You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : 'સાડી છ મિનિટમાં દીકરીનું ખૂન', ખુદ માતાએ જ ત્રીજા માળેથી દીકરીને કેમ ફેંકી દીધી?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- 23 વર્ષના ફરઝાબાનુ હૉસ્પિટલના સીસીટીવી કૅમેરાના આધારે પકડાઈ ગયાં છે
- ફરઝાનાબાનુની દીકરી જન્મ પછી બીમારીથી પીડાતી હતી
- શું છે સમગ્ર ઘટના?
આણંદના રાવલી ગામમાં રહેતાં ફરઝાબાનુ મલેકે પોતાની બે મહિનાની બીમાર દીકરીને અમદાવાદની સિવિલ હૉસ્પિટલના ત્રીજા માળેથી ફેંકી દીધી હોવાની ઘટના ઘટી છે. 23 વર્ષનાં ફરઝાનાબાનુ હૉસ્પિટલના સીસીટીવી કૅમેરાના આધારે પકડાઈ ગયાં છે.
ઝાઝું નહીં ભણેલાં ફરઝાનાબાનુની દીકરી ગર્ભનાળ ખોટી રીતે વીંટળાઈ હોવાથી બીમાર રહેતી હતી અને એનો જન્મ થયો ત્યારથી જ એની સારવાર ચાલી રહી હતી. વડોદરાની હૉસ્પિટલ સારવાર કરાયા બાદ વધુ સારવાર માટે તેઓ બાળકીને અમદાવાદની સિવિલ હૉસ્પિટલ લાવ્યાં હતાં.
ઘરની આર્થિક હાલત તંગ હતી અને દીકરીને આજીવન શારીરિક ખામી રહેવાની આશંકા હતી. એવામાં એમણે આ પગલું ભર્યું.
પતિનું શું કહેવું છે?
અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમારી પાસે આ બાળક ગંભીર હાલતમાં આવ્યું હતું, એટલે અમે ઇમર્જન્સી વૉર્ડમાં બાળકને રાખ્યું હતું. તેની તબિયત સુધારા પર હતી. આ ઘટનાની અમે પોલીસને જાણ કરી છે, જેના આધારે પોલીસે માતાની ધરપકડ કરી છે.”
ફરઝાનાબાનુ સામે પોલીસ ફરિયાદ નોંધાવનાર તેમના પતિ આસિફ મલિકે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું :
"ઉત્તરસંડામાં ચરોતર આરોગ્યમંડળમાં મારી પત્નીએ એક દીકરીને જન્મ આપ્યો હતો. ગર્ભનાળની સમસ્યાને કારણે દીકરી બીમાર રહેતી હતી એટલે ડૉક્ટરની સલાહ મુજબ અમે તેને વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેની 24 દિવસ સારવાર થઈ અને ઑપરેશન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 14 ડિસેમ્બરે ડૂંટીના ભાગમાંથી આંતરડાં બહાર આવતાં સારવાર માટે અમે અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં લઈ આવ્યાં હતાં."
તેમણે વધુમાં જણાવ્યું, "સિવિલ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન 31મી ડિસેમ્બરે સવારે લગભગ સાડા ચાર વાગ્યે હું ઇમર્જન્સી વૉર્ડની બહાર સૂતો હતો એ વખતે મારી પત્નીએ આવીને જાણ કરી કે કોઈ બાળકીને ઉઠાવી ગયું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'સાડી છ મિનિટમાં દીકરીનું ખૂન'
"અમે શોધખોળ કરી પણ દીકરી ન મળી એટલે મેં પોલીસને ફોન કર્યો અને પોલીસે જ્યારે સીસીટીવી ફુટેજ જોયાં ત્યારે મારી પત્ની હૉસ્પિટલની લોબીમાંથી દીકરીને ફેંકી ખાલી હાથે પોતાના વૉર્ડમાં પાછી ફરતી દેખાઈ.”
"માત્ર સાડી છ મિનિટમાં દીકરીનું ખૂન કર્યાં પછી એ કહે છે કે કોઈ દીકરીને ચોરી ગયું. સીસીટીવી થકી વાત બહાર આવતાં એણે કબૂલ્યું કે ‘દીકરી અમરીના જન્મથી બીમાર રહેતી હોવાને કારણે એ કંટાળી ગઈ હતી. એટલે એનાથી કાયમી છુટકારો મેળવવા તેને ત્રીજા માળેથી નીચે ફેંકી દીધી હતી.'"
અમદાવાદ એફ.ડિવિઝનના ACP પિરોજીયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, નવા વર્ષની વહેલી સવારે અમારી પર ફોન આવ્યો કે આણંદથી સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં આવેલાં દંપતીનું બાળક ચોરાઈ ગયું છે.”
“પોલીસે તપાસ શરૂ કરી ત્યારે પ્રાથમિક તપાસમાં બાળક ચોરાયાનું જણાયું નહોતું. અમે સીસીટીવી ચેક કર્યા તો તેમાં બાળકની માતા ફરઝાનાબહેન પહેલાં હૉસ્પિટલમાં બાળક પાસે જઈને કોઈ હાજર છે કે નહીં એ જુએ છે. અને બાદમાં હૉસ્પિટલના વૉર્ડમાંથી જ બાળક લઈને આવે છે. બાળકને બારીમાંથી નીચે ફેંકી દે છે અને પોતાના વૉર્ડમાં પરત જતી રહે છે. અમે તેમની કડક પૂછપરછ કરી ત્યારે તેણે કબૂલ્યું કે તેણે જ બાળકને ત્રીજે માળથી નીચે ફેંકી દીધું હતું.”
એક મા આવું પગલું કેમ ભરે?
પોલીસ કસ્ટડીમાં રહેલાં ફરઝાબાનુંનું કાઉન્સિલિંગ કરનાર અભયમ ટિમનાં કાઉન્સિલર નેહા શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “ફરઝાબાનુંના પિતા મજૂરી કરે છે. તેમના પતિ એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કૉન્ટ્રેકટ પર નોકરી કરે છે. એક વર્ષ પહેલા તેમનાં લગ્ન થયાં હતાં અને એમની ઈચ્છા દીકરાની હતી પણ દીકરી અવતરી હતી.”
ફરઝાનાના પિતા ઝહીર મલિકે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “મારી દીકરી માત્ર 23 વર્ષની છે, એ લગ્ન જીવનથી સુખી હતી. દીકરીના જન્મ પછી પણ એ ખુશ હતી.”
“દીકરી બીમાર રહેતી હોવાથી એને દરગાહમાં મન્નત પણ માની હતી. આમ શાંત સ્વાભાવની છે, પણ એને કેમ આવું પગલું ભર્યું અને મારી નવાસીને મારી નાખી એ મને સમજાતું નથી.”
આ અંગે જાણીતા મનોચિકિત્સક ડૉક્ટર પી.સી. રાવલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “આ મહિલાનો ઉછેર ગરીબ કુટુંબમાં થયો છે, આ ઉપરાંત શિક્ષણનું પ્રમાણ ઓછું છે.”
“ઘરેલુ વાતાવરણમાં રહેવાના કારણે આવી સ્ત્રીઓ એવું માને છે કે, જો બાળક મહિલા હોય અને જન્મથી કોઈ ખોડ ખાંપણ હોય તો તેને ભવિષ્યમાં મુશ્કેલી પડશે. આવાં લોકો અત્યંત સંવેદનશીલ હોય છે અને સતત આવા વિચારોના કારણે 'હાઇપોથાઈમિયા' રોગથી પીડાય છે. સમય જતાં ડિપ્રેશનથી પીડાય છે અને એવા નૅગેટિવ વિચારોના કારણે આવાં પગલાં ભરી લે છે.”