You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિહારમાં છ વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મ - ગ્રાઉન્ડ રિપોર્ટ
- લેેખક, સીટૂ તિવારી
- પદ, બીબીસી હિંદી માટે, બિહારથી
છ વર્ષીય નિશા (બદલેલું નામ) ના શરીર પર બચકાં ભર્યાના નિશાન છે. તેમના નાકમાં લોહી જામી ગયું છે. જમણી આંખમાં ઈજાના લાલ ડાઘ સ્પષ્ટ દેખાય છે અને તેણે પહેરેલાં કપડાં કમરની આસપાસથી લોહીથી લથપથ થઈ ગયા છે.
બિહારના બેગુસરાયની સદર હૉસ્પિટલમાં એક ખાટલા પર નિશા છે, તો તેની એકદમ બાજુમાં તેની 10 વર્ષીય મિત્ર કવિતા (બદલેલું નામ) દાખલ છે.
કવિતાનો આખો ચહેરો સફેદ પટ્ટીથી ઢંકાયેલો છે. તેના ચહેરા પર ઈજાનાં ઘણા નિશાન છે અને તેના ગાલ પર બચકું ભરી દેવાયું છે.
હૉસ્પિટલમાં કવિતાની સારસંભાળ રાખી રહેલા તેના માતા કહે છે, "ગાલ પર ઘા એટલો ઊંડો છે કે તેના દાંત દેખાવા લાગ્યા હતા. ડૉક્ટરોએ કહ્યું કે ટાંકા લગાવી શકાય તેમ નથી. ઘા આપમેળે જ ભરાવા દેવા પડશે."
સદર હૉસ્પિટલનાં ડૉક્ટર આશા કુમારીએ બંને બાળકીઓનું પરીક્ષણ કર્યું છે. બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "છ વર્ષીય બાળકી પર બળાત્કાર થયો હોવાના પુરાવા છે જ્યારે બીજી બાળકીના ગાલ પર એવું બચકું ભરવામાં આવ્યું છે કે જાણે કોઈ કૂતરું કરડ્યું હોય."
શું છે સમગ્ર મામલો?
નિશા અને કવિતા બિહારના બેગુસરાય જિલ્લાના સાહેબપુર કમાલ વિસ્તારના અલ્પસંખ્યક સમુદાયની બાળકીઓ છે.
બંને સાથે આ ઘટના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે બપોરે બની હતી. તે દિવસે હોળીની પણ ઉજવાઈ રહી હતી.
સદર હૉસ્પિટલમાં દાખલ કવિતા તે દિવસે થયેલી ઘટના ટુકડેટુકડે કહેવાનો પ્રયત્ન કરે છે. વચ્ચેવચ્ચે ડરના કારણે તે હેબતાઈ પણ જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કવિતા કહે છે, "અમે લોકો ગામની સરકારી સ્કૂલમાં હિંચકા પર રમવા માટે ગયા હતા. સ્કૂલના મેદાનમાં અગાઉથી ચાર લોકો હતા. જેમાંથી સોહન કુમાર (ઉર્ફે છોટુ મહતો) અમારી પાસે આવ્યો અને અમને દબોચવા લાગ્યો. અમે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પણ તેઓ અમને વારંવાર પકડી લેતા અને અમારા ચહેરા દીવાલ પર ઘસતા. બાદમાં તેણે નિશાનું પૅન્ટ ખોલ્યું અને પોતાનું પણ. આ વચ્ચે હું તેને નખ મારીને ભાગી."
રસ્તાને અડીને આવેલી એ સ્કૂલના શૌચાલયમાં ઘટનાના નિશાન હજુ પણ છે. શૌચાલયમાં હોળીમાં મળેલી પુરીઓના ટુકડા અને લોહીના ડાઘ બંને સુકાઈ ગયા છે. પણ બંનેના ચપ્પલો હજુ પણ ત્યાં હાજર છે.
નિશાને પહેલેથી વાત કરવામાં તકલીફ પડતી હતી. આ ઘટના બાદ તે બિલકુલ ચૂપ છે. તેના કપડાં પર સતત લોહીના ડાઘા પડી રહ્યા છે અને ખાવા માટે આપવામાં આવતી કોઈ પણ વસ્તુને તે પોતાની 'સિમીત શક્તિ'થી ઉઠાવીને ફેંકી દે છે.
તેની માતા જણાવે છે, "મારા સાત બાળકોમાં આ એકમાત્ર બાળકી છે. દિવસભર હરતીફરતી હતી. કંઈ પણ બનાવીને રાખો, તરત ખાઈ જતી હતી. અમે લોકો માંગીને ખાઈએ છીએ. એ દિવસે પણ બાળકીઓ પાસે માગીને લાવેલી પુરીઓ હતી. અમે પણ પુરીઓ માગીને પાછા આવી રહ્યાં હતાં. જ્યારે કોઈકે કહ્યું કે તમારી પુત્રીને મારીને ફેંકી દેવામાં આવી છે. બાદમાં અમે તેને ડૉ. મુસ્તફા પાસે લઈ ગયા."
ડૉ. મુસ્તફા એ ગામના ગ્રામીણ ચિકિત્સક છે જ્યાં નિશા અને કવિતાનો પરિવાર રહે છે. બંનેના પરિવાર પહેલાં તેમને તેમની પાસે જ લઈ ગયા.
ડૉ. મુસ્તફાએ બીબીસી હિંદીને જણાવ્યું, "મારી પાસે બંને બાળકીઓ ખરાબ હાલતમાં આવી હતી. એક બાળકીને ગાલ પર એવું બચકું ભરવામાં આવ્યું હતું કે તેન દાંત દેખાવા લાગ્યા હતા અને બીજી બાળકીને સતત લોહી વહી રહ્યું હતું. મેં તરત પોલીસને જાણ કરી. 10 મિનિટમાં પોલીસ આવી ગઈ અને બાળકીઓને હૉસ્પિટલ લઈ ગઈ. જો એમ ન થયું હોત તો નિશાનો જીવ ન બચી શક્યો હોત."
બાળકી પર બળાત્કારની પુષ્ટિ
બેગુસરાયના પોલીસ અધીક્ષક યોગેન્દ્ર કુમાર કહે છે, "આ મામલે પરિવારે ચાર યુવકો સોહન કુમાર, બબલુ કુમાર, હરદેવ કુમાર, ગોવિન્દ મહતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાંથી સોહન અને બબલુની ધરપકડ થઈ ચૂકી છે."
તેઓ કહે છે, "આ મામલે અત્યાર સુધી જે પરીક્ષણ થયા છે, તે પ્રમાણે બાળકી પર બળાત્કાર થયો છે. પ્રથમ દૃષ્ટિએ આ મામલો ગૅંગરેપનો લાગી રહ્યો છે. અમારો પ્રયત્ન આ મામલાની ઝડપી તપાસ કરીને સ્પીડી ટ્રાયલ કરાવવાનો છે."
પૉક્સો ઍક્ટ અંતર્ગત દાખલ આ કેસની તપાસમાં ફૉરેન્સિક સાયન્સ ટીમને લગાવવામાં આવી છે. સાથે જ જલદી તપાસ પૂર્ણ કરવા માટે એસડીપીઓ, બલિયાના નેતૃત્વમાં એક ટીમનું પણ ગઠન કરવામાં આવ્યું છે.
આરોપીઓ પર નશીલા પદાર્થોની હેરફેર કરતા હોવાનો આરોપ
ઘટના બાદ થોડાક કલાકોમાં જ સોહન કુમાર ઉર્ફે છોટુ મહતોની ધરપકડ કરવામાં આવી હતી. જે વખતે છોટુને પકડવામાં આવ્યો ત્યારે તે નશામાં હતો.
બેગુસરાય પોલીસ અધીક્ષક યોગેન્દ્ર કુમાર આ વાતની પુષ્ટિ કરે છે.
આરોપીઓ વિશે સ્થાનિક ગ્રામ્યજનો કહે છે કે તેઓ ગામની સ્કૂલ પાસે જ દારૂ તેમજ અન્ય નશીલા પદાર્થોનો વેપલો અને હેરાફેરી કરે છે.
આ મામલે બીજી ધરપકડ બબલુ કુમારની થઈ છે. તે વ્યવસાયે પત્રકાર છે. બબલુ અને સોહન પિતરાઈ ભાઈઓ છે.
બબલુ કુમારના પિતા જય જય રામ બીબીસીને કહે છે, "મારા દીકરાએ કોઈ રેપ કર્યો નથી. એ તો પત્રકાર છે અને બજરંગ દળનો સભ્ય પણ."
જોકે, બજરંગ દળના સાહેબપુર કમાલ પ્રખંડના સંયોજક સાજન કુમાર આ વાતથી ઇનકાર કરતા કહે છે, "અમે બબલુને માત્ર એક પત્રકાર તરીકે જાણીએ છીએ. તેને બજરંગ દળ સાથે કોઈ લેવાદેવા નથી."
જય જય રામ ગામમાં પાણી વેચવાનું કામ કરે છે અને ગામમાં તેમને 'મહાત્મા જી' તરીકે ઓળખવામાં આવે છે.
ગામમાં સન્નાટો
સદર હૉસ્પિટલના ડેપ્યુટી સુપરિટેન્ડેન્ટનો પ્રભાર સંભાળી રહેલા ડૉ. અખિલેશ કુમાર જણાવે છે, "બંને બાળકીઓ હાલ ખતરાની બહાર છે."
પણ સાહેબપુર કમાલના આ ગામમાં બેચેન કરી મૂકે તેવી શાંતિ છે. ગામમાં ખાસ કરીને તમામ આરોપીઓ જ્યાં રહે છે ત્યાં ક્યારેય પણ લોકોને ગુસ્સો ઊભરાઈ શકે તેમ છે.
હાલ સ્થાનિક લોકો પોતાની નાની બાળકીઓને ઘરની બહાર નીકળવા દેવામાં પણ ખચકાય છે.
ઝફીર અને મોહમ્મદ એજાઝના બાળકો એ જ સરકારી શાળામાં ભણે છે જ્યાં આ ઘટના બની હતી.
તેઓ બીબીસી હિંદીને જણાવે છે, "વહીવટીતંત્ર પહેલાં શાળામાં બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરે, બાદમાં જ અમે બાળકોને મોકલીશું. આ લોકોએ સ્કૂલ જેવા જ્ઞાનના મંદિરને અસામાજિક કામનો અડ્ડો બનાવી દીધો છે."
ઘટના બાદથી જ ગામમાં સતત બિહાર પોલીસના જવાનો તહેનાત છે. ગામમાં શાંતિ રહે એ માટે સરપંચના પતિ નસીરુદ્દીનની પહેલ પર 35 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે.
શાંતિ સમિતિના સભ્ય વિનોદ કુમાર અને સદન કુમાર સિંહ કહે છે, "અમારો પ્રયત્ન છે કે કોઈ પણ રીતે ગામમાં શાંતિ ન ડહોળાય. કોઈ પણ પ્રકારની હિંસા કે હોબાળો થશે તો નુક્સાન બધાને જ થશે. પોલીસની કાર્યવાહીથી અમે લોકો સંતુષ્ટ છીએ અને ઇચ્છીએ છીએ કે આરોપીઓને જલદીથી જલદી સજા મળે."