You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુંબઈ : "માતાનાં શરીરના ટુકડાની દુર્ગંધથી બચવા છોકરી 100-200 પર્ફ્યુમ લગાવતી"
હકીકત બહાર આવી છે કે મુંબઈના લાલબાગ વિસ્તારમાં એક યુવતીએ તેમની 55 વર્ષીય સગી માતાની હત્યા કરી હતી અને ઇલેક્ટ્રિક માર્બલ કટરથી શરીરના ટુકડા કરી નાખ્યા હતા, પોલીસને શંકા છે કે હત્યા મામૂલી મતભેદને કારણે થઈ હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રસપ્રદ વાત એ છે કે હત્યાના બેથી ત્રણ મહિના બાદ પોલીસે ઘરમાંથી જ મહિલાની લાશના ટુકડા કબજે કર્યા હતા. કાલાચોકી પોલીસે આ કેસમાં મૃતક મહિલાની દીકરી 24 વર્ષીય રિંપલ જૈનની ધરપકડ કરી છે.
મૃતક વીણા જૈનના પડોશીઓએ તેમના ભાઈ 60 વર્ષીય સુરેશકુમાર પોરવાલને જણાવ્યું હતું કે તેમનાં બહેન છેલ્લા ઘણા દિવસોથી ગુમ છે.
મંગળવારે પોરવાલનાં પુત્રી વીણા જૈનને તેમના માસિક ખર્ચના નાણાં આપવા ઈબ્રાહીમ કાસમ ચાલીમાં ઘરે આવ્યાં હતાં, પરંતુ રિમ્પલ તેમને ઘરે લઈ ગઈ ન હતી. ત્યાર બાદ સુરેશ પોરવાલ આવ્યા ત્યારે તેમને પણ ઘરે ન લઈ જવામાં આવતા શંકા ગઈ. તેમણે દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો, પરંતુ વીણા ન દેખાયા અને ઘરમાંથી ખરાબ વાસ આવતી હતી. આ સાથે તેમની શંકા વધી ગઈ હતી.
તેઓ સીધા જ કાલાચોકી પોલીસ સ્ટેશને પહોંચ્યા અને વિના વિલંબે પોલીસે તેમની લાપતાની ફરિયાદ નોંધી લીધી અને ઘરની તપાસ કરતાં ઘરમાં અલગ-અલગ જગ્યાએ પ્લાસ્ટિકની થેલીઓમાં લપેટેલા શરીરનાં અંગો મળી આવ્યાં.
મૃતક વીણાના શરીરથી તેમનાં હાથ અને પગ અલગ કરી દેવામાં આવ્યાં હતાં, ધડને પ્લાસ્ટિકની થેલીઓમાં લપેટીને એક અલમારીમાં રાખવામાં આવ્યું હતું જ્યારે હાથ અને પગ સ્ટીલની ટાંકીમાંથી મળી આવ્યા હતા. ટુકડાઓ પર ફૂગ લાગી ગઈ હતી અને આ અંગો દુર્ગંધ મારતા હતાં.
પોલીસે તત્કાલ તબીબો અને અન્ય નિષ્ણાતોની ટીમને સ્થળ પર બોલાવી અને મૃતક મહિલાના ભાઈની ફરિયાદ પર કેસ નોંધ્યા બાદ રિંપલની ધરપકડ કરી. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, નજીવી તકરારને કારણે હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
કાલાચોકી પોલીસ હાલમાં માતા અને તેમની પુત્રી વચ્ચેના વિવાદના ચોક્કસ કારણની તપાસ કરી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું થયું હતું?
15 માર્ચે પોલીસે રિંપલ જૈનની અટકાયત કરી હતી જે ત્રણ મહિનાથી મુંબઈના લાલબાગ વિસ્તારમાં ચાલીમાં માતાના મૃતદેહ સાથે રહેતી હતી.
મુંબઈના ઝોન 4ના ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રવીણ મુંડેએ માહિતી આપી હતી કે પોલીસને શંકા છે કે રિંપલે જ તેમની માતાની હત્યા કરી છે.
ત્રણ મહિનાથી માતાના મૃતદેહના ટુકડા સાથે રહેતી રિંપલે એ સડી રહેલાં અંગોની દુર્ગંધથી બચવાની પણ યુક્તિ કરી હતી. ડીસીપી મુંડેએ બીબીસીને જણાવ્યું હતું કે, "માતાનાં શરીરના ટુકડાની દુર્ગંધથી બચવા છોકરી 100-200 પર્ફ્યુમ લગાવતી."
