અતીક અહમદના પુત્રનું કઈ રીતે કરાયું 'ઍન્કાઉન્ટર', અત્યાર સુધી શું-શું થયું?

    • લેેખક, અનંત ઝણાણે
    • પદ, બીબીસી સંવાદદાતા

ઉમેશ પાલ હત્યાકાંડના મુખ્ય આરોપી અને બાહુબલી નેતા અતીક અહમદને ગુરુવારે અદાલતમાં રજૂ કરાયા.

પ્રયાગરાજ પોલીસ અતીક અહમદથી તેમની ભૂમિકા મામલે પૂછપરછ કરવા માટે તેમને અમદાવાદની સાબરમતી જેલથી પ્રયાગરાજ લઈને આવી છે.

અતીક અહમદને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તેમની પૂછપરછ માટે રિમાંડની અરજી પર અદાલત સુનાવણી કરી રહી છે.

બીજી તરફ પોલીસે કહ્યું છે કે ઉમેશ પાલ હત્યાકાંડમાં જેમનું નામ આરોપી તરીકે હતું તેવા અતીક અહમદના પુત્ર અસદ અહમદનું ઝાંસીમાં એક ઍન્કાઉન્ટરમાં મૃત્યુ થયું છે.

આ મામલામાં એક અન્ય આરોપી ગુલામ મોહમ્મદનું પણ ઍન્કાઉન્ટરમાં મોત થયા હોવાના સમાચાર છે.

ઉમેશ પાલ હત્યાકાંડમાં પોલીસ આ બંને આરોપીઓને શોધી રહી હતી. આ બંને પર પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું. પોલીસ અનુસાર, આ ‘ઍન્કાઉન્ટર’ બે ડૅપ્યુટી એસપી નવેન્દુ અને વિમલના નેતૃત્વમાં થયું.

પોલીસના જણાવ્યા પ્રમાણે અસદની ઉંમર લગભગ 20 વર્ષ હતી. તેમનો દાવો છે કે આ બંને પાસે વિદેશોમાં બનેલાં હથિયારો મળી આવ્યાં છે.

આ સમગ્ર મામલે પોલીસનો દાવો છે કે આ બંને ઉમેશ પાલની હત્યામાં શૂટર્સ હતા. તેમના જણાવ્યા પ્રમાણે, સીસીટીવીમાં આ બંને ગોળીબાર કરતા દેખાતા હતા.

અસદ અહમદ કોણ છે, જે થયા ઍન્કાઉન્ટરમાં ઠાર

અસદને 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં થયેલા ઉમેશ પાલ હત્યાકાંડ બાદ પોલીસ શોધી રહી હતી. અસદ અને ગુલામ પર પોલીસે પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું.

અસદ અહમદ બાહુબલી અતીક અહમદના પુત્ર હતા. અતીક અહમદના બે સગીર પુત્રોને પોલીસે પહેલાં જ ચાઇલ્ડ પ્રોટેક્શન કમિટીના આદેશ અનુસાર બાળ સંરક્ષણ ગૃહ રાજરૂપપુરમાં રાખ્યા છે.

અસદ અહમદ 24 ફેબ્રુઆરી 2023ના રોજ પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યાના દિવસે સીસીટીવીમાં ખુલ્લા ચહેરે હાથમાં હથિયાર લઈને ફરતા દેખાયા હતા.

અસદ અહમદ પર 24 ફેબ્રુઆરીથી પહેલાં કોઈ પણ અપરાધિક કેસ નહોતો. પરંતુ 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજની સડક પર ઉમેશ પાલની ધોળેદિવસે થયેલી હત્યા બાદ અસદ ફરાર હતા.

અસદ અતીક અહમદના ત્રીજા પુત્ર હતા. તેમનાથી મોટા બે ભાઈઓ છે. એક અલી અને બીજા ઉમર.

બંને હાલ જેલમાં છે. અલી નૈની જેલમાં છે અને ઉમર લખનૌ જેલમાં. આમ તેઓ કુલ મળીને પાંચ ભાઈઓ છે.

પોલીસે કઈ રીતે કર્યું ઍન્કાઉન્ટર?

યુપી પોલીસના સ્પેશિયલ ડીજી, લૉ ઍન્ડ ઑર્ડર, પ્રશાંત કુમારે પત્રકારપરિષદમાં તેમની ટીમે 'ઍન્કાઉન્ટર ' કર્યું એ અંગે જણાવ્યું છે.

પોલીસનો દાવો છે કે બપોરે મળેલી સૂચના બાદ તેમણે પગલાં લીધાં હતાં.

પ્રશાંત કુમારે કહ્યું, "આજે લગભગ સાડા બારથી એકની વચ્ચે સૂચનાના આધારે કેટલાક લોકોને ઇન્ટરસેપ્ટ કર્યા હતા. એ દરમિયાન બન્ને તરફથી ગોળીઓ ચાલી. ઑપરેશનમાં બન્ને તરફથી ગોળીઓ ચાલી અને અમારી એસટીએફની ટીમ હતી."

"આ અથડામણમાં 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા કરનારા બે લોકો ઘાયલ થયા અને બાદમાં એમનાં મૃત્યુ થઈ ગયાં. મૃતકોની ઓળખ અસદ અહમદ અને ગુલામના રૂપે થઈ છે."

તેમણે ઉમેર્યું, "આ યુપી પોલીસ અને એસટીએફ માટે જરૂરી કેસ હતો કેમ કે એક કેસમાં પોલીસે જેને સુરક્ષા પ્રદાન કરી હતી એવા સાક્ષીની હત્યા કરી દેવાઈ હતી."

પોલીસનું કહેવું છે કે તેમણે એક આરોપી અરબાઝને પ્રયાગરાજમાં એક ઍન્કાઉન્ટર દરમિયાન પકડ્યા હતા. પરંતુ ગોળીના ઘાવને કારણે અરબાઝનું મોત થયું. આરોપ છે કે અરબાઝ હુમલા દરમિયાન ઉપયોગમાં આવેલી ગાડીના ડ્રાઇવર હતા.

ઉત્તર પ્રદેશના એડીજી લૉ ઍન્ડ ઑર્ડર પ્રશાંત કુમારે કહ્યું, “આ ઘટનામાં સામેલ અરબાઝ પહેલાં ઘાયલ થયા હતા અને તેમની પાસેથી 32 બૉરની પિસ્તોલ મળી આવી હતી. તેમના પર આરોપ છે કે ઘટનાના દિવસે જે ક્રેટા ગાડીનો ઉપયોગ થયો તેમના તેઓ ડ્રાઇવર હતા. આ દિવસે તેમના દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવી હતી.”

આ સિવાય પોલીસે વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માન નામના એક આરોપીને પણ ઍન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. આરોપ હતો કે તેમણે હુમલામાં ઉમેશ પાલ પર સૌથી પહેલી ગોળી ચલાવી હતી.

અતીક, તેમનાં પત્ની, પુત્ર અને ભાઈ બન્યા આરોપી

હત્યા, હત્યાનું કાવતરું અને અન્ય ગંભીર ગુનાઓની કલમો અંતર્ગત પોલીસે અતીક અહમદ, તેમનાં પત્ની શાઇસ્તા પરવીન, તેમના ભાઈ અને પૂર્વ ધારાસભ્ય અશરફ, અતીક અહમદના પુત્ર અને અન્ય પુત્ર સિવાય અન્યોને પણ આરોપીઓ બનાવ્યા.

શરૂઆતની પોલીસ ફરિયાદમાં નવ આરોપીઓ જ સામેલ હતા.

પણ પોલીસ તપાસ બાદ ઉમેશ પાલની હત્યામાં કુલ 18 આરોપીઓની ભૂમિકા બહાર આવી. જેમાં અસદ, સદાક્ત, અરમાન, વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માન(ઍન્કાઉન્ટરમાં ઠાર મરાયા), અરબાઝ( ઍન્કાઉન્ટરમાં ઠાર મરાયા), સાબિર, કૈસ અહમદ( ડ્રાઇવર જે હાલ જેલમાં છે), રાકેશ( હથિયારો મળી આવ્યા), અરશદ કટરા, નિયાઝ( જેમણે રૅકી કરી હતી), ઇકબાલ અહેમદ(રૅકી કરવાનો આરોપ), શાહરુખ( અતીકના નોકર જેઓ હાલ જેલમાં છે), ડૉક્ટર અખલાક અને તેમનાં પત્ની( અતીકનાં બહેન અને બનેવી) પણ સામેલ છે.

કેટલા લોકોની થઈ છે ધરપકડ?

આ મામલે આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ છ આરોપીઓ ફરાર છે. અતીક અહમદ પહેલાં સાબરમતી જેલમાં કેદ હતા જેમને પોલીસ પ્રયાગરાજ લઈ આવી છે. તેમના ભાઈ અશરફ બરેલી જેલમાં છે.

પરંતુ પ્રયાગરાજ પોલીસ હવે અતીક અહમદનાં પત્ની શાઇસ્તા પરવીનને શોધી રહી છે.

શાઇસ્તા પરવીન પર પહેલાં 25 હજારનું ઇનામ ઘોષિત હતું જેની રકમ બે ગણી કરીને 50 હજાર કરી દેવામાં આવી.

અદાલતે શાઇસ્તા પરવીનની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી છે અને તેઓ હાલ ફરાર છે.

ઇન્ડિયન ઍક્સપ્રેસમાં છપાયેલી ખબર અનુસાર, "માર્ચમાં ઉત્તર પ્રદેશ સરકારે પાંચ આરોપીઓ પર ઇનામ અઢી લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા પ્રતિ અભિયુક્ત કરી નાખ્યું."

જેમાં અતીકના પુત્ર મોહમ્મદ અસદ સાથે ચાર આરોપીઓ અરમાન, ગુમાલ, ‘બમબાજ’ ગુડ્ડુ પણ સામેલ છે.

આ બધા વચ્ચે ગુરુવારે અતીક અહમદના પુત્ર અસદને ઝાંસીમાં એક પોલીસ ઍન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. આ મામલામાં એક અન્ય આરોપી ગુમાલ મોહમ્મદનું પણ ઍન્કાઉન્ટરમાં મોત થયું છે.

આ મામલાની રિપોર્ટમાં પોલીસે લખ્યું છે કે આરોપી અરમાન સામે પહેલાં જ સાત કેસો છે. આરોપી ગુલામ સામે આઠ કેસો અને બાકી બે આરોપીઓ સામે એક-એક કેસો છે.

પોલીસના જણાવ્યા અનુસાર ,"એક આરોપી વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માન ઍન્કાઉન્ટરમાં ઠાર મરાયા."

"અન્ય એક આરોપી સદાકત ખાનને પકડી લેવામાં આવ્યા. આરોપ છે કે સદાકત મુસ્લિમ હૉસ્ટેલમાં ગેરકાયદે રહેતા હતા અને હૉસ્ટેલના રૂમમાં જ ઉમેશ પાલની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું."

ક્યાં છે અતીકના બે સગીર પુત્રો?

ઉમેશ પાલની હત્યા બાદ ફરાર અતીકનાં પત્ની શાઇસ્તા પરવીને આરોપ લગાવ્યો છે કે પોલીસ તેમના બે સગીર પુત્રોને ગેરકાયદે ઘરથી ઉઠાવીને કોઈક જગ્યાએ લઈ ગઈ છે.

તેમણે બંને પુત્રોના નામજોગ બંદી પ્રત્યક્ષીકરણ અરજી દાખલ કરી જેમાં તેમણે પોલીસે બંને પુત્રોને અદાલત સામે રજૂ કરવાની માગ કરી.

શાઇસ્તા પરવીનનો આરોપ છે કે 24 ફેબ્રુઆરીની સાંજે પોલીસે તેમના ધરમાં પ્રવેશીને બંને પુત્રોને કોઈ અઘોષિત સ્થાને લઈ ગઈ. જ્યારે તેઓ તેમના ઘરે પ્રવેશ્યા ત્યારે તેમની સાથે કોઈ મહિલા પોલીસ પણ નહોતી. શાઇસ્તાનો આરોપ એ પણ છે કે પોલીસે તેમના બંને પુત્રોને શારીરિક અને માનસિક રૂપે પ્રતાડિત કરે છે.

અતીકનો મોટો પુત્ર ધોરણ 12માં ભણે છે અને બીજો પુત્ર ધોરણ નવમાં ભણે છે. જેના જવાબમાં ધૂમનગંજ પોલીસ સ્ટેશનના એસઆઈ રાજેશકુમાર મૌર્યએ કોર્ટને આપેલા જવાબમાં કહ્યું કે, “બંનેને ચકિયા કસારી મસારી ક્ષેત્રમાં મળ્યાની સૂચના પર જિલ્લાની ચાઇલ્ડ વેલફેયર સમિતિ(સીડબલ્યુસી) સામે રજૂ કર્યા બાદ બાલ સંરક્ષણ કેન્દ્ર, રાજરૂપપુરમાં બે માર્ચના રોજ દાખલ કરવામાં આવ્યા છે.”

પોલીસે શઆઇસ્તા પરવીનના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને હાઇકોર્ટે અતીકના પુત્રોની બંદી પ્રત્યક્ષીકરણની અરજીને ફગાવી દીધી.

પોલીસે બંને સગીર પુત્રોની સંડોવણીની તપાસ શરૂ કરી હતી. હાલ તેમને કોઈ કેસમાં આરોપી બનાવ્યા નથી.

રાજનીતિ અને નિર્ણયો

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ ઘટનાની તપાસ મામલે આક્રમક નજરે પડે છે. તેમણે સપા પ્રમુખ અખિલેશ યાદવ પર વિધાનસભામાં નિશાન તાકતા કહ્યું કે, “જે અતીક અહમદ સામે પીડિત પરિવારે કેસ દાખલ કર્યો છે તે સમાજવાદી પાર્ટી દ્વારા પોષિત માફિયા છે. તેમની કમર તોડવાનું કામ તેમની સરકારે કર્યું છે. હું આ ગૃહમાં કહું છું, આ માફિયાઓને માટીમાં મિલાવી દઈશું. જેટલા માફિયાઓ છે તેટલાને માટીમાં મિલાવી દેવાનું કામ કરીશું.”

હાલમાં બસપા પ્રમુખ માયાવતીએ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને આ બાબતનું એલાન કર્યું કે તેઓ અતીક અહમદ અને તેમના પરિવારના કોઈ પણ સદસ્યને પ્રદેશમાં મે મહિનામાં થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ ટિકિટ નહીં આપે.

પાર્ટીએ અતીક અહમદનાં પત્ની શાઇસ્તા પરવીનને મેયર ઉમેદવાર ઘોષિત કર્યાં હતાં.

માયાવતીએ બદલાયેલી પરિસ્થિતિ અનુસાર કહ્યું કે શાઇસ્તાની ધરપકડ બાદ બદલાયેલી સ્થિતિને જોઈને તથ્યોના આધારે આગામી નિર્ણય લેવામાં આવશે.

પ્રયાગરાજની મુસ્લિમ હૉસ્ટેલ પણ થઈ સીલ

ઉમેશ પાલની હત્યા બાદ પોલીસે અલાહાબાદ યુનિવર્સિટીના મુસ્લિમ છાત્રાલયમાં રહેનારા એક આરોપી સદાકત ખાનની ધરપકડ કરી. તેના એક સપ્તાહ બાદ સોમવારે એટલે કે છ માર્ચે હૉસ્ટેલને ખાલી કરાવીને તેને સીલ કરી દેવામાં આવી.

હૉસ્ટેલના અધીક્ષક ડૉ. ઇરફાન અહમદખાને વિદ્યાર્થીઓને નોટિસ આપીને આ મામલાની જાણકારી આપી.

આરોપ હતો કે આ હૉસ્ટેલમાં રૂમ નંબર 36માં ઉમેશ પાલની હત્યાનું કાવતરું રચનાર સદાકત ખાન ગેરકાયદેસર રીતે રહેતા હતા. તેમણે આ જ રૂમમાં ઉમેશ પાલની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. હૉસ્ટેલ હાલ સીલ પડી છે.

ઉમેશ પાલના કિડનેપિંગ મામલે અતીકને જનમટીપ

28 માર્ચે પ્રયાગરાજની એમપીએમએલએ અદાલતે અતીક અહમદ, સૌલત હનીફ ખાન અને દિનેશ પાસીને ઉમેશ પાલના અપહરણ મામલામાં દોષિત ઠેરવ્યા અને તમામને જનમટીપની સજા કરવામાં આવી.

આ મામલામાં અતીકના ભાઈ અશરફ અને અન્ય છ લોકોને અદાલતે નિર્દોષ છોડી મુક્યા.

ઉમેશ પાલે 2007માં આરોપ લગાવ્યો હતો કે 28 ફેબ્રુઆરી 2006ના રોજ અતીક અહમદે તેમનું અપહરણ કરાવ્યું. તેમની સાથે મારપીટ કરી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી. કારણ કે તેઓ રાજૂ પાલ હત્યાકાંડમાં સાક્ષી હતા.

ઉમેશ પાલની ફરિયાદના એક વર્ષ બાદ પોલીસે પાંચ જુલાઈ 2007ના રોજ અતીક, તેમના ભાઈ અશરફને ચાર અજ્ઞાત વ્યક્તિઓ સામે કેસ દાખલ કર્યો.

જ્યારે કે અદાલતે અતીક અહમદને ઉમેશ પાલ અપહરણ મામલામાં દોષિત ઠેરવ્યા હતા.

ધારાસભ્ય રાજૂ પાલ હત્યાકાંડ

ઉત્તર પ્રદેશમાં 2003માં મુલાયમ સિંહ યાદવની સરકાર બની હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર અતીક અહમદ સમાજવાદી પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા. 2004માં લોકસભા ચૂંટણીમાં તેઓ સપાના સાંસદ બની ગયા. તેમના કારણે અલાહાબાદ પશ્ચિમ વિધાનસભાની તેમની બેઠક ખાલી પડી.

2004માં અતીકે પોતાના ભાઈ અશરફને ત્યાંથી મેદાનમાં ઉતાર્યા. પરંતુ તેઓ ચાર હજાર મતથી બસપાના ઉમેદવાર રાજૂ પાલ સામે હારી ગયા.

રાજૂ પાલ પર ત્યારબાદ ઘણા હુમલાઓ થયા. રાજૂ પાલે તે માટે તત્કાલીન સાંસદ અતીકને જવાબદાર ગણીને તેમના માટે જાનથી ખતરો હોવાનો આરોપ લગાવ્યો હતો.

25 જાન્યુઆરી 2005ના રોજ રાજૂ પાલના કાફલા પર ફરી એકવાર હુમલો થયો જેમાં ગોળીબાર પણ થયો. હુમલામાં ઘાયલ રાજૂ પાલને હૉસ્પિટલ લઈ જવાયા.

આ હત્યાકાંડમાં અતીક અહમદ અને અશરફનું નામ સામે આંગળી ચીંધવામાં આવી. હાલ આ મામલાની તપાસ સીબીઆઈ કરી રહી છે.

ઉમેશ પાલ કેસ, તપાસ અને કાર્યવાહી

ઉમેશ પાલ હત્યાકાંડના આરોપમાં પોલીસ અતીક અહમદની પહેલીવાર પૂછપરછ માટે પ્રયાગરાજ લાવી છે.

ગુરુવારે પોલીસે અદાલતમાં આ સાબિત કરવાનું છે કે તેની તપાસમાં જે તથ્યો બહાર આવ્યા છે તે અતીકની આ હત્યાકાંડમાં સંડોવણી હોવાની સાબીતી આપે છે. અને તે સાબિત કરવા માટે પોલીસને અતીકની કસ્ટડી જોઈએ.

હત્યા અને હત્યાના કાવતરાનો આ કેસ એમપીએમએલએ કોર્ટમાં ચાલશે. જે આરોપપત્ર દાખલ કર્યા બાદ અને આરોપ નક્કી થયા બાદ જ શરૂ થશે.

પરંતુ આ મામલા સાથે જોડાયેલા જામીન લેવા મામલાના કેસો સીજેએમ અદાલતમાં ચાલશે.

હાલ પોલીસ સામે પડકાર એ છે કે ફરાર અભિયુક્તોની ધરપકડ કરીને આ કેસને કેવી રીતે આગળ લઈ જવો.