You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુનાઇટેડ અરબ અમીરાત: એ પરિવાર જેમણે રણની કબાયલી સલ્તનતને ગ્લોબલ પાવર બનાવી
હજુ તો 50 વર્ષ પહેલાં તેઓ અરબ દ્વીપના રણપ્રદેશમાં કબાયલી જાગીરના એક સમૂહ તરીકે ઓળખાતા હતા, પરંતુ ત્યારે જ્યાં તંબુ જેવાં ઘર હતાં ત્યાં આજે લગભગ અડધી સદી પછી મહાકાય બજારો, ગગનચુંબી ઇમારતો અને પહોળી આસ્ફાલ્ટની સડકો ધરાવતાં શહેર છે.
જ્યાં જીવનનિર્વાહ માટે ખજૂર ઉતારવામાં આવતો હતો, મોતી શોધવામાં આવતાં હતાં અને ઊંટ પાળવામાં આવતા હતા, ત્યાં સમગ્ર અરબી દ્વીપમાં સૌથી મોટું કલા સંગ્રહાલય પેરિસના લુવર ઇન પેરિસ, ન્યૂ યૉર્ક યુનિવર્સિટી અને પેરિસની સોરબૉન યુનિવર્સિટીની શાખાઓ ખૂલી ગઈ છે.
આજે ત્યાં વિશ્વની સૌથી ઊંચી ઇમારત, સૌથી ભવ્ય હોટેલ (સેવન સ્ટાર), વિશ્વનું સૌથી મોંઘું પેઇન્ટિંગ (લિયોનાર્ડો દ વિન્ચીનું સાલ્વાટર મુંડી એટલે કે સેવિયર ઑફ ધ વર્લ્ડ) અને વિશ્વનું સૌથી મોટું શૉપિંગ સેન્ટર છે.
આટલું જ નહીં, તે વિશ્વના એવા જૂજ દેશોમાં સામેલ છે જેમણે અવકાશમાં તેમના મિશન મોકલ્યા છે, સાથે જ ઑફિસમાં સાડા ચાર દિવસના અઠવાડિયાનો અમલ કરવાવાળો પણ તે વિશ્વનો પહેલો દેશ છે.
યુનાઇટેડ અરબ અમીરાત (યુએઈ) અરબ દેશોમાં તેના તેલના કૂવાઓને કારણે આધુનિકતા અને ટેકનૉલૉજીના મજબૂત સમન્વય સાથેનું પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનું પ્રવેશદ્વાર બની ગયું છે.
એક મોટી વૈશ્વિક તાકાત
પર્શિયન ગલ્ફમાં પશ્ચિમી દેશોનો સહયોગી અને વિશ્વની સૌથી વિવાદાસ્પદ સરમુખત્યારશાહીમાંનો એક સાઉદી અરેબિયા આજે એક મોટી વૈશ્વિક તાકાત છે.
અડધી સદી કરતા પણ ઓછા સમયમાં સાઉદી અરેબિયામાં થયેલા આ પરિવર્તન પાછળ જે એક વ્યક્તિનું નામ લેતા મધ્ય પૂર્વના નિષ્ણાતો અચકાતા નથી, તે છે શેખ ખલીફા બિન ઝાયેદ બિન સુલતાન અલ નહયન, જેમનું ગયા મહિને (મે 2022) અવસાન થયું હતું.
વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિ ગણાતા અબુ ધાબીના અમીર અને શાસક શેખ ખલીફા બિન ઝાયેદ બિન સુલતાન અલ નહયન યુએઈના બીજા રાષ્ટ્રપતિ અને એક વિવાદાસ્પદ વ્યક્તિ રહ્યા છે જેમણે પ્રાદેશિક વિકાસના બળ પર પોતાના દેશને વિશ્વના નકશા પર સ્થાન અપાવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2014માં સ્ટ્રોકનો ભોગ બન્યા પછી તેમણે શાસનનો નિયમિત કારભાર છોડી દીધો હતો પરંતુ તેમની હાજરી દરેક જગ્યાએ દેખાતી હતી. હોટેલની લૉબીમાં, સરકારી ઑફિસોમાં, દુકાનો અને રેસ્ટોરાંમાં પણ તેમની તસવીરો દેખાતી હતી.
