You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘ઍન્કાઉન્ટર થશે, રસ્તા પર પડેલો મળીશ’, અતીકે 19 વર્ષ પહેલાં જ્યારે પોતાના મૃત્યુની આગાહી કરી
શનિવારે રાત્રે લગભગ સાડા દસ વાગ્યે ત્રણ હુમલાખોરોએ ‘મીડિયાકર્મીના સ્વાંગ’માં આવીને ઉત્તર પ્રદેશના માફિયા ડૉનમાંથી રાજકારણી બનેલા ભૂતપૂર્વ સાંસદ અને બાહુબલી નેતા અતીક અહમદ અને તેમના ભાઈ અશરફ અહમદની ગોળીઓ ધરબી હત્યા કરી હતી.
આ ઘટના બની ત્યારે બંને ભાઈઓને ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં મેડિકલ ચેકઅપ માટે પ્રયાગરાજની કાલ્વિન હૉસ્પિટલે લઈ જવાઈ રહ્યા હતા, પોલીસન જીપમાંથી ઊતરીને બંને ભાઈઓ મીડિયાના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા ત્યાં તો બંને પર ત્રણ હુમલાખોરોએ ઘણા રાઉન્ડ ફાયર કરી દીધા.
જે બાદ તમામ હુમલાખોરોને પણ પકડી લેવાયા.
પોતાનું મૃત્યુ ઍન્કાઉન્ટરથી અથવા હત્યાથી થશે એવી આશંકા અતીક અહમદે વર્ષો પહેલાં એક ઇન્ટરવ્યૂમાં પણ કહી હતી. એટલું જ નહીં જ્યારે તેને બીજી વખત અમદાવાદની સાબરમતી જેલથી પ્રયાગરાજ લઈ જવામાં આવ્યો ત્યારે પણ તેણે તેને મારી નાખવાની યોજના હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
હુમલાખોરોએ પોલીસને કરેલ કથિત કબૂલાતમાં ‘અતીક નિર્દોષની હત્યા કરતો તેથી તેની હત્યા કરી’ હોવાનું જણાવ્યું.
આમ તો ગુરુવારે જ્યારે અતીક અહમદના ત્રીજા ક્રમના પુત્ર અસદ અહમદ અને તેમના સાથીદાર ગુલામ મોહમ્મદને ઝાંસી ખાતે એક ઍન્કાઉન્ટરમાં જ્યારે યુપી પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા ઍન્કાઉન્ટર કરાયું એ સમયથી જ એવી શંકા વ્યક્ત કરાઈ રહી હતી કે કદાચ ‘હવે નેક્સ્ટ નંબર અતીકનો હશે.’
પરંતુ આ શનિવારે જ્યાં સુધી આ ઘટના બની નહીં એ સમય સુધી કદાચ કોઈ આ વાતનું ચોક્કસ અનુમાન લગાવી શક્યું નહોતું.
પરંતુ માફિયા ડૉને જ વર્ષો પહેલાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબાર સાથેની વાતચીતમાં પોતાનું ‘ઍન્કાઉન્ટર થશે’ થવાની ભવિષ્યવાણી કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આ મુલાકાતમાં એવું પણ કહ્યું હતું કે, ‘હું સડકકિનારે પડેલો મળીશ.’
વર્ષ 2004માં ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના સંવાદદાતા સાથેની વાતચીતમાં તેમણે આ શક્યતા વ્યક્ત કરી હતી.
શું કહ્યું હતું વાતચીતમાં?
વર્ષ 2004માં ફૂલપુર લોકસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે પોતાના ચૂંટણી કૅમ્પેન દરમિયાન તેમણે અખબારને આ વાત કરી હતી.
આ વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, “ઍન્કાઉન્ટર થશે. કાં તો પોલીસ મારી દેશે કાં તો અમારી જ બિરાદરીનો કોઈ માથાફરેલો. સડકકિનારે પડેલો મળીશ.”
નોંધનીય છે કે વર્ષ 2004માં તેઓ ફૂલપુર લોકસભા બેઠક પરથી જીતીને સંસદ પહોંચ્યા પણ હતા.
માફિયાની પોતાની છબિ છતાં અતીક સ્થાનિક પત્રકારો સાથે ખૂલીને વાત કરવા માટે જાણીતા હતા.
આ મુલાકાતમાં તેમણે પોતાની ફિલસૂફીભરેલી વાતો આગળ વધારતાં કહ્યું હતું કે, “એક ગુનેગાર તરીકે અમને ખબર છે કે અમારો અંત કેવો થશે. દરરોજ આનાથી બચવા કે તેને ટાળવાનો સંઘર્ષ ચાલુ રહે છે.”
જ્યારે તેમને એ વાત યાદ અપાવાઈ કે તેઓ જે બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યો હતો એક સમયે આ બેઠકનું પ્રતિનિધિત્વ ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ કરી ચૂક્યા છે, ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, “પંડિતજીની જેમ હું નૈની જેલમાં પણ રહ્યો છું. તેમણે ત્યાં પુસ્તક લખ્યું હતું, મારે મારા ભૂતકાળના કારણે ત્યાં જવું પડ્યું હતું.”
નોંધનીય છે કે 11 એપ્રિલ 2023ના રોજ અતીક અહમદને જ્યારે ફરી એક વાર અમદાવાદની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લઈ જવાઈ રહ્યા હતા ત્યારે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં આશંકા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘કંઈક બરાબર નથી. તેઓ મને મારવા માગે છે.’
એ સમયે એમ પણ જણાવ્યું હતું કે જો કોર્ટ કેસની સુનાવણી કરવાની હોય તો અન્ય કેસોની જેમ વીડિયો કોન્ફરન્સિંગથી પણ સુનાવણી થઈ શકે છે.
અતીકે પોલીસ દ્વારા પોતાના ઍન્કાઉન્ટરની આશંકા વ્યક્ત કરી હતી.
તેમણે આ વાતચીતમાં પોલીસના કાફલાનો પીછો કરવા બદલ મીડિયાનો આભાર માનતા એવું પણ કહ્યું હતું કે, “હું તમારા કારણે જ જીવતો છું.”
ઉપરાંત ગુરુવારે અતીકના દીકરા અસદ અને તેમના સાથીદારના ઍન્કાઉન્ટર બાદ પણ મૃતક ઍડ્વોકેટ ઉમેશ પાલનાં વિધવા અને માતાએ સંતોષ વ્યક્ત કરતાં ‘આગળ પણ ન્યાય થશે’ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અતીક અહમદ કોણ હતા?
અતીક અહમદ પર વર્ષ 2004માં બસપાના ભૂતપૂર્વ ધારાસભ્ય રાજુ પાલની હત્યાનો આરોપ હતો.
ઉપરાંત વર્ષ 2006માં ઍડ્વોકેટ ઉમેશ પાલના અપહરણ મામલે તેને ઉંમરકેદની સજા પણ સંભળાવાઈ હતી.
અતીક અહમદને પ્રયાગરાજ લવાયા એ અગાઉ તેઓ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ હતા. અતીક પર પ્રયાગરાજની સૅમ હિગ્ગિનબૉટમ યુનિવર્સિટી ઑફ ઍગ્રિકલ્ચર, ટેકનૉલૉજી ઍન્ડ સાયન્સિઝના કર્મચારીઓ પર હુમલો કરાવવાનો આરોપ હતો.
અતીકના રાજકીય સફરની શરૂઆત 1989માં ત્યારે શરૂ થઈ જ્યારે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે પ્રયાગરાજ પશ્ચિમથી ધારાસભ્ય બન્યા હતા. આગામી બે વિધાનસભા ચૂંટણીઓમાં તે પોતાની બેઠક બરકરાર રાખ્યા બાદ અતીક સમાજવાદી પાર્ટીમાં સામેલ થઈ ગયા. જે બાદ વર્ષ 1996માં સતત ચોથી વખત જીત હાંસલ કરી. ત્રણ વર્ષ બાદ, તેઓ અપના દલમાં સામેલ થઈ ગયા અને વર્ષ 2002માં ફરી એક વાર બેઠક પર જીત મેળવી.
વર્ષ 2004માં સમાજવાદી પાર્ટીમાં પાછા ફર્યા બાદ ફૂલપુરથી તેઓ સાંસદ બન્યા.
અતીક અહમદન પ્રથમ મોટો ફટકો ત્યારે પડ્યો જ્યારે તેમના ભાઈ અને તેમના ઉપર વર્ષ 2005માં રાજુ પાલની હત્યા મામલે એફઆઇઆર દાખલ કરાઈ.
વર્ષ 2007માં ઉત્તર પ્રદેશની સત્તા બદલાઈ અને માયાવતી મુખ્ય મંત્રી બન્યાં. સત્તા જતાં જ સમાજવાદી પાર્ટીએ અતીકને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. માયાવતીની સરકારે અતીકને મોસ્ટ વૉન્ટેડ જાહેર કરી દીધા.
અતીક અહમદે વર્ષ 2008માં આત્મસમર્પણ કર્યું અને વર્ષ 2012માં છૂટી ગયા. એ બાદ તેમણે ફરી એક વાર સમાજવાદી પાર્ટીની ટિકિટ મેળવીને લોકસભાની ચૂંટણી લડી પરંતુ તેઓ હારી ગયા.
અતીક અહમદના વર્ષ 2019ની લોકસભા ચૂંટણીના સોગંદનામા અનુસાર તેમના વિરુદ્ધ 100 કરતાં વધુ ગુનાહિત મામલા હતા, જેમાં હત્યા, હત્યાની કોશિશ, અપહરણ, ખંડણી વસૂલવા જેવા આરોપો લાગેલા હતા.
અતીક અહમદનો ગુનાહિત રેકૉર્ડ
- મીડિયા રિપોર્ટો અનુસાર, વર્ષ 1979માં પ્રથમ વખત હત્યાનો કેસ દાખલ કરાયો. એ સમયે અતીક સગીર હતામ
- 1992માં અલાહાબાદ પોલીસે જણાવ્યું કે અતીક વિરુદ્ધ બિહારમાં પણ હત્યા, અપહરણ, બળજબરી વસૂલાત વગેરેના લગભગ ચાર ડઝન જેટલા કેસ દાખલ છે
- પ્રયાગરાજના પ્રૉસિક્યૂટર પ્રમાણે, અતીક અહમદ વિરુદ્ધ 1996થી અત્યાર સુધી 50 જેટલા કેસ વિચારાધીન છે
- ફરિયાદ પક્ષનું કહેવું છે કે 12 કેસોમાં અતીક અને તેમના ભાઈ અશરફના વકીલોએ અરજીઓ દાખલ કરી છે જેના કારણે ચાર્જ ફ્રેમ નહોતા થઈ શક્યા
- અતીક અહમદ બસપા ધારાસભ્ય રાજુ પાલની હત્યામાં મુખ્ય આરોપી હતા, મામલાની તપાસ હવે સીબીઆઇ પાસે છે
- અતીક અહમદ 24 ફેબ્રુઆરીના રોજ થયેલી ઉમેશ પાલની હત્યા મામલામાં પણ મુખ્ય આરોપી છે
- ઉમેશ પાલ, રાજુ પાલ હત્યાકાંડના શરૂઆતના સાક્ષી હતા, પરંતુ બાદમાં મામલાની તપાસ સીબીઆઇને સોંપાતા તેમને સાક્ષી નહોતા બનાવાયા
- 28 માર્ચના રોજ પ્રયાગરાજની એમપીએમએલએ કોર્ટે અતીક અહમદને વર્ષ 2006માં ઉમેશ પાલનું અપહરણ કરવાના ગુના બાબતે દોષિત ઠેરવ્યા અને તેમને ઉંમરકેદની સજા કરી હતી