You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત વિધાનસભા ચૂંટણી : આ વખતે મોરબીની બેઠક જીતવી ભાજપ માટે કેટલી પડકારજનક રહેશે?
- લેેખક, બાદલ દરજી
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય એ પહેલાં મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો અને આ દુર્ઘટનાની ચર્ચા વિશ્વભરમાં થઈ હતી.
હવે જ્યારે ચૂંટણી જાહેર થઈ ગઈ છે, તો મોરબી દુર્ઘટનાને પણ ચૂંટણીમાં વિપક્ષ મુદ્દો બનાવી રહ્યો છે.
એ વાત પણ નોંધવી જોઈએ કે 30 ઑક્ટોબરે સર્જાયેલી પુલ દુર્ઘટનાના ઘા હજી પણ રુઝાયા નથી.
સ્વાભાવિક છે કે આ વખતે મોરબી બેઠક પર કોની જીત થશે એ પણ ચર્ચાઈ રહ્યું છે.
તાજેતરમાં જ ત્રણ ભાજપશાસિત રાજ્યના મુખ્ય મંત્રીઓએ એક જ દિવસમાં મોરબીમાં ચૂંટણીસભાઓ યોજી હતી અને પુલ દુર્ઘટનામાં લોકોનો જીવ બચાવવા પાણીમાં ઊતરેલા ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાનાં વખાણ કર્યાં હતાં.
ભાજપ પોતાના ચૂંટણીપ્રચારમાં પોતાના ઉમેદવાર કાંતિ અમૃતિયાએ પુલ દુર્ઘટના દરમિયાન કરેલી કામગીરીનો સતત ઉલ્લેખ કરી રહ્યો છે.
તો ગુજરાતમાં ચૂંટણીસભા સંબોધતી વખતે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો હતો કે મોરબી દુર્ઘટનામાં અસલી આરોપીઓ સામે કોઈ કાર્યવાહી થઈ નથી?
આ બેઠક પર કુલ 17 ઉમેદવારો ચૂંટણીમેદાને છે. ભાજપે અહીંથી કાંતિ અમૃતિયાને, કૉંગ્રેસે અહીંથી જયંતિલાલ પટેલને અને આમ આદમી પાર્ટીએ અહીંથી પંકજ રાણસરીયાને ટિકિટ આપી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું મોરબી દુર્ઘટનાની ચૂંટણી પર અસર પડશે?
આ વખતની ચૂંટણીમાં મોરબી પુલ દુર્ઘટનાની શું અસર પડશે તે જાણવા માટે બીબીસીએ સૌરાષ્ટ્રના રાજકીય વિશ્લેષકોનો સંપર્ક કર્યો.
રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા જણાવે છે કે મોરબી પુલ દુર્ઘટનાની અસર સમગ્ર રાજ્યમાં નહીં પરંતુ મોરબી અને તેની આસપાસની બેઠકો પર ચોક્કસ પડશે.
તેઓ જણાવે છે, "આ દુર્ઘટનાને લઈને સરકાર દ્વારા કરાયેલી કામગીરી પર લોકોને રોષ તો છે જ. એવામાં એફએસએલે જે રિપોર્ટ આપ્યો. તે જાહેર થયા બાદ તે વધી શકે છે."
તેમના કહેવા પ્રમાણે મોરબીની બેઠક પર ઉમેદવાર હંમેશા પાંચેક હજારની લીડથી જીતતો હોય છે. ત્યારે આ વખતે ભારે રસાકસી સર્જાઈ શકે છે.
જોકે, અન્ય રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે કે આ બેઠક પર અગાઉ પણ જીતી ચૂકેલાં કાંતિ અમૃતિયા આ વખતે જંગી લીડથી જીતશે.
તેમનું માનવું છે કે હવે મોરબીનો મુદ્દો એટલો ચર્ચામાં રહ્યો નથી.
તેઓ જણાવે છે, "આ ઘટના બની ત્યારે લાગતું હતું કે ચૂંટણીમાં તેનો પડઘો પડશે પણ હવે ધીરેધીરે આ ઘટના પરથી લોકોનું ધ્યાન હઠી રહ્યું છે."
આ પાછળનું કારણ સમજાવતા તેઓ કહે છે, "લોકો હોય કે પછી વિરોધ પક્ષ. તેમના દ્વારા ઉઠાવાતા સવાલો પણ મીડિયામાં લોકો સુધી પહોંચતા નથી. આ ઉપરાંત ભાજપના જે ઉમેદવાર(કાંતિલાલ અમૃતિયા) છે, તેમને પણ સારો આવકાર મળી રહ્યો છે."
તેઓ આગળ કહે છે, "પુલ દુર્ઘટના સમયે કાંતિલાલે જે રીતે કામ કર્યું અને તેમના વીડિયો વાઇરલ થયા હતા. તેના કારણે તેમની લોકપ્રિયતા વધી છે. તેથી ભાજપને આ મુદ્દો નડે તેમ લાગતું નથી."
શું વાઇરલ વીડિયોના કારણે કાંતિ અમૃતિયાને ટિકિટ મળી?
ભાજપે મોરબી- માળિયા બેઠક પરથી કાંતિ અમૃતિયાને ટિકિટ આપી છે. કાંતિ અમૃતિયા એ જ નેતા છે, જેમનો મોરબી પુલ દુર્ઘટના સમયે જાતે પાણીમાં ઊતરીને લોકોને બચાવવા જતા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો.
ભાજપ તરફથી તેમને ટિકિટ આપવી આશ્ચર્યજનક એટલા માટે કહી શકાય કારણ કે તેઓ અને હાલના મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા રસપ્રદ ભૂતકાળ ધરાવે છે.
વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપે મોરબી બેઠક પરથી કાંતિ અમૃતિયાને ટિકિટ આપી હતી. તો તેમની સામે કૉંગ્રેસે બ્રિજેશ મેરજાને ટિકિટ આપી હતી. એ ચૂંટણીમાં કાંતિ અમૃતિયાનો વિજય થયો હતો.
ત્યાર બાદ 2017ની ચૂંટણીમાં ફરી બંને આમનેસામને આવ્યા. જોકે, એ વખતે બ્રિજેશ મેરજાએ કાંતિ અમૃતિયાને હરાવ્યા હતા અને આ બેઠક કૉંગ્રેસના ફાળે ગઈ હતી.
પણ વધુ એક રસપ્રદ વળાંક ત્યારે આવ્યો જ્યારે 2020માં રાજ્યસભાની ચૂંટણી પહેલાં બ્રિજેશ મેરજા કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા અને આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ.
વર્ષ 2020ની પેટાચૂંટણીમાં ભાજપે એ બેઠક પર પાંચ ટર્મ ચૂંટાયેલાં કાંતિ અમૃતિયાની જગ્યાએ પક્ષપલટો કરીને આવેલાં બ્રિજેશ મેરજાને ટિકિટ આપી અને તેઓ જીત્યા પણ. હાલમાં તેઓ ભુપેન્દ્ર પટેલની સરકારમાં શ્રમ અને રોજગાર મંત્રાલયનો સ્વતંત્ર હવાલો ધરાવે છે.
ભાજપ દ્વારા મોરબી બેઠક પર યોજાયેલી છેલ્લી ત્રણ ચૂંટણીમાંથી બેમાં જીતનારા મંત્રી બ્રિજેશ મેરજાની જગ્યાએ કાંતિ અમૃતિયાને ટિકિટ આપતા આ પસંદગી પર પણ સવાલો ઊભા થાય છે.
વર્ષોથી મોરબીમાં રિપોર્ટિંગ કરતા બીબીસીના સહયોગી પત્રકાર રાજેશ આંબલિયા કહે છે, "2017ની ચૂંટણીમાં કાંતિ અમૃતિયાના હારવા અને બ્રિજેશ મેરજાના જીતવા પાછળ પાટીદાર અનામત આંદોલન જવાબદાર હતું. આ આંદોલનની અસરને ડામવા માટે ભાજપે બ્રિજેશ મેરજાને પોતાના પક્ષમાં લીધા."
તેઓ આગળ કહે છે, "બ્રિજેશ મેરજાએ પણ ભાજપમાં જોડાવા માટે કેટલીક શરતો મૂકી હશે. જેનું પાલન થયા બાદ જ તેઓ જોડાયા હશે."
તો પછી આ ચૂંટણીમાં બ્રિજેશ મેરજાની જગ્યાએ કાંતિ અમૃતિયાને શા માટે ટિકિટ આપવામાં આવી હોઈ શકે? આ પ્રશ્નના જવાબમાં તેઓ જણાવે છે, "બ્રિજેશ મેરજાની મોરબીના વિસ્તારોમાં કાંતિ અમૃતિયા જેટલી પકડ નથી અને કાંતિ અમૃતિયાએ ચૂંટણી હાર્યા બાદ પણ લોકસંપર્ક જાળવીને રાખ્યો હતો."
શું કાંતિ અમૃતિયાને મોરબી પુલ દુર્ઘટના સમયે વાઇરલ થયેલા તેમના વીડિયોના કારણે ટિકિટ મળી હોઈ શકે? આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, "હા બિલકુલ, એમ હોઈ શકે છે. કારણ કે મોરબી દુર્ઘટના સમયે તેઓ જે રીતે લોકોની મદદ કરવા દોડી ગયા હતા. તેનો ઉલ્લેખ આજે પણ પ્રચાર માટે આવતા તમામ નેતાઓ કરી રહ્યા છે."
'પુલ તૂટ્યો, એ વિસ્તારમાં જ નાચીનાચીને મત માગી રહ્યા છે'
તમામ પક્ષો હાલ વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર-પ્રસારની કામગીરી કરી રહ્યા છે. ત્યારે ભાજપ તરફથી તેમના પ્રચારમાં સતત તેનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. દુર્ઘટના કરતા તેમાં ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાએ જે રીતે લોકોને બચાવ્યા હતા, તેનો ઉલ્લેખ વધારે જોવા મળે છે.
જ્યારે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આ ઘટનાનો ઉલ્લેખ જરા પણ કરાતો ન હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે મોરબી કૉંગ્રેસના પ્રવક્તા મનોજ પનારાએ કહ્યું, "આ ઘટના દુખદ હતી અને અમારું માનવું છે કે પીડિતોને ન્યાય મળવો જોઈએ. એ જ કારણથી અમે ચૂંટણીમાં સાદાઈથી પ્રચાર કરી રહ્યા છીએ."
તેમણે આગળ કહ્યું, "ન તો અમે રેલીઓ યોજી રહ્યા છીએ, ડીજે વગાડી રહ્યા છીએ અને ફૉર્મ ભરતી વખતે પણ હારતોરા કે કોઈ મોટા દેખાડા કર્યા ન હતા. અમે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છીએ અને મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી રહ્યા છીએ."
મનોજભાઈએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું, "એ લોકોને મોતનો મલાજો જાળવવાની પણ પડી નથી. જે વિસ્તારમાં પુલ તૂટ્યો હતો, તેઓ ત્યાં ડીજે વગાડીને નાચતા-નાચતા મત માગી રહ્યા છે. જે રીતે પીએમ મોદીની મુલાકાત સમયે અમદાવાદમાં સ્લમ ઢાંકવા પડદા બાંધવામાં આવ્યા હતા. એ જ રીતે મોરબી દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને ન્યાય આપવાની જગ્યાએ ચૂંટણીમાં તેના પર પડદો પાડવા અને ફાયદો મેળવવા "જાતભાતની યુક્તિઓ અજમાવી રહ્યા છે."
