ગુજરાતના યુવાનનું 'ગેરકાયદે' અમેરિકા જતી વખતે મૃત્યુ, ગુજરાતીઓને કઈ રીતે અમેરિકામાં ઘુસાડાય છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • ગાંધીનગરના કલોલના યુવાન બ્રિજ યાદવનું ‘ગેરકાયદેસર રીતે’ અમેરિકા જતી વખતે મૃત્યુ થયાના સમાચાર આવ્યા હતા
  • મેક્સિકો-અમેરિકા બૉર્ડરે પોતાનાં પત્ની અને પુત્ર સાથે ‘ટ્રમ્પ દીવાલ’ ઓળંગતી વખતે પટકાતાં મૃત્યુ થયાની મળી જાણકારી
  • સમગ્ર મામલે સીઆઇડી ક્રાઇમે પ્રાથમિક માહિતી અનુસાર તપાસ શરૂ કરી
  • કેવી રીતે ગુજરાતીઓને ‘ગેરકાયદેસર રસ્તાઓ’ થકી વિદેશમાં ઘુસાડાય છે?

ગાંધીનગર જિલ્લાના કલોલ પાસેના નાનકડા ગામ બોરીસણામાં બધું રાબેતા મુજબ ચાલે છે, પણ ચા કે નાસ્તાની લારીએ કાયમ ચાલતી રાજકારણની ચર્ચા અન્ય પંચાતો અત્યારે સંભળાતી બંધ થઈ ગઈ છે.

સ્થાનિક માન્યતા અનુસાર ‘અહીંના લોકો અમેરિકા ડૉલર કમાવવા જવા દોટ મૂકવા હંમેશાં તત્પર હોય છે’, પરંતુ આ આકર્ષણને કારણે ગામમાંથી ‘ગેરકાયદેસર અમેરિકા’ જવા રવાના થયેલ એક યુવાનનું અધવચ્ચે મૃત્યુ થયાના સમાચાર આવતાં જ અહીં કોઈ અમેરિકા વિશે વાત કરવા તૈયાર નથી.

સ્થાનિક અહેવાલો પ્રમાણે ગાંધીનગરના કલોલના એક યુવાન બ્રિજકુમાર યાદવનું ‘ગેરકાયદેસર અમેરિકા જતી વખતે’ મેક્સિકો-અમેરિકા બૉર્ડરે સ્થિત 30 ફૂટ ઊંચી ‘ટ્રમ્પ વૉલ’ પરથી નીચે પડી જતાં મૃત્યુ થયું હતું.

અહેવાલો અનુસાર દીવાલ પર ચઢતી વખતે તેમના હાથમાં તેમનું ત્રણ વર્ષનું બાળક પણ હતું. અકસ્માતમાં તેમનાં પત્ની અને બાળકને સામાન્ય ઈજા થઈ હોવાના અહેવાલ છે.

આ સમગ્ર ઘટના અંગે વધુ માહિતી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ તપાસ કરી હતી.

‘બ્રિજને ઝડપથી પૈસા કમાવા હતા’

પટેલ અને ઠાકોર સમાજની બહુમતીવાળા આ ગામની આસપાસ આવેલી ફેકટરીઓને કારણે મોટા ભાગના લોકો પાસે રોજગારી છે ઉપરાંત ખેતી પણ સારી છે.

ત્રણ હજાર જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં જુવાનિયાની સંખ્યા ઓછી છે, કારણ કે મોટા ભાગના લોકો વિદેશ અથવા શહેરમાં કામધંધા માટે ગયા છે.

આ ગામમાં ખ્રિસ્તીઓની વસતી ન હોવા છતાં નાતાલ સમયે અહીં દિવાળી જેવો માહોલ હોય છે, કારણ કે વિદેશમાં વસતા ઘણા લોકો આ સમય દરમિયાન માદરે વતન પરત ફરે છે.

પણ હાલ અહીં દર વર્ષ જેવો માહોલ નથી, જેનું કારણ 32 વર્ષીય બ્રિજકુમારનું ‘અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશતી વખતે’ થયેલું મૃત્યુ છે.

