You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'અમને મૃતદેહો અને હિંસક પ્રાણીનો ભેટો થાય છે', અમેરિકામાં જીવના જોખમે ઘૂસતા લોકોની કહાણી
- લેેખક, બર્ન્ડ ડેબસમેન જુનિયર
- પદ, અલ પાસો, ટૅક્સાસ
- છેલ્લા વર્ષમાં યુએસ-મેક્સિકો બોર્ડર પર 20 લાખથી વધુ સ્થળાંતર કરનારાઓ પહોચ્યા છે
- અલ પાસોમાં તાજેતરના અઠવાડિયામાં સ્થળાંતર કરનારાઓની સંખ્યામાં વધારો થતાં સ્થાનિક અધિકારીઓ સંસાધનો માટે ઝઝૂમવું પડી રહ્યું છે
- સ્થળાંતર કરનારાઓ પૈકી હાલમાં એકલા અલ પાસોમાં દરરોજ 1,500 જેટલા લોકોને સ્થાનિક અધિકારીઓ અને સંસ્થાઓને સોંપવામાં આવે છે
- તેઓ તેમને ભોજન પૂરું પાડે છે, તેમને પાણી અને કપડાં આપે છે અને રહેવા માટે અસ્થાયી આશ્રયની વ્યવસ્થા કરે છે
- મોટા ભાગના લોકો યુ.એસ.માં પરિવારને પાસે જવા અથવા કામ શોધવાની આશાએ અહી આવે છે
- તેઓ કોર્ટની તારીખોની રાહ જોતા હોય છે, કેમ કે તેમની આગળની સ્થિતિ કોર્ટ નક્કી કરે છે
યુએસની સરહદ સુધી પહોંચવા માટે વિલ્મેરી કામચોને હજારો માઈલનો પ્રવાસ ખેડીને પર્વતો અને જંગલો પાર કરવા પડ્યાં હતાં. તેમણે રોગો સામે લડવું પડ્યું હતું અને હિંસક લૂંટનો સામનો કરવો પડ્યો હતો.
આ બધું તેમના ચાર મહિનાના બાળક અને ત્રણ વર્ષની પુત્રી સાથે મુસાફરી કરતી વખતે તેમણે ભોગવવું પડ્યું હતું.
વેનેઝુએલાનાં વિલ્મેરી કામચોએ બીબીસીને કહ્યું, "અમારી મુસાફરીમાં જંગલ પાર કરવું સૌથી મુશ્કેલ હતું, કારણ કે તમને ત્યાં લોકોનાં મૃતદેહો અને જંગલી પ્રાણીઓનો ભેટો થાય છે. એમાંય અમારી પાસે બાળકો હતાં. બાળકો સાથે હતાં એટલે પ્રત્યેક દિવસ વધુ જોખમી હતો."
આ અઠવાડિયે વિલ્મેરી ટૅક્સાસના અલ પાસોમાં હતાં. શહેરના પરાની ફૂટપાથ પર તેમની મોટી પુત્રી મિયા દાનમાં મળેલા ધાબળાઓના ઢગલા ઉપર પડી હતી, તેમના પતિ થોડા મીટર દૂર સિગારેટ પીતા હવે આગળ શું કરવું તે વિચારી રહ્યા હતા.
હજુ સફર પૂરી નથી થઈ, આગળનો પથ ઘણો લાંબો છે.
વિલ્મેપી કહે છે, "આ માત્ર એક મધ્યબિંદુ છે, અમે ડેનવર તરફ જઈ રહ્યાં છીએ. અમારી ટિકિટ હવે મળી ગઈ છે!"
યુએસ-મેક્સિકો બોર્ડર પર વર્ષે 20 લાખ લોકો
23 વર્ષીય વિલ્મેરી છેલ્લા વર્ષમાં યુએસ-મેક્સિકો બોર્ડર પર પહોંચ્યાં છે તેવા 20 લાખથી વધુ સ્થળાંતર કરનારાઓ પૈકીનાં એક છે.
આ સંખ્યા ડરામણી છે અને ઘણા માને છે કે 2023માં આ સંખ્યામાં વધુ ઉછાળો આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અલ પાસોમાં તાજેતરના અઠવાડિયામાં સ્થળાંતર કરનારાઓની સંખ્યામાં વધારો થતાં સ્થાનિક અધિકારીઓ સંસાધનો માટે ઝઝૂમવું પડી રહ્યું છે.
વિલ્મેરીના પરિવારની જેમ યુએસમાં આશ્રય મેળવવાની અરજી કરનારા મોટા ભાગના સ્થળાંતરકારો સમક્ષ અસલી પડકાર ત્યારે આવે છે જ્યારે તેઓ યુએસ સરહદ પર કસ્ટમ્સ ઍન્ડ બૉર્ડર પેટ્રોલ (સીબીપી)ના અધિકારીઓ સમક્ષ હાજર થાય છે.
એક વાર પ્રક્રિયા હાથ ધરાયા બાદ સ્થળાંતર કરનારાઓ પૈકી હાલમાં એકલા અલ પાસોમાં દરરોજ 1,500 જેટલા લોકોને સ્થાનિક અધિકારીઓ અને સંસ્થાઓને સોંપવામાં આવે છે, જેઓ તેમને ભોજન પૂરું પાડે છે, તેમને પાણી અને કપડાં આપે છે અને રહેવા માટે અસ્થાયી આશ્રયની વ્યવસ્થા કરે છે.
આ સમૂહો સ્થળાંતર કરનારાઓને તેમની મુસાફરીનું સંકલન કરવામાં પણ મદદ કરે છે. મોટા ભાગના લોકો યુએસમાં પરિવારને પાસે જવા અથવા કામ શોધવાની આશાએ અહી આવે છે.
તેઓ કોર્ટની તારીખોની રાહ જોતા હોય છે, કેમ કે તેમની આગળની સ્થિતિ કોર્ટ નક્કી કરે છે.
આ અઠવાડિયે અલ પાસોની શેરીઓ પર, બીબીસીએ સમગ્ર યુએસમાં પ્રવેશવાંછુ સ્થળાંતર કરનારાઓ સાથે વાત કરી.
કેટલાકને "પ્રાયોજિત" સ્થળાંતર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને તેમને તેમના સંબંધીઓ અથવા મિત્રો નાણાકીય સહાય પૂરી પાડે છે, જ્યારે બાકીના કોઈ જોડાણ વિના અને તેમની પીઠ પર કપડાંનું પોટલું લાદીને ઊપડી જાય છે.
લૂંટનાં શિકાર બન્યાં
નિકારાગુઆની એક મહિલા એલોઈસ એસેલવેડોએ જણાવ્યું હતું, "હું ન્યૂયૉર્ક જઈ રહી છું. મારી ભત્રીજી ત્યાં છે."
સાથે એલોઈસે જણાવ્યું હતું કે તેમની ઉત્તરની મુસાફરીમાં એકલાં મુસાફરી કરતાં હતાં ત્યારે તેમને લૂંટી લેવાયાં હતાં અને તેઓ ભિખારીની હાલતમાં આવી ગયાં હતાં.
તેઓ કહે છે, "ગઈ કાલે શહેરમાંથી એક વ્યક્તિ આવી અને અમને મદદ કરવાની હૈયાધારણ આપી ગઈ, પરંતુ કોઈ પાછું આવ્યું નથી."
ન્યૂયૉર્ક પહોંચવા તલપાપડ એલોઈસ આંસુ રોકતા કહ્યું કે તેમનાં ત્રણ પુત્રો છે જેમાં સૌથી નાનો એક વર્ષથી પણ નાનો છે, તે બધા નિકારાગુઆમાં રહે છે અને તેમનાં ભરણપોષણની જવાબદારી એલોઈસનાં માથે છે.
તેમણે કહ્યું, "મારા માટે આ એક બલિદાન છે... નિકારાગુઆમાં જીવન અશક્ય હતું. ત્યાં હું રહેત તો ગુલામની જેમ કામ કરત અને અઠવાડિયામાં માત્ર 30 ડૉલર કમાઈ શકી હોત. એના કરતાx તો ખાવાનું પણ વધું મોંઘું છે."
અને ઉમેર્યું, "હવે, ભગવાનનો આભાર, હું પૈસા મોકલી શકીશ. મારે એટલું જ જોઈએ છે."
ડોમિનિકના એલિયાની રોડ્રિગ્ઝે બીબીસીને કહ્યું કે સૌથી મુશ્કેલ ભાગ આગળનો તબક્કો છે, જેની તેઓ રાહ જોઈ રહ્યાં હતાં. તેમની ન્યૂજર્સી જવાની યોજના છે, જ્યાં તેમના મિત્રો અને સંબંધીઓ રહે છે.
એલિયાનીએ કહ્યું, "હું એ ઘેલછામાં નવ દિવસથી અહીં પડી છું કે ફક્ત મારા પરિવાર માટે વધુ સારા ભવિષ્યની શરૂઆત કરવાની રાહ જોઈ રહી છું."
તેઓ ઉમેરે છે કે "મારી આગળની યોજના એ છે કે કોર્ટની તારીખની રાહ જોવી અને કોઈ સમસ્યા ન સર્જાય. બસ સામાન્ય જીવન જીવવા મળે એટલે બહુ થયું."
એલિયાનીને લાંબા સમય સુધી રાહ જોવી નહીં પડે. તેમને જણાવવામાં આવ્યું છે કે તેમને આગામી ન્યૂયૉર્કની બસ માટેની ટિકિટ મળી ગઈ છે.
તેમણે કહ્યું, "તેઓએ મને એટલું જ કહ્યું કે સરકાર લોકોને ન્યૂયૉર્ક પહોંચવામાં મદદ કરી રહી છે. અમે ખૂબ આભારી છીએ."
અલ પાસોમાં પ્રતીક્ષા કરતા સ્થળાંતર કરનારાઓએ રાહ જોવાની છે - તેમના પરિવહન વિશેના જવાબોની અથવા તેમના હવે પછીના ભોજનની.
જે મળે તે કામ કરીશું
52 વર્ષીય રોડ્રિગો એન્ટોનિયો હર્નાન્ડેઝ ભૂતપૂર્વ સૈન્ય અધિકારી છે અને તેમણે કહ્યું હતું કે તેઓ સરકારી એજન્ટો દ્વારા અત્યાચાર ગુજાર્યા બાદ વેનેઝુએલા છોડીને ભાગી નીકળ્યા છે.
તેઓએ જણાવ્યું કે મોટા ભાગના સ્થળાંતર કરનારાઓની માત્ર એટલી જ આશા છે કે મુશ્કેલીથી દૂર રહેવું અને મુસાફરીમાં આગળ વધતા સ્થાનિક સમુદાયને ગુસ્સે નહીં કરવા.
હાલમાં જ એન્ટોનિયો સ્થાનિક ફૂડ બૅંકમાંથી ડિલિવરીની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અન્ય સ્થળાંતર કરનારાઓએ તેમના સૂવાના વિસ્તારને સાફ કરવા અને કચરો ફેંકી દેવા કહ્યું હતું.
શહેરના એક પાર્કમાં ચુસ્તપણે વળેલા ધાબળો અને પેક કરેલી બેગ તરફ ઈશારો કરતા તેમણે કહ્યું, "અમારે શિસ્તબદ્ધ રહેવું પડશે. અમે નથી ઇચ્છતા કે લોકો એવું વિચારે કે અમારે અહીં ન હોવું જોઈએ, અથવા કૉમ્યુનિટી અમને ન સ્વીકારે. જો અમે આ વિસ્તારને ગંદો બનાવીશું, તો લોકો સ્થળાંતર કરનારાઓ વિશે ખરાબ વિચારશે."
કેટલાક લોકો પાસે યુએસમાં જીવનને નવેસરથી શરૂ કરવા સિવાયની કોઈ યોજના નથી.
તેમાંના એક છે ચિલીનાં નાગરિક કેનિયા કોન્ટ્રેરાસ અને તેમનાં વેનેઝુએલાના પતિ ઍન્થોની યબારા અને તેમના ચાર વર્ષનો પુત્ર.
તેઓ ચિલીથી યુએસ સરહદ સુધી નવ દેશોની સફર પછી યુએસ પહોંચ્યાં હતાં.
ઍન્થોની ચહેરા પર સ્મિત સાથે કહે છે, "મારો અહીં એટલાન્ટા અને હ્યુસ્ટનમાં પરિવાર છે, પરંતુ અમે કોઈના જીવનમાં વિક્ષેપ પાડવા માગતા નથી. જો અન્ય લોકો કોઈની મદદ વિના જીવનનિર્વાહ કરી શકે છે તો અમે પણ કરી શકીએ છીએ. અમે અહીં કામ કરવા માટે આવ્યા છીએ, કોઈના પર નિર્ભર રહેવા નહીં."
તેઓ ક્યાં જશે અને તેઓ ત્યાં શું કરશે તેના વિશે તેઓ ખુદ કશું જાણતા નથી.
"હું આ બાળકને વધુ સારું જીવન આપવા માગું છું... ભગવાન અમને જ્યાં જવા દેશે ત્યાં અમે જઈશું,"
કેનિયા કોન્ટ્રેરાસે તેમના પુત્ર તરફ ઈશારો કરતાં કહ્યું, જ્યારે તે ફૂટપાથ પર બેઠો હતો અને નજીકના પુખ્ત વયના વ્યક્તિના જૂતાના લૅસ સાથે રમી રહ્યો હતો.
"ભલે મારે કેન્ડી વેચવી પડે અને અમને કામ મળશે, ત્યારે અમે તેને પૂરા પ્રયાસો સાથે કરીશું."
પૂરક માહિતી: એલેક્ઝાન્ડ્રા ઓસ્ટાસિવિઝ