You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડીસા : ગુજરાતમાં પાકિસ્તાનની સરહદ પાસે કેમ બનાવાઈ રહ્યું છે લશ્કરી ઍરપૉર્ટ?
- લેેખક, શકીલ અખ્તર
- પદ, બીબીસી ઉર્દૂ સંવાદદાતા
- ડીસા પાસેનું લશ્કરી ઍરપૉર્ટ આધુનિકતમ ટેક્નૉલૉજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ હશે
- ભારતીય વાયુ સેના પાસે હાલ કુલ 1645 વિમાનો છે
- બે વર્ષ પહેલાં ચીન સાથેની ટક્કર બાદ ભારત પોતાની વાયુ સેનાનું મોટા પાયે આધુનિકીકરણ કરી રહ્યું છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પાકિસ્તાનની સીમા નજીકના ડીસામાં એક લશ્કરી ઍરપૉર્ટનો શિલાન્યાસ ગત સપ્તાહે કર્યો હતો. આ ઍરપૉર્ટને દેશની હવાઈ સલામતી માટે બહુ મહત્ત્વનું માનવામાં આવે છે.
નવું લશ્કરી ઍરપૉર્ટ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં છે અને તે આગામી ડિસેમ્બર સુધીમાં વાયુસેના માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ વખતે જણાવ્યું હતું કે આ ઍરપૉર્ટ દેશની સલામતી માટેનું એક પ્રભાવશાળી કેન્દ્ર બનશે.
તેમણે કહ્યું હતું કે "આંતરરાષ્ટ્રીય સીમા (પાકિસ્તાન) અહીંથી માત્ર 130 કિલોમીટર દૂર છે. આપણું સૈન્ય અને ખાસ કરીને વાયુ સેના ડીસામાં તૈયાર હોય તો પશ્ચિમી સીમા પરના કોઈ પણ પડકારનો આપણે વધારે પ્રભાવી રીતે જવાબ આપી શકીશું"
સંરક્ષણ વિશ્લેષક રાહુલ બેદી કહે છે કે "આ ઍરપૉર્ટનું નિર્માણ વ્યૂહાત્મક પહેલ સ્વરૂપે કરવામાં આવી રહ્યું છે. બીજું, નરેન્દ્ર મોદી ભારતની 'ફોરવર્ડ નીતિ'ને આગળ ધપાવી રહ્યા છે."
"તેઓ એવી આક્રમક નીતિ અપનાવવા પ્રયાસ કરી રહ્યા છે કે ભારત સક્ષમ છે અને પાછું હટવાનું નથી. તેમાં મોદીસાહેબની 'બહાદુરીનો' પણ સમાવેશ થાય છે."
ડીસામાં આકાર લઈ રહેલું ઍરપૉર્ટ ગુજરાતનું પાંચમું સૈન્ય ઍરપૉર્ટ છે. રાજ્યમાં વડોદરા, જામનગર, ભુજ અને નલિયા(કચ્છ)માં પણ વાયુસેનાનાં મોટાં ઍરપૉર્ટ છે. એ પૈકી નલિયા તથા ભુજ ખાતેનાં ઍરપૉર્ટ્સ પાકિસ્તાનની સીમા નજીક આવેલાં છે.
રાહુલ બેદી માને છે કે આ ઍરપૉર્ટના નિર્માણથી પાકિસ્તાન પર કોઈ ખાસ અસર થવાની અપેક્ષા નથી. તે પોતાનાં લશ્કરી ઍરપૉર્ટ્સને અપગ્રેડ કરી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડીસા પાસેનું લશ્કરી ઍરપૉર્ટ આધુનિકતમ ટેકનૉલૉજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ હશે.
આ સૈન્ય ઍરપૉર્ટ 4519 એકર જમીનમાં બનાવવામાં આવી રહ્યું છે. આ જમીન વાયુસેના પાસે અગાઉથી જ હતી. હાલ તે વિસ્તારમાં 20 વોચ ટાવર આવેલાં છે અને ભૂખંડની આજુબાજુ 22 કિલોમીટર લાંબી દીવાલ બનાવવામાં આવેલી છે.
વાયુસેના સંબંધી વિગત
ભારતીય વાયુસેના પાસે હાલ કુલ 1645 વિમાન છે.
રાહુલ બેદીએ બીસીસીને કહ્યું હતું કે "આ યોજનાના પ્રારંભની વાત અટલ બિહારી વાજપેયીના શાસનકાળમાં થઈ હતી, પરંતુ આ પ્રોજેક્ટનું કામ શરૂ થાય તે પહેલાં જ તેમની સરકાર ભાંગી પડી હતી."
"એ પછી 20 વર્ષ સુધી કોઈ કામ થયું ન હતું. નરેન્દ્ર મોદી બીજી વખત સત્તા પર આવ્યા પછી એક વર્ષ પહેલાં આ લશ્કરી ઍરપૉર્ટ માટે રૂ. 1,000 કરોડનું બજેટ નક્કી કર્યું હતું."
વાયુસેના તરફથી મળેલી માહિતી અનુસાર, 'આ ઍરપૉર્ટને બે તબક્કામાં તૈયાર કરવામાં આવશે. પહેલા તબક્કામાં યુદ્ધવિમાનો માટે રનવે, સમાંતર ટૅક્સીવે, લૂપ ટૅક્સી ટ્રૅક અને ફાઇટર ડિસ્પર્સલ એરિયા વગેરે બનાવવામાં આવશે. બીજા તબક્કમાં આધુનિક ટેકનૉલૉજી કંટ્રોલ સેન્ટર અને વાયુસેનાના કર્મચારીઓ માટે આવાસી ઇમારતો બનાવાશે.'
