જ્યારે ભારતીય નૅવીએ શિકારી બનીને આવેલી પાકિસ્તાનની 'ગાઝી'નો શિકાર કર્યો

    • લેેખક, લાક્કોજુ શ્રીનિવાસ
    • પદ, બીબીસી હિંદી માટે

“51 વર્ષ પહેલાં ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની વાત છે. વિશાખાપટ્ટનમમાં શિયાળાનો સમય હતો. સાંજ ઢળતાં જ શહેર અંધારામાં એવી રીતે ડૂબી જતું હતું કે દૂર-દૂર સુધી સ્હેજ પણ અજવાળું દેખાતું નહોતું. નિયંત્રણો એટલાં કડક હતાં કે કોઈ મીણબત્તી સુધ્ધાં સળગાવી શકતું ન હતું. ક્યારે-શું થઈ જાય, દરેક પળ એ જ આશંકામાં વીતતો હતો. તે સમયે વિશાખાપટ્ટનમમાં રહેતાં ચાર લાખ લોકોની આ જ હાલત હતી.”

51 વર્ષ પહેલાંના એ સમય વિશે જણાવતા શાંતારામ ભાવુક થઈ જાય છે. પાંચ દાયકાનો એ ડર, એ તમામ આશંકાઓ તેમની આંખોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે, પરંતુ ચાર ડિસેમ્બર તારીખના ઉલ્લેેખ સાથે જ એક રાહત પણ જોવા મળે છે. તે દિવસે વિશાખાપટ્ટનમમાં રહેતાં લોકોને લાગ્યું કે તેઓ સુરક્ષિત છે.

આ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971માં થયેલાં યુદ્ધ સમયની વાત છે.

ભારતીય નૌસેના પ્રમાણે તેઓ ભારતીય નૌકાદળની ભૂમિકાનાં સન્માનમાં અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ‘ઑપરેશન ટ્રાઇડેન્ટ’માં ભારતીય નૅવીની સિદ્ધિઓની યાદમાં ચાર ડિસેમ્બરે નૅવી ડે (નૌકાદળ) દિવસ ઉજવવામાં આવે છે.

બીબીસી સાથેની વાતચીતમાં નૌસેનામાં કમાન્ડર રહી ચૂકેલાં ડીપી રાજૂ કહે છે કે ચાર ડિસેમ્બર એ તારીખ છે જ્યારે ભારતીય નૅવીએ પાકિસ્તાની નૅવી પર હુમલો કર્યો હતો અને તેમને ઘણું નુક્સાન પહોંચાડ્યું હતું. જેથી એ દિવસે નૅવી દિવસ ઊજવવામાં આવે છે. નૅવી દિવસ વિશાખાપટ્ટનમમાં જોરશોરથી ઊજવવામાં આવે છે. કારણ કે તે પૂર્વીય નૅવી કમાન્ડનું મુખ્ય કેન્દ્ર છે.

નૅવીના પૂર્વીય કમાન્ડે જ પાકિસ્તાની નૌસેના પર નિર્ણાયક હુમલો કર્યો હતો. જેમાં ભારતનો વિજય થયો હતો. એ વિજયની યાદમાં વિશાખાપટ્ટનમના દરિયા કિનારે એક સ્મારક પણ બનાવવામાં આવ્યું છે. જેને ‘વિક્ટરી ઍટ સી’ નામ આપવામાં આવ્યું છે.

પ્રશ્ન એ છે કે વિશાખાપટ્ટનમમાં વિજયની આ ઉજવણી અને ચાર ડિસેમ્બરના યુદ્ધમાં પાકિસ્તાન પરની જીત વચ્ચે શું સંબંધ છે? કારણ કે 16 ડિસેમ્બરે ભારતને પાકિસ્તાન પર નિર્ણાયક જીત મળી હતી. જ્યારે પાકિસ્તાને યુદ્ધના પૂર્વ મોરચે 90 હજાર સૈનિકો સાથે આત્મસમર્પણ કર્યું હતું. આવી સ્થિતિમાં વિશાખાપટ્ટનમમાં દર વર્ષે થતી ઉજવણી પાછળ કંઈક રસપ્રદ વાર્તા હોવી જોઈએ.

ચાર ડિસેમ્બરની જીતના સાક્ષી

1971ના યુદ્ધની જાહેરાત થઈ તે સમયે ટી. શાંતારમ વિશાખાપટ્ટનમની એવીએન કૉલેજમાં ઇન્ટરમીડિયેટનો અભયાસ કરતા હતા.

શાંતારામ એ જ કોસ્ટલ બૅટરી વિસ્તારમાં રહેતા હતા. જ્યાં હાલ નેવી ડે ઉજવવામાં આવે છે. શાંતારામ એ જ વ્યક્તિ છે. જેમણે પોતે ચાર ડિસેમ્બરનું યુદ્ધ અને તે પહેલાંના તંગ વાતાવરણને જોયું અને અનુભવ્યું હતું.

શાંતારામ બીબીસી સાથે વાત કરતા કહે છે, “અમને શરૂઆતના બે-ત્રણ દિવસ કાંઈ સમજાયું નહીં. બાદમાં જ્યારે પાકિસ્તાન સાથે યુદ્ધ શરૂ થયાના સમાચાર આવ્યા ત્યારે વિશાખાપટ્ટનમમાં બે અઠવાડિયા સુધી કોઈ લાઇટ ન હતી. કોઈ અગત્યના કામ માટે જો મીણબત્તી પણ સળગાવીએ તો સૈનિકો આવીને તેને ઓલવવાનું કહેતાં હતાં.”

તેઓ આગળ કહે છે, “જ્યારે અમે તેમને પૂછતાં કે શા માટે? તો તેઓ કહેતાં કે એક નાનકડા પ્રકાશનો અર્થ દુશ્મનને એ કહેવાનો હતો કે અહીં લોકો રહે છે. સૈનિકો અમને કહેતાં કે પાકિસ્તાની આર્મી વિશાખાપટ્ટનમના વાઇઝૅગ બંદર અને કૅલ્ટેક્સ કંપની (હાલની એચપીસીએલ) ને નિશાન બનાવવા માટે આગળ વધી રહી છે.”

પાકિસ્તાની સેનાના સંભવિત હુમલા અને તેના ડરને યાદ કરતા શાંતારામ કહે છે

“કૅલ્ટેક્સને ઉડાવી દેવાનો અર્થ સમગ્ર વિશાખાપટ્ટનમની બરબાદી થવી. શહેરનો એક નાનકડો ભાગ પણ ન બચતો. અમારા મનમાં એ ડરામણો વિચાર સતત રહેતો કે શું આવતીકાલની સવાર જોઈ શકીશું કે નહીં?”

“અમે સાંભળ્યું હતું કે પાકિસ્તાને પોતાની સૌથી તાકાતવર સબમરીન પીએનએસ ગાઝીને વિશાખાપટ્ટનમ પર હુમલો કરવા મોકલી છે. પણ ભારતીય સેનાએ ચાર ડિસેમ્બરના હુમલામાં તેને સમુદ્રમાં જ નેસ્તનાબૂદ કરી દીધી અને વિશાખાપટ્ટનમાં જંગ પૂરી થઈ ગઈ હતી. જોકે, પાકિસ્તાન તરફથી જવાબી હુમલાની આશંકા ઘણા દિવસો સુધી રહી. અમને બાદમાં પણ એક મીણબત્તી સુધ્ધાં સળગાવવાની મંજૂરી ન હતી. વિશાખાપટ્ટનમમાં આ જ રીતે ચાર લાખ લોકો બે અઠવાડિયા સુધી અંધારપટમાં રહ્યા હતા.”

શાંતારામ જણાવે છે કે વિશાખાપટ્ટનમમાં જમીન પર કોઈ લડાઈ થઈ ન હતી. આ દરમિયાન સૈનિકોની પરેડ, આવનજાવન અને હુમલાની ચેતવણી આપતા સાયરનના અવાજ ગૂંજતા રહેતાં હતાં. જેના કારણે લોકોમાં ડર વધી જતો હતો. આ કારણથી જ જીતની ખુશી પણ વિશાખાપટ્ટનમમાં રહેતા લોકોને વધારે થઈ.

શાંતારામ કહે છે, “જ્યારે રેડિયો પર અમે પાકિસ્તાન પર ભારતની જીત વિશે સાંભળ્યું તો અમે ખુશીથી ઝૂમી ઉઠ્યાં. હું, મારા મિત્રો અને પરિવારજનો રસ્તા પર દોડી ગયા અને અમે મીઠાઈ વહેંચીને ઉજવણી કરી.”

ચાર ડિસેમ્બર 1971ના દિવસે શું થયું હતું?

પાકિસ્તાન સાથે યુદ્ધના વાદળો તેના પૂર્વ ભાગમાં વિદ્રોહ સાથે જ ઘેરાવાના શરૂ થઈ ગયા હતા. તે સમયે પાકિસ્તાનના બે ભાગ હતા. પશ્ચિમ પાકિસ્તાન, જે હાલનું પાકિસ્તાન છે અને પૂર્વ પાકિસ્તાન, જે હવે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે.

આ તે સમય હતો જ્યારે પૂર્વ પાકિસ્તાનના લોકોએ પશ્ચિમ પાકિસ્તાનની લશ્કરી સરમુખત્યારશાહીથી કંટાળીને અલગ દેશની માગ શરૂ કરી હતી. આ માટે સમગ્ર પૂર્વ પાકિસ્તાનમાં જોરદાર સંઘર્ષ શરૂ થયો હતો.

તે સમયના સંજોગોને જોતા તત્કાલિન ભારતીય વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ પૂર્વ પાકિસ્તાનમાં ચાલી રહેલા સંઘર્ષને સમર્થન આપવાનું નક્કી કર્યું હતું.

બીબીસી સાથેની વાતચીતમાં પૂર્વ કમાન્ડર જીપી રાજૂ જણાવે છે, “ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ અહીંથી જ શરૂ થઈ હતી. નવેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં પાકિસ્તાને પોતાની જનતાને જણાવી દીધું હતું કે તેઓ ભારત સાથે લાંબા યુદ્ધ માટે તૈયાર રહે.”

જીપી રાજૂ નૌસેનાની સબમરીનો સાથે કામ કરતા હતા. 15 વર્ષની સેવા બાદ હવે તેઓ કુરસુરા સબમરીનમાં ક્યૂરેટર તરીકે કામ કરે છે.

તેઓ જણાવે છે, “30 નવેમ્બર 1971ના રોજ પાકિસ્તાને ભારત વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી દીધી હતી. 3 ડિસેમ્બરે પાકિસ્તાની સેનાએ ભારતના નૅવીના ઠેકાણાં અને બંદરોને નિશાન બનાવ્યાં. બાદમાં ભારતીય નૅવીના પૂર્વીય કમાન્ડે મોરચો સંભાળ્યો અને ત્રણ ડિસેમ્બરની રાતથી લઈને ચાર ડિસેમ્બરની સવાર સુધીમાં નૅવીના અડધાથી વધુ ઠેકાણા તબાહ કરી લીધા હતા.”

“ત્યાર બાદ ભારતીય આર્મી અને વાયુસેના મેદાનમાં ઊતરી અને પાકિસ્તાનને મોટું નુક્સાન પહોંચાડ્યું હતું. આ બધું જ ચાર ડિસેમ્બરના દિવસે થયું. તેથી એ દિવસની ખુશી દર વર્ષે મનાવીએ છીએ. એ યુદ્ધમાં નૌસેનાના પૂર્વીય કમાન્ડની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. તેથી વિશાખાપટ્ટનમમાં ચાર ડિસેમ્બરે જ નૌસેના દિવસ ઊજવવામાં આવે છે.”

‘ગાઝી’ને વિશાખાપટ્ટનમ શા માટે મોકલવામાં આવી?

પૂર્વ કમાન્ડર જીપી રાજૂ કહે છે, “હકીકતમાં પાકિસ્તાન તરફથી યુદ્ધ છેડાયા બાદ ભારતે પોતાના યુદ્ધપોત આઈએનએસ વિક્રાંતને યુદ્ધમાં ઊતાર્યું હતું. તેને વિશાખાપટ્ટનમ પાસે સમુદ્રમાં તહેનાત કરવામાં આવ્યું હતું. તેના પરથી ભારતીય સેનાના ફાઇટર જૅટ્સ ઉડાણ ભરીને પાકિસ્તાન પર સરળતાથી હુમલો કરી શકતા હતા. જેનો અંદાજ પાકિસ્તાનને આવી ગયો હતો.”

તેમના અનુસાર, “પાકિસ્તાની સેનાનો પ્લાન આઈએનએસ વિક્રાંતને નષ્ટ કરવાનો હતો. જેના કારણે ત્યાંથી એક પણ ફાઇટર જૅટ ઉડાણ ન ભરી શકે. તેની સાથે વાઇઝૅગ બંદર પર હુમલો કરવાનો હેતુ યુદ્ધ જહાજોની મૂવમૅન્ટ રોકવા માટે અને કૅલ્ટેક્સને બૉમ્બથી ઊડાવવાનો પ્લાન હતો.”

પાકિસ્તાનની એ ગુપ્ત યોજના વિશે જણાવતા રાજૂ કહે છે, “પીએનએસ ગાઝી શ્રીલંકા તરફથી ભારતની સમુદ્રી સીમામાં પ્રવેશ્યુ હતું. તેના પર પાકિસ્તાનના 80 નૅવી સૈનિકો અને 10 અધિકારીઓ તહેનાત હતા. તેની કમાન સંભાળી રહ્યા હતા, ઝફર મોહમ્મદ.”

“પરંતુ પીએનએસ ગાઝી પોતાના મિશનમાં સફળ થાય એ પહેલાં યુદ્ધપોત આઈએનએસ રાજપૂતે તેના પર હુમલો કરી દીધો અને સમુદ્રમાં પીએનએસ ગાઝીના ટુકડા થઈ ગયા. તેનાં ટુકડા આજે પણ સમુદ્રમાં એ જ જગ્યાએ પડ્યા છે.”

16 ડિસેમ્બર 1971ના રોજ અંદાજે 90 હજાર સૈનિકો સાથે પાકિસ્તાની લૅફ્ટનન્ટ જનરલે ભારત સામે આત્મસમર્પણ કરી દીધું અને યુદ્ધ સમાપ્ત થયું. આ યુદ્ધ બાદ પૂર્વ પાકિસ્તાન એક અલગ દેશ બન્યો, જેનું નામ આજે બાંગ્લાદેશ છે.

તેઓ જણાવે છે કે પાકિસ્તાન પર એ જીત અને તેમાં સામેલ સૈનિકોના સાહસ અને બલિદાનને યાદ કરવા માટે નૌસેનાના પૂર્વીય કમાન્ડે ‘વિક્ટરી ઍટ સી’ એટલે કે સમુદ્રમાં વિજય નામથી 1996માં એક વૉર મૅમોરિયલ બનાવ્યું હતું.

‘વિક્રાંત આવી રહ્યું છે, કૃપા કરીને તમામ લોકો મદદ કરે’

વર્ષ 2017માં એક ફિલ્મ આવી હતી, ‘ગાઝી’. આ ફિલ્મ તામિલની સાથેસાથે હિંદીમાં પણ રિલીઝ થઈ હતી. તેમાં રાહુલ સિંહે પીએનએસ ગાઝીના કમાન્ડર રઝ્ઝાકની ભૂમિકા ભજવી હતી. જ્યારે રાણા દગ્ગુબાતીએ ભારતીય સબમરીનના કમાન્ડરની ભૂમિકા ભજવી હતી.

ફિલ્મના ક્લાઇમૅક્સમાં રાહુલ સિંહ, રાણા દગ્ગુબાતી તરફ એક ઇશારો કરતા કહે છે, “આ નૅવી કમાન્ડર છે કે કોઈ લિફ્ટ ઑપરેટર? આ યુદ્ધ છે કે કોઈ રમત, આ કરી શું રહ્યો છે?”

હકીકતમાં ભારતીય નૌસેના તરફથી તે એક રમત જ હતી. તે વખતે વિશાખાપટ્ટનમમાં હાજર ઇતિહાસકાર ઍડવર્ડ પૉલ જણાવે છે કે ફિલ્મના દૃશ્યમાં ભલે કેટલીક ‘સિનેમૅટિક લિબર્ટી’ લેવામાં આવી, પણ વિશાખાપટ્ટનમમાં ભારતીય નૅવીની ‘રમત’ વાળી વાત સાચી હતી.

તેઓ કહે છે, “આઈએનએસ વિક્રાંત પર હુમલો કરવા માટે પીએનએસ ગાઝી ભારતીય સમુદ્રી સીમામાં જેવું પ્રવેશ્યું, ભારતીય નૅવીએ તેને પોતાની જાળમાં ફસાવી લીધું. આ માટે ભારતીય નૅવીએ એક ‘ડિકૉય ઑપરેશન’ ચલાવ્યું હતું. આ અંતર્ગત એવી વાત ફેલાવી દેવામાં આવી હતી કે આઈએનએસ વિક્રાંત વિશાખાપટ્ટનમ પાસે તહેનાત છે.”

“આ અભિયાન નૌસેનાના વાઇસ ઍડમિરલ કૃષ્ણનના નેતૃત્વમાં ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત એવી વાત ફેલાવવામાં આવી હતી કે ‘વિક્રાંત આવી રહ્યું છે, તમામ લોકો ભોજન અને અન્ય જરૂરિયાતના સામાન સાથે નૅવીના સૈનિકોની મદદ માટે આગળ આવે.’ માનવામાં આવે છે કે પાકિસ્તાન ભારતીય નૅવીના આ 'પ્રચાર'માં ફસાઈ ગયું અને તેણે પીએનએસ ગાઝીને વિશાખાપટ્ટનમ તરફ રવાના કર્યું હતું.”

ઍડવર્ડ પૉલના જણાવ્યા પ્રમાણે ભારતીય નૅવીએ વિશાખાપટ્ટનમમાં જીતના એક વર્ષ બાદ વિશાખાપટ્ટનમમાં એક પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જેમાં પીએનએસ ગાઝીના ટુકડા સહિત અભિયાનમાં સામેલ ભારતીય નૅવી સૈનિકોના હથિયાર અને દારૂગોળાની તસવીરો પ્રદર્શિત કરવામાં આવી હતી.

ઍડવર્ડ પૉલ પણ એ પ્રદર્શનમાં સામેલ હતા. તેઓ કહે છે, “ભારતીય નૅવી તરફથી તે પ્રથમ સત્તાવાર ઉજવણી હતી. ત્યાર બાદથી દર વર્ષે ચાર ડિસેમ્બરે નૅવી વૉર ડ્રીલ સાથે ‘નૅવી ડે’ ઊજવે છે. યુદ્ધ પૂર્ણ થયા બાદ 2 જુલાઈ 1972ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે શિમલા સમજૂતી થઈ. એ સમજૂતી અંતર્ગત ભારતે આત્મસમર્પણ કરેલા 90 હજાર સૈનિકો પાકિસ્તાનને પરત આપ્યા. આ સમજૂતી અંતર્ગત ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘લાઇન ઑફ કન્ટ્રોલ’ પણ નક્કી થઈ હતી.”

‘નૅવી ડે’ની ઊજવણીમાં શું થાય છે?

ચાર ડિસેમ્બરની સવારે નૅવીના પૂર્વીય કમાન્ડના ઑફિસર ‘વિક્ટરી ઍટ સી’ મૅમોરિયલ પર શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે. આ સિલસિલો સાંજે ચાર વાગ્યા સુધી ચાલે છે.

ત્યારબાદ શરૂ થાય છે ‘વૉર ડ્રીલ.’ જેમાં ભારતીય નૅવીના સૈનિકોની સાથે ભારતીય આર્મી અને ભારતીય વાયુસેનાના અધિકારી અને જવાનો સામેલ થાય છે.

ઈસ્ટર્ન કમાન્ડના અધિકારી કહે છે “આ ડ્રીલનો હેતુ હોય છે આપણી સૈનિક ક્ષમતાઓને વિશ્વ સામે પ્રદર્શિત કરવાની સાથેસાથે યુવાનોમાં સેના પ્રત્યે આકર્ષણ ઊભું કરવાનો.”

વિશાખાપટ્ટનમમાં ‘વિક્ટરી ઍટ સી’ મૅમોરિયલ આજે એક જાણીતું પર્યટનસ્થળ પણ છે. વિશાખાપટ્ટનમની મુલાકાત લેતા સહેલાણીઓ અહીં અચૂકપણે જાય છે.

જોકે, સામાન્ય નાગરિકોને તેની અંદર જવાની પરવાનગી નથી, પરંતુ આ મૅમોરિયલ દૂરથી જ આપણી સેનાની ઐતિહાસિક વીરગાથા સંભળાવે છે.