મુંબઈના લાલબાગ જેવી ભીડભાડવાળી જગ્યાએ આ પ્રકારની ઘટના પ્રકાશમાં આવી હોવાથી આ સમાચારે આસપાસના વિસ્તારમાં ઉત્તેજના ફેલાવી દીધી છે.
ખરેખર કેસ શું છે?
લાલબાગમાં 55 વર્ષીય વીણા જૈન તેમની 24 વર્ષની પુત્રી રિંપલ જૈન સાથે છેલ્લાં 16 વર્ષથી રહેતાં હતાં.
વિરારમાં રહેતાં વીણા જૈન તેમના પતિના મૃત્યુ બાદ લાલબાગ વિસ્તારમાં રહેવા આવી ગયાં હતાં.
તેમના ભાઈ સુરેશકુમાર પોરવાલ પણ નજીકમાં જ રહેતા હોવાથી માતા-પુત્રી ભાઈને નિયમિત મળી શકાય તેવા આશયથી લાલબાગની એક ઈમારતના ફ્લેટમાં રહેવા આવી ગયાં હતાં.
સુરેશકુમાર પોરવાલ નિયમિતપણે તેમના વિધવા બહેન વીણા જૈનને મળવા જતા હતા અને તેઓ બહેનને જીવનનિર્વાહ માટે દર મહિને આર્થિક મદદ કરતા હતા.
જોકે, છેલ્લા ત્રણ મહિનાથી સુરેશકુમાર વીણાબહેનને મળી શક્યા નહોતા. દરમિયાન જ્યારે પણ તેઓ વીણાબહેનનાં ઘરે જતા ત્યારે તેમની ભાણી રિંપલ તેમને કોઈને કોઈ કારણ આપીને દરવાજેથી પાછા મોકલી દેતી.
લાશ કબાટમાં રાખવામાં આવી હતી
14 માર્ચે વીણાબહેનનો ભત્રીજો (પિતરાઈ ભાઈનો પુત્ર) તેેમને મળવા આવ્યા ત્યારે તેમને પણ પાછા મોકલી દેવાયા હતા.
રિંપલના આવા વિચિત્ર વર્તનથી સુરેશકુમારને શંકા ગઈ હતી. તેઓ સીધા જ કાલાચોકી પોલીસ ચોકીએ પહોંચી ગયા અને ઘટના જણાવી હતી.
તપાસ માટે આવેલી કાલાચોકી પોલીસે રિંપલને દરવાજો ખોલવા કહ્યું.
પોલીસે જ્યારે ઘરમાં પ્રવેશવાની પરવાનગી માંગી ત્યારે પણ રિંપલ તેમને કહેતી રહી કે તેમની માતા સૂઈ ગઈ છે.
જોકે પોલીસે ફ્લેટમાં પ્રવેશ મેળવ્યો. પોલીસને ઘરમાં પ્રવેશતાની સાથે જ દૂર્ગંધ આવી. જ્યારે આખા ઘરની તલાશી લેવામાં આવી ત્યારે પ્લાસ્ટિકની અલગ અલગ કોથળીઓમાં માનવ શરીર ભરેલું મળી આવ્યું હતું.
લાશ સડી ગયેલી હાલતમાં હતી અને લાશના ટુકડાઓમાં કીડા પડી ગયા હતા.
ત્યારબાદ પોલીસે ફોરેન્સિક વિભાગની ટીમ સાથે કેઈએમ હૉસ્પિટલના મેડિકલ ઓફિસરને ઘટનાસ્થળે આવવા તાકીદ કરી.
તમામ માનવ અંગોના પંચનામા કરવામાં આવ્યા છે. તેમજ મૃતદેહનું પોસ્ટમૉર્ટમ પણ કરવામાં આવી રહ્યું છે.
યુવતીનો ગોળ ગોળ જવાબ
લાંબો સમય સંગ્રહ કરવાને કારણે મૃતદેહ સડી જવાની સ્થિતિમાં હતો અને તેમાંથી ખૂબ જ દુર્ગંધ પણ આવતી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને કેઈએમ હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
જ્યારે રિંપલને આ અંગે પૂછપરછ કરવામાં આવી તો તેણે ગોળ-ગોળ જવાબ આપ્યો કે મને આ અંગે કંઈ ખબર નથી.
ડૉક્ટરે કહ્યું છે કે મહિલાનાં શરીરના ટુકડા લગભગ ત્રણ મહિનાથી પડ્યા છે.
સંબંધિત યુવતી આટલા મહિનાઓ સુધી લાશ સાથે રહેતી હતી. વધુમાં, તે લાંબા સમયથી ઘરની બહાર નીકળતી ન હતી.
ડીસીપી પ્રવીણ મુંડેએ મીડિયાને માહિતી આપી હતી કે પોલીસે રિંપલની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે.