You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમરેલી : 'ચાર સંતાનોને ઉછેરવા બીજાં લગ્ન કર્યાં તો જાહેરમાં માર મારીને વાળ કાપી નાખ્યા’
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મને ખબર નહોતી કે મારા પહેલા પતિની બહેન, એનો પતિ અને એના ભાઈની પત્ની મને જાહેરમાં મારીને વાળ કાપીને ઘરમાં પૂરી દેશે. ખબર હોત તો હું ગામમાં આવી જ ના હોત."
આ શબ્દો છે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાની સરકારી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલાં ભાનબહેન સમઢિયાના.
મૂળ ચોટીલાના ભાડલા ગામનાં 35 વર્ષીય ભાનુબહેનનાં લગ્ન 15 વર્ષ પહેલાં જસદણના જૂના પીપળિયા ગામમાં રાજુભાઈ ચોરાલિયા સાથે થયાં હતાં.
લગ્નજીવન દરમિયાન તેમને બે દીકરી અને બે દીકરાનો જન્મ પણ થયો. જોકે, ચાર વર્ષ પહેલાં મજૂરીએ ગયેલા રાજુભાઈનું અકસ્માતે મૃત્યુ થયું અને ભાનુબહેનના દુખના દહાડા શરૂ થયા.
બીબીસી સાથેની વાતચીતમાં ભાનુબહેન જણાવે છે, "મારું લગ્નજીવન સુખી હતું. ટૂંકી આવકમાં ઘર ચાલી જતું હતું.મારા પતિ સાથે હું પણ મજૂરીએ જતી હતી અને અમે અમારાં બાળકોને પણ ભણાવતાં હતાં. મારા પતિનું મૃત્યુ થયું ત્યારે મારી મોટી દીકરી આઠ વર્ષની હતી અને નાનો દીકરો બે વર્ષનો હતો. એ વખતે મારા પતિનાં બહેન ઘુઘાબહેન અને એમના પતિ હકુભાઈ મારાં છોકરાઓનું ધ્યાન પણ રાખતાં હતાં."
"આર્થિક સ્થિતિ સારી નહોતી એટલે હું મારા પિતા ધરમસિંહભાઈ જાખાણિયાના ઘરે કામળાપુર રહેવા જતી રહી. એ વખતે મારા મારો દીકરો પ્રકાશ અને દીકરી સેજલ મારી નણંદ અને નણંદોઈ સાથે ભળી ગયાં હતાં. જોકે, એ મળવા માગે ત્યારે હું એમને ગળકોટડી ગામ લઈ આવતી અને અમે થોડો સમય સાથે રહેતાં."
માર કોણે માર્યો?
"આ દરમિયાન મારો પરિયચ કવા સમઢિયા સાથે થયો અને એ મારાં ચાર સંતાનો સાથે મારી સાથે લગ્ન કરવા તૈયાર હતા. છોકરાંના ભવિષ્યનો ખ્યાલ કરીને મેં એમની સાથે દોઢ વર્ષ પહેલાં લગ્ન કરી લીધાં. જોકે, મારા પહેલા પતિનાં સગાં આ લગ્નથી નારાજ હતાં. એવામાં મારાં છોકરાં મારાં નણંદ અને નણંદોઈને મળવાની હઠ લીધી."
"હું તેમના ઘરે ગઈ ત્યારે લગભગ બપોરના અગિયાર વાગ્યા હશે. એ વખતે અચાનક જ મારી નણંદ અને મારી દેરાણી ચાકુ લઈને આવી ગઈ અને મેં બીજાં લગ્ન કેમ કર્યાં એવું પૂછવા લાગી. અમારા સમાજ(દેવીપૂજક)માં બીજા લગ્ન કરવા પર પ્રતિબંધ છે અને એટલે એ લોકો મારી સાથે ઝઘડવા લાગ્યા. એ વખતે પાડોશી પણ આવી ગયા અને બધાએ ભેગા થઈને મને મારી. મને થાંભલે બાંધીને મારી દેરાણીએ મારા વાળ કાપી નાખ્યા. ત્યારે મારાં સાસુ ગવુબહેન વચ્ચે પડ્યાં અને એમણે મને બચાવી. જોકે, એ બાદ પણ સવારથી લઈને સાંજ સુધી મને ઓરડીમાં પૂરી રાખી.મારા પિતાને આ વાતની ખબર પડી એટલે એ પોલીસ સાથે આવ્યા અને મને છોડાવી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસ આ મામલે શું કહી રહી છે?
ભાનુબહેનના પિતા ધરમસિંહ જાખાણિયાએ બીબીસીને જણાવ્યું, "હું ગામમાં મજૂરીએ ગયો હતો અને અમારા એક સંબંધીનો ફોન આવ્યો કે મારી દીકરીને એના સાસરિયા થાંભલે બાંધીને મારી રહ્યા છે. એમણે મને વીડિયો પણ મોકલ્યો એટલે હું બધું કામ છોડીને એને બચાવવા ગયો. મેં મારી દીકરીને પહેલાંથી જ ત્યાં જવાની ના પાડી હતી પણ છતાં બાળકોની હઠને વશ થઈને એ ગઈ હતી. "
આ અંગે અમે ભાનુબહેનના બીજા પતિ કવાભાઈ સમઢિયાનો સંપર્ક સાધ્યો હતો. જોકે, તેમણે આ ઘટનાને સામાજિક મામલો ગણાવીને કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.
આ ઘટનાની તપાસ કરી રહેલા અમરેલીના ડી.વાય.એસ.પી. જગદીશસિંહ ભંડારી બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે, " ‘અભયમ’ થકી પોલીસે ધરમસિંહભાઈ સાથે મળીને ભાનુબહેનને બચાવી લીધા છે. તેઓ હાલ ટ્રૉમામાં છે અને એમની શારીરિક સારવાર ઉપરાંત કાઉન્સિલર દ્વારા માનસિક ટ્રોમાંથી બહાર કાઢવાનો પ્રયાસ પણ કરાઈ રહ્યો છે."