આ પ્રોજેક્ટના વડા એન્જિનિયર લેફ્ટેનન્ટ જનરલ હરપાલસિંહને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે પ્રકલ્પનું તમામ કામ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે.
વિવિધ સ્રોતો મારફતે મળેલી માહિતી મુજબ, ડીસા લશ્કરી ઍરપૉર્ટ, ભુજ, નલિયા અને રાજસ્થાનના ફલૌદી લશ્કરી ઍરપૉર્ટ્સ વચ્ચે વ્યૂહાત્મક દૃષ્ટિએ જે ખાલી જગ્યા હતી તેને પૂરશે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ડીસા એક ફોરવર્ડ બેઝ હશે અને પાકિસ્તાનના જેકબાબાદ તથા ઉત્તરના વિસ્તારોમાંનાં કોઈ લશ્કરી ઍરપૉર્ટ પરથી કોઈ પણ હુમલાની સામે રક્ષાત્મક દીવાલનું કામ પણ કરશે.
એટલું જ નહીં, પણ સંઘર્ષની સ્થિતિમાં પાકિસ્તાનનાં હૈદરાબાદ, કરાચી અને સખ્ખર જેવાં શહેરો પણ તેનાં આક્રમણ ક્ષેત્રોના પરિઘમાં હશે.
વાયુસેનાના નિષ્ણાતોને ટાંકીને મીડિયામાં એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં ગુજરાત કે ઉત્તર-પશ્ચિમ ક્ષેત્ર એટલે કે મહારાષ્ટ્ર કે તેનાથી પણ આગળના પ્રદેશમાં કોઈ મોટો ઉગ્રવાદી હુમલો કરવામાં આવે તો પાકિસ્તાન સામે વળતી કાર્યવાહી કરવા માટે ડીસા ઍરપૉર્ટનો ઉપયોગ કરી શકાશે.
તાજેતરમાં ઉમેરાયેલાં નવાં વિમાનો
રાહુલ બેદીએ કહ્યું હતું કે "ડીસા ઍરપૉર્ટ વાયુસેનાનો ઍટેક બેઝ નહીં, પણ રક્ષાત્મક ઍરપૉર્ટ બનશે. અહીં મિગ-29 અને ભારતમાં નિર્મિત તેજસ જેવાં લાઇટ ઍર કૉમ્બેટ વિમાનો ગોઠવવામાં આવશે. ભારતનાં મુખ્ય આક્રમણ વિમાનો રાજસ્થાનના જોધપુર ઍરપૉર્ટ પર છે, જેમનો આ બેઝ સુધીનો ઉડ્ડયન સમય પાંચથી છ મિનિટનો છે."
આ લશ્કરી ઍરપૉર્ટ ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર અને વડોદરા જેવાં શહેરોની આસપાસના વિસ્તારોમાંના એક ટ્રિલિયન ડૉલરથી પણ વધારે મૂલ્યના ઔદ્યોગિક ક્ષેત્રોની સલામતીની દૃષ્ટિએ પણ બનાવવામાં આવી રહ્યું છે.
રાહુલ બેદીના જણાવ્યા મુજબ, "ડીસામાં લશ્કરી ઍરપૉર્ટના નિર્માણનું એક મહત્ત્વનું કારણ રિલાયન્સની જામનગરસ્થિત ઑઇલ રિફાઇનરીની સલામતી પણ છે. તે વિશ્વની સૌથી મોટી રિફાઇનરી છે. તેના પર કોઈ હુમલો થાય તો ભારત માટે જંગી મુશ્કેલી સર્જાઈ શકે. તેની સલામતી માટે ડીસા લશ્કરી ઍરપૉર્ટ મહત્ત્વનું છે."
બે વર્ષ પહેલાં ચીન સાથેની ટક્કર બાદ ભારત પોતાની વાયુસેનાનું મોટાપાયે આધુનિકીકરણ કરી રહ્યું છે.
ભારતીય વાયુ સેનાનાં મોટાં ભાગનાં યુદ્ધવિમાનો અગાઉ રશિયાથી આવતાં હતાં. તેમાં મિગ-21, મિગ-29 અને સુખોઈ ઉલ્લેખનીય છે.
તેમાં સૌથી જૂનાં જંગી વિમાન મિગ-21 છે. એ કાફલાનું સ્થાન હવે ધીરેધીરે રફાલ, મિરાજ, જગુઆર અને બીજાં નવાં યુદ્ધવિમાનો લઈ રહ્યાં છે.
ભારતીય વાયુસેનાના જણાવ્યા મુજબ, તેમની પાસે કુલ 1645 વિમાનો છે, જેમાં 632 ફાઇટર જેટ, 438 હેલિકૉપ્ટર, 250 ટ્રાન્સપૉર્ટ પ્લેન અને 304 પ્રશિક્ષણ વિમાનોનો સમાવેશ થાય છે.
દેશમાં તાજેતરમાં નિર્મિત લાઇટ કૉમ્બેટ તેજસ વિમાન અને પ્રચંડ હેલિકૉપ્ટરને ભારતીય વાયુસેનાના કાફલામાં સામેલ કરવામાં આવ્યાં છે. ભવિષ્યમાં આવાં વિમાનોને મોટા પ્રમાણમાં વાયુસેનાના કાફલામાં સામેલ કરવામાં આવશે.
હાલ ભારત પાસે 31 ફાઇટર સ્કવોડ્રન છે. આગામી દસ વર્ષમાં તેની સંખ્યા વધારીને 42 સ્કવોડ્રન કરવાનું આયોજન છે. વાયુસેનાના આધુનિકીકરણની સાથે-સાથે લશ્કરી ઍરપૉર્ટ્સ તથા સરહદ પાસે નવી ઍર સ્ટ્રીપ્સના નિર્માણનું આયોજન પણ છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો