જાડેજા વિ. જાડેજા : હવે અનિરુદ્ધસિંહ જાડેજા જેલ જશે, બે ક્ષત્રિય બાહુબલીઓની એ લડાઈ જેણે ગોંડલને 'લોહિયાળ' બનાવી દીધું

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને મહિપતસિંહ જાડેજાના દીકરા અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે 2022ની ચૂંટણીથી જાહેર મંચો પરથી એક-બીજા પર આક્ષેપો કરવાના ઘટનાક્રમ વચ્ચે અનિરુદ્ધસિંહને ફરી વાર જેલ જવાની નોબત આવી છે.

અનિરુદ્ધસિંહે 1988માં ગોંડલના તત્કાલીન ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાની સરાજાહેર ગોળી મારી હત્યા કરી હતી.

કૉંગ્રેસના નેતા પોપટ લાખા સોરઠિયા અને મહિપતસિંહ જાડેજા વચ્ચે તે જમાનામાં ગોંડલમાં રાજકીય વર્ચસ્વ માટે સંઘર્ષ ચાલતો હતો.

તે વખતે યુવાન અનિરુદ્ધસિંહે પોપટ સોરઠિયાને ગોંડલમાં 15મી ઑગસ્ટ નિમિત્તે ગોંડલ શહેરની સંગ્રામસિંહજી શાળાના મેદાનમાં યોજાયેલા ધ્વજવંદનના કાર્યક્રમમાં જ ગોળી મારી હત્યા કરી નાખી હતી. ત્યાર પછી 1990 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલ સીટ પરથી મહિપતસિંહ જાડેજા અપક્ષ ઉમેદવાર તરીકે વિજેતા થયા હતા.

પરંતુ સુપ્રીમ કોર્ટે 10 જુલાઈ, 1997ના રોજ અનિરુદ્ધસિંહને પોપટ સોરઠિયાની હત્યાના કેસમાં ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.

જેલમાં હાજર થવાને બદલે અનિરુદ્ધસિંહ ત્રણ વર્ષ સુધી ફરાર રહેલા. છેવટે 28 એપ્રિલ 2000ના રોજ તેમને પકડી લેવાયા હતા અને જેલ હવાલે કરાયા હતા.

ત્યાર પછી અનિરુદ્ધસિંહે અઢારેક વર્ષ જેલમાં ગાળ્યા. પરંતુ 29 જનયુઆરી, 2018ના રોજ રાજ્યની જેલોના તત્કાલીન વડા અધિક પોલીસ મહાનિદેશક ટી. એસ. બિષ્ટે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ જેલના તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટને એક પત્ર લખી હુકમ કર્યો કે અનિરુદ્ધસિંને જેલમાંથી છોડી મૂકવામાં આવે.

પત્રમાં જેલોના વડાએ 24 જાન્યુઆરી 2017ના રોજ રાજ્ય સરકારે શરતોને આધીન જે ગુનેગારોએ 12 વર્ષની જેલની સજા પૂરી કરી હોય તેમની સજા માફ કરી તેમને છોડી મૂકવાના નિર્ણયનો હવાલો આપ્યો.

બિષ્ટના આ હુકમ સામે હત્યાના કેસમાં રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે સજા કાપી રહેલા કાંતિલાલ રામજી સોલંકી નામની વ્યક્તિએ ગુજરાત હાઇકોર્ટમાં 2018માં અરજી કરી હતી પરંતુ પછી તે પાછી ખેંચી લીધી.

તે જ રીતે 2019માં રાજકોટના વકીલ સંજય પંડિતે એક જાહેર હિતની અરજી કરી અનિરુદ્ધસિંહની સજા માફીને રદ કરવાની અને બિષ્ટ સામે સીબીઆઈ દ્વારા તપાસ કરવાની માંગણી કરી. પરંતુ પંડિતે પણ પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.

છેવટે 20 ઑગસ્ટ 2024ના રોજ પોપટ સોરઠિયાના પૌત્ર હરેશ રમેશભાઈ સોરઠીયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અનિરુદ્ધસિંહને આપવામાં આવેલી સજામાફી રદ કરવાની માંગણી કરી. સુપ્રીમ કોર્ટે હરેશ સોરઠિયાને સંલગ્ન હાઇકોર્ટમાં અરજી કરવાની છૂટ આપી અરજીનો નિકાલ કરી દીધો.

તેથી હરેશ સોરઠિયાએ ઑગસ્ટ 2024માં ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી. અરજીમાં એવો દાવો કર્યો કે બિષ્ટે જૂનાગઢ જેલના સુપ્રિન્ટેન્ડન્ટને લખેલો પત્ર ગેરકાયદેસર હતો અને તેથી અનિરુદ્ધસિંહની સજાની માફી પણ કાયદા વિરુદ્ધ હતી.

બુધવારે પોતાનો ચુકાદો આપતા ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ હસમુખ સુથારની કોર્ટે હરેશ સોરઠિયાની અરજી માન્ય રાખી. કોર્ટે અનિરુદ્ધસિંહને આપવામાં આવેલી સજામાફી પણ ગેરકાયદેસર ઠેરવી અનિરુદ્ધસિંહને ચાર અઠવાડિયાંની અંદર જેલમાં હાજર થઈ જવા ફરમાન કર્યું.

બીબીસી સાથે વાત કરતા હરેશ સોરઠિયાના વકીલ સુમિત સીકરવારે જણાવ્યું, "બિષ્ટે જૂનાગઢ જેલના સુપ્રિન્ટેન્ડન્ટને લખેલો પત્ર કાયદાની સત્તા વગરનો હતો અને તેથી તે પત્ર/આદેશના આધારે અનિરુદ્ધસિંહને જેલમાંથી છોડી મૂકવાનો નિર્ણય પણ કાયદા વિરુદ્ધ હતો."

"કોર્ટે અમારી આ દલીલ ગ્રાહ્ય રાખી છે અને અનિરુદ્ધસિંહને ચાર અઠવાડિયાંની અંદર સમર્પણ કરવાનો હુકમ કર્યો છે."

વર્ષોથી ચાલુ ઘર્ષણમાં નવા વળાંક

'ભાઈ શાંતિથી જીવવું છે? જીવવું છે? હું કોને કહું સમજી જાજો. તો મારે શાંતિથી જીવવું છે. શાંતિથી નથી જીવવું? એને (અનિરુદ્ધસિંહના સંદર્ભમાં) કહું છું....તો મારે નથી જીવવું. એકાંતરા આ ગામમાં આવીને બેસવું છે. આ ગામમાં મકાન ઘણાં ખાલી છે એની મને ખબર છે. હું અહીં રહેવા આવીશ. બોલતો નથી હો, કરી બતાવીશ. એમાં કોઈ શંકા રાખતા નહીં. જરૂર પડે તો ગોંડલનું કરું છું એમ આ ગામનું (રીબડા) પગીપણું પણ કરીશ.'

2022માં ગોંડલ વિધાનસભાની બેઠક પરથી ગીતાબા જાડેજાના વિજય પછી એક જ પખવાડિયામાં રીબડા ખાતે આયોજિત આભારસંમેલનમાં બોલતી વખતે ધારાસભ્યના પતિ જયરાજસિંહ જાડેજાએ આ વાત કહી હતી.

પરંતુ ગોંડલમાં આ પ્રકારના દૃશ્યો, નિવેદનો બધું સામાન્ય છે. જોકે, પોલીસ આવા કાર્યક્રમોમાં ભારે સુરક્ષાવ્યવસ્થા રાખે છે.

2022માં નવા ધારાસભ્ય ચૂંટાયા ત્યારે કાર્યક્રમમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ભારે સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ સિવાય આયોજકો દ્વારા બાઉન્સરોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. 

પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચેની હિંસક અથડામણ માટે ચર્ચિત ગોંડલ વર્ષોથી બે બાહુબલી રાજપૂત નેતાઓ વચ્ચેના કથિત યુદ્ધને કારણે સમાચારમાં રહે છે.

આ વિવાદમાં એક તરફ ગોંડલના જયરાજસિંહ જાડેજા છે, તો બીજી તરફ છે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા. બે પેઢીથી ચાલી આવતું વેર હવે ત્રીજી પેઢીએ પણ લંબાયું છે.

1998માં શરૂ થયેલા વેરના વાવેતરમાં દસ વર્ષ પછી, લગભગ 14 વર્ષનો વિરામ આવ્યો હતો. બંને નેતા વચ્ચે સમાધાન થાય તે માટે રાજપૂત સમાજ, અન્ય સમાજ તથા સંત સમાજમાંથી પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

જાણીએ આ અહેવાલમાં એ વેરની કહાણી વિશે...

(આ અહેવાલ સૌપ્રથમ વર્ષ 2023માં પ્રકાશિત થયો હતો)

સત્તા, સમાજ અને સંઘર્ષ

1962થી 1972 દરમિયાન ગુજરાતમાં વિધાનસભાની ત્રણ ચૂંટણી યોજાઈ, જેમાં ગોંડલની બેઠક પર પાટીદાર નેતાઓનો દબદબો રહ્યો હતો.

1975ની વિધાનસભા ચૂંટણી પહેલાં ચીમનભાઈ પટેલે 'કિસાન મજદૂર લોક પક્ષ'ની (કિમલોપ) સ્થાપના કરી હતી. કૉંગ્રેસથી અલગ પોતાનું રાજકીય કદ વધારવા માગતા ચીમનભાઈ પટેલે છૂટથી 'પાટીદાર કાર્ડ'નો ઉપયોગ કર્યો હતો. એ ચૂંટણીમાં કિમલોપના પોપટભાઈ સોરઠિયાએ ઉમેદવાર તરીકે ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું અને કૉંગ્રેસના ઉમેદવારને પરાજય આપ્યો હતો.

પોપટભાઈ રાજકીય સમીકરણોમાં પાટીદારોની એકતાની જરૂરિયાત અને તેમના મતોની તાકતને સમજતા હતા. એટલે જ તેઓ લોકપ્રિય પટેલવાદી નેતા તરીકે સૌરાષ્ટ્રના રાજકીય ફલક પર સામે આવી રહ્યા હતા.

1985માં માધવસિંહ સોલંકીએ 'KHAM' સમીકરણ સાધ્યું હતું, જેમાં ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્લિમ હતા, પરંતુ પાટીદાર ન હતા. ક્ષત્રિયોનું રાજકીય કદ વધતાં પાટીદારો સાથે લોહિયાળ સંઘર્ષના કેટલાક બનાવો માત્ર ગોંડલ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રમાં અલગ-અલગ સ્થળોએ નોંધાયાં હતાં.

લગભગ અઢી દાયકા સુધી ગોંડલની બેઠક ઉપર સંખ્યાબળની દૃષ્ટિએ બીજા ક્રમે એવા પાટીદારોનું વર્ચસ્વ હતું, પરંતુ હવે રાજપૂત નેતાઓ પણ અંકગણિતના આધારે પ્રતિનિધિત્વ ઇચ્છતા હતા. આવા જ એક રાજપૂત હતા રીબડાના મહીપતસિંહ જાડેજા.

સંગ્રામસ્થળ : સંગ્રામસિંહની ભૂમિ

મહીપતસિંહ જાડેજા વર્ષો સુધી રીબડાના સરપંચ રહ્યા હતા.

એ પછી તેમણે પોતાનું રાજકીય કદ વધાર્યું હતું અને તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હતા.

મહીપતસિંહ ધારાસભ્ય બનવા માગતા હતા, પરંતુ તેમની રાજકીય મહત્ત્વાકાંક્ષાને આડે પોપટભાઈ સોરઠિયા હતા.

વર્ષ 1988ની તા. 15 ઑગસ્ટે ગોંડલની સંગ્રામસિંહજી સ્કૂલ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં તાલુકાસ્તરના વહીવટી તંત્ર તથા પોલીસવિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા.

લોકપ્રતિનિધિ પોપટભાઈ સોરઠિયા પણ ત્યાં ઉપસ્થિત હતા. તેઓ ત્રણેક વર્ષ પહેલાં કૉંગ્રેસની ટિકિટ ઉપર ધારાસભ્ય બન્યા હતા.

અચાનક એક યુવક આવ્યો. તેના હાથમાં પિસ્તોલ હતી. તેમણે પોપટભાઈ સોરઠિયાને પૉઇન્ટ-બ્લૅન્ક રેન્જથી ગોળી મારીને સરાજાહેર તેમની હત્યા કરી નાખી.

અગાઉ ચાર વખત નસીબદાર નીવડેલા પોપટભાઈ પાંચમી વખત મોતને થાપ આપી શક્યા ન હતા.

આ યુવક એટલે મહીપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ. સત્તારૂઢ પક્ષના ધારાસભ્યની હત્યાથી રાજ્યમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલ ઊભા થવા લાગ્યા.

સત્તા, સમીકરણ, સમાજ

ખાલી પડેલી ગોંડલ બેઠક પરથી ભાજપના નેતા કેશુભાઈ પટેલે ઝંપલાવ્યું હતું. અગાઉ અપક્ષ પાટીદાર ધારાસભ્ય બાદ ખાલી પડેલી કાલાવડ બેઠક પરથી પણ કેશુભાઈએ આમ જ કર્યું હતું અને વલ્લભ પટેલની હત્યા બાદ ટંકારાની બેઠક પરથી પણ પેટાચૂંટણી લડવાના અને જીતવાના હતા.

1990ની વિધાનસભા ચૂંટણી પહેલાં ચીમનભાઈના જનતાદળ અને ભાજપ વચ્ચે ગઠબંધન થયું હતું. ગોંડલની બેઠક પરથી જનતા દળે મધુસુદન દોંગાને ટિકિટ આપી હતી, પરંતુ અપક્ષ ઊભેલા મહીપતસિંહ જાડેજા સામે તેમનો પરાજય થયો હતો.

1995માં ભાજપતરફી લહેરની વચ્ચે પણ વધુ એક વખત મહીપતસિંહે ભાજપના ઉમેદવાર રમેશભાઈ સોજિત્રાને પરાજય આપ્યો હતો.

પછીનાં વર્ષો દરમિયાન અનિરુદ્ધસિંહે કાયદાને હાથતાળી આપી હતી. પોલીસ તેને પકડી શકતી ન હતી, પરંતુ રાજકોટ, અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ જેવાં શહેરોના અલગ-અલગ સામાજિક, ધાર્મિક અને સાર્વજનિક કાર્યક્રમોમાં તેની હાજરી નોંધાતી.

અનિરુદ્ધસિંહની પહોંચનો અંદાજ એ વાત પરથી મૂકી શકાય કે સતીશ વર્મા, સતીશ શર્મા અને રાહુલ શર્મા જેવા ગુજરાત પોલીસ આઇપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) અધિકારીઓ આ અરસામાં રાજકોટના પોલીસ વડા બન્યા હતા, પરંતુ ધારાસભ્યના હત્યારા સુધી પહોંચી શક્યા ન હતા.

અંતે સુપ્રીમ કોર્ટની દખલ બાદ વર્ષ 2000માં અનિરુદ્ધસિંહની ધરપકડ થઈ હતી કાયદાના લાંબા હાથ અનિરુદ્ધસિંહ સુધી પહોંચ્યા. 

જાડેજા વિ. જાડેજા : પ્રકરણ પહેલું

1990માં કેશુભાઈ પહેલી વખત નાયબ મુખ્ય મંત્રી અને 1996માં ગુજરાતના મુખ્ય મંત્રી પણ બન્યા. તેમણે 'ખજૂરિયા-હજૂરિયાકાંડ'ને કારણે સત્તા ગુમાવી પડી હતી, પરંતુ આ સ્થિતિ કદાચ તેમના માટે 'અભિશાપમાં આશીર્વાદ' જેવી હતી.

રાજકીય મહત્ત્વાકાંક્ષાને કારણે શંકરસિંહ વાઘેલા ભાજપથી અલગ થઈ ગયા હતા. પ્રથમ કાર્યકાળ દરમિયાન 'ઍન્ટિ-ચેમ્બર'માંથી તંત્ર પર પકડ રાખનારા નરેન્દ્ર મોદીને ગુજરાતવટો મળી ગયો હતો. હવે કેશુભાઈ પોતે સરકારનો એજન્ડા નક્કી કરી શકે તેમ હતા.

1998માં ગુજરાતમાં ચૂંટણીજંગ જામ્યો હતો. ભાજપ અને કૉંગ્રેસ ઉપરાંત શંકરસિંહ વાઘેલાની ઑલ ઇન્ડિયા રાષ્ટ્રીય જનતા પાર્ટી મેદાનમાં હતા. એક-એક બેઠક માટે વ્યૂહરચના ઘડાઈ રહી હતી, ત્યારે ગોંડલની બેઠકની પણ ચર્ચા થઈ હતી.

મહીપતસિંહ જાડેજા સામે પાટીદાર ઉમેદવારને ઉતારવાની વ્યૂહરચના નિષ્ફળ રહી હતી. બાહુબલીની સામે બાહુબલી ઉમેદવાર જ ટક્કર ઝીલી શકે તેવા વિચારથી નવા ઉમેદવારની શોધ હાથ ધરવામાં આવી. ત્યારે એક પાટીદાર નેતા દ્વારા જ હડમતાળાના સંપન્ન ખેડૂત ટેમુભા જાડેજાના દીકરા જયરાજસિંહનું નામ સૂચવવામાં આવ્યું હતું.

કેશુભાઈ પોતે ગોંડલની બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા હતા અને તેઓ સ્થાનિક નેતાઓના બળાબળથી વાકેફ હતા. જયરાજસિંહ તમામ પરિમાણો ઉપર પાર ઊતરતા હતા એટલે તેમને ટિકિટ આપવામાં આવી હતી.

એ વિધાનસભા ચૂંટણીમાં રાજકીય સ્થિરતા માટે ભાજપતરફી પવન ફૂંકાઈ રહ્યો હતો. જૂના જોગી મહીપતસિંહને 28 હજાર કરતાં વધુ મતથી પરાજય આપીને લગભગ 35 વર્ષની ઉંમરે જયરાજસિંહ 'જાયન્ટ કિલર' તરીકે પ્રસ્થાપિત થયા હતા.

ગોધરાકાંડ અને તેના પછી ફાટી નીકળેલાં હુલ્લડોના ઘા હજુ તાજા હતા. ડિસેમ્બર 2002માં ફરી કોમી આધાર પર ચૂંટણી લડાઈ. અનિરુદ્ધસિંહની ગેરહાજરીમાં મહીપતસિંહે રાષ્ટ્રવાદી કૉંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી લડી. ફરી એક વખત જયરાજસિંહે 14 હજાર 600 જેટલા મતથી મહીપતસિંહને પરાજય આપ્યો હતો.

જો કૉંગ્રેસ અને એનસીપી સાથે મળીને એ ચૂંટણી લડ્યા હોત, તો કદાચ જયરાજસિંહનો વિજય ન થયો હોત અને તેમનું રાજકીય કદ ન વધ્યું હોત. કૉંગ્રેસના ઉમેદવાર કુરજીભાઈ ભલાળાને 15 હજાર 600 જેટલા મત મળ્યા હતા.

આ બે ચૂંટણીને કારણે ગોંડલના રાજપૂતોમાં બે ફાટ પડી ગઈ હતી. એક તરફ જયરાજસિંહના નેતૃત્વમાં ગોંડલ જૂથ હતું, તો બીજી તરફ મહીપતસિંહના નેતૃત્વવાળું રીબડા જૂથ હતું.

રાજકોટસ્થિત વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યના કહેવા પ્રમાણે, "યાર્ડમાં ચોક્કસ સમાજના ટ્રેક્ટર આવે એટલે અન્ય તમામ ટ્રેક્ટરને કોરાણે મૂકીને આગળ નીકળી જાય એવી રીતને બંધ કરાવવાનું શ્રેય જયરાજસિંહને આપવામાં આવે છે. તેમણે અલગ-અલગ સમાજો વચ્ચે સંવાદિતા સ્થપાય તે માટે પ્રયાસ કર્યા છે, તે વાતને નકારી ન શકાય."

જમીન : કજિયાનું છોરું

ગુજરાતીમાં કહેવત છે કે 'જર જમીન અને જોરુ એ ત્રણે કજિયાનાં છોરું.' આ વાત ગોંડલની રાજવાડી માટે ખરી ઠરી હતી.

ગોંડલના રાજવી પરિવારના ગુણાદિત જાડેજાએ લાલજી સાવલિયા નામની વ્યક્તિને પ્લૉટ વેચ્યો હતો, જેમણે રાજકોટ ભાજપના નેતા વિનુ શિંગાળાને આ પ્લૉટ વેચ્યો હતો. 

જ્યારે શિંગાળાએ પોતાનું નામ દાખલ કરાવવા માટે અરજી આપી, ત્યારે વિક્રમસિંહ રાણાએ 'વાંધા અરજી' દાખલ કરાવી હતી. રાણાની રજૂઆત હતી કે તેઓ મજકૂર જમીન ખેડે છે એટલે જમીનના કબજા માટે તેમણે જાડેજાની સામે કેસ દાખલ કર્યો છે.

રાણાની અરજીને કારણે શિંગાળાનું નામ દાખલ થઈ શક્યું ન હતું. આની અદાવત રાખીને મે-2003માં વિક્રમસિંહ રાણા તેમનાં પિત્રાઈ બહેનને લઈને જઈ રહ્યા હતા, ત્યારે ગોંડલના કોટડા સાંગાણી રોડ ઉપર તેમની હત્યા કરી નાખવામાં આવી હતી.

આ કેસમાં વિનુ શિંગાળા, રામજી મારકણા અને હરેશ ચોથાણી સહિત 13 અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. શિંગાળાને મુખ્ય સૂત્રધાર ઠેરવવામાં આવ્યા હતા. મારકણા અને ચોથાણીને જનમટીપની સજા ફટકારવામાં આવી, જ્યારે 11 અન્યને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા. બે આરોપીઓના કેસની સુનાવણી દરમિયાન મૃત્યુ થઈ ગયાં હતાં.

તકરાર, જાયન્ટ કિલર, કિલર

ઍક્સ-સર્વિસમૅન વિક્રમસિંહ રાણા જયરાજસિંહ જાડેજાના ખાસ વિશ્વાસુ હતા. એક વર્ષની અંદર વિક્રમસિંહની હત્યા સાથે સંકળાયેલા બે શખ્સની હત્યા થઈ ગઈ હતી. ફેબ્રુઆરી-2004માં નિલેશ રૈયાણી તેમના બે મિત્ર સાથે જઈ રહ્યા હતા ત્યારે તેમના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

જયરાજસિંહ જાડેજા તથા 15 અન્યને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીએ જુબાની આપી હતી કે, “જયરાજસિંહ પોતાની કારમાંથી બહાર નીકળ્યા હતા અને પોતાની પાસે રહેલા હથિયારમાંથી ફાયરિંગ કર્યું હતું.” 

માર્ચ-2004માં વિનુ શિંગાળા રાજકોટ ખાતે તેમના નિવાસસ્થાને હતા ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં તપાસનો રેલો જયરાજસિંહ સુધી પહોંચ્યો હતો અને તેમણે ભાડૂતી હત્યારાઓને સોપારી આપી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

નીચલી અદાલતે તેમને શંકાનો લાભ આપીને છોડી મૂક્યા હતા. ઉચ્ચ અદાલતે પણ પુરાવાના અભાવે જયરાજસિંહને છોડી મૂક્યા હતા. 

શિકસ્ત, સમાધાન, સમર્થન

વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણી કૉંગ્રેસ અને એનસીપીએ સાથે મળીને લડી હતી. ગોંડલની બેઠક એનસીપીને ફાળે ગઈ હતી, જેણે ચંદુભાઈ વઘાસિયાને ઉમેદવાર બનાવ્યા હતા.

એ સમયે બે હત્યા કેસના (નિલેશ રૈયાણી અને વિનુ શિંગાળા કેસ એ સમયે ચાલી રહ્યા હતા) આરોપી જયરાજસિંહને ભાજપે ટિકિટ આપી હતી. જયરાજસિંહે જેલમાંથી ચૂંટણી લડી અને માત્ર 488 મતે તેનો પરાજય થયો હતો.

જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહની નજીક હોવાનો દાવો કરતા રાજકોટસ્થિત ક્ષત્રિય આગેવાનના કહેવા પ્રમાણે, "2008 આસપાસ રીબડા જૂથ અને ગોંડલ જૂથ વચ્ચે સમાધાન થયું હતું. જયરાજસિંહને એક-એક મતની કિંમત સમજાઈ ગઈ હતી. બીજી બાજુ, અનિરુદ્ધસિંહ ઉપર આઇપીસી ઉપરાંત ટાડાના કેસ ચાલી રહ્યા હતા. દીકરા પ્રમાણમાં નાના હતા અને મહીપતસિંહની ઉંમર થઈ રહી હતી. આથી અનિરુદ્ધસિંહને રાજકીય ઓથની જરૂર હતી."

"આ સમાધાનથી મહીપતસિંહ ખુશ ન હતા. અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહે સાથે મળીને ક્ષત્રિય સમાજમાં પારિવારિક કેસો, જૂની અદાવતોમાં સમાધાન કરાવ્યાં હતાં. આ સિવાય પણ કેટલાક સમાજસેવાનાં કામ કર્યાં હતાં."

પ્રવર્તમાન સંજોગોને કારણે આ આગેવાન પોતાનું નામ ન છાપવાની વિનંતી સાથે ઉમેરે છે કે બંનેએ કરાવેલા આવા જ એક સમાધાનના તેઓ વ્યક્તિગત રીતે સાક્ષી રહ્યા છે.

2012માં જયરાજસિંહનો ફરી વિજય થયો. તેમણે કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીના ગોરધનભાઈ ઝડફિયાને 19 હજાર 766 મતથી પરાજય આપ્યો હતો.

તત્કાલીન ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયા એનસીપીની ટિકિટ ઉપર ઉમેદવાર હતા. તેમને ત્રણ હજાર 395 મત મળ્યા હતા અને તેઓ પોતાની ડિપૉઝિટ સુધ્ધાં બચાવી શક્યા ન હતા.

ઑગસ્ટ-2017માં નિલેશ રૈયાણી કેસમાં જયરાજસિંહને જનમટીપની સજા ફટકારવામાં આવી હતી અને જેલમાં જવું પડ્યું હતું. ઑક્ટોબર-2017માં આ કેસમાં જયરાજસિંહને જામીન મળી ગયા, પરંતુ તેને ગુજરાતમાંથી તડીપાર થવું પડ્યું હતું.

કાયદાકીય જોગવાઈઓ મુજબ જનમટીપની સજા પડી હોવાથી જયરાજસિંહ માટે ચૂંટણી લડવી શક્ય ન હતી. સામાન્યતઃ બાહુબલીઓના કિસ્સામાં બને છે એમ ભાજપે જયરાજસિંહના બદલે તેમનાં પત્ની ગીતાબાને ટિકિટ આપી હતી.

બીજી બાજુ, જૂનાગઢ જેલમાં બંધ ટાડાના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાંથી સરળતાથી અવરજવર શક્ય બની હતી. 

પહેલાં 2012માં અને પછી 2017માં અનિરુદ્ધસિંહે ભાજપના વિજય માટે પ્રયાસો કર્યા હતા.

2017માં જ્યારે જયરાજસિંહ માટે ગુજરાતમાં પ્રવેશવું શક્ય ન હતું, ત્યારે અનિરુદ્ધસિંહે 'ભાજપના ઉમેદવાર કરેલા'નો પ્રચાર કર્યો હતો, જેની હાઇકોર્ટે પણ નોંધ લેવી પડી હતી.

એક અદાવત, ત્રણ પેઢી

1998માં મહીપતસિંહના પરાજય બાદ જયરાજસિંહ સાથે રાજકીય અદાવત થઈ હતી, જે અનિરુદ્ધ સાથે પણ આગળ વધવા પામી હતી. હવે જયરાજસિંહ તથા અનિરુદ્ધસિંહના દીકરાઓ વચ્ચેનો ગજગ્રાહ પણ સાર્વજનિક છે.

ઉપરોક્ત ક્ષત્રિય આગેવાનના કહેવા પ્રમાણે, "બે પુત્રી અને એક પુત્રના પિતા જયરાજસિંહ તેમના દીકરા ગણેશને 'લકીચાર્મ' માને છે, કારણ કે તેમના જન્મ પછી જ તેનો રાજકીય ઉદય થયો છે. હડમતાળા ખાતેના ફાર્મહાઉસને પણ 'ગણેશગઢ' એવું નામ આપ્યું છે."

"અનિરુદ્ધસિંહના સૌથી મોટા દીકરા શક્તિસિંહ રાજકોટમાં રાઇફલ ક્લબ ચલાવે છે. સોરઠિયા મર્ડર કેસના નવેક મહિના પહેલાં તેમનો જન્મ થયો હતો. બીજા દીકરા સત્યજિત બિઝનેસમૅન છે અને સૌથી નાના દીકરા રાજદીપસિંહને દાદા મહીપતસિંહના રાજકીય વારસદાર તરીકે જોવામાં આવે છે."

"મહીપતસિંહ જોંગામાં ફરતા હતા. એમની જેમ જ રાજદીપસિંહને ગાડીઓનો શોખ છે. રીબડાના ગૅરેજમાં ઔડી, મર્સિડિઝ, બીએમડબલ્યુ, પોર્શ અને લૅન્ડ રોવર જેવી ગાડીઓ ઉપરાંત મસ્ટાંગ પણ જોઈ શકાય છે."

2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન જયરાજસિંહ જાડેજાએ તેમનાં પત્ની ગીતાબાના બદલે પુત્ર ગણેશસિંહને ટિકિટ આપવા ભાજપ હાઇકમાન્ડને રજૂઆત કરી હતી. રાજકીય કદ વધારવા માગતા અનિરુદ્ધસિંહે તેમના સૌથી નાના દીકરા રાજદીપસિંહ માટે ટિકિટ માગી હતી.

આ આગેવાનનું આકલન છે કે બંનેને ખબર હતી કે તેમના દીકરાઓને ટિકિટ નહીં મળે, પરંતુ રાજકીય હાજરી પુરાવા તથા કદ વધારવા માટે આ દાવેદારી કરવી જરૂરી હતી.

વિધાનસભાની ટિકિટ માટે દાવેદારી

ચૂંટણી પહેલાં રીબડા ખાતેના ફાર્મહાઉસમાં અનિરુદ્ધસિંહ અને ભાજપના અમુક નેતાઓ વચ્ચે બેઠકો શરૂ થઈ હતી, જેમાં એક સમયે જયરાજસિંહની નજીક અને તેમના 'રાજકીય ગુરુ' મનાતા પાટીદાર સમાજના નેતા પણ હાજર હતા.

રાજદીપસિંહને ટિકિટ મળવાનું શક્ય નહીં જણાતા 'જયરાજસિંહના પરિવાર સિવાય કોઈને પણ' ટિકિટ આપવામાં આવે એવી રજૂઆત ભાજપના મોવડીમંડળને કરવામાં આવી હતી.

ટિકિટ ફાળવણી પહેલાં સીઆર પાટીલ ગોંડલ આવ્યા હતા, ત્યાંથી તેઓ રાજકોટ જવાના હતા. રસ્તામાં રીબડા ખાતે તેમનો સ્વાગતકાર્યક્રમ પ્રસ્તાવિત હતો. આમ છતાં પાટીલ હારતોરા કે સામાન્ય અભિવાદન માટે પણ રોકાયા ન હતા, જેથી રાજકીય નિષ્ણાતોને સ્પષ્ટ થઈ ગયું હતું કે મોવડીમંડળ અનિરુદ્ધસિંહની સરખામણીમાં જયરાજસિંહનું વધુ સાંભળશે. એવું જ બન્યું હતું અને ગીતાબાને રિપિટ કરાયાં હતાં.

બંને કૅમ્પ સાર્વજનિક રીતે કહી ચૂક્યા છે કે ટિકિટ માગવીએ દરેકનો અધિકાર છે અને તેના કારણે કોઈ મતભેદ નથી. તો પછી બંને વચ્ચે ફરી એક વખત મનદુ:ખ કેમ થયું? આ બહુચર્ચિત સવાલનો જવાબ ખુદ જયરાજસિંહ ગરાસિયા વિદ્યાર્થીઓના એક કાર્યક્રમમાં આપી ચૂક્યા છે.

જયરાજસિંહે કહ્યું, "અનિરુદ્ધ 'યુદ્ધ એજ કલ્યાણ'માં (કાર્યક્રમમાં) ગયો, જેણે મારી સોપારી લીધી છે. ત્યાંથી આ શરૂઆત થઈ." એ સમયે ક્ષત્રિય સમાજ દ્વારા મૌન સેવવા અંગે પણ જયરાજસિંહ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

આઇપીસી ઉપરાંત ગુજસિટકોકના (ગુજરાત કંટ્રૉલ ઑફ ટૅરરિઝમ ઍન્ડ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ) આરોપી નિખિલ દોંગાએ સંસ્થાના સંયોજક છે. તા. 10મી સપ્ટેમ્બર, 2022ના રોજ યોજાયેલા ચર્ચિત કાર્યક્રમમાં ખોડલધામવાળા નરેશ પટેલ ઉપરાંત અનિરુદ્ધસિંહે પણ હાજરી આપી હતી, જેમાં ગોંડલની બેઠક પરથી પાટીદાર નેતાને ટિકિટ આપવાની માગ કરવામાં આવી હતી.

ગોંડલની બેઠક પર લગભગ સવા લાખ ક્ષત્રિય મતદાર છે, જેમાંથી ત્રીસેક હજાર મત પર રીબડાવાળા જૂથનું પ્રભુત્વ હોવાનું કહેવાય છે. લગભગ 80 મતદાર સાથે પાટીદાર બીજા ક્રમાંકનો સૌથી મોટો મતદાર વર્ગ છે, જેમાંથી મોટાભાગના લેઉઆ પાટીદાર છે.

ગોંડલની જેલમાં ઠાઠમાઠને કારણે વિવાદમાં આવેલા દોંગાને ભૂજની જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. જ્યાંથી તેમણે નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે, દોંગાનો ઇરાદો જયરાજસિંહની હત્યા કરવાનો હતો. આથી એ કાર્યક્રમમાં અનિરુદ્ધસિંહની હાજરી જયરાજસિંહને ખટકી હતી.

ભાજપ વર્ચસ્વની લડાઈથી અજાણ છે?

2022ની ચૂંટણી પૂર્વે પણ જયરાજસિંહે સાર્વજનિક રીતે મતદાનના દિવસે (પહેલી ડિસેમ્બર) રીબડાજૂથના પ્રભુત્વવાળાં ગામડાંમાં રોન મારવાની વાત કહી હતી, જ્યારે અનિરુદ્ધસિંહે મીડિયા સાથેની વાતચીતમાં જયરાજસિંહ ઉપર ચૂંટણીપ્રક્રિયામાં ગેરરીતિના આરોપ મૂક્યા હતા.

ગીતાબા પછી બીજાક્રમે રહેલા કૉંગ્રેસના ઉમેદવાર યતીશ દેસાઈને 42 હજાર 749 મત મળ્યા હતા, જ્યારે ગીતાબાની લીડ 43 હજાર 319 મતની હતી, જેથી ગોંડલ જૂથ અને વ્યક્તિગત રીતે જયરાજસિંહનું મનોબળ વધી ગયું અને તેઓ રીબડા જૂથ પર સાર્વજનિક રીતે આકરા પ્રહારો કર્યા હતા.

ગીતાબાનો આવો જ એક કાર્યક્રમ રીબડા ખાતે યોજાયો હતો. જેમાં જયરાજસિંહના મંચ પરથી કેટલાંક મહિલાને રજૂ કરવામાં આવ્યાં હતાં, જેમણે મહીપતસિંહ જાડેજાના પરિવાર પર ત્રાસ આપવાના આરોપ મૂક્યા હતા. આની સામે અનિરુદ્ધસિંહ પણ રીબડાના ઉદ્યોગપતિઓને સાથે રાખીને પત્રકારપરિષદ કરી ચૂક્યા છે. આ ઉદ્યોગકારોનું કહેવું હતું કે તેમને રીબડામાં કોઈ વાંધો નથી.

ગોંડલ ઉપરાંત રાજકોટ અને ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનોએ રીબડા અને ગોંડલ જૂથ વચ્ચે સમાધાન થઈ જાય તે માટે પ્રયાસ હાથ ધર્યા છે. આ સિવાય અન્ય સમાજના આગેવાનો અને સ્થાનિક સ્તરે પ્રભુત્વ ધરાવતા સાધુ-સંતોએ પણ પોતાની રીતે પ્રયાસ કર્યા છે, પરંતુ હાલમાં તેની કોઈ શક્યતા નથી દેખાતી.

સૌરાષ્ટ્ર વિસ્તારના ભાજપના એક નેતાએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું, "ગુજરાત ભાજપનું નેતૃત્વ ગોંડલ અને રીબડા જૂથ વચ્ચેની વર્ચસ્વની લડાઈથી અજાણ હોય તેમ માનવાને કોઈ કારણ નથી, પરંતુ હાલમાં કોઈ પણ પક્ષકારની તરફેણ નહીં કરવાનું વલણ નેતૃત્વે અપનાવ્યું હોય તેમ જણાય છે."

"કારણ કે, વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રમાં ચૂંટણી યોજાઈ તેની બરાબર પહેલાં અનિરુદ્ધસિંહે ગોંડલની બેઠક ઉપર કૉંગ્રેસના ઉમેદવારને, જ્યારે રાજ્યભરમાં ભાજપના વિજય માટે પ્રયાસો કરવાની સાર્વજનિક રીતે જાહેરાત કરી હતી. એ વાતને ચાર અઠવાડિયાં જેટલો સમય થઈ ગયો હોવા છતાં પાર્ટી દ્વારા અનિરુદ્ધસિંહની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી."

"બંને નેતાના સમર્થકો સામ-સામે, બંનેના શત્રુઓ, હિતશત્રુઓ અને વિઘ્નસંતોષીઓ સોશિયલ મીડિયા પર વીડિયો, ઓડિયો રેકૉર્ડિંગ અને પોસ્ટ મૂકીને સ્થિતિને તણાવપૂર્ણ બનાવે છે. કોઈ એક ઘટના શાંતિપૂર્ણ વાતાવરણમાં પલીતો ચાંપી શકે છે."

આ નેતા ઉમેરે છે કે જો મોવડીમંડળને લાગ્યું હોત કે સ્થિતિ કાબૂ બહાર જઈ શકે છે, તો પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ અનિરુદ્ધસિંહ જાડેજાની પાર્ટીમાંથી હકાલપટ્ટી થઈ ગઈ હોત અથવા તો જયરાજસિંહને સંયમ જાળવવા માટે કહેવામાં આવ્યું હોત.

ચૂંટણીઓ ભલે આવતી-જતી રહે પરંતુ આવનારા સમયમાં પણ સંગ્રામસિંહની ભૂમિ પર ભાજપનાં બે જૂથો વચ્ચેની વર્ચસ્વની લડાઈ ચાલતી રહે તેવી શક્યતા નકારી શકાય નહીં. 

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન