ગુજરાતમાં આ તારીખથી પલટાશે હવામાન, ચાર દિવસ સુધી કયા વિસ્તારોમાં થશે માવઠું?

ગુજરાતમાં શિયાળાની ઠંડી વચ્ચે અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે અને હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં હાલ ડિસેમ્બર મહિનામાં શિયાળાની ઠંડી પડી રહી છે અને કેટલાક દિવસ પહેલાં સૌરાષ્ટ્ર તથા કચ્છમાં શીતલહેરની પણ ચેતવણી આપવામાં આવી હતી.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં લગભગ ચાર દિવસ સુધી વિવિધ વિસ્તારમાં માવઠું થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં એકાદ દિવસ તો કેટલાક વિસ્તારોમાં બેથી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.

સામાન્ય રીતે ગુજરાતમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં માવઠાં જોવા મળતાં હોય છે, આ વર્ષનો અંત ગુજરાતમાં કમોસમી વરસાદની સાથે થવાની શક્યતા છે.

ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાવાને કારણે આગામી ત્રણથી ચાર દિવસ સુધી રાત્રી દરમિયાનના તાપમાનમાં વધારો થશે એટલે કે રાત્રે અને સવારે પડતી ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે.

ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદ?

ગુજરાતમાં 23 ડિસેમ્બરથી જ ઘણા વિસ્તારોના હવામાનમાં પલટો આવી ગયો છે અને કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાવાનાં શરૂ થઈ ગયાં છે.

આ વાદળો 24 અને 25 તારીખના રોજ ઘટી જશે અને ફરીથી 26 ડિસેમ્બરના રોજથી રાજ્યના ઘણા વિસ્તારો પર વાદળો આવે તેવી શક્યતા છે.

હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં 26 ડિસેમ્બરથી વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે. એટલે કે 26 ડિસેમ્બરથી હવામાન પલટાવાનું શરૂ થશે.

હાલની સ્થિતિ પ્રમાણે 27 અને 28 ડિસેમ્બરના રોજ ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. આ બંને દિવસોમાં વધારે વિસ્તારોમાં વરસાદ થશે. જે બાદ વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ જશે.

30 ડિસેમ્બરની આસપાસથી ફરીથી રાજ્યમાં હવામાન સૂકું થઈ જશે અને આકાશ સ્વચ્છ થઈ જશે એટલે કે વરસાદ બંધ થઈ જશે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.

ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આગાહી?

હવામાન વિભાગે રાજ્યના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને કચ્છ જિલ્લાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. વરસાદ ન પડે એવા જિલ્લાઓમાં પણ હવામાન પલટાવાની શક્યતા છે એટલે કે વાદળો દેખાઈ શકે છે. આ વખતે સૌથી વધારે અસર દક્ષિણ, પૂર્વ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓને થવાની શક્યતા છે.

26થી 29 ડિસેમ્બર એટલે કે ચાર દિવસ સુધી વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા તથા કચ્છ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હવામાન પલટાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

હવામાન વિભાગની માહિતી પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં પવનની દિશામાં પણ પરિવર્તન જોવા મળશે, ઉપરાંત અરબી સમુદ્રમાંથી ભેજ મળતાં ઘણા વિસ્તારોમાં સવારે ધુમ્મસ જેવી સ્થિતિ જોવા મળી શકે છે.

હવામાન વિભાગ પ્રમાણે 26 તારીખની આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને આ સિસ્ટમ મજબૂત હશે જેથી તેની અસર ગુજરાત સુધી જોવા મળે તેવી શક્યતા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે રાજસ્થાન પર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનશે અને તેના કારણે પવનોની દિશા ફરી જશે અને આ સિસ્ટમને અરબી સમુદ્રમાંથી મદદ મળશે.

આ ઉપરાંત બંગાળની ખાડીમાં એક લૉ-પ્રેશર પ્રેશર એરિયા બનેલો છે અને આ સિસ્ટમ પણ જમીનની નજીક આવશે. આ બંને સ્થિતિ ભેગી થતાં તેની અસર ગુજરાત પર થશે અને માવઠું થશે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.