અતીક હત્યાકાંડ: હુમલાખોરોએ કેમ ફાયરિંગ કર્યું અને તેમના પરિવારજનોએ શું કહ્યું?

પોલીસ અનુસાર પ્રયાગરાજમાં અતીક અહમદ અને અશરફની હત્યાના આરોપીઓમાં એકની ઉંમર 23, બીજાની 22 અને ત્રીજાની માત્ર 18 વર્ષ છે.

અરુણ મૌર્ય, લવલેશ તિવારી અને સની.

આ ત્રણેય એ નામો છે જે શનિવાર રાતથી અખબારથી લઈને ટીવી સુધી સમાચારોમાં છવાયેલાં છે.

ઉત્તર પ્રદેશ પોલીસ પ્રમાણે, ત્રણેય યુવકોએ શનિવારે રાત્રે પત્રકારનો વેશ ધારણ કર્યો હતો.

રાત્રે લગભગ સાડા દસ વાગ્યે એક પોલીસ જીપ પ્રયાગરાજની મોતીલાલ નહેરુ મંડલીય હૉસ્પિટલ બહાર રોકાઈ. બંને આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાઈ રહ્યા હતા.

જીપમાંથી પહેલાં અશરફને ઉતારાયા, પછી અતીક અહમદને એક પોલીસકર્મીએ આશરો આપીને નીચે ઉતાર્યા.

જીપમાંથી ઊતર્યા બાદ દસ સેકંડમાં જ અતીક અને અશરફને મીડિયાકર્મીઓ ઘેરી વળ્યા. પોલીસ પ્રમાણે, આ જ મીડિયાકર્મીઓમાં હુમલાખોર સામેલ હતા.

હૉસ્પિટલના મુખ્ય દરવાજાથી દસ-15 પગલાં આગળ વધતાં જ મીડિયાકર્મીઓ બાઇટ લેવા માટે અતીક અને અશરફની સાવ નજીક આવી ગયા.

એફઆઇઆર અનુસાર, બંનેએ મીડિયાકર્મીઓને બાઇટ આપવાનું શરૂઆત કર્યું. અચાનક આ જ મીડિયાકર્મીઓની ભીડમાંથી એકે કૅમેરા અને બીજાએ માઇક મૂકીને પોતાનાં હથિયાર કાઢી લીધાં અને તેમણે અતીક -અશરફને ટાર્ગેટ કરીને અત્યાધુનિક અર્ધ સ્વચાલિત હથિયારથી ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. એ જ સમયે અચાનક ત્રીજા મીડિયાકર્મીએ પણ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું.

પોલીસ અનુસાર, ફાયરિંગમાં અતીક અને અશરફનાં મૃત્યુ થઈ ગયાં. ઘટનામાં પોલીસકર્મી માનસિંહના જમણા હાથમાં ગોળી વાગી.

એફઆઇઆર અનુસાર પોલીસે તરત જ કાર્યવાહી કરતાં ત્રણ હુમલાખોરોને લોડેડ હથિયારો સાથે પકડી લીધા. હુમલાખોરોના એક સાથી પોતાના જ સાથીઓના ક્રૉસ ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયા.

આ ઘટનામાં સમાચાર એજન્સી એએનઆઇના એક પત્રકારને પણ ઈજા થઈ હતી.

પોલીસે આ મામલામાં આઇપીસીની કલમ 302, 307 અને આર્મ્સ ઍક્ટ, 1959ની કલમ 3, 7, 25, 27 અને અપરાધિક કાનૂન (સંશોધન) અધિનિયમ 1932 અંતર્ગત એફઆઇઆર દાખલ કરી છે.

જે પ્રકારે હુમલો થયો, તેનાથી ઘણા ગંભીર સવાલ ઊભા થાય છે. સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોમાં હુમલાખોર ઘણી વાર ગોળી ચલાવતા અને તે બાદ પોલીસને સરેન્ડર કરતાં દેખાય છે.

આખરે આ હુમલાખોર કોણ છે? ક્યાંના રહેવાસી છે? તેમની પાસે હથિયાર ક્યાંથી આવ્યા? શું આ સમજી-વિચારીને કરાયેલ કાવતરું છે? અને શું આ હુમલાખોરો અગાઉ પણ જેલ જઈ ચૂક્યા છે?

લવલેશ તિવારી કોણ છે?

અતીક હત્યાકાંડમાં 22 વર્ષના આરોપી લવલેશ ઉત્તર પ્રદેશમાં બાંદાના કેવતારા ક્રૉસિંગના રહેવાસી છે. તેમના પિતાનું નામ યજ્ઞકુમાર તિવારી છે.

પોલીસ અનુસાર, કૉસ ફાયરિંગમાં લવલેશને ગોળી વાગી છે, તેમનો પ્રયાગરાજની સ્વરૂપ રાની મેડિકલ કૉલેજમાં ઇલાજ ચાલી રહ્યો છે.

પરિવાર અનુસાર ચાર ભાઈઓમાં લવલેશ ત્રીજા નંબરના છે.

તે ઇન્ટર સુધી ભણ્યા છે, પછી બીએમાં પ્રવેશ લીધો પરંતુ એ નાપાસ થયા હતા.

મીડિયા સાથેની વાતચીતમાં લવલેશના પિતાએ કહ્યું કે, “તેને ઘર સાથે કોઈ લેવાદેવા નથી.”

તેમણે જણાવ્યું કે ટીવી પર સમાચાર જોઈને તેમને ઘટના અંગે જાણકારી મળી હતી. એ ચાર-છ દિવસમાં એક વખત ઘરે આવતો અને સ્નાન વગેરે કરીને નીકળી જતો. ઘર સાથે તેનો કોઈ મતલબ નહોતો.

લવલેશના પિતા પ્રમાણે, એ જેલ પણ જઈ ચૂક્યો છે. પિતા જણાવે છે કે, “તેણે એક છોકરીને ચાર રસ્તા પર થપ્પડ મારી દીધી હતી. આ કેસ ચાલી રહ્યો છે. એ મામલામાં લવલેશ જેલ ગયો હતો.”

લવલેશના નાના ભાઈ પ્રમાણે, “તે જે કામ કરતો તેની પરિવારને જાણકારી નહોતો આપતો.”

લવલેશનાં માતાનું કહેવું છે કે, “એ સંકટમોચન ભગવાનનો ભક્ત હતો. ખબર નહીં નસીબમાં શું લખાયું હતું કે આવું થયું.”

હત્યાકાંડના આરોપી મોહિત ઉર્ફે સનીસિંહ

અતીક હત્યાકાંડમાં પોલીસે ઘટનાસ્થળ પરથી 23 વર્ષના સનીસિંહ નામના એક યુવકની પણ ધરપકડ કરી હતી.

પોલીસ પ્રમાણે, સની, ઉત્તર પ્રદેશમાં હમીરપુરના કુરારાના રહેવાસી છે. સનીના પિતા જગતસિંહનું મૃત્યુ થઈ ચૂક્યું છે.

સનીના મોટા ભાઈ પિન્ટુસિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, “એ દસ-12 વર્ષથી હમીરપુરમાં નહોતો રહેતો.”

તેમણે જણાવ્યું કે તેઓ ત્રણ ભાઈ હતા, જેમાંથી એકનું મૃત્યુ થઈ ગયું.

ભાઈ પ્રમાણે, “સની ઊલટાં-સીધાં કામ કરતો, જેના કારણે પરિવાર તેની સાથેના બધા સંબંધો કાપી નાખ્યા.”

અરુણકુમાર મૌર્ય

18 વર્ષના આરોપી અરુણ મૌર્ય ઉત્તર પ્રદેશમાં કાસગંજના કાતરવાડીના રહેવાસી છે. તેમના પિતાનું નામ દીપકકુમાર છે.

મીડિયા સાથેની વાતચીતમાં તેનાં કાકી લક્ષ્મીદેવીએ કહ્યું કે, “તેઓ ઘરે ઘણા દિવસોથી નથી આવ્યા.”

કેવી રીતે રચાયું હત્યાનું ષડ્યંત્ર?

એફઆઇઆર પ્રમાણે, હત્યાના ઉદ્દેશ અંગે પુછાતાં ત્રણેય આરોપીઓએ જણાવ્યું કે, “અમે લોકો અતીક અને અશરફ ગૅંગનો સફાયો કરીને પ્રદેશમાં પોતાનાં નામ માટે નવી ઓળખ ઊભી કરવા માગતા હતા, જેનો લાભ અમને ભવિષ્યમાં મળ્યો હોત.”

“અમે પોલીસના ઘેરાનું અનુમાન ન કરી શક્યા અને હત્યા કરીને ભાગવામાં સફળ ન થયા. પોલીસે ઝડપથી કરેલી કાર્યવાહીમાં અમે લોકો પકડાઈ ગયા.”

“અતીક અને અશરફના રિમાન્ડની માહિતી જ્યારથી અમને મળી હતી એ સમયથી અમે લોકો મીડિયાકર્મી બનીને અહીંના સ્થાનિક મીડિયાકર્મીઓની ભીડમાં સામેલ થઈને આ બંનેને મારી નાખવાની ફિરાકમાં હતા.”

જેલમાં થઈ ત્રણેયની મિત્રતા

હિંદી દૈનિક ‘હિંદુસ્તાન’ પ્રમાણે, ત્રણેય હુમલાખોર ચાલાક અપરાધી છે. ત્રણેય હત્યા, લૂંટ સહિત ગંભીર આરોપો મામલે જેલ જઈ ચૂક્યા છે.

અખબાર લખે છે કે જેલમાં જ તેમની એકમેક સાથે મિત્રતા થઈ ગઈ હતી. આ ત્રણેય અતીકની હત્યા કરીને ડૉન બનવા માગતા હતા.

અખબારે પોલીસ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે ત્રણેયનું માનવું હતું કે નાના-નાના અપરાધમાં જેલભેગા થવાથી નામ નહોતું થઈ રહ્યું, તેથી તેઓ કંઈક મોટું કરવાનું વિચારી રહ્યા હતા.

અખબાર પ્રમાણે, જ્યારે ત્રણેયને અતીક અને અશરફ અહમદને પોલીસ કસ્ટડીમાં હૉસ્પિટલ લઈ જવાઈ રહ્યા હોવાની વાતની ખબર પડી એ સમયથી મોટું નામ કમાવવાના હેતુથી હત્યાનું કાવતરું ઘડાયું.

અખબાર લખે છે કે ત્રણેયે હત્યાની યોજના ઘડી હતી અને શુક્રવારના રોજ હુમલો કરતા પહેલાં હૉસ્પિટલ પહોંચીને રેકી કરી હતી. એ બાદ શનિવારે ત્રણેયે મીડિયાકર્મી બનીને અતીક અને અશરફ અહમદની નજીકથી ગોળી મારીને હત્યા કરી દીધી.

અતીક અહમદનો ગુનાહિત રેકૉર્ડ

  • અતીક અહમદના ગુનાહિત ઇતિહાસમાં 100 કરતાં વધુ કેસો દાખલ છે
  • મીડિયા રિપોર્ટો અનુસાર, વર્ષ 1979માં પ્રથમ વખત હત્યાનો કેસ દાખલ કરાયો. એ સમયે અતીક સગીર હતા
  • 1992માં અલાહાબાદ પોલીસે જણાવ્યું કે અતીક વિરુદ્ધ બિહારમાં પણ હત્યા, અપહરણ, બળજબરી વસૂલાત વગેરેના લગભગ ચાર ડઝન જેટલા કેસ દાખલ છે
  • પ્રયાગરાજના પ્રૉસિક્યૂટર પ્રમાણે, અતીક અહમદ વિરુદ્ધ 1996થી અત્યાર સુધી 50 જેટલા કેસ વિચારાધીન છે
  • ફરિયાદ પક્ષનું કહેવું છે કે 12 કેસોમાં અતીક અને તેમના ભાઈ અશરફના વકીલોએ અરજીઓ દાખલ કરી છે જેના કારણે ચાર્જ ફ્રેમ નહોતા થઈ શક્યા
  • અતીક અહમદ બસપા ધારાસભ્ય રાજુ પાલની હત્યામાં મુખ્ય આરોપી હતા, મામલાની તપાસ હવે સીબીઆઇ પાસે છે
  • અતીક અહમદ 24 ફેબ્રુઆરીના રોજ થયેલી ઉમેશ પાલની હત્યા મામલામાં પણ મુખ્ય આરોપી છે
  • ઉમેશ પાલ, રાજુ પાલ હત્યાકાંડના શરૂઆતના સાક્ષી હતા, પરંતુ બાદમાં મામલાની તપાસ સીબીઆઇને સોંપાતા તેમને સાક્ષી નહોતા બનાવાયા
  • 28 માર્ચના રોજ પ્રયાગરાજની એમપીએમએલએ કોર્ટે અતીક અહમદને વર્ષ 2006માં ઉમેશ પાલનું અપહરણ કરવાના ગુના બાબતે દોષિત ઠેરવ્યા અને તેમને ઉંમરકેદની સજા કરી હતી