શ્રદ્ધા વાલકર કેસઃ સંબંધો સાથે જીવનને પણ ઝેર બનાવી દેતી 'ટૉક્સિક રિલેશનશિપ' શું છે, તેમાંથી બહાર કઈ રીતે નીકળવું?

    • લેેખક, તુષાર કુલકર્ણી
    • પદ, બીબીસી મરાઠી

મહારાષ્ટ્રની શ્રદ્ધા વાલકર નામની યુવતીની દિલ્હીમાં તેના લિવ-ઈન-પાર્ટનરે ‘હત્યા કરી’ દિધી અને પોલીસના દાવા મુજબ, તેણે શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કરીને અનેક ઠેકાણે ફેંકી દીધા હતા. આ ઘટનાથી આખો દેશ હચમચી ઊઠ્યો છે.

આ હત્યા કેવી રીતે કરવામાં આવી હતી એ વિશેની પોલીસની તપાસ બાબતે બીબીસીની ટીમ રિપોર્ટ કરી ચૂકી છે. આ વિશે અમે યુવા વર્ગ સાથે પણ વાત કરી હતી.

સમાજમાં આ સંદર્ભે વિવિધ મુદ્દે ચર્ચા થઈ રહી છે. તેમાં એક મુદ્દો બન્ને વચ્ચેના સંબંધનો છે. ઘણા લોકો કહી રહ્યા છે કે, શ્રદ્ધા આ સંબંધમાં ખુશ ન હતી. તેના પર શંકા કરવામાં આવતી હતી. તેનો પાર્ટનર શારીરિક પીડા આપતો હતો. આવું હોય તો શ્રદ્ધાએ સંબંધ તોડી કેમ ન નાખ્યો? તેને કડવાશ સમજાઈ કેમ નહીં?

પોલીસે પણ જણાવ્યું છે કે, “બન્ને વચ્ચેનો સંબંધ ઘણીવાર તૂટવાની અણી પર આવી ગયો હતો.” શ્રદ્ધાએ તેના દોસ્તોને પણ કહ્યું હતું કે, “મને આફતાબ સાથે રહેવામાં સલામતી અનુભવાતી નથી.” શ્રદ્ધાએ કોઈ પગલું કેમ લીધું નહીં? આ સવાલ અનેક લોકોના મનમાં છે.

શ્રદ્ધા ટૉક્સિક રિલેશનશિપમાં હતી, પરંતુ તેમાંથી બહાર નીકળી શકી નહીં. એ પછી શું થયું એ આપણે જાણીએ છીએ.

સંબંધમાં ગૂંગળામણની જિંદગી પર અસર

કહેવાય છે કે, વ્યક્તિ પ્રેમ કે પછી રિલેશનશિપમાં હોય છે ત્યારે એકમેક માટે બધું સહન કરવા તૈયાર હોય છે. એવું પણ કહેવાય છે કે, “યે ઈશ્ક નહીં આસાં, બસ ઈતના સમજ લીજે, એક આગ કા દરિયા હૈ, ઔર ડૂબ કે જાના હૈ.”

આ અતિશયોક્તિ ભલે હોય, પણ ઘણા કિસ્સાઓમાં હકીકત હોય છે. તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરતા હો ત્યારે તે સંબંધમાં સમસ્યા હોય તે એક વાત છે. સામેની વ્યક્તિ જ સમસ્યારૂપ બની જાય એવી સ્થિતિ પણ સર્જાય છે. એ વખતે સંબંધમાં ગૂંગળામણ તો નથી થતીને એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડે.

આ લેખમાં અમે એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે, ટૉક્સિક રિલેશનશિપ શું છે? તેને કઈ રીતે ઓળખવી? તેમાંથી હેમખેમ બહાર કઈ રીતે નીકળવું અને જીવનની ગાડીને ફરી પાટા પર કઈ રીતે લાવવી? એ ઉપરાંત તમે માનસિક ઉત્પીડન કે શારીરિક હિંસાનો શિકાર બન્યા હોવ તો કોનો સંપર્ક કરવો?

શું હોય છે ટૉક્સિક રિલેશનશિપ?

ઑક્સફર્ડ ડિક્શનરીમાં ટૉક્સિક રિલેશનશિપને દર્દનાક અને હાનિકારક સંબંધના સ્વરૂપમાં પરિભાષિત કરવામાં આવી છે. આવા સંબંધમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને નિયંત્રિત કરવા ઈચ્છતી હોય છે. બીજી વ્યક્તિને નકારાત્મક રીતે પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતી હોય છે એટલે કે બીજી વ્યક્તિ પર નિયંત્રણ મેળવવા માટે તે અનૈતિક તથા ખોટું વર્તન પણ કરવા લાગે છે.

આ વાત એક ઉદાહરણ દ્વારા સમજીએ. બીબીસી ન્યૂઝે આ મુદ્દે એક સ્ટોરી પ્રકાશિત કરી હતી. ઈંગ્લૅન્ડમાં ઍના (નામ બદલ્યું છે) નામની એક અભિનેત્રીની મુલાકાત તેનાથી વધારે વિખ્યાત અભિનેતા થૉમ (નામ બદલ્યું છે) સાથે થાય છે. બન્ને વચ્ચેની ઓળખાણ ગાઢ બને છે.

તેઓ સાથે કોફી પીવા અને ડીનર લેવા જાય છે. આ યુગલમાંનો અભિનેતા થૉમ બહુ સફળ હતો, પરંતુ તે અભિનેત્રી સાથે વાત કરવા માટે સમય કાઢતો હતો. થૉમ ઍનાની દરેક પ્રકારે સંભાળ રાખતો હતો. ઍનાને થયું કે, થૉમ જ મારા સપનાનો રાજકુમાર છે. ઍના એ પહેલાં અનેક પુરુષોને મળી હતી, પણ થૉમ તેને સૌથી અલગ લાગ્યો હતો.

થૉમે ઍનાને પોતાના ઘરે રહેવા બોલાવી લીધી હતી. બન્ને લિવ-ઈનમાં રહેવા લાગ્યા હતા. એ પછીના બે મહિના ભરપૂર સુખમાં પસાર થયા હતા. ત્યારબાદ બન્ને વચ્ચે ધીમે-ધીમે વિવાદ શરૂ થયો હતો.

થૉમ, જે અગાઉ સમજદાર હતો, તે હવે નારાજગી જાહેર કરવા લાગ્યો હતો. તે ઍનાને એવું કહેતો હતો કે, તારા કારણે હું મારા પરિવાર સાથે સમય પસાર કરી શકતો નથી. દોસ્તોને, પરિવારજનોને, સંબંધીઓને મળી શકતો નથી.

આ બધું સાભળીને ઍના પોતાને દોષી માનવા લાગી હતી. તે એવું પણ માનવા લાગી હતી કે, તેના કારણે થૉમ તેના પોતાના લોકોને મળી શકતો નથી.

બીજી તરફ થૉમે ઍનાને તેના પહેલાંના સંબંધો વિશે પૂછ્યું, ત્યારે ઍનાએ બધું ઈમાનદારીપૂર્વક તેને જણાવી દીધું હતું, પરંતુ થૉમ હવે એ બધાનો ઉલ્લેખ ઍના સાથેના ઝઘડામાં કરતો હતો. થૉમને ઍનાની જૂની રિલેશનશિપથી ઈર્ષા પણ થવા લાગી હતી.

એટલું જ નહીં, તે એવું પણ વિચારવા લાગ્યો હતો કે શું ઍના તેની જૂની રિલેશનશિપમાં ખુશ હતી કે પછી તેણે માત્ર ખુશીની વાતો જ જણાવી છે. આ બધું વિચારીને થૉમ દુખી રહેવા લાગ્યો હતો. એ વિચારતો હતો કે ‘એ વખતે આપણે સાથે કેમ ન હતા.’

થૉમે ધીમે-ધીમે ઍનાની કારકિર્દીમાં રસ લેવાનું ઓછું કરી નાખ્યું હતું. બન્ને એકમેકની સાથે વાત કરતા ત્યારે ઝઘડા જ થતા હતા. ઍના પણ વિચારવા લાગી હતી કે તે થૉમના સવાલોના જવાબ કે મૅસેજનો જવાબ નહીં આપે તો તરત ઝઘડો શરૂ થઈ જશે.

પછી એક દિવસ એવો આવ્યો કે જ્યારે થૉમે ઍનાને કહ્યું કે, તારા કારણે હું આપઘાત કરવાનું વિચારી રહ્યો છું. ઍના ડરી ગઈ અને તેને સમજાયું કે તે ટૉક્સિક રિલેશનશિપમાં છે. ઍના આ રિલેશનશિપમાં લાંબો સમય વીતાવી ચૂકી હતી, તેમ છતાં તેણે એ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવાનો નિર્ણય કર્યો હતો.

‘મોટી કિંમત ચૂકવવી પડે છે’

ઍના જે કરી શકી, એ બધા નથી કરી શકતા. અલબત, એવું કરવું ઘણીવાર મોંઘુ સાબિત થતું હોય છે.

સ્વતંત્ર પત્રકાર ભક્તિ ચપલગાંવકરે 2007-08માં એક રિપોર્ટ લખ્યો હતો. એ અનુભવ બાબતે બીબીસી સાથે વાત કરતાં ભક્તિએ કહ્યું હતું કે, “એક નિર્માતાએ એક નવી, મહત્ત્વાકાંક્ષી અભિનેત્રીને છ-સાત મહિના સુધી બંધક બનાવી રાખી હતી. અભિનેત્રીને તેના પોતાના પરિવારજનોનો સંપર્ક કરવાની છૂટ પણ ન હતી. નિર્માતા અને અભિનેત્રી પહેલાં દોસ્ત હતા. પછી તેમની વચ્ચે રિલેશનશિપ આકાર પામી હતી. નિર્માતાએ તેને હિરોઈન બનાવવાની લાલચ આપી હતી. એ પછી ફિલ્મની વાત શરૂ થતાંની સાથે જ બન્ને વચ્ચે ઝઘડા થવા લાગતા હતા.”

“એ પછી નિર્માતાએ અભિનેત્રીને મારવાનું શરૂ કરી દીધું હતું. અભિનેત્રીના માતા-પિતાએ પોલીસનો સંપર્ક કર્યો અને અમે બધા તેના ફ્લૅટ પર પહોંચ્યા ત્યારે અભિનેત્રી ભયભીત હતી. તેને લાગતું હતું કે, તેણે કોઈ ગુનો કર્યો છે.”

“તેણે ફિલ્મોમાં કામ કરવા માટે પોતાના માતા-પિતાને છોડ્યાં હતાં. પછી એવું બધું વિચાર્યા કરતી હતી કે, ફિલ્મ નહીં મળે તો આ બધું બરબાદ થઈ જશે. છોકરીઓ ક્યારેક લગ્ન માટે અટકી જતી હોય છે તો ક્યારેક કોઈ અન્ય કારણોસર. પાર્ટનર દુર્વ્યવહાર કરતો હોય તો પણ સંબંધો ખતમ થઈ શકતા નથી, જેમ આપણે શ્રદ્ધા અને આફતાબના કિસ્સામાં પણ જોયું હતું.”

ટૉક્સિક રિલેશનશિપનાં લક્ષણો

ઈંગ્લૅન્ડની વીમેન્સ કો-ઓપરેશન કમિટીનાં સહ-પ્રમુખ એડિના ક્લેયરે આ સંકેતો પારખવાની રીત બતાવી છે.

તેઓ જણાવે છે કે, "કોઈને ભાવનાત્મક રીતે પ્રતાડિત કરવું એ પણ ઘરેલુ હિંસા છે. તેથી લક્ષણોને તરત પારખીને બીજી વ્યક્તિને ડરમાંથી બહાર કાઢવામાં આવે તે જરૂરી છે. એ વ્યક્તિએ નિયંત્રણમાં રહેવાની કોઈ જરૂર નથી એ સમજવું મહત્ત્વપૂર્ણ છે."

આ લક્ષણો નિમ્નલિખિત હોઈ શકે છે.

  • લબ બૉમ્બિંગઃ બીજી વ્યક્તિ પર વધુ પડતો પ્રેમ વરસાવવો, જેથી તેની પાસે પોતાની મરજી મુજબનું કામ કરાવી શકાય. આ બાબત સંબંધની શરૂઆતમાં જોવા મળે છે.
  • વધુ પડતી ઈર્ષ્યા.
  • દુર્વ્યવહાર કરવો.
  • ચીજવસ્તુઓ પર ક્રોધ કરવો.
  • અધૂરા કામ માટે પાર્ટનરને જવાબદાર ઠરાવવો.
  • પાર્ટનરની સફળતાનું મૂલ્ય ઓછું આંકવું.
  • ખુદને માનસિક રીતે બીમાર બતાવવાના પ્રયાસ કરવા.

એડિના એવું પણ જણાવે છે કે, “સારી રિલેશનશિપમાં એકમેક પ્રત્યેનો આદર અને ભરોસો સૌથી જરૂરી બાબત છે. પારસ્પરિક સંબંધમાં એકમેક પર દબાણ લાવવા અને એકમેકને નિયંત્રિત કરવાના પ્રયાસોને સ્થાન જ નથી.”

રિલેશનશિપમાં વારંવાર થતું અપમાન

હાર્વર્ડ હેલ્થ વેબસાઈટ દ્વારા પ્રકાશિત એક લેખમાં આવા તણાવપૂર્ણ સંબંધના કેટલાંક લક્ષણોની રૂપરેખા આપવામાં આવી છે.

  • વાતચીત કરવાથી જ થાક અને તણાવનો અનુભવ.
  • સંબંધ બાબતે સતત નકારાત્મક વિચાર આવવા.
  • આ રિલેશનશિપ અસંતુલિત છે. તેમાં એક વ્યક્તિ બહુ મહેનત કરી રહી છે અને પોતાના હિતનું ધ્યાન રાખતી નથી, તેવી અનુભૂતિ થવી.
  • સાથીનો અનાદર કરવો અને તેના અભિપ્રાયને જરાય મહત્વ ન આપવું.

જો તમને તમારી રિલેશનશિપમાં આ બાબતો જોવા મળતી હોય તો તમારે તમારા સંબંધ બાબતે વિચારવાની જરૂર છે.

ગેરસમજ થવી, સંબંધમાં તણાવ સર્જાવો – આ બધું સ્વાભાવિક છે, પરંતુ તેનું તમે પરિપકવ રીતે નિરાકરણ કરી શકવા સમર્થ ન હો તો આ બાબત સંબંધમાં તિરાડ પાડી શકે છે. બીબીસી ફોરના એક કાર્યક્રમમાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, સંબંધ સુધારવા માટે સમય અને મહેનત બન્નેની જરૂર પડે છે.

જાણકારોનું કહેવું છે કે, “સતત વાદ-વિવાદ થતા હોય તો વિવાદના સવાલોના જવાબ શોધવા માટે વાતચીત બહુ જરૂરી છે અને એ માટે બીજી વ્યક્તિની વાત સાંભળવાની તૈયારી હોવી જોઈએ. એ ઉપરાંત પોતાની વાતોને યોગ્ય રીતે રજૂ કરવાની ક્ષમતા પણ હોવી જોઈએ.”

નિષ્ણાતો સૂચવે છે કે, “તમારે ત્યાં સંતાનો હોય તો તમે તેમના પર પડનારા પ્રભાવ વિશે વિચારવા સક્ષમ હોવ તે જરૂરી છે.”

ટૉક્સિક રિલેશનશિપમાંથી બહાર આવવાનું મુશ્કેલ શા માટે?

કાઉન્સિલર ડૉ. તેજસ્વિની કુલકર્ણીના કહેવા મુજબ, “ટૉક્સિક રિલેશનશિપ હંમેશાં ટૉક્સિક નથી હોતી. આવા સંબંધમાં કોઈનો વ્યવહાર કાયમ માટે ખરાબ અથવા યાતનાભર્યો હોતો નથી. વચ્ચે થોડી સારી પળો, પ્રેમની પળો, લાગણીની પળો, પ્રશંસાની પળો પણ હોય છે. ક્યારેક એવા સારા અનુભવો તથા લાગણીના કારણે આપણા દિમાગને રિલેશનશિપની આદત પડી જાય છે.”

“ટૉક્સિક રિલેશનશિપ જુગારના ખેલ જેવી થઈ જાય છે, જેમાં દસ વખત હાર્યા પછી એકાદી જીત મળે તો પણ તેનાથી એવી આશા બંધાય છે કે આગળ પણ જીત મળશે. આ દૃષ્ટિથી વિચારીએ તો કેટલાક લોકોને તેમના પાર્ટનરમાં પરિવર્તનની આશા હોય છે.”

“આ ઉપરાંત એક અન્ય કારણ પણ હોય છે, કેટલાક લોકોમાં આત્મસન્માનની ભાવના બહુ ઓછી હોય છે. તેઓ સમજી નથી શકતા કે તેમની સાથે ખરાબ વ્યવહાર ન થવો જોઈએ. મહિલાઓના કિસ્સામાં તો સામાજિક અસમાનતાની પણ એક ભૂમિકા હોય છે. ઘણી વાર સમાજમાં એવું સાંભળવા મળે છે કે, પતિ છે તો આવો જ હશે. પત્નીને મારતો-પીટતો હશે.”

એકલા પડી જવાનો ડર પણ એક કારણ છે. તેજસ્વિનીએ કહ્યું હતું કે, “ઓછું આત્મસન્માન ધરાવતા લોકોના ટૉક્સિક રિલેશનશિપમાં સપડાવાની અને તેમાં લાંબો સમય ટકી રહેવાની સંભાવના વધુ હોવાનું અનેક સંશોધનોમાં સ્પષ્ટ થયું છે.”

“ઘણા લોકો એકલા પડી જવાના ડરથી આવા સંબંધમાં રહેવાનું પસંદ કરતા હોય છે. તેઓ તૂટી જવાને તથા એકલા રહેવાને બદલે ખરાબ રિલેશનશિપમાં રહેવાનું વધુ પસંદ કરે છે. તેમાં એકલા રહેવાના આર્થિક તથા સામાજિક પાસાંનો પણ સમાવેશ થાય છે.”

ટૉક્સિક રિલેશનશિપમાંથી બહાર કઈ રીતે નીકળવું?

આ સવાલના જવાબમાં ડૉ. તેજસ્વિનીએ કહ્યું હતું કે, “કશું રાતોરાત બદલાવાનું નથી એ હકીકતનો સ્વીકાર કરવો જરૂરી છે. વાસ્તવમાં તમારી પાસે દૃઢ ઈચ્છાશક્તિ ન હોય અને તમે પોતાના પર આકરી મહેનત કરવા તૈયાર ન હોવ ત્યારે તમારા માટે કોઈ બદલાય એવી શક્યતા બહુ ઓછી હોય છે. આ હકીકતને સ્વીકારીને જાતમાં બદલાવ કરવો પડે.”

“કોઈ પણ સંબંધમાં માનસિક કે શારીરિક શોષણ થવા દેવાના બદલે તમે જેના પર વિશ્વાસ કરતા હોવ તેની સાથે વાત કરવી જોઈએ. આવી કોઈ વ્યક્તિ ન હોય એવા કિસ્સામાં અનેક સંગઠનો તથા હેલ્પલાઈન્સ ઉપલબ્ધ છે. તેમને કોલ કરો અને તેમના કાઉન્સિલર સાથે વાત કરો. શું કરવું તેનો નિર્ણય લેવામાં મુશ્કેલી થતી હોય તો મનોવૈજ્ઞાનિકની સલાહ લો.”

સમયસર સલાહ માટે મહત્ત્વના હેલ્પલાઈન નંબર

શક્ય હોય ત્યાં સુધી રિલેશનશિપને સુધારવાનો પ્રયાસ કરવો યોગ્ય છે, પરંતુ પાર્ટનર તરફથી હિંસા થતી હોય તો કેન્દ્રીય મહિલા પંચ ઉપરાંત વિવિધ રાજ્યોનાં મહિલા પંચના દિશા-નિર્દેશો મુજબ મહિલાએ પોલીસ કે મહિલા પંચની તત્કાલ મદદ લેવી જોઈએ.

રાષ્ટ્રીય મહિલા પંચ હેલ્પલાઈનઃ મહિલા પંચે સમગ્ર દેશ માટે આ હેલ્પલાઈન ઉપલબ્ધ કરાવી છે. મુશ્કેલીમાં ફસાયેલી મહિલાઓ મદદ માટે 7827170170 નંબર પર સંપર્ક સાધી શકે છે.

એ ઉપરાંત સમગ્ર દેશમાં કોઈ મહિલા તકલીફમાં હોય તો 1091 નંબર પર કોલ કરીને મદદ માગી શકે છે.

(ઘરેલુ હિંસા માટે હેલ્પલાઈનઃ આ હેલ્પલાઈન ઘરેલુ હિંસાનો સામનો કરતી મહિલાઓની સમસ્યાના નિરાકરણ માટે જ છે. પતિ, સાસરિયાં કે લિવ-ઇન-પાર્ટનર દ્વારા ગેરવર્તન કે હિંસાના મામલામાં પીડિત મહિલાઓ 181 નંબર પર ફોન કરીને મદદ મેળવી શકે છે)