You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇસ્લામને માનનારા દુબઈમાં દારૂ આટલો સસ્તો કેમ કરી દેવાયો?
- દુબઈમાં દારૂ પરનો 30% મ્યુનિસિપાલિટી ટૅક્સ નાબૂદ કરવામાં આવ્યો છે
- ઉપરાંત વ્યક્તિગત દારૂને લાઇસન્સ ફ્રી કરવામાં આવ્યો છે
- દુબઈના શાહી પરિવારે લાંબા સમયથી ચાલી રહેલો આવકનો મહત્ત્વના સ્ત્રોત ખતમ કરી દીધો છે
- દુબઈમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આ એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે
દુબઈમાં દારૂ પરનો 30% મ્યુનિસિપાલિટી ટૅક્સ નાબૂદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વ્યક્તિગત દારૂને લાઇસન્સ ફ્રી કરવામાં આવ્યો છે.
આ નિર્ણય 1 જાન્યુઆરીથી અમલમાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી એપી અનુસાર, દુબઈના શાહી પરિવારે લાંબા સમયથી ચાલી રહેલો આવકનો મહત્ત્વનો સ્ત્રોત ખતમ કરી દીધો છે. દુબઈમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આ એક મહત્ત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.
દુબઈના અખબાર ખલીજ ટાઈમ્સે લખ્યું છે કે, "1 જાન્યુઆરી, 2023થી વ્યક્તિગત દારૂ ખરીદવા માટે લાઇસન્સની જરૂર નહીં પડે." દારૂ ખરીદવા માટે પ્રવાસીઓ માટે માન્ય યુએઈ ઓળખપત્ર કે પાસપોર્ટની જરૂર પડશે.
અખબારના જણાવ્યા અનુસાર, "યુએઈમાં દારૂ પીવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ. દારૂ ફક્ત ઘરે અને લાઇસન્સવાળાં જાહેર સ્થળોએ જ પી શકાય છે."
મૅરીટાઇમ ઍન્ડ મર્કેન્ટાઇલ ઇન્ટરનેશનલ (એમએમઆઈ) અને એમિરૅટ્સ લેઝર રીટેલ ગ્રૂપના સીઇઓ ટિરોન રેડ કહે છે, “દુબઈ સરકારની દારૂ પર 30% મ્યુનિસિપાલિટી ટૅક્સ દૂર કરવાની જાહેરાતને પગલે અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે તે 1 જાન્યુઆરીથી દુબઈમાં એમએમઆઈના તમામ 21 સ્ટોર્સ પર અમલમાં આવી ગયો છે.”
ન્યૂઝ એજન્સી એપીએ લખ્યું છે કે દુબઈમાં સરકાર સમર્થિત બે આલ્કોહોલ રિટેલર્સ દ્વારા અચાનક નવા વર્ષ પર આ જાહેરાત કરવામાં આવી છે.
જોકે આવી જાહેરાતો સરકારના આદેશથી કરવામાં આવે છે. એપી અનુસાર, સરકારી અધિકારીઓએ આ નિર્ણયની સત્તાવાર પુષ્ટિ કરી નથી અથવા તેના પ્રશ્નોના જવાબ આપ્યા નથી.પરંતુ દુબઈમાં દારૂ સંબંધિત નિયમો સમયાંતરે હળવા કરવામાં આવ્યા છે. દુબઈમાં હવે રમઝાન દરમિયાન પણ દારૂ ઉપલબ્ધ હોય છે અને કોરોના મહામારી દરમિયાન હોમ ડિલિવરી પણ કરવામાં આવી હતી.
દુબઈમાં લાંબા સમયથી દારૂના વેચાણને લઈને ભારે ઉહાપોહની સ્થિતિ હતી. સૌથી વધુ પ્રવાસીઓ યુએઈમાં દુબઈ આવે છે. કતારમાં ફિફા વર્લ્ડકપ દરમિયાન દુબઈના બાર ફૂટબૉલ-ચાહકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું છે કે દારૂના ભાવ પર તેની તાત્કાલિક અસર શું થશે અથવા છૂટક વિક્રેતાઓ પાસેથી ખરીદવામાં આવતા દારૂ પર તેની શું અસર થશે.