મોરબી દુર્ઘટના સમયે વિવિધ મીડિયા અહેવાલોમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓએ દાવો કર્યો હતો કે તેમણે લોકોના જીવ બચાવ્યા છે. ત્યારે ચૂંટણીમાં તેનો ઉલ્લેખ કેમ નહીં? આ પ્રશ્નના જવાબમાં મનોજ પનારા જણાવે છે, "પુલ દુર્ઘટના સમયે અમારા કાર્યકર્તાઓ અને ઉમેદવાર જયંતિ પટેલ ખુદ ગણતરીની મીનિટોમાં ત્યાં પહોંચી ગયા હતા."
"અમારા કાર્યકર્તાઓએ લોકોની મદદ પણ કરી હતી પરંતુ અમારે તેનો ઉપયોગ રાજકીય જશ ખાટવા નથી કરવો. અમે મદદ કરવામાં માનીએ છીએ, ન કે વીડિયો બનાવીને તેનો ફાયદો ઉઠાવવામાં..."
તેમણે અંતે કહ્યું, "તંત્રએ ભલે મૃતદેહો બહાર કાઢ્યા હોય, પણ જીવિત લોકોને તો નજીકમાં રહેતા સ્થાનિક યુવાનોએ જ બહાર કાઢ્યા હતા."
આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી રહેલાં પંકજ રાણસરીયાનું પણ કંઇક આવું જ માનવું છે. તેઓ કહે છે કે બચાવકાર્યમાં માત્ર ભાજપ જ નહોતું પણ ભાજપ સિવાય અન્ય કોઈ પાર્ટી આ દુર્ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યું નથી.
તેમણે કહ્યું, "દુર્ઘટના ઘટી તેની 20 મીનિટમાં હું ત્યાં પહોંચી ગયો હતો. અમે પણ 30-35 લોકોને જીવતા બચાવીને હૉસ્પિટલ પહોંચાડ્યા છે. હું ખુદ સવારે સાત વાગ્યા સુધી હૉસ્પિટલમાં હતો પણ આ સમયના મેં કોઈ ફોટો કે વીડિયો લીધા નથી. એમ કરવાની અમારી લાયકાત જ નથી."
ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું, "જનતા હવે ભાજપને ઓળખી ગઈ છે અને તેઓ પરિવર્તન ઇચ્છે છે. ભાજપના તમામ નેતાઓને ખબર છે કે પુલમાં ભ્રષ્ટાચાર થયો છે. જો તેમાંનો એક પણ નેતા જાહેરમાં ભ્રષ્ટાચારીઓના નામ સુદ્ધા લે તો હું જાહેર જીવનમાંથી રાજીનામું આપી દઉં!"
'કદાચ તેઓ કાંતિભાઈની કામગીરીથી પ્રભાવિત થયા હોઈ શકે'
ચૂંટણીપ્રચારમાં ભાજપ પર થઈ રહેલાં પ્રહારો અંગે મોરબી ભાજપના પ્રવક્તા પ્રજ્ઞેશ વાઘેલા કહે છે, "પુલ દુર્ઘટના મોરબીને એક ઘા આપીને ગઈ છે. તેનું દુખ હજુ પણ છે, પરંતુ એ દુખમાંથી જેટલું ઝડપથી બહાર નીકળાય એટલું સારું."
તેમનું કહેવું છે કે અન્ય પક્ષોની જેમ ભાજપ પણ આ ઘટનાનો રાજકીય ફાયદો ઉઠાવી રહ્યું નથી. તેઓ જણાવે છે, "આ ઘટના રાજકીય રોટલા શેકવા માટેની હતી જ નહીં અને ભાજપ તેને લઈને સંવેદનશીલ છે."
તો પછી પ્રચારમાં ઠેરઠેર પુલ દુર્ઘટના સમયે 'કાંતિ અમૃતિયાનાં બચાવકાર્ય'ના સતત ઉલ્લેખ વિશે તેઓ કહે છે, "કાંતિભાવનો સ્વભાવ જ એવો છે. મોરબીમાં આવેલા પૂર વખતે પણ તેઓ શરૂઆતથી અંત સુધી ખડેપગે હાજર રહ્યા હતા અને રાહતકાર્ય યોગ્ય રીતે થાય તેનું નિરિક્ષણ કર્યું હતું. 2002માં આવેલા ભૂકંપ સમયે તેમણે સમગ્ર વિધાનસભા મતક્ષેત્રમાં પદયાત્રા યોજી હતી અને લોકોની મદદ કરી હતી."
તેઓ આગળ કહે છે, "તેમનો સ્વભાવ જ લોકોની મદદ કરવાનો છે. જેથી પ્રચાર માટે આવેલા કોઈક નેતાઓ કે કાર્યકરો કદાચ તેમની કામગીરીથી પ્રભાવિત થયા હોય અને તેમણે તેનો ઉલ્લેખ કર્યો હોઈ શકે છે."
મોરબી કૉંગ્રેસના પ્રવક્તા પંકજ પનારાએ કરેલાં આક્ષેપોને પાયાવિહોણા ગણાવતાં તેમણે કહ્યું, "સામાન્ય રીતે તમામ પાર્ટીઓના પ્રચાર રથમાં પાર્ટીના ગીતો કે દેશભક્તિના ગીતો વાગતા હોય છે. પુલ તૂટ્યો તેની આસપાસના વિસ્તારમાંથી પ્રચાર રથ પસાર થયો હોય અને તેમાં ગીતો વાગતા હોઈ શકે છે પણ પુલ તૂટ્યો તેની આસપાસના વિસ્તારમાં ડીજે વગાડીને મત માગી રહ્યા હોવાના દાવા તદ્દન પાયાવિહોણા છે."
મોરબી પુલ દુર્ઘટના : અત્યાર સુધી શું-શું થયું?
મોરબી નગરપાલિકાની માલિકીનો ઝૂલતો પુલ જાળવણી અને વ્યવસ્થાપન માટે ખાનગી કંપની ઓરેવાને આપવામાં આવ્યો હતો.
આશરે છ મહિના સુધી સમારકામ માટે બંધ રખાયા બાદ દિવાળીના તહેવાર નિમિત્તે 26 ઑક્ટોબરના રોજ તેને ખુલ્લો મૂકાયો હતો.
30 ઓક્ટોબરે રાત્રે આ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. પુલ તૂટ્યો તે સમયે તેના પર 300થી વધુ પ્રવાસીઓ હોવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી. જે પૈકી 135થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ અનુસાર આ બ્રિજના ઉપયોગ માટે જરૂરી એવું ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા સિવાય જ તેને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.
આ ઘટના સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધી અને નવ લોકોની ધરપકડ કરી હતી.
બાર ઍન્ડ બૅન્ચ અનુસાર, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે નિર્દેશ આપ્યો છે કે મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના અંગે સુઓમોટો કેસની સુનાવણી કરી રહેલી ગુજરાત હાઈકોર્ટે સમયાંતરે સુનાવણી કરવી.
બેન્ચે મૌખિક ટિપ્પણીમાં કહ્યું હતું, "આ મહાદુર્ઘટના છે અને આ માટે કૉન્ટ્રેક્ટ આપવા, કોૉન્ટ્રેક્ટ આપેલા પક્ષના પ્રમાણપત્ર, દોષિતો માટે જવાબદારીનું આરોપણ વગેરે જોવા માટે સાપ્તાહિક મૉનિટરીંગની જરૂર પડશે. હાઈકોર્ટે ચાર્જ સંભાળ્યો છે નહીંતર અમે નોટિસ જારી કરી હોત."
કોર્ટ ગુનાહિત ગેરરીતિનાં કૃત્યોની તપાસની માગ કરતી બે અરજીઓની સુનાવણી કરી રહી હતી, જેમાં માગ કરાઈ હતી કે નગરપાલિકાના અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે અને પુલની જાળવણી માટે સોંપવામાં આવેલી એજન્સીને જવાબદાર ગણીને તેમની ધરપકડ કરવામાં આવે.
આ દુર્ઘટનામાં જેમનાં ભાઈ અને ભાભીનાં મૃત્યુ થયા છે એવા એક અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણને દલીલ કરી હતી કે સત્ય બહાર લાવવા માટે સ્વતંત્ર તપાસ જરૂરી છે.
“રાજ્યમાં ચૂંટણીઓ આવી રહી છે અને એથી જ અજંતા ઓરેવા પાછળની મોટી માછલીઓને પકડવી જરૂરી છે. " તેમણે એમ પણ કહ્યું કે પીડિત પરિવારોને આપવામાં આવેલ વળતર પૂરતું નથી.
વકીલે દલીલ કરી હતી, "સ્પોર્ટ્સ માટે 10થી 15 કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવે છે, પરંતુ આવી દુર્ઘટનામાં કંઈ અપાતું નથી. આ નીતિઓને વળતરના સંદર્ભમાં જોવી જોઈએ."
બીજી તરફ, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટે આ ઘટના અંગેનો કેસ ચલાવી રહી હોવાથી સુપ્રીમ કોર્ટ પાસે આ બાબતે અરજીઓ સાંભળવાનું કોઈ કારણ નથી.
તુષાર મહેતાએ કહ્યું હતું, "તેમણે જે દલીલ કરી છે તે હાઇકોર્ટ સમક્ષ દલીલ કરી શકાય છે." ત્યારબાદ કોર્ટે અરજદારોને હાઈકોર્ટમાં જવાની અને પેન્ડિંગ અરજીમાં હસ્તક્ષેપ કરવાની સ્વતંત્રતા આપી હતી
કોર્ટે નિર્દેશ આપ્યો, "આ રીતે અરજદાર સુઓમોટો કેસમાં હસ્તક્ષેપ કરી શકે છે અથવા કલમ 226 હેઠળ અરજી દાખલ કરી શકે છે. અરજદાર અથવા અન્ય કોઈ પણ પીડિત વ્યક્તિને કોઈ પણ રાહત માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવાની સ્વતંત્રતા આપવામાં આવે છે."
મોરબી પુલ દુર્ઘટના કેસમાં એફએસએલના પ્રાથમિક રિપોર્ટના આધારે સરકારી વકીલે 21 નવેમ્બરે કોર્ટમાં રજૂઆત કરી હતી અને આરોપીઓની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.
મોરબી કોર્ટમાં આ કેસના સરકારી વકીલ વિજય જાનીએ જણાવ્યું હતું, “એફએસએલનો જે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે, તેના પરથી સ્પષ્ટ થાય છે કે ઝૂલતા પુલનો મુખ્ય કૅબલ બદલવામાં આવ્યો ન હતો અને તેનું યોગ્ય મેન્ટનન્સ પણ કરવામાં આવ્યું ન હતું.”
તેમણે જણાવ્યું હતું કે, “રિપોર્ટ મુજબ બ્રિજનો મુખ્ય કૅબલ જે સ્થાનેથી તૂટેલો છે, તેના નમૂનાની તપાસમાં જણાયું હતું કે, એ કૅબલને કાટ લાગી ગયો હતો અને તેને બદલવામાં આવ્યો ન હતો. પુલના મુખ્ય કૅબલને પ્લૅટફૉર્મ સાથે પકડી રાખવા માટેનાં ઍન્કરો ઢીલાં હતાં. ઉપરાંત ઍન્કરના બોલ્ટ પણ લગભગ ત્રણ ઇંચ જેટલા ઢીલા હતા. જેના કારણે બ્રિજ તૂટી ગયો હોવાની સંભાવના છે.”
એટલું જ નહીં, આવા જર્જરિત પુલ પર દુર્ઘટનાના દિવસે તેની ક્ષમતા કરતાં અનેક ગણાં વધુ લોકોને ટિકિટ આપવામાં આવી હતી. 30 ઑક્ટોબરના દિવસે કુલ 3,165 લોકોને ટિકિટ વેચવામાં આવી હતી.