ભોપાલ ગૅસ દુર્ઘટના : ‘ગુનેગાર’ એન્ડરસન અમેરિકા કેવી રીતે પહોંચી ગયો?

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

6 ડિસેમ્બર, 1984ના રોજ સાંજે પાંચ વાગ્યે જ્યારે સાંતાક્રૂઝ હવાઈમથકે એક ગલ્ફ સ્ટ્રીમ ટ્વિન જેટ વિમાન લૅન્ડ થયું ત્યારે કોઈનું તેના પર વધારે ધ્યાન નહોતું ગયું.

વિમાનની વિંડ સ્ક્રીન પર મોટા મોટા અક્ષરોમાં ત્રણ શબ્દ લખેલા હતા – યુસીસી એટલે કે યુનિયન કાર્બાઇડ કૉર્પોરેશન.

આ એ જ અમેરિકન કંપની હતી જેના ભોપાલ યુનિટમાં ત્રણ દિવસ પહેલા વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટના બની હતી જેમાં ત્રણ હજાર કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

24 કલાકની ફ્લાઇટ બાદ વિમાનમાંથી ઊતરી રહેલા યુનિયન કાર્બાઇડના અધ્યક્ષ વૉરેન એન્ડરસન ઘણા થાકેલા હોય એવું લાગી રહ્યું હતું.

એ સમયે તેમને શરદી થઈ હતી. તેમણે બૉમ્બેના તે સમયની બહેતરીન હોટલ તાજમહલ હોટલમાં ચેક ઇન કર્યું હતું. જ્યાં તેમના માટે પહેલાંથી જ એક સ્વીટ રિઝર્વ્ડ હતો.

એન્ડરસનની યુનિયન કાર્બાઇડ ગેસ્ટ હાઉસમાં ધરપકડ

બીજા દિવસે સવારે જ એન્ડરસન અને તેમના બે સાથીદારો ઇન્ડિયન ઍરલાઇન્સની એક નિયમિત ફ્લાઇટથી ભોપાલ રવાના થઈ ગયા હતા.

જ્યારે તેમનું વિમાન ભોપાલ હવાઈમથક પર ઊતરી રહ્યું હતું ત્યારે તેમણે બારીના કાચમાંથી જોયું કે પોલીસકર્મીઓનું એક મોટું જૂથ ત્યાં ઊભું હતું.

જેવું વિમાન રોકાયું કૅબિન એડ્રેસ સિસ્ટમ પર જાહેરાત થઈ, “મિસ્ટર એન્ડરસન, મિસ્ટર મહિન્દ્રા ઍન્ડ મિસ્ટર ગોખલે આર ઇનવાઇટેડ ટૂ લીવ ધ ઍરક્રાફ્ટ ફર્સ્ટ.”

ભોપાલના પોલીસપ્રમુખ સ્વરાજ પુરીએ વિમાનની સીડીઓની સામે ગરમજોશી સાથે હસ્તધૂનન કરી આગંતુકોનું સ્વાગત કર્યું.

વિમાનથી દસ ફૂટ દૂર એક એમ્બેસડર કાર ઊભી હતી. એન્ડરસન કારની પાછલી સીટ પર બેઠા અને સેકંડોમાં કાર પૂરપાટ ઝડપે દોડવા લાગી.

કાર હવાઈમથકના સર્વિસ ગેટથી બહાર નીકળી જેથી આગંતુક હૉલમાં રાહ જોઈ રહેલા પત્રકારોને એન્ડરસનના ભોપાલ આગમનની જાણ ન થાય.

તેની પાછળ વધુ એક કાર ચાલી રહી હતી જેમાં પોલીસપ્રમુખ અને જિલ્લા કલેક્ટર સવાર હતા.

કાર શામલા હિલ્સની તરફ વળીને યુનિયન કાર્બાઇડના શાનદાર ગેસ્ટ હાઉસના ગેટમાં દાખલ થઈ.

જેવી કાર રોકાઈ ત્યાં પહેલાંથી જ હાજર પોલીસ ઑફિસરે આગળ આવીને એન્ડરસનને સેલ્યૂટ કર્યુ અને કહ્યું, “મને અત્યંત દુ:ખ સાથે જણાવવું પડે છ કે આપ ત્રણેયની ધરપકડ કરાઈ રહી છે.”

ફોન કરવાની મંજૂરી નહીં

એન્ડરસન આ સાંભળીને નિ:શબ્દ બની ગયા. પોલીસ ઑફિસરે આગળ કહ્યું, “અમે આ પગલું તમારી સુરક્ષા માટે જ લીધું છે. તમે તમારા રૂમની અંદર જે કરવા માગો તે કરી શકો છો. પરંતુ તમને બહાર જવાની, ફોન કરવાની અને લોકો સાથે મળવાની પરવાનગી નહીં હોય.”

હજુ આ વાત થઈ જ રહી હતી કે જિલ્લા કલેક્ટર અને પોલીસપ્રમુખ પણ ત્યાં પહોંચી ગયા. તેમની સાથે કાળો ગાઉન પહેરીને એક મૅજિસ્ટ્રેટ પણ આવ્યા હતા.

તેમણે વૉરેન એન્ડરસનને સૂચિત કર્યા હતા કે તેમની ઉપર કલમ 92, 120 બી, 278, 304, 426 અને 429 અંતર્ગત ઇરાદા વગર હત્યાનો મામલો દાખલ કરાયો છે.

વૉરેન એન્ડરસનની ઘરપકડની ખબર વિશ્વના એક ખૂણાથી બીજે ખૂણે ઝડપથી પ્રસરી ગઈ.

એવું કદાચ પહેલી વાર બન્યું હતું કે કોઈ ત્રીજા વિશ્વના દેશે પશ્ચિમના સૌથી તાકતવર CEOની ધરપકડ કરી હતી.

અર્જુન સિંહના લેખિત આદેશ

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અર્જુન સિંહે પોતાની આત્મકથા, ‘ધ ગ્રેન ઑફ સેંડ ઇન ધ હાવરગ્લાસ ઑફ ટાઇમ’માં લખ્યું છે – જેવી મને ખબર પડી કે એન્ડરસને ભોપાલ આવવાના છે, મેં નક્કી કરી લીધું કે હું તેમની ધરપકડ કરાવીશ. પરતું જ્યારે મેં આ વાત મુખ્ય સચિવ બ્રહ્મ સ્વરૂપને કરી તો તેમણે સલાહ આપી કે હું એન્ડરસનને ભોપાલ પહોંચવા જ ન દઉં.

પરંતુ ત્યાં સુધી આવું કરવા માટે મોડું થઈ ચૂક્યું હતું. અર્જુન સિંહ એવું પણ લખે છે કે તેમણે ભોપાલના જિલ્લા કલેક્ટર મોતી સિંહ અને પોલીસ અધિક્ષક સ્વરાજ પુરીને બોલાવીને એન્ડરસન, કેશબ મહેંદ્રા અને વિજય ગોખલેની ધરપકડનો લેખિત આદેશ આપ્યો હતો.

તેમણે ભોપાલ હવાઈમથકના ઇન્ચાર્જ એ. કે. ખુરાનાને પણ એવો સંદેશ મોકલાવ્યો હતો કે જ્યાં સુધી જિલ્લા કલેક્ટર અને એસ. પી. એન્ડરસનની ધરપકડ કરવા માટે હવાઈમથક પર ન પહોંચી જાય ત્યા સુધી તેઓ એન્ડરસનના વિમાનને હવાઈમથક પર ઊતરવાની પરવાનગી ન આપે.

રાજ્ય સરકારના વિમાનથી એન્ડરસને દિલ્હી પહોંચ્યા

પરંતુ બીજા દિવસે જ ભોપાલના એસ. પી. સ્વરાજ પુરીએ આવીને વૉરેન એન્ડરસને જણાવ્યું કે તેમને તરત છોડવામાં આવી રહ્યા છે, પરંતુ તેમના ભારતીય સાથીદારોને બાદમાં છોડી મુકાશે.

પુરીએ કહ્યું, “મધ્ય પ્રદેશ સરકારનું એક વિમાન તમને દિલ્હી લઈ જવા માટે તૈયાર ઊભું છે. ત્યાંથી આપ પોતાના વિમાનમાં સુરક્ષિત અમેરિકા જઈ શકો છો.”

આખરે 24 કલાકમાં એવું તો શું થયું કે મધ્ય પ્રદેશ સરકારે એન્ડરસનની ધરપકડ બાદ પોતાનો નિર્ણય બદલવો પડ્યો.

અર્જુન સિંહ પોતાની આત્મકથામાં લખે છે, “મારી પાસે બ્રહ્મ સ્વરૂપનો વાયરલેસ આવ્યો કે ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ ઉચ્ચાધિકારીએ મને વારંવાર ફોન કરીને કહ્યું કે હું સુનિશ્ચિત કરું કે એન્ડરસનને જામીન મળી જાય. ત્યાર બાદ અમને નિર્દેશ મળ્યા કે અમે તેમને સરકારી વિમાનમાં દિલ્હી મોકલી આપીએ.”

આર. ડી. પ્રધાનનું ખંડન

અર્જુન સિંહ આગળ લખે છે, “બાદમાં મને ખબર પડી કે ગૃહસચિવ આર. ડી. પ્રધાને તત્કાલીન ગૃહમંત્રી પી. વી. નરસિમ્હા રાવના કહેવા પર બ્રહ્મ સ્વરૂપને વૉરેન એન્ડરસનની મુક્તિ અંગે ફોન કર્યા હતા.”

પરંતુ બાદમાં આર. ડી. પ્રધાને આ વાતનું જોરદાર ખંડન કરતાં કહ્યું હતું કે આવું કરવાનો પ્રશ્ન નથી ઊભો થતો કારણ કે ડિસેમ્બર, 1984માં તો તેઓ મહારાષ્ટ્રના મુખ્ય સચિવ હતા અને જાન્યુઆરી, 1985માં તેમણે કેન્દ્રીય ગૃહસચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

બાદમાં ભોપાલના તત્કાલીન જિલ્લા કલેક્ટર મોતી સિંહ પણ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે એન્ડરસને પોતાના રૂમના ફોનનો ઉપયોગ કરીને અમેરિકાની સરકારમાં પોતાના મિત્રો સાથે સંપર્ક કર્યો અને તેમને ભારત સરકાર પર પોતાના છૂટકારા માટે દબાણ કરવાનું કહ્યું.

બાદમાં ખબર પડી કે અર્જુન સિંહે એન્ડરસનની ધરપકડ કરતા પહેલાં રાજીવ ગાંધી સાથે સલાહ-મસલત નહોતી કરી.

પરંતુ ધરપકડ બાદ રાજીવ ગાંધીના નિકટના અરુણ નહેરુએ અર્જુન સિંહને ફોન કરીને કહ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ રોનલ્ડ રીગને રાજીવ ગાંધીને ફોન કરીને એન્ડરસનને મુક્ત કરવાનો અનુરોધ કર્યો હતો.

એન્ડરસનનું વિમાન હવે ભારતમાં નહીં

જે સરકારી વિમાનથી 7 ડિસેમ્બર, 1984ના રોજ એન્ડરસનને દિલ્હી લાવવામાં આવ્યા હતા, તેની લૉગ બુકમાં લખાયું હતું કે, “આ ઉડાણની મંજૂરી મુખ્ય મંત્રીએ આપી છે.”

બાદમાં વિમાનના પાઇલટ કૅપ્ટન સૈયદ હાફિઝ અલીએ એન્ડરસનના ભારતમાંથી જવાની તપાસ માટે બનાવાયેલ ન્યાયાધીશ એસ. સી. કોચર પંચને જણાવ્યું હતું કે તેમને VIP યાત્રીને દિલ્હી લઈ જવાનો આદેશ રાજ્યના ઉડ્ડયન નિદેશક કૅપ્ટન આર. સી. સોંધી પાસેથી મળ્યો હતો.

દિલ્હી પહોંચ્યા બાદ તેમને ખબર પડી હતી કે તેમના વિમાનથી દિલ્હી આવનાર અન્ય કોઈ નહીં પણ વૉરેન એન્ડરસન જ હતા. હવે એ વિમાનની લૉગ બુક ભારતમાં ઉપલબ્ધ નથી કારણ કે મધ્ય પ્રદેશ સરકારે 1998માં તે વિમાન પૂર્વ કેન્દ્રીય મંત્રી કમલનાથના દીકરાની કંપની સ્પાન ઍર પ્રાઇવેટ લિમિટેડને વેચી દીધું હતું.

બાદમાં તે કંપનીએ તે અન્ય એક વિદેશી કંપનીને વેચી દીધી હતી.

મુક્તિ માટે અમેરિકાનું દબાણ

‘ધ પ્રિન્ટ’ના વર્તમાન સંપાદક પ્રણવ ઢાલ સામંતાએ ઘણી શોધ કર્યા બાદ ઇન્ડિયન એક્સપ્રેસમાં લખ્યું હતું, “અર્જુન સિંહ રાજીવ ગાંધીના આદેશોનું પાલન કરી રહ્યા હતા. જ્યારે રાજીવ પર અમેરિકાના ઉચ્ચતમ સ્તરના પદ પર બેઠેલા લોકો દબાણ કરી રહ્યા હતા.”

એક વાગ્યાની આસપાસ અર્જુન સિંહે બ્રહ્મ સ્વરૂપને તાજેતરની સ્થિતિ જાણવા માટે ફોન કર્યો. સ્વરૂપે બાદમાં પોતાના મિત્રોને જણાવ્યું કે “અર્જુન સિંહ આદેશનું પાલન કરવા પર ભાર આપી રહ્યા હતા કારણ કે તેમણે રાજીવ ગાંધીને રિપોર્ટ મોકલવાનો હતો કે કામ પૂરું થઈ ગયું છે.”

એન્ડરસન ક્યારેય ભારત પરત ન ફર્યા

મીડિયાને તરત એ વાતની ખબર નહોતી પડી શકે કે એન્ડરસન ભોપાલથી દિલ્હી જવા માટે રવાના થઈ ગયા છે. છ વાગ્યની આસપાસ બીબીસીએ પહેલી વાર આ ખબર બ્રેક કરી હતી.

પ્રત્યક્ષદર્શી જણાવે છે કે વિમાન પર ચઢતાં પહેલાં એન્ડરસનને અમુક કાગળો પર હસ્તાક્ષર કરવાનું કહેવાયું હતું. જ્યારે તેમણે એ કાગળ વાંચ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમની સ્થાનિક ઑફિસે તેમના જામીન માટે 25 હજાર રૂપિયા ચૂકવ્યા હતા.

દિલ્હીમાં અમેરિકા જવા માટે જ્યારે તેઓ પોતાના વિમાન પર ચઢવાના હતા ત્યારે એક પત્રકારે તેમને પૂછ્યું હતું કે, “શું આપ કાયદાનો સામનો કરવા માટે ભવિષ્યમાં ભારત આવવા માટે તૈયાર થશો?”

આ સાંભળીને તેમના ચહેરો પીળો પડી ગયો, પરંતુ તેમણે પોતાની જાતને સ્વસ્થ કરતાં જવાબ આપ્યો કે, “જ્યારે કાયદાને જરૂર હશે, હું જરૂર ભારત પરત ફરીશ.”

વૉરેન એન્ડરસને પોતાનો આ વાયદો ક્યારેય પૂરો ન કર્યો

વર્ષ 1987માં તેમની વિરુદ્ધ એક ધરપકડ વૉરંટ જારી કરાયું, પરંતુ અમેરિકાએ ભારતમાં તેમના પ્રત્યર્પણ માટે સહયોગ ન કર્યો.

29 સપ્ટેમ્બર, 2014ના રોજ વીરો બીચી, ફ્લૉરિડામાં 93 વર્ષની વયે વૉરેન એન્ડરસનનું નિધન થઈ ગયું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો