You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભોપાલ ગૅસ દુર્ઘટના: 'એથીય મોટી દુર્ઘટના એ છે કે 39 વર્ષ પછી પણ વળતર માટે સંઘર્ષ કરવો પડે છે'
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા, ભોપાલથી
- વર્ષ 1984માં 2જી અને 3જી ડિસેમ્બરની રાત્રે યુનિયન કાર્બાઈડની ફેકટરીમાંથી લગભગ 40 ટન મિથાઈલ આયસોસાયનેટ ગૅસ લીક થયો હતો
- સરકારી આંકડા અનુસાર, આ અકસ્માતમાં મૃત્યુઆંક 5 હજાર 295 જેટલો હતો
- દુર્ઘટનાના 39 વર્ષ પછી આજે પણ મૃતકો અને પીડિતોની સંખ્યા અંગે વિવાદ ચાલી રહ્યો છે
- આ કારણે ભોપાલ ગૅસ દુર્ઘટનાના પીડિતો માટે અવાજ ઉઠાવનાર તમામ સંગઠનો ફરી આંદોલન કરવા જઈ રહ્યાં છે
- મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે અને ત્યાં તેની સુનાવણી 10 જાન્યુઆરીએ થવાની છે
- ભોપાલ ગૅસ પીડિત પેન્શનભોગી સંઘર્ષ મોરચા અનુસાર, સરકારે વર્ષ 1997માં જ મૃત્યુના દાવાઓની નોંધણી બંધ કરી દીધી હતી
- સંગઠનોનું કહેવું છે કે વાસ્તવિક મૃત્યુઆંક 25 હજાર જેટલો છે
- અનેક પીડિતોના બાળકો અને પૌત્રો જન્મજાત ખોડખાંપણ સાથે જન્મ્યા છે
- જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા એવા લોકો પણ છે જેમણે પોતાના પરિવારના મોટાભાગના સભ્યોને આ અકસ્માતમાં ગુમાવી દીધા છે
- સંગઠનનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલા આંકડા સરકારી રેકર્ડ સાથે પણ મેળ ખાતા નથી
વર્ષ 1984માં 2જી અને 3જી ડિસેમ્બરની રાત્રે યુનિયન કાર્બાઈડની ફેકટરીમાંથી લગભગ 40 ટન મિથાઈલ આયસોસાયનેટ ગૅસ લીક થવા લાગ્યો હતો.
ભોપાલ શહેરમાં અરાજકતા વ્યાપી ગઈ હતી, જોકે સૌથી વધુ અસર યુનિયન કાર્બાઈડ ફેકટરીની આસપાસના વિસ્તારોને થઈ હતી.
આ સમય દરમિયાન લોકો તેમના ઘરો અને શેરીઓમાં પત્તાની જેમ ટપોટપ પડી રહ્યાં હતાં.
સરકારી આંકડા અનુસાર, આ અકસ્માતમાં મૃત્યુઆંક 5 હજાર 295 જેટલો હતો.
જોકે દુર્ઘટનાના 39 વર્ષ પછી આજે પણ મૃતકો અને પીડિતોની સંખ્યા અંગે વિવાદ ચાલી રહ્યો છે. આ જ કારણ છે કે ભોપાલ ગૅસ દુર્ઘટનાના પીડિતો માટે અવાજ ઉઠાવનાર તમામ સંગઠનો ફરી આંદોલન કરવા જઈ રહ્યા છે.
આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે અને ત્યાં તેની સુનાવણી 10 જાન્યુઆરીએ થવાની છે.
ભારતની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટના ભોપાલ ગૅસ દુર્ઘટનાના પીડિતો માટે ન્યાયનો માર્ગ લાંબો પણ છે અને મુશ્કેલીઓથી ભરેલો પણ છે.
ભોપાલ ગૅસ પીડિત પેન્શનભોગી સંઘર્ષ મોરચાના પ્રમુખ બાલકૃષ્ણ નામદેવના જણાવ્યા અનુસાર, સરકારે વર્ષ 1997માં જ મૃત્યુના દાવાઓની નોંધણી બંધ કરી દીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનું કહેવું છે કે સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા આંકડા ખોટા છે અને તમામ સંગઠનોને ફરી આંદોલન કરવાની ફરજ પડી છે.
કેટલા લોકો મૃત્યુ પામ્યા
ગૅસ પીડિતોના તમામ સંગઠનોની મહિલાઓએ ભોપાલમાં પાણી વગરનાં ઉપવાસ શરૂ કરી દીધાં હતાં, પરંતુ રાજ્યના આરોગ્યમંત્રી વિશ્વાસ સારંગે દરમિયાનગીરી કરીને ખાતરી આપી હતી કે સરકાર સુપ્રીમ કોર્ટમાં સાચા આંકડા રજૂ કરશે.
મંત્રીના આશ્વાસન બાદ ઉપવાસ આંદોલન બંધ થયું, પરંતુ યાદવ કહે છે કે, “સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે અકસ્માતમાં માત્ર 5 હજાર 295 લોકોના જ મોત થયા છે.”
"સત્તાવાર રેકૉર્ડ સ્પષ્ટપણે દર્શાવે છે કે 1997 પછીથી હજારો લોકો આપત્તિને કારણે થયેલી બીમારીઓથી મૃત્યુ પામ્યા છે અને વાસ્તવિક મૃત્યુઆંક 25 હજાર જેટલો છે."
આંદોલન કરી રહેલા સંગઠનોને આશંકા છે કે જો કેન્દ્ર અને રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં ટૂંક સમયમાં સુનાવણી થનારી 'સુધારા અરજી' એટલે કે 'ક્યુરેટિવ પિટિશન'માં મૃત્યુ અને અસરગ્રસ્ત લોકોના આંકડામાં સુધારો નહીં કરે તો પીડિતોને ફરી એકવાર નુકસાન થશે અને તેઓ યુનિયન કાર્બાઇડ અને તેમના માલિક 'ડાઉ કેમિકલ' તરફથી યોગ્ય વળતરથી વંચિત રહી જશે.
25 હજારનું વળતર મળ્યું
રશીદા બી ભોપાલ ગૅસ પીડિત મહિલા સ્ટેશનરી કર્મચારી સંઘના પ્રમુખ છે. તેમની સંસ્થા લાંબા સમયથી ગૅસ પીડિતો વચ્ચે કામ કરી રહી છે.
તેઓ કહે છે કે તે લાંબા સમયથી ગૅસજન્ય જીવલેણ રોગોથી પીડિત જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે. આમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેમણે પોતાના પરિવારના મોટાભાગના સભ્યોને આ અકસ્માતમાં ગુમાવી દીધા છે.
રશીદા બી કહે છે કે અનેક પીડિતોનાં બાળકો અને પૌત્રો જન્મજાત ખોડખાંપણ સાથે જન્મ્યાં છે.
'કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ'
ગૅસ પીડિતો વચ્ચે કામ કરતી સંસ્થા ભોપાલ ગ્રુપ ફૉર ઇન્ફૉર્મેશન ઍન્ડ એક્શનનાં રચના ઢીંગરા બીબીસી સાથે વાત કરતા આરોપ લગાવી રહ્યાં છે કે વિશ્વની સૌથી ખરાબ ઔદ્યોગિક દુર્ઘટના અંગે દેશની સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરવાનું ષડ્યંત્ર રચાઈ રહ્યું છે.
ઢીંગરાનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલા આંકડા સરકારી રેકર્ડ સાથે પણ મેળ ખાતા નથી.
મધ્ય પ્રદેશ સરકાર અને આઈજીએમઆર (ઈન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચ)ના અહેવાલને ટાંકીને તેમણે કહ્યું કે મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ વર્ષ 2010માં તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહને પત્ર લખીને ગૅસ દુર્ઘટનામાં મરેલાં અને તેનાથી પીડિત લોકોના આંકડા સામે વાંધો ઉઠાવ્યો હતો.
શિવરાજસિંહ ચૌહાણનો એ પત્ર
તેમણે બીબીસી સાથે એ પત્ર પણ શેર કર્યો જેમાં મુખ્ય મંત્રી શિવરાજસિંહે તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહને સીબીઆઈને તપાસ સોંપવા કહ્યું હતું.
તેમણે લખ્યું હતું, "ભોપાલ ગૅસ લીક ડિઝાસ્ટર (દાવાઓની પ્રક્રિયા) અધિનિયમ, 1985 એ વળતર સંબંધિત તમામ અધિકારો સુરક્ષિત કરી લીધા હતા. ભારત સરકારના સ્તરે ગૃહમંત્રી પી. ચિદમ્બરમની અધ્યક્ષતામાં મંત્રીઓના જૂથની રચના કરવામાં આવી હતી."
મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ પોતાના પત્રમાં એ મુદ્દો ઉઠાવ્યો હતો કે '10 હજાર 47 લોકો ગૅસ પીડિત છે જે વાસ્તવમાં મૃતકની શ્રેણીમાં છે, પરંતુ મંત્રીઓના જૂથ અને કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા એ મૃતકોના પરિવારનો એક્સ-ગ્રેશિયાની રકમના વિતરણ માટેના માપદંડોમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો.’
મુખ્ય મંત્રીએ તત્કાલીન વડા પ્રધાનને કહ્યું હતું કે, "મારી તમને નમ્ર અપીલ છે કે મૃત્યુ શ્રેણીમાં દાવાઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેમાં મૃત વ્યક્તિને કાયમી અને આંશિક વિકલાંગતાની શ્રેણીમાં ગણવામાં આવે છે."
"એ જ પ્રકારે, અન્ય કેટલાક કિસ્સાઓમાં ગૅસની અસરને મૃત્યુનું કારણ ન માનતાં તેમને સામાન્ય શ્રેણીમાં ગણવામાં આવ્યાં છે. આ વર્ગીકરણ વાજબી લાગતું નથી."
વળતરની માંગ
તેમણે આગળ લખ્યું છે, "તેથી, 10 હજાર 47 કેસોને મૃતક શ્રેણીમાં માનીને તેમને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે જેથી ગૅસ દુર્ઘટનામાં મૃતકોના કુલ 15 હજાર 342 કેસોમાં આશ્રિતોને ન્યાય મળી શકે."
"આ સિવાય, વાસ્તવમાં આંશિક ગૅસ પીડિતોની શ્રેણીમાં આવતાં 5 લાખ 21 હજાર 332 વ્યક્તિઓને વધારાનું વળતર આપવાં માટે કોઈ ભલામણ કરવામાં આવી નથી. આ કેસોને પણ યોગ્ય રીતે ધ્યાનમાં લેવા જોઈએ જેથી ગૅસ પીડિતોને ન્યાય મળી શકે."
ગૅસ પીડિત મહિલા પુરૂષ સંઘર્ષ મોરચાનાં શહઝાદી બી કહે છે કે આંદોલન કરીને તેઓ માત્ર મુખ્ય મંત્રીને યાદ કરાવવા માગે છે કે તેમણે 12 વર્ષ પહેલા શું કહ્યું હતું.
રશીદા બી કહે છે કે સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ હૉસ્પિટલનો રેકર્ડ અને શોધખોળનાં આંકડા પણ રજૂ કર્યા નથી.
તેમણે કહ્યું, "સત્તાવાર રેકર્ડ બતાવે છે કે ગૅસથી પ્રભાવિત 95% લોકો એવા હતા જેમને કૅન્સર થયું હતું અને 97% જીવલેણ કિડની રોગોથી પીડિત હતાં. તેઓને અસ્થાયી ઇજાગ્રસ્ત તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા."
હવે મધ્યપ્રદેશના આરોગ્ય મંત્રી વિશ્વાસ સારંગે સંગઠનોને આશ્વાસન આપ્યું છે, પરંતુ તેમનું કહેવું છે કે જો સરકાર સુપ્રીમ કોર્ટ સમક્ષ વાસ્તવિક આંકડા રજૂ નહીં કરે તો ગૅસ પીડિતોએ તેમના આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ફરજ પડશે.