અતીક અહમદ : આતંક, અપરાધ, રાજકારણથી લઈને સરાજાહેર હત્યા સુધી

ખુદ પર 100થી વધુ કેસો ધરાવતા ઉત્તર પ્રદેશના બહુચર્ચિત રાજકારણી અને બાહુબલી અતીક અહમદની ગુજરાતમાં ચર્ચા ત્યારે શરૂ થઈ હતી જ્યારે આજથી એક વર્ષ પહેલાં એપ્રિલ 2023માં ઉત્તર પ્રદેશ પોલીસનો કાફલો તેમને લેવા માટે અમદાવાદની સાબરમતી જેલમાં આવી પહોંચ્યો હતો.

એ સમયે ચાર વર્ષથી સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલા અતીક અહમદને 'બાય રોડ' પ્રયાગરાજ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને ઉમેશ પાલ અપહરણ કેસ માટે રજૂ કરવામાં હતા.

28 માર્ચ, 2023ના દિવસે પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટે અતીક અહમદને ઉમેશ પાલ અપહરણ કેસમાં દોષિત ઠેરવીને આજીવન કારાવાસની સજા સંભળાવી છે, 15 એપ્રિલ, 2023ની રાત્રે પ્રયાગરાજમાં કાલ્વિન હૉસ્પિટલના કમ્પાઉન્ડમાં પોલીસના કડક જાપ્તા હેઠળ રહેલા અતીક અહમદ અને તેના ભાઈ અશરફ અહમદને ત્રણ હુમલાખોરોએ અત્યંત નજીકથી ગોળી મારીને તેમની હત્યા કરી નાખી છે.

અતીક અહમદને માર્ચ 2023માં જે ઉમેશ પાલની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી, તેની હત્યા કરવાના ષડ્યંત્રમાં પણ આરોપી બનાવવામાં આવ્યો હતો. વર્ષ 2005માં બહુજન સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રાજુ પાલની હત્યા કરવામાં આવી હતી. ઉમેશ પાલ એ હત્યાકાંડના મુખ્ય સાક્ષી હતા.

17 વર્ષ પહેલાં ઉમેશ પાલનું અપહરણ થયું હતું. જે અતીક અહમદ અને તેના સાથીઓએ કરાવ્યું હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો.

સતત ચર્ચામાં રહેતા અતીક અહમદ

જો તમને ઉત્તર પ્રદેશમાં ગુનાખોરીના ભૂતકાળમાં રસ હશે વાકેફ હશો તો તમે અપરાધની દુનિયામાંથી નીકળીને રાજકારણી બનેલા અતીક અહમદના રાજકીય દબદબાથી પણ વાકેફ હશો.

હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી જેવા ગંભીર આરોપો ધરાવનાર અતીક અહમદ પાંચ વખત ધારાસભ્ય અને એક વખત સંસદસભ્ય પણ રહી ચૂક્યા છે.

તે ઉત્તર પ્રદેશની જે ફૂલપુર લોકસભા બેઠક પરથી વર્ષ 2004ની સામાન્ય ચૂંટણીમાં સમાજવાદી પક્ષના ઉમેદવાર તરીકે જીત્યા હતા તે બેઠક પરથી એક સમયે ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ પણ ચુંટાયા હતા.

વર્ષ 1989થી પોતાની રાજકીય યાત્રા શરૂ કરનાર અતીક અહમદ બહુજન સમાજવાદી પાર્ટી, અપના દલ અને સમાજવાદી પાર્ટીમાં રહી ચૂક્યા છે.

રાજનીતિમાં તેમની છબિ બાહુબલી તરીકેની રહી અને તેઓ અવારનવાર ચર્ચામાં આવતા રહ્યા છે.

15 વર્ષની ઉંમરે જ અતીક અહમદ સામે હત્યાનો પહેલો ગુનો નોંધાયો

વર્ષ 1962માં ઉત્તર પ્રદેશના અલાહાબાદમાં હાથ રિક્ષા ચલાવનારા ફિરોઝ અહમદને ત્યાં અતીકનો જન્મ થયો હતો.

ચૂંટણી વખતે જાહેર કરેલ ઍફિડેવિટ મુજબ તેઓ મૅટ્રિક સુધી ભણ્યા છે.

મીડિયા અહેવાલો અનુસાર, 15 વર્ષની ઉંમરે જ તેમના પર પહેલી વખત હત્યાનો ગુનો દાખલ થયો હતો.

જોકે, એ છેલ્લો ગુનો ન હતો. ત્યાર પછી ગુનાઓની લાંબી લાઇન લાગી.

વર્ષ 1992માં અલાહાબાદ પોલીસે જ્યારે અતીક અહમદના કથિત અપરાધોની યાદી જાહેર કરી હતી અને કહ્યું હતું કે તેમના વિરુદ્ધ ઉત્તર પ્રદેશના ઘણા શહેરો સહિત બિહારમાં પણ હત્યા, અપહરણ, ખંડણી જેવા ચાર ડઝનથી કેસો દાખલ છે.

રાજકારણમાં પ્રવેશતાની સાથે જ ચૂંટણી જીતી ગયા

અતીક અહમદ વિરુદ્ધ સૌથી વધુ કેસો અલાહાબાદ જિલ્લામાં જ દાખલ થયા છે.

ગંભીર આરોપો વચ્ચે પણ તેઓ રાજનીતિમાં સફળતાના શિખર સુધી પહોંચ્યાં. અતીક અહમદ પહેલી વખત વર્ષ 1989માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા.

તેમના મતવિસ્તાર અલ્હાબાદ શહેર (પશ્ચિમ)માં એ વાત સામાન્ય છે કે તેમની છબિના કારણે જ તેઓ ઘણી વખત જીત્યા.

અતીક અહમદ એક વખત અલ્હાબાદની ફૂલપુર બેઠક પરથી સંસદસભ્ય પણ બન્યા. આ બેઠક ક્યારેક ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ પાસે હતી.

પ્રથમ ચૂંટણી જીત્યા બાદ તેમની સમાજવાદી પાર્ટી સાથે નિકટતા વધી અને તેઓ પાર્ટીમાં જોડાયા.

ત્રણ વર્ષ સુધી સમાજવાદી પાર્ટી સાથે રહ્યા બાદ અતીક 'અપના દલ' સાથે ચાલ્યા ગયા હતા.

વર્ષ 2002માં અતીક અહમદ અલાહાબાદ (પશ્ચિમ) બેઠક પરથી પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા.

જોકે, તેમની ઇચ્છા લોકસભામાં જવાની હતી. જેથી તેઓ વર્ષ 2004માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી ફૂલપુર બેઠક પરથી લડ્યા અને જીત્યા પણ.

એક જ કેસમાં રાજકીય શિખરથી પતન થયું અને 'મોસ્ટ વોન્ટેડ' બન્યા

અતીક અહમદની રાજકીય કારકિર્દીનો ગ્રાફ અત્યાર સુધી ઉપર તરફ જ જઈ રહ્યો હતો.

પરંતુ અતીક અહમદને પહેલો આંચકો વર્ષ 2005માં લાગ્યો, જ્યારે તેમના ભાઈ પર રાજુ પાલની હત્યા મામલે ફરિયાદ નોંધાઈ.

વર્ષ 2007માં ઉત્તર પ્રદેશની સત્તા બદલાઈ અને માયાવતી મુખ્ય મંત્રી બન્યાં. સત્તા જવાની સાથે જ સમાજવાદી પાર્ટીએ અતીક અહમદ સાથે છેડો ફાડી નાખ્યો અને માયાવતી સરકારે તેમને 'મોસ્ટ વૉન્ટેડ' ઘોષિત કર્યા.

અતીક અહમદે વર્ષ 2008માં આત્મસમર્પણ કર્યું અને 2012માં છૂટી ગયા. ત્યાર પછી તેમણે વર્ષ 2014માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડી, પરંતુ તેઓ હારી ગયા.

અતીક અહમદને વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સાબરમતી જેલ મોકલવામાં આવ્યા હતા. એ પહેલાં તેઓ ઉત્તર પ્રદેશની નૈની જેલમાં જ બંધ હતા.

જ્યાં અતીક પર દેવરિયાના એક વેપારીને જેલમાં બોલાવીને ધમકાવવા અને અપહરણ કરાવવાનો કેસ નોંધાયો હતો.

અતીક અહમદનાં પત્ની શાઇસ્તા પરવીન પણ રાજનીતિમાં છે. તેઓ આ વર્ષની શરૂઆતમાં જ બહુજન સમાજ પાર્ટીમાં જોડાયાં હતાં.

ઉમેશ પાલ હત્યાકાંડમાં કેવી રીતે નામ આવ્યું?

વર્ષ 2005માં થયેલી હત્યાની એક ઘટનાના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની 24 ફેબ્રુઆરી, 2023ના રોજ ધોળા દિવસે હત્યા કરી દેવાઈ હતી.

પ્રયાગરાજ પોલીસે સીસીટીવી ફૂટેજોની ચકાસણી કર્યા બાદ આ હત્યામાં પૂર્વ સાંસદ અને બાહુબલી અતીક અહમદના પુત્ર અસદ, 'બમબાઝ' ગુડ્ડુ મુસ્લિમ, ગુલામ અને અરબાઝનો હાથ હોવાનો દાવો કર્યો.

ઉમેશ પાલ 2005માં બીએસપીના ધારાસભ્ય રાજુ પાલની હત્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. તેઓ એ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી હતા.

રાજુ પાલનાં પત્ની પૂજા પાલે થોડા સમય પહેલાં બીબીસીના સહયોગી અમન દ્વિવેદીને જણાવ્યું હતું કે જ્યારે વર્ષ 2006માં રાજુ પાલની હત્યાનો કેસ કોર્ટમાં ચાલ્યો ત્યારે ઉમેશ પાલે પોતાની જુબાનીમાં નિવેદન બદલી નાખ્યું હતું.

પૂજા પાલ પ્રમાણે, જ્યારે રાજુ પાલ હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી તો સીબીઆઈએ ઉમેશ પાલને સાક્ષી બનાવ્યા નહીં.

તેમણે એમ પણ કહ્યું કે ઉમેશ પાલ પોતાના મોટા ભાઈનું ટૅન્કર ચલાવતા હતા. વર્ષ 2005માં તેઓ પોલીસ દ્વારા રાજુ પાલ કેસમાં સાક્ષી બન્યા. પૂજા પાલે જણાવ્યું કે ઉમેશ જ રાજુ પાલને હૉસ્પિટલ લઈને ગયા હતા.

પૂજા પાલ પ્રમાણે ઉમેશ પાલ 2006થી 2012 સુધી બીએસપીમાં રહ્યા અને ત્યાર પછી સમાજવાદી પાર્ટીમાં સામેલ થઈ ગયા.

2022 વિધાનસભા ચૂંટણીના સમયે ઉમેશ પાલ ભાજપમાં સામેલ થઈ ગયા હતા. તેઓ પ્રયાગરાજની ફાફામઉ બેઠક પરથી ચૂંટણી લડવા માગતા હતા.

પૂજા પાલ પ્રમાણે, રાજુ પાલ હત્યાકાંડ બાદ ઉમેશ પાલ અતીક અહમદના નિશાના પર આવી ગયા હતા. પરંતુ પ્રૉપર્ટી અને રાજનીતિના કારણે પણ ઉમેશ પાલની લોકો સાથે દુશ્મની હતી.

ઉમેશ પાલનાં અપહરણનો ચુકાદો જેમાં અતીક અહમદને સજા થઈ

ખરેખર, ઉમેશ પાલે વર્ષ 2007માં આરોપ લગાવ્યો હતો કે 28 ફેબ્રુઆરી 2006ના રોજ અતીક અહમદે તેમનું અપહરણ કરાવ્યું હતું, મારપીટ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, કારણ કે તેઓ રાજુ પાલ હત્યાકાંડના એકમાત્ર સાક્ષી હતા.

ઉમેશ પાલે 2007માં પોતાના ફરિયાદપત્રમાં લખ્યું હતું કે...

"28 ફેબ્રુઆરી, 2006ના રોજ અતીક અહમદની લૅન્ડ ક્રૂઝર કાર સહિત અન્ય એક વાહને તેમનો રસ્તો રોક્યો હતો અને તેમને ઘેરી લીધા હતા. એ પછી દિનેશ પાસી, અંસાર બાબા અને અન્ય વ્યક્તિઓ કારમાંથી નીચે ઊતરી હતી.

તેમણે પિસ્તોલ દેખાડીને મને ગાડીમાં બેસાડી દીધો. એ ગાડીમાં અતીક અહમદ અને અન્ય ત્રણ લોકો રાઇફલ લઈને બેઠા હતા.

આ લોકોએ મારપીટ કરી અને ચકિયાસ્થિત પોતાની ઓફિસમાં લઈ ગયા. ત્યાં એક રૂમમાં બંધ કરી દેવાયો અને ખૂબ માર મારવામાં આવ્યો. સાથે જ કરંટના ઝટકા પણ લગાવવામાં આવ્યા."

ઉમેશ પાલે આરોપ લગાવ્યો કે તેમના પર રાજુ પાલ હત્યા મામલે પોતાનું નિવેદન બદલવા દબાણ ઊભું કરવામાં આવ્યું હતું.

પોતાની ફરિયાદમાં તેમણે લખ્યું :

"અતીક અહમદે પોતાના વકીલ ખાન શૌકત હનીફ પાસેથી એક કાગળ લઈને મને આપ્યો અને કહ્યું કે કોર્ટમાં મારે આ જ નિવેદન આપવાનું છે. નહીં તો મારા શરીરના ટુકડા કરીને કૂતરાંને ખવડાવી દેશે.

સાંસદે પોતાના માણસો મોકલીને મારા પરિવારજનોને પણ ધમકાવ્યા હતા. મને આખી રાત એક રૂમમાં બંધ રાખીને યાતનાઓ ગુજારવામાં આવી. સવારે 10 વાગ્યે અતીક અહમદ અને તેમના સાથીઓ ગાડીમાં બેસાડીને લઈ ગયા અને કહ્યું કે રાત્રે જે કાગળ આપ્યો હતો, એ જ પ્રમાણે કોર્ટમાં નિવેદન આપવાનું છે. બાકી તો ઘરે નહીં પહોંચી શકે."

પોતાના ફરિયાદપત્રમાં ઉમેશ પાલે લખ્યું હતું કે તેમણે હાઇકોર્ટ પાસે સુરક્ષા માગી હતી. પરંતુ તેના માટે તેમણે ખુદ પૈસા આપવાના હતા. તેમણે કહ્યું કે તેમની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તેઓ સુરક્ષા માટે પૈસા ચૂકવી શકે.

ઉમેશ પાલની ફરિયાદના એક વર્ષ બાદ પોલીસે 5 જુલાઈ 2007ના રોજ અતીક, તેમના ભાઈ અશરફ અને ચાર અજાણ્યા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

આ મામલે કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ચૂકી હતી અને 28 માર્ચ 2023ના રોજ આવેલા ચુકાદામાં કોર્ટે અતીક અહમદને દોષિત ઠેરવીને આજીવન કારાવાસની સજા સંભળાવી છે.

ધારાસભ્ય રાજુ પાલ હત્યાકાંડ

ઉત્તર પ્રદેશમાં વર્ષ 2003માં મુલાયમસિંહ યાદવની સરકાર બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ત્યારે અતીક અહમદ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા હતા.

2004ની લોકસભા ચૂંટણીમાં તેઓ સમાજવાદી પાર્ટીમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. જેથી અલ્હાબાદ (પશ્ચિમ) વિધાનસભા બેઠક ખાલી થઈ ગઈ હતી.

2004માં અતીકે પોતાના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને ત્યાંથી મેદાનમાં ઉતાર્યા, જોકે તેઓ ચાર હજાર મતોથી બીએસપીના ઉમેદવાર રાજુ પાલ સામે હારી ગયા હતા.

રાજુ પાલ પર બાદમાં ઘણા હુમલા થયા અને રાજુ પાલે એ માટે તત્કાલીન સંસદસભ્ય અતીક અહમદને જવાબદાર ઠેરવીને પોતાના જીવને જોખમ હોવાનું જણાવ્યું હતું.

25 જાન્યુઆરી 2005ના રોજ રાજુ પાલના કાફલા પર ફરી એક વખત હુમલો થયો. તેમને ઘણી ગોળીઓ વાગી. હૉસ્પિટલ પહોંચતા પહેલાં જ રાજુ પાલને ડૉક્ટરોએ મૃત ઘોષિત કર્યા હતા.

આ હત્યાકાંડમાં અતીક અહમદ અને અશરફનું નામ બહાર આવ્યું હતું.