ઉત્તર ભારતમાંથી ગુજરાતમાં આવીને વસેલા બ્રિજકુમાર યાદવના પિતા ટેલિફોન ખાતામાં નોકરી કરતા હતા, તેઓ સાત વર્ષ પહેલાં નિવૃત્ત થયા હતા.

બ્રિજ બોરીસણામાં નાના-મોટા સિઝનલ ધંધા કરતા હતા.

બ્રિજ વિશે વધુ માહિતી આપતાં તેમના મિત્ર જયેન્દ્ર પટેલે બીબીસીને જણાવ્યું હતું કે બ્રિજ, તેઓ અને અન્ય એક મિત્ર વિષ્ણુ ઠાકોર ભાગીદારીમાં સિઝનલ ધંધા કરતા હતા. જેમાં જયેન્દ્ર પટેલ અને વિષ્ણુ ઠાકોર રોકાણ કરતા અને બ્રિજ વર્કિંગ પાર્ટનર તરીકે સક્રિય રહેતા.

તેમના મિત્ર જયેન્દ્રના જણાવ્યાનુસાર બ્રિજ ‘નવેમ્બર માસના અંતથી ગામમાં દેખાયા નહોતા.’

જયેન્દ્ર પટેલ બ્રિજ અને તેમના જીવન વિશે વધુ માહિતી આપતાં કહે છે કે, “ચાર વર્ષ પહેલાં તેની કલોલ જીઆઈડીસીમાં નોકરી લાગતા મળવાનું ઓછું થઈ ગયું હતું છતાં અમે પ્રસંગોપાત્ મળતા, પરંતુ તે વિદેશ જવાનો છે તેની અમને ખબર નહોતી.”

બ્રિજના બીજા મિત્ર વિષ્ણુ ઠાકોરે બ્રિજ અંગે વાત કરતાં કહ્યું હતું કે તેઓ બ્રિજને ઘણા સમયથી અમે મળ્યા ન હતા. તેમજ બ્રિજને ઝડપથી પૈસા કમાવા હતા, પણ તેઓ ગેરકાયદે પરદેશ ગયા હોવાની વાતની તેમને જાણ નહોતી.

‘દીકરા અને પત્ની સાથે ફરવા જઉં છું કહીને ઘરેથી નીકળ્યા’

બ્રિજકુમાર યાદવના ભાઈ વિનોદ યાદવે તેમની સાથે બનેલી આ ઘટના અંગે વધુ માહિતી આપતાં બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેઓ 18 નવેમ્બરે તેમનાં પત્ની પૂજા અને ત્રણ વર્ષીય દીકરા સાથે ‘મહિનો ફરવા જઉં છું’ કહીને નીકળ્યા હતા.

તેઓ આગળ કહે છે કે, “આ બાદ એની પત્ની પૂજા ઘણી વખત અમને ફોન કરતી જેમાં તે અમારી માને પોતે ક્ષેમકુશળ હોવાની વાત કરતી પણ અમને તેઓ ક્યાં છે એ વાતની ખબર નહોતી.”

બ્રિજના પરિવારને નડેલ અકસ્માત અને તેમાં થયેલ બ્રિજના મૃત્યુ અંગેના સમાચાર કેવી રીતે મળ્યા, એ વિશે વાત કરતાં તેમના ભાઈ વિનોદ યાદવ કહે છે :

“એક દિવસ અમારા પર ફોન આવ્યો હતો કે મારા ભાઈ બ્રિજનું બ્રેઈન હેમરેજથી મૃત્યુ થયું છે. એ પછી એમનો કોઈ સંપર્ક થયો નથી. અમે ઇચ્છીએ છીએ કે સરકાર અમને મદદ કરે અને મારા ભાઈનો મૃતદેહ, મારી ભાઈ અને ભત્રીજાને ભારત લાવવામાં આવે. આ સમાચાર મળ્યા બાદથી મારી માની તબિયત ઘણી બગડી ગઈ છે.”

‘પ્રાથમિક વિગતો આધારે તપાસ શરૂ કરાઈ’

આ ઘટના અંગે સરકારી તંત્ર દ્વારા લેવાઈ રહેલાં પગલાં અંગે જાણવા માટે બીબીસી ગુજરાતીએ ગાંધીનગરના અધિક નિવાસી કલેક્ટર ભારત જોશીનો સંપર્ક કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, “અમારી પાસે અમેરિકાથી આ ઘટના અંગે અધિકૃત માહિતી આવી નથી, પણ અમે અમારી રીતે પ્રાથમિક તપાસ કરાવતા ખબર પડી છે કે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને કલોલ પાસે છત્રાલમાં નોકરી કરતા બ્રિજ યાદવ, એમનાં પત્ની અને દીકરા સાથે એજન્ટ મારફતે પરદેશ ગયા હતા. ત્યાં ટ્રમ્પ દીવાલ કૂદતા એમનું અવસાન થયું છે.”

“બ્રિજનાં પત્ની અને દીકરો ઈજાગ્રસ્ત છે અને સારવાર લઈ રહ્યાં છે, અમે અમેરિકન દૂતાવાસનો આ ઘટના સંદર્ભે સંપર્ક કર્યો છે, વધુ અધિકૃત વિગતો મળતાં તપાસ આગળ વધારાશે.”

હાલ આ ઘટના અંગે પોલીસ પ્રાથમિક વિગતો આધારે તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના એક અધિકારીએ આ કેસની તપાસ પ્રાથમિક તબક્કામાં હોવાથી પોતાનું નામ જાહેર ન કરવાની શરતે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું :

“અમેરિકન દૂતાવાસ પાસેથી અધિકૃત વિગતો આવ્યા બાદ એનો કાયદેસરનો ફર્સ્ટ ઇન્ફૉર્મેશન રિપોર્ટ તૈયાર થશે. પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં એક વર્ષમાં ગેરકાયદે પરદેશ જતાં બીજો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે, આ પહેલાં ડિંગુચાનો પરિવાર નાનાં બાળકો સાથે મૃત્યુ પામ્યો હતો.”

તેઓ કેસ અને તપાસની સ્થિતિ જણાવતાં આગળ કહે છે કે, “આ વિસ્તારોમાં ચાલતા ‘ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાના’ નેટવર્ક અંગે તાજેતરમાં સ્ટેટ મૉનિટરિંગ સેલ દ્વારા કરાયેલ કાર્યવાહી બાદ પકડાયેલા એક આરોપી પાસેથી આ સમગ્ર તંત્રની ઘણી વિગતો મળી છે. ઉપરાંત અમે એની સાથે બીજી કડીઓ જોડી રહ્યા છીએ.”

“ઉત્તર ગુજરાતથી મેક્સિકો, અને કૅનેડા લઈ જઈ ગેરકાયદે અમેરિકામાં ઘુસાડવાના કૌભાંડ સામેલ શકમંદોને આવનારા દિવસોમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સીઆઇડી, એટીએસ અને ડિટેક્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચ સાથે સંકલન કરીને કાર્યવાહી કરવામાં આવશે. વિદેશમંત્રાલય પાસેથી અધિકૃત વિગતો આવે એ પહેલાં અમારી પ્રાથમિક તપાસ ચાલુ કરી છે, જેથી ગેરકાયદે પરદેશ મોકલવાના ષડ્યંત્રમાં જોડાયેલા લોકોને સમયસર પકડી શકાય.”

‘મિલકત ગીરો મૂકીને પણ અમેરિકા જવા તૈયાર છે લોકો’

ગુજરાતમાંથી ‘ગેરકાયદેસર’ રીતે ‘વિદેશમાં જવાના ઘણા કિસ્સાઓ ઉત્તર ગુજરાતમાંથી સામે આવે છે.’

જોકે, ઘણી વખત આવી રીતે પરદેશ જવા માગતા લોકો માટે પરદેશ જવાનાં સપનાં રોળાઈ જાય છે.

લાખો-કરોડ ખર્ચીને, જીવનું જોખમ ખેડીને અમેરિકા જેવા પશ્ચિમી દેશોમાં જવાનું ‘સાહસ ખેડવાની’ કિંમત ઘણી વાર પરિવારોએ મિલકત, રૂપિયાના નુકસાનથી, તો ઘણી વાર સ્વજનોના જીવ ગુમાવીને ચૂકવવી પડે છે.

‘ગેરકાયદેસર રીતે અમેરિકા સહિત વિદેશ જવાનું ચલણ ઉત્તર ગુજરાતમાં વધુ પ્રચલિત’ હોવાનાં કારણો વિશે વાત કરતાં મૂળ ઉત્તર ગુજરાતના અને હાલ અમદાવાદમાં રહેતા એક ટ્રાવેલ સબ એજન્ટ નામ ન જાહેર કરવાની શરતે જણાવે છે કે, “ઉત્તર ગુજરાતના લોકોમાં વિદેશ જઈ ડૉલર કમાવાનો ક્રેઝ છે. એટલું જ નહીં ઉત્તર ગુજરાતમાં ખેતી કરનારા યુવાન કરતાં પરદેશમાં રહેનારના લગ્ન ઝડપથી થાય છે એટલે લોકો પોતાનાં ખેતર વેચીને અથવા ગીરો મૂકીને પણ પરદેશ જવાનું સાહસ ખેડતાં ગભરાતા નથી.

તેઓ ‘ગેરકાયેદસર વિદેશ મોકલવાનું સમગ્ર તંત્ર’ કઈ રીતે કામ કરે છે તે અંગે માહિતી આપતાં કહે છે કે, “અમદાવાદ અને ગાંધીનગરમાં લોકોને ગેરકાયદે વિદેશ મોકલવાનું કામ કારનાર મુખ્ય એજન્ટ હોય છે, અમે સબ-એજન્ટ તરીકે કામ કરીએ છીએ. અમારું કામ પરદેશ જવા માગતા લોકોને શોધવાનું છે.”

‘ગેરકાયદેસર રીતે’ પરદેશ જવા માગતી વ્યક્તિએ ’60-66 લાખ રૂપિયાનો ખર્ચ કરવા’ તૈયાર રહેવું પડે છે.

“બ્રિજ જેવા આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતા લોકો પાસેથી 30% પૈસા ઍડ્વાન્સમાં લઈ લેવાય છે. આવા લોકોને પરદેશ મોકલી તેમને ત્યાં નોકરી અપાવીને હવાલા મારફતે ત્યાંથી બાકી નીકળતા પૈસા મેળવવામાં આવે છે.”

આ સમગ્ર તંત્ર અંગે વધુ માહિતી આપતાં સબ-એજન્ટ ‘ગેરકાયદે વિદેશ જનાર લોકો’ પાસેથી પૈસાવસૂલીની અન્ય રીતો જણાવે છે.

તેમના દ્વારા અપાયેલી માહિતી અનુસાર અધૂરી ચુકવણી કરીને ‘ગેરકાયદેસર પરદેશ જતા’ લોકો પાસેથી ‘જમીન ગીરો લખાવી લેવાય છે.’

તેમજ તેમનો ‘પાસપૉર્ટ પણ જપ્ત કરી લેવાય છે.’

આ વ્યવસ્થાને એજન્ટોની ભાષામાં ‘પાસપૉર્ટ સિન્ડિકેટ બૅન્ક’ કહેવામાં આવે છે.

આ બૅન્કમાં જે-તે સબ-એજન્ટે ‘ગેરકાયદે પરદેશ જનાર’ લોકોના પાસપૉર્ટ ફરજિયાતપણે ‘જમા કરાવાના હોય છે.’ પાસપૉર્ટ જમા કરવાથી ‘ગેરકાયદેસર પરદેશ જતી વ્યક્તિ’ અન્ય ક્યાંય નાસી છૂટી શકતી નથી.