સરકારી કામની દેખરેખ સહજ રીતે જ તેમના ભાઈ મોહમ્મદ બિન ઝાયેદ બિન સુલતાન અલ નહયનના હાથમાં આવી ગઈ.
તેમના વિશે કહેવાય છે કે તેઓ છેલ્લા કેટલાક દાયકાઓથી અમીરાતમાં વિદેશ નીતિનો પ્રમુખ ચહેરો રહ્યા હતા. હવે તેઓ દેશના રાષ્ટ્રપતિ બની ગયા છે.
શેખોના આ રાજવંશને તેમના દેશને કેવી રીતે કબાયલી રાજ્યમાંથી મધ્ય પૂર્વના સૌથી શક્તિશાળી દેશમાં તબદીલ કરવામાં કેવી રીતે સફળતા મળી?
યુએઈની રચના કેવી રીતે થઈ?
1960ના દાયકાના અંત સુધીમાં, બ્રિટને તેની હકૂમતમાંથી અરેબિયન દ્વીપકલ્પ છોડવાનું શરૂ કર્યું હતું. એક સદી પહેલાં અંગ્રેજો ત્યાં આવ્યા હતા ત્યારે કેટલાક લડાયક કબાયલીઓ પસાર થતા માલવાહક જહાજોને લૂંટી લેતા હતા. અંગ્રેજો તેમના પર નિયંત્રણ મેળવવા માટે જ ત્યાં આવ્યા હતા.
જો કે ત્યાં તેલના કૂવા મળી આવ્યા હતા, પરંતુ અંગ્રેજોએ ત્યાં રહેવામાં ફાયદા કરતાં વધુ જોખમ જોયું અને તેઓ દેશ છોડી ગયા.
મુખ્ય જોખમ, છ અમીરાત (દુબઈ, અબુ ધાબી, શારજાહ, અજમાન, ઉમ અલ ક્વૈન, ફુજૈરાહ)ના શેખ દ્વારા પરસ્પરની બાબતોના સમાધાન અને સંકલન માટે કાઉન્સિલની રચના કરવાનો નિર્ણય હતો.
ડિસેમ્બર 1971માં, આ તમામ છ અમીરાત એક થઈ ગયા અને એક નવા અર્ધ-સ્વાયત્ત દેશ, સંયુક્ત અરબ અમીરાતની રચના કરવામાં આવી.
થોડા મહિના પછી, અન્ય અમીરાત રાસ અલ ખૈમાહ પણ તેમની સાથે જોડાઈ ગયું, જે આજે પણ સંયુક્ત અરબ અમીરાતના નકશા પર હાજર છે.
અબુ ધાબીના તત્કાલીન અમીર, ઝાયેદ બિન સુલતાન અલ-નહયન (ખલીફાના પિતા અને મોહમ્મદ) દેશના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.
તેલની શોધ થઈ ગઈ હતી અને અર્થતંત્રમાં મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું અને પ્રજાના નાણામાં વધારો થવાની પ્રક્રિયા શરૂ થઈ.
આ પ્રક્રિયા પર્શિયન ગલ્ફના સુન્ની રાષ્ટ્રો (સાઉદી અરેબિયા, ઓમાન, કતાર, બહેરીન અને કુવૈત) જેવી જ હતી.
'ફ્રૉમ ડેઝોર્સ કિંગડમ ટુ ગ્લોબલ પાવર - ધ રાઇઝ ઑફ ધ અરબ ગલ્ફ'માં ઇતિહાસકાર રોરી મિલર દાવો કરે છે કે આ દેશોની અપાર આર્થિક સફળતા પાછળ તેલની કમાણીને વિવિધ હિસ્સેદારો વચ્ચે વહેંચવાની અને બચતને રિયલ ઍસ્ટેટ, આર્ટ અને સ્ટૉકમાં કન્વર્ટ કરવા જેવી સ્થાઈ મિલકતોની બચત કરવાની મજબૂત પ્રક્રિયા છે.
જેબલ અલી
ખાડીના અન્ય દેશોમાં, યુએઈ સૌથી વધુ વૃદ્ધિ અને સૌથી વધુ માથાદીઠ આવક સાથે ટૂંકા ગાળામાં ધનિક દેશ બનવામાં સફળ થયો છે.
તમામ અમીરાત માટે તેલ સરખી માત્રામાં ઉપલબ્ધ નહોતું અને તે અબુ ધાબીના વિકાસનું સૌથી મોટું વાહક બની ગયું છે, તેની તેલની સમૃદ્ધિ યુએઈના આર્થિક વિકાસ માટે સફળતાનું સૌથી મોટું શસ્ત્ર બની ગયું છે.
અર્ધ-સ્વાયત્ત અમીરાત હોવાને કારણે, આર્થિક અને વિકાસ યોજનાઓમાં ફેરફારો દ્વારા તેમને મજબૂત કરવાની ક્ષમતાએ તેમની અર્થવ્યવસ્થાના વિકાસમાં મોટી ભૂમિકા ભજવી હતી.
કેટલાક અમીરાતે પર્યટન પર ભાર મૂક્યો તો કેટલાકે વિદેશી મૂડીને આકર્ષિત કરવા માટે વ્યૂહરચના ઘડી હતી અને આ રીતે 1985માં દુબઈના બહારના ભાગમાં એક મુખ્ય વ્યાપારી બંદર અને વેપાર કેન્દ્ર જેબેલ અલી ફ્રી ટ્રેડ ઝોનની સ્થાપના કરવામાં આવી હતી.
તેની સ્થાપનાના લગભગ 40 વર્ષ પછી તે આજે પણ વિશ્વનો સૌથી મોટો ફ્રી ટ્રેડ વિસ્તાર છે.
આજે તેનો વિસ્તાર થઈને અનેકગણો બની ગયો છે. તે મધ્ય પૂર્વનું સૌથી મોટું બંદર છે. તે સતત 24 વર્ષ મધ્ય પૂર્વનું શ્રેષ્ઠ બંદર પણ રહ્યું છે.
પાણી, હવા અને જમીન માર્ગે જોડાયેલું આ બંદર આજે યુએઈની અર્થવ્યવસ્થામાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. વિદેશી માલિકો માટે ટૅક્સ મુક્તિ, કસ્ટમ ડ્યૂટીના લાભોની સુગમતા છે.
તે અમીરાતના સ્થાપક, ઝાયેદ બિન સુલતાન અલ-નહયનનું વિઝન હતું, જેણે 20મી સદીના અંત સુધીમાં તેમના દેશને વિશ્વના નકશા પર સ્થાન મેળવવા માટે સક્ષમ બનાવ્યું.
જોકે, ઘણા લોકો એ વાતે સહમત નથી કે નવી સદીનું વિઝન શેખ ખાલિદ અને તેના સાવકા ભાઈનું સર્જન છે.
નવી સદી - શેખે યુએઈના વિકાસ માટે શું કર્યું?
સંયુક્ત અરબ અમીરાતના નવા અને એકમાત્ર બીજા પ્રમુખ સામેનો સૌથી મોટો પડકાર એ હતો કે 2008માં દુબઈમાં સર્જાયેલી ભારે આર્થિક કટોકટીનો સામનો કેવી રીતે કરવો.
શેખે નિર્ણય લીધો અને અમીરાતમાં કરોડો ડૉલરનું બેલઆઉટ ફંડ (રાહત ભંડોળ) ઠાલવવામાં આવ્યું, જેના કારણે વિશ્વના સૌથી ઊંચા ટાવર, બુર્જ દુબઈનું નિર્માણ થયું, જેનું નામ બદલીને જાન્યુઆરી 2010માં સત્તાવાર ઉદઘાટન સમયે બુર્જ ખલીફા નામ આપવામાં આવ્યું.
તેમના નેતાઓએ તેલની સંપત્તિનો ઉપયોગ અહીંના સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્રોને આકર્ષવા અને વિદેશમાં તેમની છબી સુધારવા માટે પણ કર્યો હતો.
સરકારી હોય કે ખાનગી, અમીરાતના નાણાનું રોકાણ મોટી કંપનીઓ, મુખ્ય રિયલ ઍસ્ટેટ, નાણાકીય સંસ્થાઓ, મોટી બ્રાન્ડ્સ અને ફૂટબૉલ ક્લબ (જેમ કે માન્ચેસ્ટર સિટી)માં કરવામાં આવ્યું હતું.
અમીરાતે તાજેતરનાં વર્ષોમાં પશ્ચિમની કેટલીક સૌથી મોંઘી ઇમારતોના નિર્માણમાં પણ રોકાણ કર્યું છે.
શેખ ખલીફાએ તેલ પર આર્થિક વિકાસની નિર્ભરતા ઘટાડવા માટે અક્ષયઊર્જા સંશોધનમાં રોકાણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો.
જોકે, તેમણે નિકાસને ધ્યાનમાં રાખીને તેલ અને ગેસમાં રોકાણને પ્રોત્સાહન આપ્યું હતું. ગયા વર્ષે, યુએઈએ 2050 સુધીમાં નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય જાહેર કર્યું હતું.
સાથે જ તેમણે આ સમયગાળા દરમિયાન ઓછા કાર્બન ઉત્સર્જન ધરાવતું શહેર મસદર વિકસાવવાનું ચાલુ રાખ્યું છે.
માનવાધિકાર ભંગને લઈને ટીકા પણ થઈ
સરકારના ટીકાકારો કહે છે કે તેલથી થયેલો વિકાસ એવા સમાજનું નિર્માણ કરવામાં નિષ્ફળ ગયો છે જ્યાં માનવાધિકારોનું સન્માન કરવામાં આવે.
ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ યુએઈની તેના પ્રતિબંધનાત્મક સમાજ બદલ ટીકા કરી છે, ત્યાં પ્રેસ અથવા સમૂહો માટે કોઈ સ્વતંત્રતા નથી, અને વ્યવસ્થાના ટીકાકારોને જેલમાં ધકેલવામાં આવે છે અને ક્યારેક હત્યા પણ કરી દેવામાં આવે છે.
ઍમ્નેસ્ટીએ તેના 2021ના અહેવાલમાં લખ્યું છે કે અમીરાત સરકારમાં મનસ્વી ધરપકડ, જેલમાં અમાનવીય વ્યવહાર, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ગોપનીયતાના અધિકારના ઉલ્લંઘન સહિતના ગંભીર માનવાધિકાર ઉલ્લંઘનો ચાલુ છે.
જોકે તે મધ્ય પૂર્વમાં સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતો દેશ છે, પરંતુ સામાન્ય રીતે ત્યાં 20 હજારથી 1 લાખ લોકોને રાજ્યવિહોણા ગણવામાં આવે છે, જેના કારણે તેમને અમીરાતના લોકોને મળતા સ્વાસ્થ્ય, ઘર, શિક્ષણ, નોકરી જેવા અધિકારોથી વંચિત રહેવું પડે છે.
તાજેતરમાં, વિશ્વ ફલક પર યુએઈના પ્રભાવની સૌથી નોંધપાત્ર અસર શેખ ખલીફાના અવસાન પર જોવા મળી હતી.
યુએસએ ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસને તેમના અંતિમ સંસ્કાર માટે મોકલ્યા, તો ક્યૂબા અને ભારત જેવા દેશોએ સત્તાવાર શોક જાહેર કર્યો.
અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલ એ વિશ્વના સૌથી મોટા સૉવરેન વૅલ્થ ફંડમાં સ્થાન પામે છે. સૉવરેન વૅલ્થ ફંડ ઇન્સ્ટિટ્યૂટના અંદાજ મુજબ, તેમની પાસે 700 બિલિયન ડૉલરનું ભંડોળ છે.
મોહમ્મદ બિન ઝાયેદ બિન સુલતાન અલ નહયન તેમના ભાઈના મૃત્યુ પહેલાં તેમની આભાની પાછળ ઢંકાયેલા હતા, ત્યારથી તેમને અરબના નેતા તરીકે જોવામાં આવે છે જેમણે તેમના દેશના પ્રભાવને દૂરના દેશોમાં ફેલાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે.
યુનાઇટેડ અરબ અમીરાત યુરોપમાં પોતાની સેના મોકલનાર પ્રથમ આધુનિક અરબ દેશ છે. 1999માં, તેણે નાટોના સમર્થનમાં કોસોવોમાં તેની સેના મોકલી હતી.
ત્યારબાદ અફઘાનિસ્તાન આવ્યું - અમીરાતની સેનાએ ત્યાં નાટો સાથે કામ કર્યું, પછી ઇજિપ્તમાં મુસ્લિમ બ્રધરહુડને કચડી નાખવામાં ભૂમિકા ભજવી અને 2011માં મુઅમ્મર ગદ્દાફી સામેના મિશન પર લિબિયામાં તેના યુદ્ધ વિમાનો મોકલ્યા, આ દેશમાં યુએઈ સૈન્ય રૂપમાં સક્રિય રહ્યા છે.
થોડાં વર્ષો પછી, તે ઇસ્લામિક દેશ સીરિયામાં અમેરિકાની આગેવાની હેઠળના હવાઈ હુમલામાં જોડાયો અને તુર્કી સાથેના વ્યૂહાત્મક સંઘર્ષમાં સામેલ થયો જે સોમાલિયા, સુદાન, જિબૂતી અને સોમાલીલૅન્ડ સુધી પહોંચી ગયો.
એક વિવાદાસ્પદ નિર્ણયમાં, મોહમ્મદ બિન ઝાયેદ અલ-નહયને પણ નિર્ણય લીધો કે સાઉદીની આગેવાની હેઠળના યમન યુદ્ધમાં જોડાવું. તેણે પોતાની સેનાને બહેરીનમાં મોકલી અને કતાર અને ખાડીના અન્ય પડોશીઓ પર કેટલાક નિયંત્રણો લાદવાનો પણ નિર્ણય લીધો.
પરંતુ તે યમનના યુદ્ધમાં યુએઈને માનવ અધિકારોના ગંભીર ઉલ્લંઘનને લઈને વિશ્વ સ્તરે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યાં તેના સૈનિકો પર ઘણા માનવાધિકાર ઉલ્લંઘનનો સહિત સ્થાનિક ઉગ્રવાદી સંગઠન અલ-કાયદા સાથેના જોડાણનો પણ આરોપ લાગ્યો હતો.
આજે તે ગ્રીસ અને સાયપ્રસનો સાથી પણ છે. તેઓ તુર્કીના ઊર્જા સંબંધિત દાવાઓ સામે પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં ઇઝરાયેલ અને ઇજિપ્ત સાથે પણ કામ કરી રહ્યો છે.
આમ આજનો શકિતશાળી દેશ લગભગ 50 વર્ષ પહેલાં માત્ર થોડાં કબાયલી રાજ્યોને ભેગા કરીને બનાવવામાં આવ્યો હતો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો