રહેમરાહે નોકરી મેળવનાર આરટીઓ કૉન્સ્ટેબલની કરોડો રૂપિયાની સંપત્તિ એકઠી કરવાની કહાણી

    • લેેખક, વિષ્ણુકાંત તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા

મધ્ય પ્રદેશમાં છેલ્લા ચાર દિવસથી સૌરભસિંહ અને ચેતનસિંહ ગૌર નામની બે વ્યક્તિ ચર્ચામાં છે.

ગયા ગુરુવારે 20 ડિસેમ્બરે શરૂ થયેલી મધ્ય પ્રદેશ લોકાયુક્ત અને ત્યાર પછી ઇન્કમટૅક્સ વિભાગની કાર્યવાહીમાં 52 કિલો સોનું, 230 કિલો ચાંદી અને 17 કરોડ રૂપિયાથી વધારે રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.

ઇન્કમટૅક્સ વિભાગે ચેતનસિંહની પૂછપરછ શરૂ કરી છે જ્યારે સૌરભ શર્માની શોધખોળ ચાલુ છે.

સૌરભ શર્મા 2016માં મધ્ય પ્રદેશ પરિવહન વિભાગ (આરટીઓ)માં કૉન્સ્ટેબલની પોસ્ટ પર નોકરીએ લાગ્યા હતા. થોડાં જ વર્ષોમાં તેમણે કરોડો રૂપિયાની મિલકત બનાવી લીધી. કૉન્સ્ટેબલમાંથી કરોડપતિ બનેલા સૌરભ શર્માની કહાણી પહેલી નજરે એકદમ ફિલ્મી લાગે છે.

મધ્ય પ્રદેશ લોકાયુક્તના ડાયરેક્ટર જયદીપ પ્રસાદે બીબીસીને જણાવ્યું કે "18 ડિસેમ્બરે સૌરભ શર્માની વિરુદ્ધ આવક કરતા વધુ સંપત્તિનો મામલો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી દરોડા પાડવામાં આવ્યા."

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં 20 ડિસેમ્બર, ગુરુવારની રાતે મેંડોરી-કુશાલપુર વિસ્તારમાં જંગલમાંથી એક કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. આ કાર વિશે આવકવેરા વિભાગને માહિતી આપવામાં આવી. આ કારમાંથી 52 કિલો સોનું અને 10 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.

કારની નંબર પ્લેટ પરથી તેના માલિકનું નામ ચેતનસિંહ ગૌર હોવાનું જાણવા મળ્યું. ત્યાર બાદ એક પછી એક વિગતો બહાર આવવા લાગી.

રહેમરાહે કૉન્સ્ટેબલની નોકરી મળી

સૌરભ શર્માને આઠ વર્ષ અગાઉ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં રહેમરાહે કૉન્સ્ટેબલની નોકરી મળી હતી.

કારમાંથી સોનું અને રોકડ મળી આવ્યા બાદ સૌરભ અને તેના સાથીદાર ચેતનનાં ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા જેમાં લોકાયુક્તની ટીમને 230 કિલોથી વધુ ચાંદી અને કરોડો રૂપિયા રોકડા જપ્ત કર્યા છે.

લોકાયુક્તના ડાયરેક્ટર જયદીપ પ્રસાદે બીબીસીને જણાવ્યું, "અમારી પાસે સૌરભ શર્મા વિશે ફરિયાદો આવી રહી હતી. આ ફરિયાદોની પહેલાં પુષ્ટિ કરવામાં આવી, ત્યાર પછી અદાલતમાંથી તપાસના વૉરંટ મેળવીને સૌરભ શર્માના ઘર અને તેમની ઑફિસે દરોડા પાડવામાં આવ્યા. શર્માની ઑફિસ એ ચેતનસિંહનું રહેઠાણ પણ છે."

જયદીપ પ્રસાદે જણાવ્યું, "અમારો અંદાજ છે કે આ કાર્યવાહી દરમિયાન આરોપીઓએ ગભરાઈને પોતાનું સોનું અને રોકડ રકમ ક્યાંક છુપાવવાની કોશિશ કરી હશે, જે દરમિયાન તે આવકવેરાએ આ ચીજો જપ્ત કરી હતી."

લોકાયુક્ત મુજબ હાલમાં શર્મા ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે.

સૌરભ શર્માનો જન્મ મધ્ય પ્રદેશના ગ્વાલિયરના એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતા ડૉક્ટર આર. કે. શર્માના મૃત્યુ પછી ઑક્ટોબર 2016માં તેમને પરિવહન વિભાગમાં નોકરી મળી હતી.

સૌરભના પિતા મધ્ય પ્રદેશના આરોગ્ય વિભાગમાં કામ કરતા હતા અને તેમના મૃત્યુ પછી સૌરભને ત્યાં જ નોકરી મળવાની હતી, પરંતુ ત્યાં કોઈ જગ્યા ખાલી ન હતી.

ત્યાર બાદ શર્માને પરિવહન વિભાગમાં આરક્ષકના પદ પર નિયુક્તિ મળી હતી.

ગ્વાલિયર આરટીઓના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે માત્ર સાત વર્ષમાં સૌરભ શર્માએ પરિવહન વિભાગના લગભગ બે ડઝન ચેક પૉઇન્ટ પર કૉન્ટ્રેક્ટનું કામ લઈને જંગી સંપત્તિ એકઠી કરી હતી.

ચેક પોસ્ટ પર કરોડોની કમાણી

મધ્ય પ્રદેશ સરકારે આ વર્ષે જુલાઈમાં તમામ ચેક પોસ્ટ બંધ કરવાનો નિર્ણય લીધો તે વખતે પ્રદેશમાં કુલ 47 ચેક પોસ્ટ હતી. ઘણા લોકોનું કહેવું છે તેમાંથી અડધા કરતા વધુ ચેક પોસ્ટનો કૉન્ટ્રેક્ટ સૌરભ શર્મા પાસે હતો.

આરટીઓના એક અધિકારીએ જણાવ્યું કે, સૌરભને શરૂઆતમાં ગ્વાલિયર આરટીઓ ઑફિસમાં કામ મળ્યું, પણ એક વર્ષમાં જ તેમણે વિભાગમાં સારા સંબંધો બનાવી લીધા. પછી તેની ટ્રાન્સફર પરિવહન નાકાને લગતા વિભાગમાં થઈ ગયું. આ દરમિયાન ઘણી ચેક પોસ્ટ પર પોતાના કૉન્ટ્રેક્ટ જમાવ્યા. ચેક પોસ્ટ દ્વારા સૌરભે ટૂંકા ગાળામાં ઘણા રૂપિયા બનાવ્યા."

લોકાયુક્તના જણાવ્યા પ્રમાણે આ દરોડામાં વિભાગને 7.98 કરોડની જાહેર ન કરાયેલી મિલ્કત મળી જેમાં હીરા, 200 કિલો ચાંદી, કેટલીક લક્ઝરી કાર અને રોકડ સામેલ છે. આ તમામ સંપત્તિ શર્માના ઘર અને ઑફિસેથી મળી છે.

લોકાયુક્તના અન્ય એક અધિકારીના જણાવ્યા મુજબ શર્માએ 2016માં નિમણૂક મળ્યા પછી 2023માં વીઆરએસ લીધું હતું અને રિયલ એસ્ટેટની સાથે હૉસ્પિટાલિટીના બિઝનેસમાં પણ પ્રવેશ કર્યો હતો.

અધિકારીએ એમ પણ જણાવ્યું કે સૌરભ અને ચેતન વચ્ચે ગાઢ મિત્રતા છે.

તેમણે કહ્યું કે, "સૌરભ અને ચેતન સારા મિત્રો મિત્રો છે અને બંને જણ ચંબલના અંચલમાં રહે છે. પૂછપરછ વખતે ચેતને જણાવ્યું કે તેને કામની જરૂર હતી અને સૌરભે તેને મદદ કરી હતી. ચેતનનું કહેવું છે કે તે સૌરભ સાથે કર્મચારી તરીકે કામ કરતા હતા. જે કારમાંથી 52 કિલો સોનું મળ્યું છે, તે કાર ચેતનના નામે હતી. પરંતુ ચેતન કહે છે કે સૌરભ જ કારનો ઉપયોગ કરતો હતો. પૂછપરછમાં હજુ વધારે માહિતી મળશે."

આ વિશે આરટીઓની ગ્વાલિયર ઑફિસના કર્મચારીઓ વાત કરવાનું ટાળે છે. સૌરભના પરિવારમાં તેમનાં માતા, પત્ની અને ભાઈ સામેલ છે.

સૌરભના ભાઈ છત્તીસગઢમાં સરકારી અધિકારી છે. લોકાયુક્ત અધિકારીએ જણાવ્યું કે "સૌરભના પરિવારના કહેવા મુજબ તે મુંબઈમાં છે."

ગ્વાલિયરના એક આરટીઓ અધિકારીએ જણાવ્યું કે સૌરભ પાસે ગ્વાલિયરના રહેણાક વિસ્તારોમાં ઘણી મિલ્કતો છે અને આ સંપત્તિ તેણે પાછલાં કેટલાંક વર્ષોમાં જ બનાવી છે.

એક તરફ સૌરભના ગ્વાલિયર સ્થિત ઘરે તાળું લાગેલું છે, ત્યારે આ મામલે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ભૂતપૂર્વ કૉન્સ્ટેબલ સૌરભ શર્મા અને તેના સાથીદાર ચેતનસિંહ ગૌર વિરુદ્ધ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.