આલ્કોહોલ ડિસ્ટ્રીબ્યુટર મૅરીટાઇમ ઍન્ડ મર્કેન્ટાઈલ ઇન્ટરનેશનલે કહ્યું છે કે, “યુએઈ હંમેશાં બિઝનેસ માટે સંવેદનશીલ અને સમાવેશી અભિગમ અપનાવતું રહ્યું છે. તાજેતરના નિયમન થકી અમે દુબઈ અને યુએઈમાં આલ્કોહોલની સલામત અને જવાબદાર ખરીદી સુનિશ્ચિત કરીશું.”
એમએમઆઈ દ્વારા એ પ્રશ્નનો જવાબ આપવામાં નથી આવ્યો કે શું આ નિર્ણય કાયમી છે. જોકે, એમએમઆઈ દ્વારા એક જાહેરાત જારી કરી છે, જેમાં ગ્રાહકોને વિનંતી કરવામાં આવી છે કે તેમને હવે અન્ય અમીરાતમાં લાંબી ડ્રાઇવ કરીને જવાની જરૂર નથી.
આ પહેલાં કેવી સ્થિતિ હતી?
દુબઈના લોકો ટૅક્સ ફ્રી દારૂ માટે ઉમ્મ અલ કુવૈન અને અન્ય અમીરાતમાં લાંબી મુસાફરી કરીને જાય છે. આફ્રિકન ઍન્ડ ઇસ્ટર્ન યુએઈમાં બીજા આલ્કોહોલ રિટેલર છે. તેમણે પણ મ્યુનિસિપાલિટી ટૅક્સ ફ્રી અને લાઇસન્સ ફ્રી દારૂ વેચવાની જાહેરાત કરી છે.
દુબઈના કાયદા અનુસાર, દારૂ પીવા માટે બિન-મુસ્લિમ વ્યક્તિ 21 વર્ષ કે તેથી વધુ ઉંમરની હોવી જોઈએ. દુબઈ પોલીસ દારૂ પીનારાઓને પ્લાસ્ટિક કાર્ડ આપે છે.આ કાર્ડ દારૂ ખરીદવાની, લઈ જવાની અને પીવાની પરવાનગી છે. આ કાર્ડ વગર દારૂ ખરીદવા અને પીવામાં આવે તો જેલ સુધીની સજા થાય છે. જોકે, બાર, નાઈટક્લબમાં ભાગ્યે જ કાર્ડ માગવામાં આવે છે.
સંયુક્ત આરબ અમીરાત વાસ્તવમાં સાત રાજ્યો દુબઈ, અબુ ધાબી, શારજાહ, ઉમ્મુલ અલ કુવૈન, રાસ અલ ખૈમા, અજમાન અને અલ ફુજૈરાહનો સંઘ છે અને તેની રાજધાની અબુ ધાબી છે.
જોકે, જ્યારે પણ યુએઈની વાત થાય છે ત્યારે મનમાં પહેલું નામ આવે છે દુબઈ. તેથી જ સંયુક્ત આરબ અમીરાતની વાત વાસ્તવમાં દુબઈની વાત છે. જો કે અબુધાબી, શારજાહ, રાસ અલ ખૈમા અને અન્ય રાજ્યોનું પણ પોતાનું સ્થાન છે, પરંતુ દુબઈ તો દુબઈ જ છે.
આ રાજ્યોને 1 ડિસેમ્બર, 1971ના રોજ બ્રિટન પાસેથી આઝાદી મળી હતી અને તેના બીજા જ દિવસે, એટલે કે 2 ડિસેમ્બરે છ રાજ્યોએ સંઘીય ગઠબંધન બનાવ્યું હતું.સાતમું રાજ્ય, રાસ અલ ખૈમા જ્યારે ઈરાની નૌકાદળે હોર્મુઝના જળમાર્ગના કેટલાક વિસ્તાર પર પોતાનો દાવો કર્યો હતો તે પછી 10 ફેબ્રુઆરી, 1972ના રોજ ગઠબંધનમાં જોડાયું હતું.
રાસ અલ ખૈમા અને શારજાહે પણ આ વિસ્તારો પર દાવો કરતા હતા. આ રીતે, આ બંને રાજ્યોના ગઠબંધનમાં સામેલ થવાની સાથે ઈરાન સાથેનો પ્રાદેશિક વિવાદ પણ તેના હિસ્સામાં આવ્યો જે આજે પણ ચાલુ છે.