‘મારા સાળાએ મારી ત્રણ વર્ષની દીકરીને તેના મારથી બચાવવા ગયેલી મારી માની હત્યા કરી નાખી’, એક પુત્રની ફરિયાદ

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • અમદાવાદના મેઘાણીનગરમાં સાળાએ કથિતપણે બનેવીના માતાનું ક્રૂર માર મારી મૃત્યુ નિપજાવ્યાની ઘટના સામે આવી છે
  • મેઘાણીનગર પોલીસે ઘટનાના આરોપી ગિરીશ દ્રવની ધરપકડ કર્યા બાદ, રિમાન્ડ માગી તપાસ હાથ ધરી છે
  • એક જ ઘરમાં રહેતા સાળા બનેવી વચ્ચે આખરે એવું તો શું થયું હતું કે સાળાએ જ કથિતપણે બનેવીનાં માતાનું મૃત્યુ નિપજાવી દીધું?

“મારી વૃદ્ધ સાસુની સેવા કરવા હું મારી પત્ની અને પરિવાર સાથે મારા સાસરે રહેવા ગયો. પાછલા કેટલાક સમયથી મારો સાળો મને અને મારા પરિવારને સતત હેરાન કરતો હતો. પરંતુ હવે તો તેના માર અને અત્યાચારને કારણે મારી માતા મૃત્યુ પામી છે અને ત્રણ વર્ષની નાની દીકરીને હૉસ્પિટલે ખસેડવી પડી.”

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા 38 વર્ષીય સૂરજસિંઘ પોતાનાં બીમાર વૃદ્ધ માતાને ગુમાવવાનો શોક કંઈક આ રીતે વ્યક્ત કરે છે.

મેઘાણીનગર પોલીસ દ્વારા સૂરજસિંઘનાં 62 વર્ષીય માતા કમલાબહેન ગિલનું ક્રૂરપણે માર મારી મૃત્યુ નિપજાવ્યાના આરોપમાં તેમના 35 વર્ષીય સાળા ગિરીશની ધરપકડ કરાઈ હતી.

પોલીસના જણાવ્યાનુસાર આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરાઈ છે.

નોંધનીય છે કે સુરજસિંઘ ગિલનાં 12 વર્ષ પહેલાં લક્ષ્મી નામનાં એમની જ જ્ઞાતિનાં યુવતી સાથે લગ્ન થયાં હતાં.

તેઓ પોતાનાં પત્ની સાથે મજૂરીકામ કરી પેટિયું રળતા.

અગાઉ મેઘાણીનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા સૂરજસિંઘના પિતાનું થોડા સમય પહેલાં અવસાન થયું હતું, ત્યાર બાદ બીમારીથી એમના બે ભાઈનું અવસાન થયું. હવે તેમના પરિવારમાં માતા, પત્ની, પુત્ર અને પુત્રી હતાં.

આખરે એક જ છત નીચે રહેતા પરિવાર વચ્ચે એવું તો શું બન્યું કે સાળાએ કથિતપણે પોતાના જ બનેવીનાં વૃદ્ધ માતાની હત્યા કરી નાખી?

આ સમગ્ર બનાવ વિશે વિગતવાર માહિતી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.

પરિવાર પત્નીના પિયરમાં શિફ્ટ થયો અને...

ભાડાનું મકાન છોડીને પોતાનાં પત્નીના પિયરમાં રહેવાનો નિર્ણય લેવા પાછળનું કારણ આપતા સૂરજસિંઘ ગિલ કહે છે :

“આજથી લગભગ સાડાં ત્રણ વર્ષ પહેલાં મારી પત્નીને નાદુરસ્ત તબિયતના કારણે વારંવાર સિવિલ હૉસ્પિટલના ધક્કા ખાવા પડતા.”

તેઓ આગળ કહે છે કે, “આ સ્થિતિ જોઈને મારા સાળાએ મને મારા પરિવાર સાથે મેઘાણીનગરમાં જ તેમના ઘરે આવીને રહેવા સમજાવ્યો. તેણે કહ્યું કે આવું કરવાથી બાળકોને દાદી-નાની બંનેનો પ્રેમ મળશે. હું માની ગયો અને અમે તેમની સાથે જ રહેવા લાગ્યાં.”

સાળા સાથે તેમના ઘરે રહેવા દરમિયાનના અનુભવો અંગે વાત કરતાં સૂરજસિંઘ જણાવે છે કે, “શરૂઆતમાં બધું સારું ચાલતું. પરંતુ મારી સાસુના અવસાન બાદ મારા સાળાએ પોતાનો રંગ બતાવ્યો.”

તેઓ સાળા પર તેમના માતા, બાળકો અને પત્ની પર અત્યાચાર કરવાના આરોપ મૂકતાં જણાવે છે કે, “એ મારી પાસેથી મજૂરીના પૈસા પડાવી લેતો. જો પૈસા ન આપું તો મને મારતો. મારાં બાળકોને મારતો. ગભરાઈને હું અને મારાં પત્ની બંને પોતાની મજૂરીના પૈસા આપી દેતાં.”

તેઓ તેમના સાળા ગિરીશના પોતાની અને પોતાના પરિવારની સાથેના ગેરવર્તન અંગે વાત કરતાં કહે છે કે, “પાછલા છ માસથી મારા સાળાનો ત્રાસ વધી ગયો હતો. તે દરરોજ મારી માતા સાથે ઝઘડા કરતો અને નોકરાણીની જેમ કામ કરાવતો.”

સૂરજસિંઘ પોતાના સાળા ગિરીશના કથિત ગેરવર્તનથી પરેશાન થઈ ઘણી વખત પોતાનાં પત્નીને ગિરીશથી અલગ રહેવા માટે સમજાવી હોવાની વાત કરે છે.

સૂરજસિંઘના જણાવ્યાનુસાર તેમના સમજાવ્યા છતાં પત્ની તેમના ભાઈને છોડીને અલગ રહેવા જવા માટે ન માન્યાં.

તેઓ ઘટનાના દિવસે બનેલા બનાવો યાદ કરતા કહે છે કે, “ગત 6 માર્ચના રોજ હું અને મારી પત્ની મજૂરીકામ માટે બહાર નીકળ્યાં હતાં. મારો સાળો પણ અમદાવાદના રાયપુર ખાતે આવેલી એક ફૅકટરીમાં નોકરી કરતો હોઈ કામે ગયો હતો. પરંતુ અચાનક બપોરે તેનો ફોન આવ્યો. તેણે મને ફોન પર કહ્યું કે મારી માતાનું નિધન થયું છે.”

માતાના મૃત્યુના સમાચાર મેળવી હચમચી ગયેલા સૂરજસિંઘ જ્યારે ઘરે પહોંચ્યા તે બાદ શું થયું એ અંગે વાત કરતાં કહે છે :

“હું જ્યારે ઘરે આવ્યો તો મારા પાંચ વર્ષીય દીકરા દિલીપસિંઘે કહ્યું કે તેમના ગિરીશ મામા મારી ત્રણ વર્ષની દીકરી અવાજ કરી રહી હોવાને કારણે ખિજાઈને તેને ઢોર માર મારી રહ્યા હતા. તેણે મારી માતાને પણ માર માર્યો હતો.”

“પાડોશીઓએ પણ કહ્યું કે મારા સાળા ગિરીશે મારી માતાને લાકડાથી મારી છે. મારી ત્રણ વર્ષની દીકરીને પણ લાકડાથી મારતાં તેને પોલીસે દવાખાને દાખલ કરી છે, આ ઘટના બાદ મારા સાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કર્યાં પછી મારી પત્નીએ મને ઘરમાંથી કાઢી મૂક્યો છે, અત્યારે હું ભટકી રહ્યો છું.”

સૂરજસિંઘ અને તેમના પાડોશીઓનો આરોપ છે કે ગિરીશે વૃદ્ધા કમલાબહેનને ઢોર માર મારતાં તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું.

પાડોશીઓએ પણ ગિરીશ પર લગાવ્યા આરોપ

મેઘાણીનગરની હસમુખલાલ કેશવલાલની ચાલીમાં સૂરજસિંઘનાં પાડોશી અને ઘટનાનાં સાક્ષી શાંતાબહેને બીબીસી સાથેની વાતચીતમાં ગિરીશ પર સૂરજસિંઘનાં માતા અને પુત્રીને માર મારવાનો આરોપ મૂક્યો હતો.

તેમણે કહ્યું હતું કે, “ગિરીશ વારંવાર ચાલીમાં ઝઘડા કરતો. ઘટનાના દિવસે જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેણે ત્રણ વર્ષની બાળકીને માર મારવાનું શરૂ કર્યું હતું. જ્યારે બાળકીની દાદી તેને બચાવવા માટે વચ્ચે પડી ત્યારે તેણે વૃદ્ધાને પણ મારવાનું શરૂ કરી દીધું. અમે બધાએ વૃદ્ધાને છોડાવાની કોશિશ કરી પણ તે અમને પણ મારવા આવતાં અમે બધા બહાર નીકળી ગયા.”

શાંતાબહેન ઘટના સમયે બનેલા બનાવો અંગે વાત કરતાં આગળ કહે છે કે, “ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસે મારના કારણે લોહીલુહાણ થયેલી બાળકીને હૉસ્પિટલ ખસેડી જ્યારે કમલાબહેનનો મૃતદેહ કબજે કરી તપાસ હાથ ધરી હતી.”

આ ઘટનાની માહિતી આપતાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વાય. જે. રાઠોડે કહ્યું હતું કે, “પોલીસને ઘટનાની માહિતી મળતાં જ અમે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આરોપી ગિરીશ નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત બાળકીને હૉસ્પિટલ ખસેડ્યા બાદ અમે ગિરીશના મિત્રવર્તુળમાં તપાસ કરી અને 12 કલાકમાં જ તેને શોધીને તેની ધરપકડ કરી લીધી. ઘટનાને અંજામ આપવા માટે ગિરીશે ઉપયોગમાં લીધેલું લાકડું પણ કબજે કર્યો હતો. હવે અમે તેના રિમાન્ડની માગણી કરી વધુ તપાસ હાથ ધરી છે.”

સમગ્ર ઘટના વિશે જાણી આરોપીની મન:સ્થિતિ અંગેનો અંદાજ વ્યક્ત કરતાં જાણીતા મનોચિકિત્સક ડૉક્ટર મુકુલ ચોકસી જણાવે છે કે, “આવા કિસ્સામાં આવેશમાં આવીને ઘણા લોકો હિંસક બની જતા હોય છે, જેને ઇમ્પલ્સ કંટ્રોલ ડિસૉર્ડર કહે છે.”

“આવા લોકોમાં હિંસક આવેગ આવે ત્યારે એ પોતાની જાતને રોકી શકતા નથી, આ ઉપરાંત ઘણા લોકો અંગત સમસ્યાને કારણે ડિપ્રેશનમાં હોય છે. આવા લોકો પોતાની નિર્ણયશક્તિ ગુમાવી દે છે, જેના કારણે ઘણી વાર આવા હિંસક હુમલા કરી બેસે છે, જે લોકો પોતાના ગુસ્સાને કંટ્રોલ ના કરી શકતા હોય એ લોકો સામાન્યપણે આવાં પગલાં ભરતાં હોય છે.”