો ખબર પડી કે એમનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું. અમે તત્કાલ પોલીસને સૂચના આપી અને પોલીસ મૃતદેહને ઘટનાસ્થળેથી લઈ ગઈ."
સુમેરચંદે એવું પણ જણાવ્યું કે તેમના પરિવારની કોઈ સાથે દુશ્મની નહોતી. દયા ભીલના પરિવારજનોએ માર્ગ પર ધરણાં પર બેસીને ન્યાયની માગ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'નાક અને કાન કાપી નાખ્યાં'
દયા ભીલનું પૉસ્ટમૉર્ટમ સિંઝોરોની હૉસ્પિટલમાં કરવામાં આવ્યું.
સ્વાસ્થ્ય વિભાગનાં એક મહિલા ડૉક્ટરના જણાવ્યા અનુસાર હૉસ્પિટલમાં દયા ભીલનું માથું અને ધડ અલગઅલગ લાવવામાં આવ્યાં હતાં. એ સાથે જ તેમનું નાક અને કાન પણ કાપી નાખવામાં આવ્યાં હતાં. પોલીસને હજુ સુધી આ અંગો નથી મળ્યાં.
નામ જાહેર ના કરવાની શરતે મહિલા ડૉક્ટરે કહ્યું છે કે મૃતક મહિલાના માથા પર ઘાનું ઊંડું નિશાન હતું. જે કોઈ ધારધાર હથિયારથી કરાયો હોય એવું જણાતું હતું.
એમણે એવું પણ કહ્યું, "રેપનું કોઈ પ્રમાણ નથી મળ્યું. તમામ ઘા શરીરના ઉપલા ભાગે જ છે.
પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ દયા ભીલની હત્યાનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે અને કેસમાં આતંકવાદની કલમો પણ ઉમેરવામાં આવી છે.
સિંધના માનવાધિકાર મંત્રાલયના સલાહકાર સુરેન્દ્ર વાલાસાઈએ કહ્યું છે કે તેમણે પોલીસેને જલદી તપાસ કરવાનું કહ્યું છે. હત્યારાઓ જલદી જ પકડાઈ જશે અને એ બાદ નૃશંસ હત્યાનું કારણ પણ સ્પષ્ટ થઈ જશે.
પોલીસે તપાસ માટે વિશેષ દળનું ગઠન કર્યું છે. આ જ દળના એક સભ્ય ઇન્સ્પેક્ટર ઇશાક સંગાર્સીએ કહ્યું છે કે મૃતદેહ સરસવના ખેતરમાં મળ્યો છે પણ ત્યાં તેમને પગલાંનાં કોઈ નિશાન નથી મળ્યાં.
તેમણે એવું પણ કહ્યું કે આ મામલે પાંચ લોકોની તપાસ કરાઈ રહી છે અને વહેલાસર ગુનેગારોને પકડી લેવાશે.
ભારતની પ્રતિક્રિયા
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે પોતાની સાપ્તાહિક પ્રેસવાર્તામાં દયા ભીલની હત્યા પર પ્રતિક્રિયા આપી.
તેમણે કહ્યું, "આ ઘટના વિશેષ અંગે મારી પાસે કોઈ વિસ્તૃત રિપોર્ટ નથી. એ માટે આના પર કોઈ કૉમેન્ટ નહીં કરી શકું પણ એ ચોક્કસથી કહીશ કે અમે પહેલાં પણ વારંવાર કહ્યું છે કે પાકિસ્તાન પોતાના લઘુમતીઓની દરકાર રાખે. એમની સુરક્ષાની જવાબદારી પૂરી રીતે નિભાવે."
પાકિસ્તાની પત્રકાર હલીમા સૂમરોએ પણ પણ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં આ મામલે સંજ્ઞાન લેવા કહ્યું છે.
તેમણે ટ્વિટર પર લખ્યું છે, "દયા ભીલની નૃશંસ હત્યાએ દેશને શરમમાં નાખી દીધો છે. સિંધ સરકાર તત્કાલ ગુનેગારોને પકડે અને સુપ્રીમ કોર્ટ આ મામલે કાર્યવાહી કરે, જેથી દયા ભીલને ન્યાય મળી શકે."
પાકિસ્તાનમાં મહિલાઓ વિરુદ્ધ હિંસા
પાકિસ્તાન ગત બે વર્ષ દરમિયાન મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં વધારો થયો છે.
પાકિસ્તાની અખબાર 'એક્સપ્રેસ ટ્રિબ્યૂન' અનુસાર દેશમાં આ વર્ષે મહિલાઓ વિરુદ્ધ ગુનાના 63,367 કેસ નોંધાયા. એમાં 3,987 મહિલાઓની હત્યા કરવામાં આવી હતી જ્યારે 10,500 મહિલાઓનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું."
એકલા 2019ના વર્ષમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાના 25,389 કેસ નોંધાયા હતા. 2020માં આ સંખ્યા 23, 789 હતી. ગત વર્ષે પણ 14,189 કેસ નોંધાયા હતા.
અખબાર અનુસાર 2019માં 1578 મહિલાઓની હત્યા કરાઈ હતી અને 4,377 મહિલાઓ પર બળાત્કાર ગુજરાયો હતો. વર્ષ 2020માં 1569 હત્યા અને 3887 બળાત્કારના કેસ નોંધાયા હતા.
સામાજિક કાર્યકર અને દસ્તાવેજી ફિલ્મ મેકર નિદા કિરમાણીએ ટ્વીટ કર્યું છે, "દયા ભીલની હત્યાની ડિટેઇલ ડરામણી છે. હું માત્ર ભારતીય મીડિયામાં જ આ સમાચાર જોઈ શકું છું. પાકિસ્તાની મીડિયા ક્યાં છે?"